zoom in zoom out toggle zoom 

< સાફલ્યટાણું

સાફલ્યટાણું/૧૯. આપણા બે મૂર્ધન્ય કવિ

From Ekatra Wiki
Revision as of 13:46, 6 April 2025 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૧૯. આપણા બે મૂર્ધન્ય કવિ | }} {{Poem2Open}} અગાઉ હું ઉલ્લેખ કરી ગયો છું તેમ કવિ ન્હાનાલાલ માટેનો મારો અહોભાવ ઘણો હતો; પરંતુ એમને રૂબરૂ મળવાની તક મળી ન હતી અમદાવાદની કૉંગ્રેસ વખતે એમની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૯. આપણા બે મૂર્ધન્ય કવિ

અગાઉ હું ઉલ્લેખ કરી ગયો છું તેમ કવિ ન્હાનાલાલ માટેનો મારો અહોભાવ ઘણો હતો; પરંતુ એમને રૂબરૂ મળવાની તક મળી ન હતી અમદાવાદની કૉંગ્રેસ વખતે એમની લાક્ષણિક શૈલીમાં એમણે એક વ્યાખ્યા આપેલું પણ તેની સ્મૃતિ નહિવત્ રહી છે. અસહકારની લડતની શરૂઆતમાં જ એમણે એક કાવ્ય લખેલું. તેનાથી લોકો ઘણા આકર્ષાયા હતા. એમાં અહિંસાને એમણે જે રીતે બિરદાવી હતી તેમાં રહેલું કાવ્યતત્ત્વ બહુજન સમાજને પણ સુગમ બને અને યાદ રહી જાય એવું હતું.

‘સિંહને શસ્ત્ર શાં? વીરને મૃત્યુ શાં?
મૃત્યુના અમૃતને ઓળખો છો!'

આ આખું કાવ્ય મને લગભગ કંઠસ્થ થઈ ગયું હતું. એ પહેલાં ઠેઠ સાતમી શ્રેણીથી એમના સ્તુતિના અષ્ટકનો તો પરિચય હતો જ. તે પછી ‘ગિરનારને ચરણે’ અને બીજાં કાવ્યો, ગીતો વગેરેનો પણ પરિચય થયો. એમને મળવાનું થયું તે પહેલાં પાઠકસાહેબના કાવ્યસમુચ્ચયમાંથી એમનાં ઘણાં કાવ્યોનો આસ્વાદ માણ્યો હતો. કાવ્યસમુચ્ચયમાં એમનાં એ વખત સુધી લખાયેલાં કાવ્યોમાંનાં ઉત્તમ કાવ્યો સંગ્રહાયાં હતાં અને અમારે માટે એ હસ્તામલકવત્ બની જતાં: અમે મિત્રો સાથેની ચર્ચામાં પણ વખતોવખત એ માણતાં. એમાં અવારનવાર પાઠકસાહેબ પાસેથી પણ અમને પ્રેરણા મળતી. આમ કવિ ન્હાનાલાલ અમદાવાદમાં જ છે એ જાણતાં એમને જોવાનું અને મળવાનું મન થાય એ સહજ હતું; પણ એવી તક કેમ મેળવવી તે મને સમજાતું નહિ.

એક દિવસ સરખેજ જવાને રસ્તે જતાં એ રસ્તા પર આવેલા અમારા છાત્રાલય ‘હિંદ આશ્રમ'માં પાઠકસાહેબને મળવા એ ઊતર્યા. ત્યાં વાતવાતમાં એમણે મારે અંગે થોડીક પૂછતાછ કરી. સંભવ છે કે એ પહેલાં એમણે તે વખતનાં સામાયિકોમાં છપાતાં મારાં કોઈ કોઈ કાવ્યો જોયાં હોય અને તેનાથી એમને કુતૂહલ થયું હોય. પાઠકસાહેબ પાસેથી હું ત્યાં જ રહું છું એ જાણતાં તેમણે મને બોલાવવા પાઠકસાહેબને સૂચવ્યું, અને મારે માટે જીવનનો એક ધન્ય પ્રસંગ બની ગયો.

