સાફલ્યટાણું/૧૫. સત્યાગ્રહ આશ્રમમાં

From Ekatra Wiki
Revision as of 13:33, 6 April 2025 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૧૫. સત્યાગ્રહ આશ્રમમાં | }} {{Poem2Open}} ગુજરાત મહાવિદ્યાલયમાં વહેતી ભાવનાની ગંગોત્રીનું મૂળ વિદ્યાલયથી થોડે દૂર આવેલા સત્યાગ્રહ આશ્રમમાં હતું. ત્યાં હતા ગાંધીજી. આ વખતે તો તે જે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૫. સત્યાગ્રહ આશ્રમમાં

ગુજરાત મહાવિદ્યાલયમાં વહેતી ભાવનાની ગંગોત્રીનું મૂળ વિદ્યાલયથી થોડે દૂર આવેલા સત્યાગ્રહ આશ્રમમાં હતું. ત્યાં હતા ગાંધીજી. આ વખતે તો તે જેલમાં હતા; પરંતુ એમની આશ્રમમાંની અનુપસ્થિતિમાં પણ જાણે કે તે સતત ત્યાં જ હોય તેમ અમારી મીટ તેની પર મંડાયેલી રહેતી. એમાં અસહકાર કર્યા પછી એકાદ માસ રહેવાની મને તક મળી હતી અને એ વખતની મારા મન પર પડેલી છાપ અને વિદ્યાપીઠમાં મેં અનુભવવા માંડેલા વાતાવરણની વિગતો આપી આ બન્ને સંસ્થાના મારા ઘડતર પરના ફાળાનો અલપઝલપ ઉલ્લેખ કરી લઉં.

સત્યાગ્રહ આશ્રમના મારા અનુભવ હું વિદ્યાપીઠમાં આવ્યો તેના બે વર્ષ પહેલાંના છે. નવજીવનમાં સત્યાગ્રહ અંગે ‘ઋષિઓના વંશજ' શીર્ષક હેઠળનો લેખ વાંચી મને અને મારા મિત્ર મનુભાઈ નાયકને થયું કે અમે પણ એ વંશજ બનીએ. એથી આશ્રમમાં સ્થાન મેળવવા અમે વિનંતી કરી. એનો સ્વીકાર થતાં અમે સાબરમતી પહોંચી ગયા. સ્વ. મગનલાલ ગાંધી સાથે અમારી પ્રથમ મુલાકાત થઈ. તેમણે અમને આશ્રમના નિયમો વિગતે સમજાવ્યા. અમારે કાંતણ પૂરા પરિશ્રમ અને નિષ્ઠા સાથે કરવાનું રહેશે તે સમજાવ્યું. બીજાં કામોમાં કેમ સ્વાવલંબી બનવાનું આવશે તે પણ સૂચવ્યું. અને અમે ચા કે એવા કોઈ વ્યસન વિનાના હોઈએ તો જ આશ્રમમાં રહી શકીએ એ પણ સ્પષ્ટ કર્યું. અમને આ બધું મંજૂર હતું એટલે બહુ ઉત્સાહમાં આશ્રમમાં અમે એના ‘વંશજ’ બનવાની શરૂઆત કરી.

એ વખતે આશ્રમ આપણા ઘણા તેજસ્વી પુરુષોની પ્રવૃત્તિઓ અને પ્રતિભાથી સભર હતો. ત્યાં હતા ગાંધીજીના જમણા હાથ જેવા અને આશ્રમના આત્મારૂપ ગાંધીજીના ભત્રીજા મગનલાલ ગાંધી. એ કેવા મોટા ગજાના હતા. તે એમના અકાળ અવસાન વખતે ગાંધીજીએ જે વેદનાભર્યા ઉદ્ગાર કાઢ્યા હતા તેમાંથી સહેજે સમજાશે. એ વખતે ગાંધીજીએ લખ્યું હતું કે, ‘ભગવાનમાં મારી અટલ શ્રદ્ધા ન હોત તો હું Raving maniac (ઘેલાં કાઢતો પાગલ) બની જાત' ‘વિધવા બનેલી એની પત્ની કરતાં હું વધુ વિધુર બન્યો છું.' મૃત્યુને જીવનની એક સ્વાભાવિક સ્થિતિ તરીકે ઉલ્લેખી જેમણે એક આશ્વાસન પત્રમાં ‘મુઆ-જીવ્યાનો હિસાબ હું રાખી શકતો નથી' એવું લખેલું તે સ્થિતપ્રજ્ઞ સ્થિતિએ પહોંચેલા ગાંધી આવા ઊર્મિવશ બની જાય તે મગનલાલ ગાંધીની પ્રતિભા કેટલી મોટી હશે તેનો કાંઈક ખ્યાલ આવે તે માટે પૂરતું છે.

