સાફલ્યટાણું/૧૮. સ્વાવલંબન અને વિદ્યાભ્યાસ
વિદ્યાપીઠમાં હું દાખલ થયો તે પહેલાં કવિ તરીકે હું ઠીક ઠીક જાણીતો થયો હતો. ‘સમાલોચક'માં મારાં ઘણાં કાવ્યો એ પહેલાં આવી ગયાં હતાં. ‘સાહિત્ય’ અને ‘વસંત'માં પણ કોઈક કોઈક કૃતિ છપાઈ હતી. એ બધી કવિતાઓ ‘સ્નેહરશ્મિ’ ઉપનામથી પ્રસિદ્ધ થતી. એ ઉપનામ કેવી રીતે સૂઝ્યું એ મને પૂરું યાદ નથી. ‘જય જયગરવી ગુજરાત’ના ‘પ્રેમ-શૌર્ય’ શબ્દની કે ન્હાનાલાલના ‘પ્રેમ-ભક્તિ' તખલ્લુસની અસર હેઠળ ‘સ્નેહ’ તરફ વળ્યો તે યાદ નથી; પરંતુ નાનપણથી જ મા ૨ી ઊર્મિઓમાં જો કોઈ મોખરાનું તત્ત્વ રહ્યું હોય તો તે ‘પ્રેમ’નું છે. સ્વજનો, મિત્રો માટે અખૂટ લાગણીથી મારું મન ભર્યું ભર્યું રહેતું અને સહેજ પરિચય થતાં એની ક્ષિતિજો વધુ ને વધુ વિસ્તરતી જતી. સંભવ છે કે ‘રશ્મિ’ શબ્દ સૂર્યના કિરણોનું એમના પ્રભાવસ્થાનથી કરોડો ને કરોડો જોજન જેટલું વિસ્તરણ થાય છે તેવું જ સ્નેહની બાબતમાં પણ બનવું જોઈએ એવા કંઈક ભાવથી ‘સ્નેહરશ્મિ’ તખલ્લુસ યોજાયું હશે. સંભવ છે કે ઔચિત્યની દૃષ્ટિએ આમાં કંઈક અતિશયોક્તિ જેવું લાગે; પરંતુ મારા દીર્ઘ જીવન ઉપર નજર નાખતાં આજે હું કહી શકું છું કે મારું જો કોઈ મોટામાં મોટું આલંબન રહ્યું હોય તો તે સ્નેહ છે, જેણે મને આ મહામાનવ સાગરમાં એક નાનકડી લહરની જેમ રમતો મૂકી દીધો છે.
મારી આ સાહિત્યપ્રવૃત્તિનું એક અણધાર્યું પરિણામ એ આવ્યું કે અમદાવાદ આવ્યા પછી થોડા જ દિવસમાં મારા એક સાથીએ, ‘જો કોઈ સારું ટ્યૂશન મળે તો તે માટે તું વિચારે ખરો?' એવું પૂછ્યું. આના કરતાં વધુ મોટું સદ્ભાગ્ય બીજું કયું હોઈ શકે? પણ મેં એને પૂછ્યું, ‘મારા જેવા મેં ઈન્ટરમીડીએટની કક્ષામાં ભણતા વિદ્યાર્થીને, જેને શિક્ષણનો કોઈ અનુભવ નથી તેને જ્યારે બીજા અનુભવી શિક્ષકો સહેલાઈથી મળતા હોય ત્યારે કોણ પસંદ કરે?’ તેણે કહ્યું, ‘એનો તો વિચાર કરીને જ તને પુછાવ્યું હશે ને?' મેં ભારે ઉત્સાહથી એ નિમંત્રણ સ્વીકારી લીધું. એ ટ્યૂશન હતું સુમિત્રા નામની તે વખતે અંગ્રેજી ત્રીજી એટલે કે આજની સાતમી શ્રેણીમાં ભણતી એક વિદ્યાર્થિની માટેનું. એનું પાછળથી અમદાવાદની લૉ કૉલેજના પ્રિન્સિપાલ તરીકે જાણીતા થયેલા શ્રી મુકુંદ ઠાકોર સાથે લગ્ન થયું હતું. ટ્યૂશનનો મારો આ પહેલો અનુભવ. મારે અંગ્રેજી અને ગણિત શીખવવાનાં હતાં. એને માટે હંમેશ હું પૂર્વતૈયારી કરીને જવા લાગ્યો. સુમિત્રાને ભણવામાં ઘણો રસ પડતો. એ સાથે એને કોઈ કોઈ વખત હું ન્હાનાલાલના રાસમાંથી પણ કંઈ સંભળાવવા લાગ્યો. અને આમ મારી આ નવી પ્રવૃત્તિમાં હું ઠીક ઠીક સફળ થઈ રહ્યો છું તેવો આત્મવિશ્વાસ હું કેળવવા મંડચો.