એ પછી ન્હાનાલાલ લગભગ દરરોજ પોતાની મોટરમાં એ રસ્તે સાંજે નીકળતા અને હું માળ ઉપર રહેતો હતો એટલે નીચેથી સાદ કરી બોલાવતા. સરખેજને રસ્તે અમે ઠીક ઠીક દૂર ફરવા નીકળી જતા. રસ્તામાં અલકમલકની ઘણી વાતો થતી. ઇતિહાસ-ભૂગોળના એ ઊંડા અભ્યાસી. મને પણ ઇતિહાસનો કંઈક શોખ એટલે અમારી વચ્ચે સારી એવી ચર્ચા થતી. અંગ્રેજ ઇતિહાસકારોએ આપણા ઇતિહાસને કેવી વિકૃત રીતે આલેખ્યો છે, એની વાત એ આક્રોશપૂર્વક કરતા. અકબર પરના વિન્સેન્ટ સ્મિથના પુસ્તકનું પહેલું જ વાક્ય હતું: Akbar was a foreigner in India. એના પર રોષ ઠાલવતાં એમણે એવું વિધાન કર્યું કે ‘આપણા દેશમાં જે કંઈ સારું છે તે બધું પરદેશથી આવેલું છે એવું કહી આપણા માટેના તુચ્છકારને બૌદ્ધિક રીતે વ્યક્ત કરવાનો ગર્વ એ લોકો લે છે. તેમણે અમદાવાદના મુસ્લિમ યુગના સ્થાપત્યની વાત કરતાં એવું વિધાન કર્યું કે ઈન્ડોસારેસેનિક આર્ટના ભારતના સ્થાપત્યમાં અમદાવાદનું સ્થાન આગલી હરોળમાં છે. મને એનો પ્રત્યક્ષ પરિચય કરાવવા સીદી સૈયદની જાળી આગળ અને બીજી ઈમારત પાસે પણ એ લઈ ગયા. આમ મારી સવાર જો ટ્યૂશનમાં જતી તો કોઈ કોઈ સાંજનો કેટલોક ભાગ કવિની સંગતમાં જતો.

અમારો આ સંબંધ જોતજોતામાં ઘણો ઘનિષ્ઠ બન્યો અને એક દિવસ એમણે મને એમની સાથે પુનાદ્રા જવા નિમંત્રણ આપ્યું. કવિ જ્યારે રાજકુમાર કૉલેજમાં અધ્યાપક હતા ત્યારે પુનાદ્રાના દરબાર એમની પાસે ભણેલા. કવિને માટે તે ઘણો ભાવ રાખતા. એથી ઋતુ જ્યારે ખુશનુમા હોય ત્યારે થોડો સમય એમની સાથે ગાળવા નિમંત્રતા. આ વખતે અમારે ત્રણેક દિવસને માટે જવાનું હતું. વચ્ચે રવિવાર આવતો હતો એટલે વિદ્યાલયમાંની ગેરહાજરીનો પ્રશ્ન ન હતો; પરંતુ ટ્યૂશનમાંથી રજા લેવી પડે તેમ હતું અને તે મને સહેલાઈથી મળી ગઈ.