એ જ પ્રમાણે એ વખતે ત્યાં હતા ગાંધીજીના વહાલસોયા પુત્ર જેવા મહાદેવભાઈ દેસાઈ. ગાંધીજીની વિરાટ પ્રતિભાના પાયામાં દટાઈ જઈ એ પ્રતિભાને વિશ્વવ્યાપી બનાવવામાં મહાદેવભાઈનો ફાળો કેટલો હતો એ તો કેવળ ગાંધીજી જ કહી શકે; પણ એ વખતના સમકાલીનો મહાદેવભાઈની ગાંધીભક્તિ અને એમની તેજસ્વી કલમથી ઘણા પ્રભાવિત હતા. એમનું વ્યક્તિત્વ પણ એવું જ આકર્ષક હતું. ગૌર વર્ણ, ધ્યાન ખેંચે એવી ઊંચાઈ, વિદ્યાની ચમકવાળી આંખ ને એવું બધું એમને જોતાવેંત જ સૌના મનમાં રમી રહે એવું હતું.

એ સાથે ત્યાં હતા નરહિર પરીખ. ભાવનાથી સભર એમના વ્યક્તિત્વમાં રહેલી નિખાલસતા તરત જ ધ્યાન ઉપર આવ્યા વિના રહે નહિ. એવા જ હતા કાકાસાહેબ કાલેલકર. જેમને સૌ કોઈ આદરપૂર્વક ‘કાકાસાહેબ’ તરીકે સંબોધતા. માતૃભાષા મરાઠી હોવા છતાં થોડા જ વખતમાં ગુજરાતીમાં સિદ્ધહસ્ત બની ‘સવાયા ગુજરાતી' તરીકેનું બિરુદ પ્રાપ્ત કરી તેમણે ગાંધી તત્ત્વજ્ઞાનના એક સમર્થ ભાષ્યકાર તરીકે મોટી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. એવા જ હતા સામ્યયોગી વિનોબા ભાવે જેમને અંગે આપણે ઘણું બધું જાણીએ છીએ. એ વખતના બીજા પ્રતિભાશાળી પુરુષોમાં આપાસાહેબ પટવર્ધન મને ઘણા યાદ રહ્યા છે. આ બધું કાંઈક વિગતે હું એથી નોંધું છું કે આશ્રમના આકાશમાં કેટલાં બધાં તેજસ્વી નક્ષત્રો ઝળહળતાં હતાં એનો કંઈક ખ્યાલ આવે. એમાં રહેવાની અમને તક મળી એ અમારું સદ્ભાગ્ય ઈર્ષા કરાવે એવું હતું.

પણ સદ્ભાગ્ય એમ ને એમ થોડું જ સાંપડે છે? બેત્રણ દિવસમાં જ મને લાગવા માંડ્યું કે આશ્રમની કડક શિસ્તનું પાલન કરવું ઘણું કપરું હતું. અમારા ચોવીસે કલાકનો હિસાબ અમારે આપવાનો હતો. એ બધો સમય અમારી પ્રવૃત્તિની ગતિ એક વર્ષમાં સ્વરાજ્ય સિદ્ધ કરવા માટેની જ દિશામાં અમારે રાખવાની હતી. આડીઅવળી ક્યાંય નજર નહિ કરવાની, અને નિયત કામ ચીવટાઈથી કરવાની જવાબદારી સભાન રીતે અમારે સ્વીકારવાની હતી.

