અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`વજ્ર' માતરી /કોણ માનશે?

Revision as of 09:44, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
કોણ માનશે?

`વજ્ર' માતરી

દુ :ખ એય સુખ સમાન હતું, કોણ માનશે?
મૃગજળમાં જળનું સ્થાન હતું, કોણ માનશે?

ગમની છે રામબાણ દવા ઘૂંટ મદિરા,
એ સંતનું વિધાન હતું, કોણ માનશે?

જીવન ગણીને જેની અમે માવજત કરી,
મૃત્યુનું એ નિદાન હતું, કોણ માનશે?

જે બારણે હું ઊભો હતો અજનબી સમો,
મારું જ એ મકાન હતું, કોણ માનશે?

ડૂબી ગયો તો સઘળા કિનારા મળી ગયા,
મારામાં એનું ધ્યાન હતું, કોણ માનશે?

બદનામીઓ મળી જે મને પ્રેમ કારણે,
વાસ્તવમાં એ જ માન હતું, કોણ માનશે?

કોનું ગજું કે નાવનું સાગરમાં નામ લે!
તોફાન ખુદ સુકાન હતું, કોણ માનશે?

લૂંટાઈ બેઠા ‘વજ્ર’ અમે ભરબજારમાં,
મન ખૂબ સાવધાન હતું. કોણ માનશે?

(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૧૨૩)