પુનાદ્રા જતાં રસ્તે પ્રકૃતિને પુરબહારમાં ખીલેલી અમે જોઈ, અને કવિ એનો પરિચય આપી વખાણ કરતાં ધરાય નહિ. એ પણ મારે માટે એક સુખદ અનુભવ હતો. દરબારે ઘણા આદરથી અમારો સત્કાર કર્યો. કવિને તેમણે પાયવંદન કર્યું. અમને બંનેને એક ઓરડામાં રહેવાની જરૂરી સગવડ કરી આપી. પહેલો દિવસ ખૂબ આનંદમાં પસાર થયો. દરબાર સાથે મોડે સુધી એમણે વાત કરી અને હું એ સાંભળતાં સાંભળતાં ક્યારે ઊંઘી ગયો તેની મને ખબર રહી નહિ. બીજે દિવસે ‘ગુજરાતનો તપસ્વી'ની કવિતા તરીકે અતિ ઉત્સાહમાં હું પ્રશંસા કરી બેઠો, અને એમનો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો. અસહકાર કરી પોતાની નોકરીનું રાજીનામું આપ્યા પછી થોડા જ વખતમાં અસહકારીઓ સાથે કવિને બગડ્યું હતું. એનાં ચોક્કસ કારણોની ખબર નથી. એક માન્યતા એવી છે કે વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્યારે ગુજરાતના એક પ્રમુખ કેળવણીકાર અને કવિ તરીકે એનું આચાર્યપદ એમને અપાશે એવી એમની ગણતરી હશે. અસહકાર કરી એમણે સૌરાષ્ટ્રની શાળાઓના ઈન્સ્પેક્ટર તરીકે પોતાની નોકરીનું રાજીનામું આપ્યું હતું અને એથી શિક્ષણક્ષેત્ર દ્વારા એ અસહકારની લડતમાં વધુ સારો ફાળો આપી શકે એવી એમની ગણતરી હોય તે સ્વાભાવિક હતું. પણ એમ બનવા પામ્યું નહિ અને મહાવિદ્યાલયનું આચાર્યપદ દિલ્હીની રામજશ કૉલેજમાંથી આચાર્ય તરીકેનું રાજીનામું આપી આવેલા ગિદવાણીજીને અપાયું. બીજું એક કારણ એવું અપાય છે કે અમદાવાદની કૉંગ્રેસ વખતે એમને જે નિમંત્રણ મળેલું તે એમના પૂરતું જ હતું. એમનાં પત્નીને એ નિમંત્રણ ન હતું.અને આમાં તેમને સભ્યતાનો અભાવ લાગ્યો અને એનાથી પણ એ છેડાઈ પડ્યા. એમનો રોષ માઝા વટાવી ગયો, ને પહેલાં અસહકારીઓ ને પછીથી ગાંધીજી ઉપર પણ તે બેફામ પ્રહારો કરવા મંડ્યા.

અસહકારીઓનો એમને જે અનુભવ થયો હશે તેમાં એમને રોષ ચઢે એવું નહિ હોય એવું તો અસહકારના પરમ ઉપાસક પણ નહિ કહે, અસહકારી છાવણીમાં જે કોઈ જોડાયા હતા તે બધા જ ઉદાત્ત આદર્શોથી પ્રેરાઈને આવ્યા હતા એવું ન હતું. એમાં કેટલાક તો ખટપટી, સત્તાલોલુપ વગેરે પણ હતા, અને એ અંગેની ફરિયાદ પણ ગાંધીજી પાસે જતી. તેનો ગાંધીજી જવાબ પણ આપતા કે નદીમાં ઘોડાપૂર આવે ત્યારે પાણી ડહોળાય અને કચરો પણ એમાં ભળે! એટલે એક મોટી લડતમાં થોડુંક અનિષ્ટ ભળે તો તેને અનિવાર્ય લેખી તેનો સામનો કરવો જોઈએ. પણ એવી ઉદારતા દાખવી શકે એવો કવિનો સ્વભાવ ન હતો. તેમણે એમના મણિમહોત્સવ વખતે અમદાવાદમાં એ વખતના ગુજરાતના અગ્રગણ્ય કાર્યકરોના નામોલ્લેખ સાથે એ બધા એકબીજા માટે શું કહે છે એનો નિર્દેશ કરતાં અસહકારીઓ એટલે બદમાશોનો સંઘ એવું અત્યંત ઉગ્ર વિધાન કર્યું. રવીન્દ્રનાથ ટાગોરને પણ બંગભંગની લડત વખતે કંઈક આવો જ અનુભવ થયેલો અને તેમણે પોતાની સંવેદનાને ‘એકલો જાને’ કાવ્યમાં વાચા આપી હતી; પરંતુ ન્હાનાલાલની જેમ તે પોતાની કડવાશને પંપાળતા રહ્યા ન હતા. એટલે ‘ગુજરાતના તપસ્વી'ના મારા ઉલ્લેખ સાથે જ એમાંની એક વ્યક્તિવિશેષને લગતી પંક્તિ તત્કાળ બદલી મને સંભળાવી. પણ એમણે ધારેલો પ્રતિભાવ મારી પાસેથી મળ્યો નહિ. મારી સાથેની એમની વાત હવે અવળે પાટે ચડી ગઈ. અને રાત્રે વળી એક બીજો સુધારો એ કવિતામાં કરી મને સંભળાવ્યો. એ કવિતામાં આવતા કસ્તૂરબાના ઉલ્લેખને, એમના રોષમાં પણ એમણે બિરદાવ્યો અને કહ્યું કે, ‘એ તો ખરેખર દેવી છે.’ પણ બીજા માટેનો એમનો રોષ માઝા મૂકતો હતો. હું એ ઉંમરે અગાઉ કહી ગયો છું તેમ વાતવાતમાં તરત જ ઊંઘી જતો એટલે એમનો એ ઉકળાટ છતાં હું ઊંઘી ગયો. પરંતુ એમને ઊંઘ આવી નહિ અને ચારેક વાગે જાગી બીજું પાઠાંતર સંભળાવ્યું. દરબાર બહુ ધીરજથી આ વાર્તાલાપ પાસેના ઓરડામાંથી સાંભળી રહ્યા હતા. એમનાથી બોલ્યા વિના રહેવાયું નહિ કે ‘આપ તો અમને કુદરતના સૌંદર્યનું દર્શન કરાવવા આવ્યા હતા તેની જગ્યાએ અમદાવાદનો ધુમાડો અહીં ક્યાં લાવ્યાં?' એ સાંભળતાં કવિ કંઈક હળવા થયા અને ત્યાર પછી ઊંઘી ગયા. એ પછી અમારા એ પ્રવાસ દરમિયાન ફરીથી એમણે એ વાત ઉપાડી નહિ.