આ મુજબ મને જે જે કામ સોંપાયાં તેમાંનું એક હતું સવારે આપાસાહેબ પટવર્ધન વિદ્યાર્થીઓને કૂવામાં પાણી કાઢી નવડાવતા હતા તેમાં મદદ કરવાનું. કૂવા પરના ચાકડાને એના હાથાથી ગોળ ફેરવી ડોલ ભરેલાં પાણી કાઢવાની ક્રિયા મેં રાજીખુશીથી સ્વીકારી લીધી, આપાસાહેબ સાથે આ કામ કરવાની તક મળતાં એમના પરિચયમાં આવવાનું મને સાંપડ્યું. એમની સાથે જે થોડોક સમય મેં ગાળ્યો તેમાં એમની વિશાળ દૃષ્ટિ, માનવતા, આભિજાત્ય અને વિદ્વત્તાની મારા મન ઉપર ઊંડી છાપ પડી.

આ કામમાં મને જે આનંદ આવ્યો તેવો જ આનંદ વહેલી સવારે આશ્રમમાં થતા વૈતાલિકથી મળવો શરૂ થયો. મને ચોક્કસ યાદ નથી; પરંતુ મારો ખ્યાલ એવો છે કે પંડિત ખરેની દોરવણી નીચે એ વૈતાલિક થતું અને આશ્રમમાં એના આંદોલનો લાંબા વખત સુધી લહેરાયાં કરતાં. મને એવી કંઈક છાપ પડી કે વૈતાલિકમાં કોઈ નિયત ટુકડીએ જવાનું હતું એથી એમાં મને કહેવામાં ન આવે ત્યાં સુધી મારે એમાં જોડાવાની માંગણી ન કરવી એમ મેં માન્યું. એમ છતાં વૈતાલિક થતાં પહેલાં લગભગ સાડા ત્રણ વાગ્યાથી હું જાગી જતો અને રઘુવંશ વાંચતો. એ મારો કાર્યક્રમ મેં વૈતાલિક દરમિયાન પણ ચાલુ રાખ્યો.

એક દિવસ શ્રી મગનભાઈ વૈતાલિક પહેલાં મારી ઓરડી આગળ આવી ચડ્યા. એ ઓરડીમાં બહારથી પણ બધું જોઈ શકાય તેવી રીતે લાકડાની પટ્ટીઓ ચોકડી આકારેં ચોઢેલી હતી. મને હું રઘુવંશ વાંચતો જોઈ એમણે મને પૂછ્યું, ‘શું કરો છો?’ મેં કહ્યું, ‘રઘુવંશ વાંચું છું.’

એ સાંભળતાં તેમણે મને જે કહ્યું તેનો સાર કંઈક આવો હતો:

‘ઘણું સારું; પણ તમે જાણો છો ને કે આપણે આપણા નિયત કામને બરોબર પાર પાડીએ એ માટે નિયત આરામ પણ લેવો જોઈએ? તમે ઘણા વહેલા ઊઠો છો એટલે તમને બીજાં કામમાં એનો થોડોક ધક્કો જરૂર લાગે. વળી આપણે સૌએ અત્યારે તો ગામમાં કોઈ વખત ધાડ પડે અને બધાં એનો સામનો કરવા દોડી જાય તેની જેમ વર્તવાનું છે. એક વર્ષમાં સ્વરાજ મેળવવા માટે આપણે રણે ચઢ્યા છીએ. ત્યારે એ સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિ ભલે સોના જેવી હોય તો ય આપણા ધ્યેયને હાનિ પહોંચાડ્યા વિના રહે ખરી?' તેમના અવાજમાં ક્યાંય ઠપકો ન હતો; પણ જે ગંભીરતાથી તેમણે આવું જે કાંઈ મને કહ્યું તેનાથી હું હલબલી ઊઠ્યો અને રઘુવંશ બંધ કરી મેં એમને કહ્યું, ‘મારી ભૂલ થઈ. ફરીથી આવું નહિ થાય.' તેમણે બહુ જ સમભાવપૂર્વક કહ્યું, ‘આ ભૂલ ન કહેવાય. તમે અહીંયાં આવ્યા છો તે શીખવા માટે અને આપણે સૌ ભૂલ કરી જ શીખીએ છીએ ને? ચાલતાં શીખતાં પહેલાં બાળક કાંઈ કેટકેટલી વખત પડે છે એટલે આ અંગે તમે મનમાં કશું ઓછું લાવશો નહિ!' એમનું સૌજન્ય મને સ્પર્શી ગયું; પરંતુ એ સાથે એણે મને થોડોક ગભરાવી પણ મૂક્યો. અનાવિલ આશ્રમમાં અમે જે રીતે વહેતા હતા અને લડતના કામની અમે જે જવાબદારી ઉઠાવતા હતા તે લગભગ આ જ પ્રકારની હતી. ત્યાં પણ મળસ્કે ચાર વાગે ઊઠી, પ્રાર્થના કર્યા પછી અમારી દિનચર્યા શરૂ થતી. તેમાં આવી કોઈ મૂંઝવણ મારે અનુભવવાની આવી ન હતી.