એવામાં એક અણધારી ઘટના બની. સુમિત્રાનાં માતુશ્રી નાનીબહેન હું ભણાવતો એ ઓરડામાં એક જગ્યાએ બેસી કંઈક કામ કર્યાં કરતાં. નિયમિત થતી આ પ્રવૃત્તિ પરથી મને લાગ્યું કે તેમને મારે અંગે પૂરો વિશ્વાસ નહિ હોય. એટલે એક દિવસ મેં કહ્યું કે, ‘કાલથી હું ભણાવવા નહિ આવું.’ નવાઈ પામતાં તેમણે પૂછ્યું, ‘શું ભાઈ, પગારમાં કંઈક ઓછું પડે છે?' મેં કહ્યું, ‘ના, નાનીબહેન, તમે મહિને પચ્ચીસ રૂપિયા આપો છો એ તો ઘણા બધા કહેવાય. પણ હું હજુ આવા કામને માટે ઘણો નાનો લેખાઉં અને તમારે હું ભણાવું એ બધો વખત અહીં બેસી રહેવું પડે...’ મને વાક્ય પૂરું કરવા દીધા વિના તેમણે કહ્યું, ‘હા, તમારી વાત ખોટી નથી. પણ આ બધા દિવસોમાં મને ખાતરી થઈ છે કે તમારા પર હું પૂરો ભરોસો રાખી શકીશ. એટલે કાલથી હવે હું અહીં નહિ બેસું.' કૃતજ્ઞતાથી તેમના તરફ મારું મસ્તક નમી પડ્યું. આ ટ્યૂશન નિમિત્તે સુમિત્રાની બીજી નિકટની બહેનો સૂર્યકાંતા અને પ્રમોદા પણ અવારનવાર ભણવામાં સુમિત્રા સાથે જોડાતી અને એ નિમિત્તે પરિચયનું મારું ક્ષેત્ર વિસ્તરતું ગયું..
વિદ્યાપીઠમાં અમારી ઇતરપ્રવૃત્તિમાં પ્રસંગોપાત ખાદીફેરીનું કામ અમારા અધ્યાપકો અને અમે ટુકડીઓ પાડી અમદાવાદના જુદા જુદા ભાગમાં કરતા. અમારો અનુભવ એ હતો કે જે લોકો ખાદી પહેરે એવા ન હતા તે પણ વિવેકને ખાતર થોડુંક ખરીદતા. એ પ્રવૃત્તિ દરમિયાન અનેકવાર મિલોની જગ્યા રેંટિયા લઈ શકે એમ નથી એવાં વિધાનોની ચર્ચા થતી એને અમે ખાદીમાં રહેલી અખૂટ શક્તિનું બને તેટલાં ઉદાહરણો સહિત સમર્થન કરતા. આ પ્રવૃત્તિ વિદ્યાપીઠના લોકસંપર્કની દૃષ્ટિએ ઘણી ઉપયોગી નીવડી.