કવિ સાથેનો મારો સંબંધ કૌટુંબિક આત્મીયતામાં પરિણમ્યો, માણેકબા અને કવિના પુત્રો અનુપમ, ડૉ. મનહર વગેરે સાથે પણ વધારે સારા સંબંધો બંધાયા. સ્નાતક થઈ વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે હું જોડાયો ત્યારે મારી નાની બહેન પાર્વતી જે તે વખતે પંદરેક વર્ષની હતી તે મારી સાથે રહી વિદ્યાપીઠની રાષ્ટ્રીય શાળામાં ભણવા આવી. એ વખતે આગાખાનના બંગલા પાસે ભુલાભાઈની ચાલ નામે ઓળખાતા એક મકાનની નદી ઉપર પડતી ભોંયરા સહિતની બે ઓરડી મેં ભાડે રાખી હતી. ભોંયરાવાળી ઓરડી રસોડા તરીકે વપરાતી. એમાં નદી બાજુએ પડતી બારી પાસેથી પૂર વખતે પાણી લગભગ એને અડીને જતાં. કવિ અહીં અવારનવાર આવતા. પાર્વતી એમની ઘણી લાડીલી બની ગઈ, અને એથી એ આવે ત્યારે દાદર ઊતરી પાર્વતી રસોઈ કરતી હોય ત્યાં ભોંયરામાં જઈ, પાટલા પર બેસી એની સાથે એને આનંદ આવે એવી વાતો કરતા; પણ એમાં ધીરે ધીરે ગાંધીજીની નિંદા પ્રવેશવા માંડી. પાર્વતી માટે આ અસહ્ય હતું; પરંતુ કવિની અદબ જાળવી એ થોડો વખત તો ચૂપ રહી. પણ જ્યારે એનાથી સહેવાયું નહિ ત્યારે એણે કહ્યું, ‘નાનાભાઈ, ગાંધીજી મારે મન બાપ જેવા છે. એ તમને જેવા લાગતા હોય તેવા ભલે; પણ મને આવું ન કહેશો.’ કવિ હસ્યા. ‘આવી આળી શાને થાય છે? જેવા હોય તેને તેવા કહીએ એમાં શું ખોટું?’ પણ પાર્વતી એકની બે ન થઈ અને એ પછી કવિએ ફરીથી આવો ઉલ્લેખ કર્યો ત્યારે પાર્વતીએ કહ્યું, ‘આવું જો તમે કહેવાના હો તો હું બોલીશ નહિ' પણ કવિ હસ્યા અને એ ધમકીને ગંભીરતાથી એમણે લીધી નહીં. એ પછી બીજે દિવસે જ્યારે કવિ આવ્યા ત્યારે એમને જોતાં એ નીચે ભોંયરામાં ઊતરી ગઈ અને બારણાં વાસી દીધાં. કવિએ બારણાં બંધ જોઈ કહ્યું, ‘પારુ, હું આવ્યો છું. બારણાં ઉઘાડ!' પણ અંદરથી કંઈ જવાબ આવ્યો નહિ. એટલે મેં કહ્યું, ‘તમારાથી રિસાઈ લાગે છે!' કવિએ ફરીથી કહ્યું, ‘પાર ઉઘાડ.’ એટલે પાર્વતીએ અંદરથી કહ્યું કે, ‘દીકરી આગળ બાપની નિંદા થાય તો દીકરી કેમ કરીને સાંભળે?' કવિ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, ‘ચાલ, હવે એવું નહિ થાય.' અને તરત પાર્વતીએ બારણાં ખોલી નાખ્યાં. કવિએ પોતાનું વચન અક્ષરશઃ પાળ્યું; અને ત્યારે કુસુમથી પણ મૃદુ અને વજ્રથી પણ કઠોર એ સુપ્રસિદ્ધ ઉક્તિ મને યાદ આવી.