આ અનુભવ પછી હું વધુ સભાનતાપૂર્વક મારાં કામ કરવા મંડ્યો. પણ મેં જોયું કે અમે બધા જે કામ કરતા હતા તેમાં નિયમોનું કેટલું પાલન થાય છે, ક્યાં ક્યાં ક્ષતિ થવા પામે છે એની જાણે કે બધા એકબીજા ઉપર અમે ચોકી રાખતા! આ પણ અસ્વસ્થ બનાવે એવું હતું. કાંતણનો મહિમા અપાર હતો અને રોજ એના તાર નોંધાવવા પડતા. મારા તાર પ્રમાણમાં થોડાક ઓછા થતા અને એની પણ કાંઈક હળવી ટીકા થતી. ‘મારી દુનિયામાં’ હું નોંધી ગયો છું તેમ મારા બાલ્યથી જ મારા હાથને કેળવણી મળી ન હતી. ક્તિો બનાવતાં કે પેનસિલ છોલતાં મને આવડતું નહિ અને એ માટે બીજાના ઉપર હું આધાર રાખતો. મરવાની મિજબાની કરીએ ત્યારે મારા સાથીઓ જે કુશળતાથી એક સરખી એની ચીર કરતા તે હું કરી શકતો નહિ. આને લઈને નાનપણથી જ આ બાબતમાં એક પ્રકારની લઘુતાગ્રંથિ હું અનુભવતો. મને લાગે છે કે કાંતણમાં પણ મારી એ જ મર્યાદા મને નડી. આથી મગનભાઈની પાસે જઈ એમની દોરવણી મેં માગી. હું પૂરતો સમય આપતો હોવા છતાં નિયત તારથી ઓછા થતા હતા તે અંગે મારે શું કરવું? મગનભાઈએ કહ્યું, ‘એની ચિંતા કર્યા વિના તમે કાંતતા રહો: વખત જતાં આપમેળે તમે બધાની હરોળમાં આવી જશો.’ આથી પ્રોત્સાહન પામી તેમને મેં કહ્યું, ‘જો બીજું કાંઈ શરીર શ્રમનું જ કામ હોય જેમાં બહુ ઝીણવટની જરૂર ન હોય તે મને સોંપશો તો હું ખુશીની સાથે તે કરીશ.’ એ સાંભળતા એમણે મને અને મારા મિત્ર મનુભાઈને થોડે દૂર મળ દાટવા માટે ખાડા કરવામાં આવતા હતા તેવા ખાડા રોજ સવારે કલાકેક માટે ખોદવાનું કામ સોંપ્યું. પહેલાં તો કામના પ્રકારથી થોડીક જુગુપ્સા જેવું થયું; પણ આશ્રમમાં તો જાજરૂ સાફ કરવાની ક્રિયાને કલાસિદ્ધિના એક મહત્ત્વના સોપાન તરીકેનું સ્થાન મળ્યું હતું એટલે અમારે તો અમને આવું કામ કરવાનું મળ્યું એનું ગૌરવ લેવું જોઈએ એવું અન્યને લાગ્યું હશે.

અમે આ કામ કરતા હતા ત્યારે એક દિવસ બહારથી આવેલા કોઈક ભાઈ અમારી પાસે આવ્યા. એમને મગનભાઈને મળવું હતું એમ જણાવી તેમની પાસે લઈ જવા વિનંતી કરી. મનુભાઈએ કહી હું તેમની સાથે મગનભાઈની પાસે ગયો. મગનભાઈએ મને પૂછ્યું, ‘તમે શું કરતા હતા?’ મેં એનો ઉત્તર આપ્યો એટલે એમણે કહ્યું, ‘એ કામ છોડી તમારે અહીં આવવું જોઈએ નહિ. આ ભાઈને તમે ત્યાંથી આંગળી ચીંધી રસ્તો બતાવી શક્યા હોત. આમ કરવું તે કામચોરી લેખાય.’ પેલા અજાણ્યાની હાજરીમાં અપાયેલા આ ઠપકાથી હું સખત આઘાત પામ્યો.