એ જ પ્રમાણે કોઈક અણધારી આફત લોકો પર આવી પડે ત્યારે પોતાને સૂઝે તે રીતે અને પોતાના ગજા પ્રમાણે કુમકે જવાની ભાવના વિદ્યાપીઠમાં આપોઆપ જાગતી. એ મુજબ એ અરસામાં મોટી રેલ હોનારત સર્જાઈ. એમાં મદદ કરવાની દૃષ્ટિએ અમે એક દિવસની મજૂરી કરી.અમે ઉધરાવેલા ફાળા ઉપરાંત આ રકમ તેમાં ઉમેરી મદદ માટે મોકલવાનું નક્કી કર્યું. એ વખતે વર્તમાનપત્રોમાં આવતા અહેવાલોથી હું ખૂબ અસ્વસ્થ બની ગયો. જે લોકોનાં ઝૂંપડાં તણાઈ ગયાં હતાં, જેની ઘરવખરી બધી ધોવાઈ ગઈ હતી એવા અનેક લોકો બિચારા કઈ રીતે આપત્તિનો સામનો કરતાં હશે તેની કલ્પના કરતાં હું અકળાવા લાગ્યો. મને થયું કે મારી પાસે જે કાંઈ હોય તે જતું કરી આ ફાળામાં આપી એ બધા હતભાગી લોકોની મુશ્કેલીઓમાં ભલે અતિ અલ્પ-નગણ્ય લેખાય એવો પણ મારાથી બની શકે તેટલો ફાળો મારે આપવો જોઈએ. મારી પાસે એ વખતે કુલ મૂડી ૨૫ રૂપિયાની હતી. એ ફાળામાં જે રકમો નોંધવા માંડી હતી તેની યાદી રોજ બહાર પડતી. તેમાં ચૈતન્યપ્રસાદ, દીવાનજી, ઈન્દુબહેન વગેરેના વ્યક્તિગત રૂપિયા એકવીસ નોંધાયા હતા. એ વખતે એ રકમ વિદ્યાર્થીઓને માટે ઘણી મોટી લેખાય એવું હતું. મારા જેવો રૂપિયા પચ્ચીસ આપે તેમાં ઔચિત્ય નહિ લેખાય અને વિના કારણ મિત્રોને કલ્પના દોડાવવી પડે એટલે નામ વિના મારો ફાળો આપવાનું નક્કી કરી હું કૃપાલાનીજી પાસે ગયો. પચ્ચીસ રૂપિયાની નોટ જોતાં તે સહેજ નવાઈ પામ્યા. મારા સંજોગો એ જાણતા હતા. એટલે એમણે કહ્યું, ‘આટલી મોટી રકમ આપી દે છે તો આ મહિનો કેવી રીતે ગાળશે?' મેં કહ્યું, ‘વાત સાચી છે; પણ હું ગમે તેમ કરીને ચલાવી લઈશ.’ મારા નામોલ્લેખ વિના એ રકમ સ્વીકારી લેવા મેં તેમને વિનંતી કરી. એમણે એનો સ્વીકાર કરતાં મારું મન ખૂબ હળવું બની ગયું અને એમની ઑફિસમાંથી હું બહાર નીકળું ત્યાં શ્રી કસ્તુરભાઈ લાલભાઈના ભત્રીજા અને અમદાવાદના ભૂતપૂર્વ મેયરશ્રી ચીનુભાઈના અમારી સાથે ભણતા મોટાભાઈ વિજયસિંહ મને મળ્યા. એમણે મને કહ્યું, ‘ઝીણાભાઈ, શાળામાં ભણતા કોઈ વિદ્યાર્થીઓનું ટ્યૂશન મળે તો તમે એ જવાબદારી લો?' અને જ્યારે તેમણે એમની ફોઈનાં બે બાળકો શાંતિબાબુ (સર્વોત્તમ) અને સરોજિની હઠીસિંગનો નામોલ્લેખ કર્યો ત્યારે મને આનંદ થયો તે વર્ણનાતીત છે. એમને પણ મારે સુમિત્રાની જેમ અંગ્રેજી અને ગણિત શીખવવાનું હતું. એ માટે મારે બે કલાક આપવાના હતા. એના મને માસિક રૂપિયા પચાસ મળવાનું ભાઈ વિજયસિંહે જણાવ્યું. આ ઘટનાથી મારા મનમાં છેલ્લા થોડાક વખતથી એક શ્રદ્ધા પોતાના મૂળ નાખી રહી હતી કે ભગવાન મારો રાહબર છે અને તે સતત મારી કાળજી રાખે છે એ વધુ દૃઢ બની. ત્યારે જાણે ત્યાગનો કંઈ મહિમા મને સમજાતો હોય એવી પણ એક અનુભૂતિ મને થઈ. અને ઉત્તરોત્તર એ શ્રદ્ધા દઢતર બનતી જતાં વર્ષો બાદ મારા એક મુક્તકમાં મેં કંડારી-
ત્યાગ થકી લઘુતા ટળે, ત્યાગે રિદ્ધિ સદાય
લ્હાણ કરતાં વારિની ઝરણાં સરિતા થાય.