પાઠકસાહેબને લઈને જેમ ન્હાનાલાલ સાથે મારો સંબંધ બંધાયો તેમ બળવંતરાય ઠાકોર સાથે પણ એમના દ્વારા પરિચય કેળવાયો. બ. ક. ઠા.ની કવિતાનો મારો પહેલો પરિચય કાવ્યસમુચ્ચય દ્વારા. જેમ ન્હાનાલાલનાં ઉત્તમ કાવ્યો પાઠકસાહેબે કાવ્યસમુચ્ચયમાં લીધાં હતાં તેમ બ. ક. ઠા.નાં કાવ્યોની એમની પસંદગી પણ એટલી જ સૂક્ષ્મતાથી થઈ હતી. એક રીતે એમ કહી શકાય કે બ. ક. ઠા.નાં કાવ્યો માટેનું વધુ આકર્ષણ આ સંચયથી થયું.

બ. ક. ઠા.નો ઘનિષ્ઠ પરિચય મને ‘કાન્તમાલા'ના એમના સંપાદનકાર્ય વખતે થયો. એમાં તેમણે મારી એક કૃતિ માગી અને મેં મારાં અપ્રગટ કાવ્યોમાંથી ‘અણદીઠ જાદુગર' મોકલ્યું. એનાથી એ ઘણા ખુશ થયા. એ કાવ્યનો ધ્વનિ અને જેમની સ્મૃતિમાં ‘કાન્તમાલા'નું સંપાદન થઈ રહ્યું હતું તે કાન્તના કરુણ અવસાન વચ્ચે જાણે કે સામ્ય હોય એવી તે વખતના સંજોગોમાં મન ઉપર અસર પડતી. કાન્તના જીવનનો અંત જાણે કોઈ અણદીઠ જાદુગરના સાદથી સર્જાયો ન હોય તેવો હતો. તે વતનથી ઘણે દૂર, કોઈ પણ સ્વજનના સાથ ને સંભાળ વિના એક રેલગાડીમાં અવસાન પામ્યા હતા. એ પછી લાંબે વખતે એ કરુણ ઘટનાની સ્વજનોને અને લોકોને જાણ થઈ હતી. એ કાવ્યમાં બ. ક. ઠા.એ થોડોક ફેરફાર કર્યો. મને તે ન ગમ્યો એટલે મેં તેમને જણાવ્યું અને જો શુદ્ધિપત્રક મુકાવાનું હોય તો તેમાં મૂળ પાઠ આપવા તેમને વિનંતી કરી. મારે માટે આ ઘણું મોટું સાહસ હતું. બ. ક. ઠા.ના આગ્રહ ઘણા જાણીતા હતા. અને એમની કવિતાની પરખ આદર પ્રેરે એવી હતી. એટલે એમણે સૂચવેલા ફેરફારને આવકારવાને બદલે મૂળ પાઠ માટે આગ્રહ રાખવો એમાં મારા જેવા એક ઊગતા જુવાન માટે અવિવેક જ લેખાય; પરંતુ મારી ઇચ્છા મુજબ શુદ્ધિપત્રકમાં મૂળ પાઠ તેમણે મૂક્યો અને મારા વ્યવહાર અંગે કશી નારાજી વ્યક્ત કરી નહિ.

