સાફલ્યટાણું/૧૧. ફરીથી મુંબઈ
ચીખલીમાં અમે જે કામગીરી બજાવતા હતા એનો કડીબદ્ધ અહેવાલ છ દાયકા બાદ આજે ભાગ્યે જ આપી શકાય; પરંતુ એ દિવસોમાં જે અનુભવો થયા, કલ્યાણજીભાઈ દયાળજીભાઈ જેવા નેતાઓનો વિશેષ પરિચય થયો, એમની સાથે અનેક સભાઓમાં જવાની અને સંબોધવાની જે તક મળી તેણે મારા સર્વાંગી વિકાસમાં વિવિધ રીતે ફાળો આપી મારા આત્મવિશ્વાસને ઘણો કેળવ્યો. એ વખતે સભાઓમાં રાષ્ટ્રગીતો ગવાતાં હતાં. મને પણ એમાં ભળવાની અને કેટલીક વખતે વ્યક્તિગત રીતે ગાવાની તક મળતી. એ વખતે તાજેતરમાં જ બહાર પડેલી ઈન્દુલાલ યાજ્ઞિક સંપાદિત રાષ્ટ્રગીતની ચોપડીએ અમારા ચિત્ત પર અજબ ભૂરકી નાખી હતી. એમાં ગુજરાતી, હિંદી, બંગાળી, પંજાબી આદિ ભાષાઓમાંથી ચૂંટેલાં ગીતો આપવામાં આવેલાં હતાં. એ ગીતો મારે માટે ઘણાં પ્રેરક બન્યાં.
મારા મનમાં જે ઊર્મિઓ ઊછળતી હતી એને અભિવ્યક્તિ આપતાં એ વખતે મેં ઢગલાબંધ કાવ્યો લખ્યાં. એ કાવ્યો પાછળ મહદ્અંશે ખબરદારના ‘ભારતનો ટંકાર'ની અસર હતી. એ કાવ્યોના લય પણ મોટે ભાગે તેને અનુસરતા હતા. કલ્યાણજીભાઈ ને દયાળજીભાઈને મારાં એ ગીતો ગમ્યાં અને એ નિમિત્તે પણ તેઓ મને સુરત જિલ્લામાં જુદે જુદે સ્થળે લઈ જવા લાગ્યા; અને ‘આ ગીત એમનું લખેલું છે' એવી પ્રસ્તાવના સાથે મારી પાસે ગવડાવતા થયા. કલ્યાણજીભાઈ પોતે પણ કવિ હતા અને તેમણે અનેક ગીતો આપ્યાં હતાં. ઉદાહરણ તરીકે:
દીવાલો દુર્ગની ફાટે
તમારી આત્મશ્રદ્ધા તો!
તૂટે જંજીર લોખંડી
તમારી આત્મશ્રદ્ધા તો!
આ પંક્તિઓ બહુજન સમાજની જીભ પર રમતી થઈ ગઈ હતી! અને કલ્યાણજીભાઈને મારાં ગીતો ગમ્યાં; એટલું જ નહીં પણ જાહેરસભામ જ ગવડાવવા જેવાં લાગ્યાં. એનાથી કવિતા લખવા માટે એ ઉંમરે હોય એવું જે આકર્ષણ મને હતું તે વધી ગયું. જો કે રોજની એક એક કવિતા લખવી હોય તેવા ઉત્સાહથી હું કવિતા લખવા મંડ્યો. એ વખતે જે જાણીતાં સામાયિકો હતાં તે પૈકી મુંબઈથી નીકળતું ‘સમાલોચક' જેના ગોવર્ધનરામ ત્રિપાઠીના પુત્ર રમણીય ૨ામ તંત્રી હતા, તેમાં મેં એ કાવ્યો મોકલવા માંડ્યાં. તંત્રીનો બહુ પ્રેરક પ્રતિભાવ મને મળ્યો અને એના દરેક અંકમાં મારી કવિતા આવી શકે એ હેતુથી મેં એકસાથે ઘણી કવિતાઓ મોકલી. આ કવિતાઓમાંથી કેટલીક ‘અર્ધ્ય’માં પ્રગટ થઈ છે. મોટા ભાગે એ વખતના સામાયિકોના – ખાસ કરીને સમાલોચકના કોઈ કોઈ અંકમાં અને બીજી મારી જૂની હસ્તપ્રતો જેના કાગળ પણ હવે ઘણા ઝાંખા થઈ ગયા હશે તેમાં પડેલી છે. આજે એ તરફ નજર કરતાં હું મિશ્ર લાગણી અનુભવું છું. તે વખતનું વાતાવરણ, ઊર્મિઉછાળ એ બધું વયને હઠાવી તાજું થઈ જાય છે અને મને વીસીના દિવસોમાં મૂકી દે છે; પણ એ સાથે મને એમ પણ લાગે છે કે આમાં કાવ્યતત્ત્વ કેટલું? આનો મારી પાસે કોઈ સ્પષ્ટ ઉત્તર નથી. કાવ્યનો આત્મા જો ધ્વનિ લેખાતો હોય તો આ કવિતાઓમાં ભાગ્યે જ એવું કંઈ બતાવી શકાય. એ બધી તો જાણે મોટા ઉદ્ગાર જેવી હતી; પણ દરેક ઉદ્ગારને જેમ એના આગવા આરોહ-અવરોહ હોય, એના લય હોય અને તે આપણને કોઈક રસાનુભૂતિ કરાવે તેવું આમાં હતું; અને તત્કાળ પૂરતું તેનું મોટું મૂલ્ય હતું એમ હું મારા મનને મનાવું છું.