શાંતિબાબુ અને સરોજિનીને ભણાવવા માટે ઘીકાંટા હઠીસિંગની વાડીમાં જવાનું હતું. એ વખતે મારે પગે ચાલીને જવું પડતું. અંતર ખાસ્સું લાંબું પણ મને એ કદી કહ્યું નહિ. મેં થોડોક વખત હઠીસિંગ કુટુંબમાં ભણાવવાનું કામ કર્યું ત્યાં એક દિવસ સરોજિનીનાં માતુશ્રી ડાહીબહેને મને કહ્યું કે, ‘તમને જો સમય હોય તો સુલોચના પણ તમારી પાસે ભણવા ઇચ્છે છે.’ તરત જ મેં તેનો સ્વીકાર કર્યો. સુલોચનાબહેન ડાહીબહેનના સૌથી મોટા પુત્ર શ્રી નરોત્તમનાં પત્ની. એ પછી થોડા જ દિવસ બાદ મને શ્રી કસ્તુરભાઈનાં પત્ની શ્રીમતી શારદાબેનને તેમને મળી જવા સંદેશો મોકલાવ્યો. તેમણે પણ મારી પાસે અંગ્રેજી શીખવવાની ઇચ્છા વ્યક્ત કરી. સ્વાવલંબી થવા માટે મારે જેટલી રકમની જરૂર હતી તેના કરતાં ઘણી વધારે રકમ મને મળે અને તે માટે મારે ઘણો સમય આપવો પડે એ સંજોગોમાં મારા મનમાં થોડીક અવઢવ થઈ; પણ તરત જ મેં મનને મનાવી લીધું અને શારદાબહેનનું ટ્યૂશન સ્વીકાર્યું. આમ ટ્યૂશન માટે કુલ પાંચ કલાક મારે આપવાના આવ્યા અને ત્યાં જવા-આવવામાં લગભગ બે કલાક જતા એટલે સાત કલાકનો મારા સમયમાંથી મારે ભોગ આપવાનો આવ્યો. પણ મેં બહુ ઉત્સાહપૂર્વક આ બધી જવાબદારી ઉપાડી લીધી.
અગાઉ હું જણાવી ગયો છું તેમ મને આ કામ મળ્યું તે મારી સાહિત્ય-પ્રવૃત્તિથી અને વિદ્યાપીઠમાંની મારી ઇતર પ્રવૃત્તિથી મારે અંગે બંધાયેલા ખ્યાલોને કદાચ આભારી હશે. આ રીતે મારા મિત્ર શ્રી કીકુભાઈને પણ શ્રી કસ્તુરભાઈના નાના ભાઈ શ્રી નરોત્તમ લાલભાઈનાં પત્ની સુલોચનાબહેને પોતાના અંગ્રેજીના શિક્ષક તરીકે નિમંત્ર્યા. એમાં પણ હું માનું છું કે શ્રી કીકુભાઈની વિદ્યાપીઠમાંની પ્રવૃત્તિઓની જે માહિતી એમના સુધી પહોંચી હશે એ કારણભૂત હોય!
પગે ચાલીને જવામાં ઠીક ઠીક સમય મારે ગાળવો પડતો હતો એનો શ્રી ડાહીબહેનને ખ્યાલ આવતાં તેમણે મને સાઈકલ વાપરવા આપી. સાઈકલ મને આવડતી ન હતી એટલે થોડોક સમય એ શીખવા પાછળ મારે ગાળવો પડ્યો અને શરૂઆતમાં તો એકબે વખત હું પટકાયો પણ ખરો! પરંતુ સાઈકલ આવડ્યા પછી મારો સમય થોડોક બચ્યો.