બ. ક. ઠા.નું વ્યક્તિત્વ અજાણ્યાને ડારે એવું હતું. એમના અવાજમાં રહેલી પ્રૌઢી ભલભલાને આંજે એવી હતી. વાતચીત કરતાં એમની હાથની મુદ્રા, એમના મુખભાવ વગેરેની લાક્ષણિકતા આદર પ્રેરે એવાં હતાં. એથી એમના ગાઢ પરિચયમાં ન અવાય ત્યાં સુધી આપણને એમનો ડર લાગે; પરંતુ એમની કવિતા અંગે પાઠકસાહેબે જે વિધાન કર્યું હતું તેવું જ એમના વ્યક્તિત્વ અંગે હતું. એમના બાહ્ય દેખાવમાં નાળિયેરની કાચલી જેવી સખ્તાઈ વર્તાતી તો એમના અંતરમાં કોપરાનું માધુર્ય હતું. એનો મને અનેકવાર અનુભવ થયો હતો. આવો એક પ્રસંગ નોંધું–

હું રજામાં મારે ગામ ગયો હતો. બલુકાકા એ વખતે ભરૂચ હતા. જે તારીખે હું પાછો વળવાનો હતો તેનો નિર્દેશ એમને લખાયેલા એક પત્રમાં મેં કર્યો હતો. એમણે મને લખ્યું કે અમદાવાદ જતાં ભરૂચ ઊતરી એક દિવસ હું એમની સાથે ગાળું તો ઘણું સારું. પત્ર મળતાં મારા આનંદની સીમા રહી નહીં અને હું ભરૂચ ગયો. મને લેવા સ્ટેશન ઉપર એમણે એક ભાઈને મોકલ્યા હતા. ડબ્બામાંથી હું પ્લૅટફૉર્મ પર ઊતર્યો ત્યારે એક જુવાન, ‘તમે સ્નેહરશ્મિ તો નહિ?’ એમ પૂછતા મારી પાસે આવ્યા. હું નવાઈ પામ્યો. કેવી ઝીણવટથી બલ્લુકાકાએ એમને મારા પહેરવશ અને દેખાવ અંગે કહ્યું હશે કે પ્લેટફોર્મ પરની અનેક વ્યક્તિઓમાંથી વિનામુશ્કેલીએ તે મને ઓળખી શક્યા!

ભરૂચ મારે માટે નવું ન હતું. ૧૯૨૦ માં ત્યાં હું ભણવા રહ્યો હતો એટલે એના બધા ભાગથી હું પરિચિત હતો. એ વખતની એની ઘોડાગાડીઓ વડોદરાની ગાડીઓ જેવી લાક્ષણિક લેખાતી. બલ્લુકાકાના મુકામે પહોંચતાં મને ગાડીભાડું આપતાં એ જુવાને રોકી ભાડું ચૂકવી દીધું. બલ્લુકાકાને હું મળ્યો અને ચા પી થોડો વખત વાતો કરી, ત્યાં ત્રણચાર જુવાન આવ્યા. બલ્લુકાકાએ કહ્યું: ‘તમે ભરૂચ આવો અને રેવાસ્નાન કર્યા વિના જાઓ નહિ તે હું જાણું છું, એટલે તમને સાથ આપવા આ ભાઈઓને મેં કહી રાખ્યું હતું. અમદાવાદમાં તો તરવાની તક નહિ મળે એટલે તમારી તરવાની ટેવ થોડી છૂટી થઈ ગઈ હશે; પણ આ ભાઈઓના સાથમાં એ ટેવને તાજી થતાં વાર નહીં લાગે. અત્યારે ભરતી હશે એટલે કોટ પરથી ધુબાકા મારવા હશે તો તે પણ કરી શકશો.' હું તો દંગ થઈ ગયો! લાંબે વખતે રેવાજીમાં તરવાનો લહાવો. મળતાં મારા આનંદની સીમા રહી નહિ.