આ ઉપરથી કવિતા અંગે મારી જે કંઈ સમજ છે તેનો એક અછડતો ઉલ્લેખ કરી લઉં. વ્યક્તિના તેમ જ સમષ્ટિના જીવનમાં કાવ્યની પ્રવૃત્તિ નદીના જેવી છે. એ વિકાસ પામતી હોય તો મહાસાગર બની જાય, નહિ તો કોઈ રણમાં લુપ્ત થઈ જાય. એની વિકાસશીલ ગતિ સર્વત્ર એકસરખી નથી હોતી. પાછળ દૃષ્ટિ કરતાં ઘણી સાંકડી કે છીછરી પણ લાગે; પરંતુ એનો પ્રવાહ જો અખંડ રીતે આગળ વધતો જ જાય તો એ વિશાળ બને. આપણી અર્વાચીન કવિતાનું જ ઉદાહરણ લઈએ તો નરસિંહરાવની કવિતા જેણે એ સમયના આપણા સમર્થ વિદ્વાનો રમણભાઈ નીલકંઠ અને આનંદશંકરભાઈને મુગ્ધ કર્યા હતા તેનું આજે તેવું આકર્ષણ કદાચ નહીં હોય, પણ એણે યુગકાર્ય તો કર્યું જ હતું – અને આજે લખાતી કવિતા ઉપર અનિવાર્ય રીતે એનું ઋણ છે. એટલે મારી Nonage ની ગ્રંથસ્થ થયા વિનાની મારી મોટા ભાગની કવિતાએ કવિતાની મારી સમજ વિકસાવવામાં ઠીક ઠીક પ્રદાન કર્યું છે અને એટલે અંશે એનું અસ્તિત્વ મારે માટે સાર્થ છે.
આમ ચીખલી આવ્યા પછી વિવિધ પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત થતો હતો ત્યાં મુંબઈથી પરીક્ષાની તારીખોનો પત્ર આવ્યો. મારી ટર્મ ગ્રાંટ થયેલી હોવાથી, પ્રથમ પરીક્ષા (F.Y. Arts) આપવા પરીક્ષાના થોડાક દિવસ અગાઉ હું મુંબઈ ગયો અને ભાઈ શિવરામ શાસ્ત્રી સાથે રહ્યો. તે કૉલેજથી દૂર નહીં એવી એક નાનકડી ઓરડીમાં રહેતા હતા અને જાતે જ રસોઈ કરતા હતા. એમણે મને પહેલે જ દિવસે કહી દીધું કે ‘તું સખત કામ કરીને આવ્યો છે. તારાથી પરીક્ષાનું કશું વંચાયું નથી એટલે તું હવે પલાંઠી વાળી આખો વખત અભ્યાસમાં મંડી પડ, અને મને મારા રોજના કામમાં આ હું કરું અને પેલું હું કરું એમ કહી જરા જેટલી પણ અડચણ પહોંચાડતો નહીં. મેં તો મારો અભ્યાસ કરી લીધો જ છે.' મેં થોડીક જીદ પણ કરી કે એકબે નાનાંમોટાં કામ કરવાં મને ગમે પણ તેણે મચક આપી નહીં અને મનમાં કંઈક ઓશિયાળી લાગણી સાથે હું મારા અભ્યાસમાં પરોવાયો.