ટ્યૂશનની આવક આવવા માંડી એટલે કમળાબહેન પાસેથી મને જે મદદ મળતી હતી તે લેવી મેં બંધ કરી. મારા બેત્રણ સાથીઓને એમાંથી હું થોડી થોડી મદદ મોકલવા મંડ્યો. કાશીબાને પણ જરૂર પડે તો પૈસા મંગાવવા જણાવ્યું; પણ તેમણે મારી પાસે કશું મંગાવ્યું નહિ, એટલું જ નહિ પણ મારો નાનો ભાઈ ગુલાબ જે સુરતની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં ભણતો હતો તેનો ખરચ પણ તે પૂરો પાડતાં હતાં. ગુલાબના ઉલ્લેખ સાથે એને અંગે થોડુંક નોંધી લઉં.
મારાથી ઉંમરે લગભગ ચારેક વર્ષ એ નાનો. નાનપણથી જ ગણિતના વિષયમાંની એની અસાધારણ શક્તિનાં ડગલે ને પગલે પ્રમાણ મળતાં. અસહકારની લડત શરૂ થઈ અને ચીખલીમાં અમે રાષ્ટ્રીય શાળા ઊભી કરી ત્યારે ગુલાબ પણ અસહકાર કરી એ શાળામાં જોડાવા તૈયાર થયો. આ સમાચાર મળતાં અમારા જૂના શિક્ષક ગોકળદાસ કાશીબા પાસે ગયા અને ગુલાબને એ રસ્તેથી વાળવા ઘણો આગ્રહ કર્યો. પણ કાશીબાએ કહ્યું કે, ‘મોટાભાઈને જો મેં વાર્યો નહિ તો નાનાને હું કેવી રીતે વારું? એ તો ભગવાનને જે ગમે તે ખરું.’
ચીખલીની રાષ્ટ્રીય શાળા લગભગ બે વર્ષ ચાલી. તે બંધ પડતાં મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાની જૂની શાળામાં પાછા ચાલ્યા ગયા હતા. ગુલાબે પણ સુરતની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં ને વલસાડની આવાંબાઈ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી મૅટ્રિકની પરીક્ષા આપી. એમાં તે યુનિવર્સિટીમાંના પહેલા દસમાં સાતમે નંબરે ગણિતમાં પૂરા માર્કસ સાથે પાસ થયો અને બહુ સહેલાઈથી મુંબઈની જી. ટી. બોર્ડિંગમાં તેણે પ્રવેશ મેળવ્યો. એને લઈને એના ભણતરના ખર્ચ અંગેની કોઈ ચિંતા ન તો કાશીબાને રહી, ન મને. ત્યાં વિલસન કૉલેજમાં પણ ગુલાબની કારકિર્દી અત્યંત ઉજ્જવળ હતી. બી.એ.માં તે પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયો.
ટ્યૂશન અંગે મને જે કાંઈ અનુભવ થયા તે સુખદ હતા, એમ છતાં જેટલો સમય એમાં હું ગાળતો તે મારા ભણતરને ભોગે હતો તે મને કઠતું હતું.
જેમને હું ભણાવતો હતો તે પાંચ જણ પૈકી આજે કેવળ એક જ હયાત છે-બહેન સરોજિની હઠીસિંગ. આ હું લખું છું ત્યારે (૧૯૮૨) એ ૭૧ વર્ષનાં થયાં છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં એમને ઊંડો રસ છે. રેવીન્દ્ર સંગીત આપણે ત્યાં વધુ પ્રસરે એ માટે એ પ્રયત્નો કરતાં રહે છે. હઠીસિંગ વીઝ્યુઅલ આર્ટ ગૅલેરીનું તે સંચાલન કરે છે. હું જ્યારે એમને ભણાવતો હતો ત્યારનો, એમની ૧૩ વર્ષની વયનો, એક કિસ્સો મને યાદ રહી ગયો છે. એ વખતે શ્રી કસ્તુરભાઈ દિલ્હીના લેજિસ્લેટીવ ઍસેમ્બલીના એક સભ્ય હતા અને સરોજિની થોડાક દિવસ તેમની સાથે ગાળવા દિલ્હી જવા એકલી નીકળી. એની ગાડી દિલ્હી જે ટાઈમે પહોંચતી હતી તેની શ્રી કસ્તુરભાઈને ખબર આપતાં કંઈક ગફલત થઈ ગઈ. મળસકે બે ગાડી ત્યાં પહોંચતી હતી. સરોજિની આગલી ગાડીમાં ગઈ જ્યારે એને સ્ટેશન ઉપર બીજી ગાડી પર લેવા આવવાની દિલ્હીમાં વ્યવસ્થા થઈ હતી.