જે થોડાક દિવસ મેં આશ્રમમાં ગાળ્યા હતા અને તેના વાતાવરણની મારા પર જે છાપ પડી હતી તેનાથી મને લાગ્યું કે હું એની સાથે મેળ નહિ કે સાધી શકું. બહારથી લદાતી શિસ્ત મને હંમેશ અળખામણી લાગે છે. આશ્રમમાં તો એની કડક આચારસંહિતા હતી. પરિણીત યુગલોને લેવાની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા ઉપરાંત બીજા કેટલાક વિધિનિષેધો એવા હતા કે જેમાં સામાન્ય માણસોને આત્મપીડન જેવું લાગે. મેં અનુભવ્યું કે ઘણું દેખાદેખીથી થતું. મોટાઈ બતાવવા થતું. ગાંધીભક્તિમાં અમે સૌથી આગળ છીએ એવી છાપ ઉપસાવવા થતું. આને પરિણામે ગાંધીજીની બેસવાની ઢબછબથી માંડીને બોલવાની લઢણ વગેરેનું અનુકરણ કરવામાં જાણે કે હરીફાઈ થતી. ગાંધીજીએ જ્યારે વસ્રો ત્યજી કેવળ કચ્છથી જ ચલાવવા માંડ્યું ત્યારે એનું અનુકરણ કરનારની સંખ્યા ઠીક ઠીક વધી ગઈ હતી. ગાંધીજી માટે મને માત્ર આદર જ નહિ અખૂટ પ્રેમ હતો છતાં આશ્રમની આચારસંહિતામાંની કેટલીક વિગતો માટે હું સમભાવ દાખવી શક્યો નહિ, એટલે મને લાગ્યું કે આશ્રમમાં મારી સ્થિતિ મઝહબીઓની જમાતમાં કાફર જેવી હતી.

મારા મનમાં કંઈક આવી ગડભાંજ ચાલી રહી હતી ત્યાં કોઈક અણધાર્યું કામ આવી પડવાથી મારે ચીખલી જવું પડ્યું. રસ્તામાં જ મેં મારા મન સાથે નક્કી કરી લીધું કે આશ્રમ મારે છોડી દેવો, આમાં મારી એક મુશ્કેલી એ હતી કે મારા સાથી મનુભાઈને મેં આ વાત કરી ન હતી. મનુભાઈનું મનોબળ તપસ્વી જેવું. એમણે આ પહેલાં પોતાની જાત ઉપર અનેક અખતરા કર્યા હતા. ખાંડ, મીઠા વિના ચલાવવું, ઉપવાસ કરવા, લાંબા વખત સુધી સૂર્યના તાપમાં ધ્યાનમગ્ન સ્થિતિમાં બેસવું, કલાકોના કલાક મૌન જાળવવું. આવા પ્રયોગો તે કરતા જ રહેતા. હું એમને યોગી જ લેખતો, એટલે મને હતું કે તે જો આશ્રમજીવનને અનુકૂળ થઈ શકે તો મારે તેમાં કોઈ અવરોધ ઊભો થાય તેથી કશી વાત કરવી નહીં. આથી ચીખલી પહોંચ્યા પછી આશ્રમમાંથી મને છૂટો કરવા માટેનો પત્ર મેં લખ્યો ને મનુભાઈને પણ તેની જાણ કરી. પાછળથી મારા એક સાથી પાસેથી જાણવા મળ્યું કે મેં આવી માંગણી કરી ન હોત તોપણ મને છૂટા થવાનું જણાવવામાં આવત. આમ આશ્રમનો મારો નિવાસ અલ્પ સમયમાં જ પૂરો થયો; પણ તેણે જીવનને વધુ સમજવાની મને જે સામગ્રી આપી તે ઘણી કીમતી હતી.