મુંબઈ આવ્યા પછી સાથીઓને અને અધ્યાપકોને મળવા અવારનવાર હું મહાવિદ્યાલયમાં જવા મંડ્યો. ત્યાં ભાઈ ફડિયા, સૂળે, સુલોચનાબહેન, કાંતિલાલ કાપડિયા, ચંદ્રકાંત ગાંધી, કકલભાઈ કોઠારી આદિ મિત્રોને તક મળતાં મારાં ગીતો હું સંભળાવતો. સૌ એ સાંભળતાં ખુશ થતા. એથી મને સવિશેષ પ્રેરણા મળી. ભાઈ સૂળેની માતૃભાષા મરાઠી; પણ જે થોડું ઘણું ગુજરાતી તે સમજતા હતા તે ઉપરથી મારી કવિતા અંગે પ્રસન્નતા વ્યક્ત કરી કેટલાંક સૂચનો પણ તે કરતા. આ બધા સાથીઓમાંથી શ્રી ચંદ્રકાંત ગાંધી જેમનો આ પહેલાં મેં ઉલલેખ કર્યો નથી તેમણે મને કવિતાનું એક નવું ક્ષેત્ર ખોલી આપ્યું. આજે એ અમદાવાદના એક બાહોશ ધારાશાસ્રી છે, અગ્રગણ્ય કાર્યકર્તા છે અને ગુજરાત વિદ્યાસભાના તથા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના વર્ષોથી માનાર્હ મંત્રી છે. એક વખત અમદાવાદના મેયરપદે પણ આવી ગયા છે. મારી કવિતાઓ સાંભળી સંસ્કૃત વૃત્તાંતમાં પણ મેં લખ્યું હશે એવું તેમણે મને પૂછ્યું. મેં મંદાક્રાંતામાં એક લાંબું કાવ્ય લખ્યું હતું તે તેમને બતાવ્યું એટલે એમણે ક્યાંક ક્યાંક એક ગુરુને સ્થાને બે લઘુ મુકાયેલા જોયા અને પિંગળની દૃષ્ટિએ એ બરોબર ન હતું એવું મને જણાવ્યું. લયથી ટેવાયેલા મારા કાનને એક ગુરુ અને બે લઘુ વચ્ચેનો ભેદ સમજાવો મુશ્કેલ હતો. તેમણે મને સંસ્કૃત છંદોની તિજોરી ઉઘાડવાની એક સુંદર ચાવી આપી. કલાપીની પેલી સુપ્રસિદ્ધ પંક્તિ ઃ
વ્હાલી બાબાં, સહન કરવું એય છે એક લ્હાણું-એ પંક્તિને લઘુ ગુરુનાં ચિહ્નોમાં, એના પતિસ્થાન સાથે મૂકી બતાવી-
– – – – u u u u u – / – u – – u – –
ને અક્ષરમેળ છંદોમાં લઘુ-ગુરુનાં સ્થાન નિશ્ચિત હોય છે એ શિખરિણી આદિ બીજા છંદોની પંક્તિઓને પણ લગા-સંજ્ઞામાં મૂકી સ્પષ્ટ કર્યું. આને લઈને ગણના પરિચય વિના સંસ્કૃત છંદોમાં હું લખતો થયો.
ચંદ્રકાંતભાઈએ આમ મને સંસ્કૃત વૃત્તના રાજમાર્ગ ઉપરથી મૂકી દીધો. આથી જ્યારે સંસ્કૃત વૃત્તમાં હું લખતો થયો ત્યારે જે છંદ હું પસંદ કરું તેનું લઘુ, ગુરુ રૂપ બાંધીને જ કાવ્ય આરંભું; અને મને ખ્યાલ છે ત્યાં સુધી અક્ષરમેળ છંદમાં મારી ભાગ્યે જ ભૂલો રહેવા પામી છે. થોડાક વખત ઉપર આ ઋણનિર્દેશન કરતાં ચંદ્રકાંતભાઈને આ પ્રસંગની મેં વાત કરી. તેમને તો એનું વિસ્મરણ થઈ ગયેલું હતું; પરંતુ ઉલ્લેખ થતાં તરત યાદ આવ્યું અને એ ઘણા રાજી થયા. આમ પરીક્ષા આપવા મુંબઈ આવ્યો એ દિવસોમાં પણ મારી જ્ઞાનની ક્ષિતિજો જે સાધનથી વિસ્તરતી રહી છે તે “શ્રુત” નો મને અણધાર્યો લાભ મળ્યો.
જોતજોતામાં પરીક્ષા આવી પહોંચી. વિનીતની પરીક્ષા વખતે જેમ છેલ્લી ઘડીએ માટે તૈયારી કરવી પડી હતી તેવી એ ઘટના હતી. થોડા દિવસમાં ઘણું કરવાનું હતું; પણ ભાઈ શાસ્રીએ સતત ચોકી રાખી મારો સમય નકામી બાબતમાં હું વેડફુંકું નહીં એવી શિસ્ત મારી પર લાદી. પરીક્ષાનો દિવસ આવ્યો અને અમારી ઓરડીમાંથી અમે બહાર નીકળ્યા તેવી જ એક ગાય સામે મળી. શિવરામથી બોલાઈ ગયું: ‘કેવાં સરસ શુકન!' અને પછી ઉમેર્યું:' આનાથી હવે તારો આત્મવિશ્વાસ દૃઢ થવો જ જોઈએ. વિનીતમાં જો તું બીજે નંબરે પાસ થયો હતો તો આ વખતે પહેલો આવશે જ.' મેં હસીને કહ્યું, ‘તો પછી તું કયા નંબરે પાસ થશે?' આમ થોડોક હળવો વિનોદ કરી અમે પરીક્ષા પૂરી કરી અને એ પછી પરિણામની રાહ જોતા અમે છૂટા પડ્યા. હું ચીખલી પાછો આવ્યો. વિદ્યાર્થી તરીકે મુંબઈનો આ છેલ્લો જ ટૂંકો વસવાટ હતો.