દિલ્હી સ્ટેશને સરોજિની ઊતરી ત્યારે કોઈ લેવા આવ્યું ન હતું. એ જોઈ થોડોક વખત તો એણે મૂંઝવણ અનુભવી પણ તરત જ સ્ટેશન માસ્તર પાસે જઈ તેણે પોતાની મુશ્કેલી જણાવી અને પોતાને કસ્તુરભાઈને ત્યાં જવાનું છે, તેમની બહેનની પોતે દીકરી છે તે વાત કરી, તેમણે મદદ માગી. મદદમાં કોઈ જવાબદાર માણસને મોકલી ઘોડાગાડી કરાવી આપવાનું એણે સૂચવ્યું. એ ગાડીવાળાનો નંબર નોંધી લઈ તેને બરોબર ઘર સુધી લઈ જઈ, સહીસલામત પહોંચાડવા સ્ટેશન માસ્તર તરફથી જણાવવામાં આવે એવી તેણે માગણી કરી. કસ્તુરભાઈના નામથી અને આવી નાનકડી બાલિકાની સમયસૂચકતાથી પ્રભાવિત થયેલા સ્ટેશન માસ્તરે પૂરી મદદ કરી. એક સારા ગાડીવાળાને એ જવાબદારી સોંપી.
ગાડીવાળો સરોજિનીએ આપેલા સરનામા પ્રમાણે જ્યાં એમ. એલ. એ.ના નિવાસ હતા ત્યાં લઈ ગયો. પણ કસ્તુરભાઈનું નિવાસસ્થાન કેમે કરીને મળે નહિ! બધાં જ મકાનો લગભગ એકસરખાં, ઠીક ઠીક સમય ગોળ ગોળ ફર્યા છતાં પત્તો ન ખાધો એટલે ગાડીવાળો પણ મૂંઝાયો. એણે ફરીથી સરોજિનીને નામ પૂછ્યું ત્યારે સરોજિનીએ નામ આપતાં અગાઉ કેવળ કસ્તુરભાઈ નામ આપ્યું હતું તેની જગ્યાએ આખું નામ કસ્તુરભાઈ લાલભાઈ શેઠ આપ્યું, એટલે ગાડીવાળો ‘હાશ’ કરતાં બોલ્યો, ‘શેઠજી?’ એમનું ઘર તો આ રહ્યું!' અને એમ કહી કસ્તુરભાઈના ઝાંપામાં એણે ગાડી વાળી! ત્યાં સરોજિનીને લેવા આવનાર ભાઈ ગૅરેજમાંથી ગાડી બહાર કઢાવતા હતા. સરોજિનીને જોતાં તે આભા બની ગયા અને પછી જ્યારે જે ગોટાળો થવા પામ્યો હતો તેનો ખ્યાલ આવતાં બધાંએ ઘણી રમૂજ અનુભવી.
આ પ્રસંગ મને અનેક દૃષ્ટિએ યાદ રાખવા જેવો લાગ્યો હતો. એક તો આ ઉંમરની બાલિકાને એકલી મોકલતાં અને તે પણ દિલ્હી જેટલે દૂર ડાહીબહેને જે હિંમત દાખવી તે માટે મને ઘણું માન થયું; અને ન ભુલાય એવી સરોજિનીની હિંમત અને સમયસૂચકતા માટે મેં ઘણો અહોભાવ અનુભવ્યો.