રાત્રે ભોજન વેળાએ અનાવિલો અને બ્રહ્મક્ષત્રિયોનાં ખાનપાન અને રીતરિવાજની વાત કરતાં તેમણે કહ્યું, ‘અનાવિલોનાં પાતરાં અને અથાણાં અજોડ છે. એટલે સંભવ છે કે તમારા માટે આજે અમારી ભરૂચની ઢબે જે પાતરાં કરાવ્યાં છે તે તમારાં જેવાં કદાચ નહીં લાગે.’ હું હસ્યો. મેં કહ્યું, ‘તમે કહો છો ત્યારે ખબર પડે છે કે અનાવિલોનાં પાતરાં બહુ સારાં હોય છે! પણ ભરૂચી પાતરાંનો સ્વાદ મેં લીધેલો છે અને મેં એ સારી રીતે માણ્યાં છે.’ તેમણે કહ્યું, ‘તમે લોકો ઘીતાવડામાં એ તૈયાર કરો છો તેનાથી એમાં જે કુમાશ આવે છે તે બીજે આવવી મુશ્કેલ છે.’ આમ દરેક વાતમાં જીવનનું સૂક્ષ્મ અવલોકન, તેમને મળવાનું થાય ત્યારે, વખતોવખત જાણવા મળતું અને તેમાં જે ઉગ્ર અભિપ્રાય માટે એ જાણીતા હતા તેની જગ્યાએ એમની ગુણગ્રાહિતા ઊપસી આવતી.

એ હળવો વિનોદ પણ કરતા. પોતાને અંગે એ કહેતા, ‘ચિત્રગુપ્તના ચોપડામાં એની ગફલતથી મારું પાનું ખોવાઈ ગયું છે. એ જ્યારે હિસાબ કરવા બેસશે ત્યારે એનો પત્તો ખાશે. શી ખબર એને એ માટેની ફુરસદ ક્યારે મળશે?' મહદંશે એ મુંબઈ રહેતા હતા ને ત્યાં મારે કોઈવાર જવાનું થતું ત્યારે હું અચૂક એમને મળતો અને એ જ પ્રમાણે એ અમદાવાદ આવે ત્યારે મારે ઘેર આવ્યા વિના ભાગ્યે જ જાય. અમારા બંને વચ્ચે ઉંમરનો જે મોટો ફેર હતો એ જોતાં જુવાનો સાથે એ જે આત્મીયતા સાધી શકતા એ એમને માટે આદર પ્રેરે એવું હતું.

અમદાવાદમાં એ વખતે જે સાહિત્યસ્વામીઓ હતા એમના સીધા પરિચયમાં આવવાનું ક્વચિત જ બનતું; પણ એમના નામનો મારા મન પર ઘણો પ્રભાવ હતો. શ્રી રમણભાઈ નીલકંઠ, શ્રી વિદ્યાબહેન, શ્રી કે. હ. ધ્રુવ વગેરે એ વખતના સાહિત્યજગતનાં જાણીતાં નામ હતાં. એમને જોવાની અને સાંભળવાની તક કોઈ કોઈ વાર પ્રેમાભાઈ હૉલમાં અમને મળતી. એ અરસામાં ચિત્રકાર તરીકે શ્રી રવિશંકર રાવળનું નામ જાણીતું થયું હતું અને કનૈયાલાલ મુન્શીના ‘ગુજરાત' અને શ્રી ચાંપશી ઉદેશીના ‘નવચેતન‘માં છપાતાં એમનાં ચિત્રો અમને ગમતાં. વિદ્યાપીઠમાં ચિત્ર માટે કોઈ તાલીમી વ્યવસ્થા ન હતી; પરંતુ તેના પ્રેરક વાતાવરણમાં જો કોઈનામાં એના બીજ પડ્યાં હોય તો તેને પાંગરવાની તક મળતી. એ મુજબ વિદ્યાપીઠમાં ભણતા કનુ દેસાઈ કૃપાલાનીજીની પ્રેરણાથી રવિભાઈ પાસે થોડો વખત તાલીમ લઈ શાંતિનિકેતન ગયા અને ત્યાં નંદબાબુની દોરવણી હેઠળ કલાસાધના કરી અતિ અલ્પ સમયમાં ગુજરાતના એક નામી ચિત્રકાર બન્યા.