સાફલ્યટાણું/૨૧. વિકાસ, વિઘ્ન ને નવું સોપાન

From Ekatra Wiki
Revision as of 13:49, 6 April 2025 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૨૧. વિકાસ, વિઘ્ન ને નવું સોપાન | }} {{Poem2Open}} કવિતા લખવાની મારી પ્રવૃત્તિથી મારા સંપર્કોનું ક્ષેત્ર વિસ્તાર પામતું ગયું. મારાથી બે વર્ષ મોટા એવા સમવયસ્ક ચંદ્રવદન મહેતાનો મને પર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૧. વિકાસ, વિઘ્ન ને નવું સોપાન

કવિતા લખવાની મારી પ્રવૃત્તિથી મારા સંપર્કોનું ક્ષેત્ર વિસ્તાર પામતું ગયું. મારાથી બે વર્ષ મોટા એવા સમવયસ્ક ચંદ્રવદન મહેતાનો મને પરિચય થયો. એમની કવિતા મને ગમતી. એમની જે અલગારી લાક્ષણિકતાઓ માટે એ સૌના પ્રિય બને છે તેનાં સ્પંદનો આજથી પાંચછ દાયકા ઉપર પણ અનુભવાતાં, અને એથી એમને મળવાનું થતાં ઘણો આનંદ થતો. એ જ પ્રમાણે શ્રી ધૂમકેતુ પણ આપણા સાહિત્યક્ષેત્રે એક તેજસ્વી સિતારાની જેમ ઉદય પામી રહ્યા હતા. એમની ટૂંકી વાર્તાએ ગુજરાતના ચિત્તમાં ઘણું આકર્ષણ જમાવ્યું હતું. એ સર ચીનુભાઈની ઘરની શાળામાં શિક્ષક તરીકે કામગીરી બજાવતા હતા. એમને અવારનવાર મળવાનું થતું. શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ એમની નવલકથાઓ માટે આ પહેલાંના જાણીતા થયા હતા અને ‘સાહિત્યપ્રિય’ તખલ્લુસથી ‘પ્રજાબંધુ'માં આવતી એમની સાહિત્યચર્ચાથી સાહિત્યજગતમાં આદરને પાત્ર બન્યા હતા. એ જ અરસામાં શ્રી રવિભાઈ અને શ્રી બચુભાઈએ ‘કુમાર’નું પ્રકાશન આરંભ્યું. એની શરૂઆતથી જ સાહિત્ય અને કલાના એક નવા આવિર્ભાવ જેવું લોકોના મનમાં એણે ઘણું આકર્ષણ જમાવ્યું. આવા સંદર્ભોમાં, ઊગતા લેખકો માટે ઘણું ઉત્સાહભર્યું વાતાવરણ હતું: ભજવવા યોગ્ય સરસ નાટિકા માટે જાણીતા થયેલા શ્રી યશવંત પંડ્યાની સાહિત્યપ્રવૃત્તિ પણ આ જ અરસામાં શરૂ થઈ અને તેમની સાથે પણ મને સારો સંબંધ બંધાયો. વિદ્યાપીઠમાં પણ એ વખતના સર્જાતા સાહિત્યની ચર્ચાઓ થતી અને અમારાં છાત્રાલયોમાં કોઈ કોઈ વાર સાહિત્યકારોને અમે નિમંત્રતા અને ત્યારે સાહિત્યજગત સાથેના અમારા સંપર્કો વધતા.

એ વખતે ભણેલી અને ઉજળિયાત બહેનોના ગરબાની પ્રવૃત્તિઓ નવો વળાંક લઈ રહી હતી. એમાં સાઠોદરા નાગરોના ગરબા ઘણા લોકપ્રિય બન્યા હતા અને એ માણવા માટે પડાપડી થતી. મારી સાથે ભણતી બહેનો પૈકી ડૉ. કાનુગાનાં પુત્રી સુમિત્રા મને લેડીઝ ક્લબમાંના એવા એક ગરબા ઉત્સવમાં લઈ ગયાં. ત્યારે લાઉડ સ્પીકરોનો ઉપયોગ થતો ન હતો એટલે અવાજને તેના નૈસર્ગિક રૂપમાં માણવાની સારી એવી તક રહેતી. એ બહેનોને કોકિલકંઠી કહી નવાજવાનું મન થાય એવા સરસ કંઠ હતા. પરંતુ મારા જેવા જેમ એના પ્રશંસકો હતા તેમ આપણી ગ્રામીણ બહેનોના ગરબામાં જે જોમ, જે હલક, જે થનગનાટ અને તાલીઓનુ જે કૌશલ્ય હતું તેની સરખામણીમાં આ બધી નગરયુવતીઓની અભિવ્યક્તિ મંદ હોવાનું કહેનારા પણ હતા. ડૉ. હરિપ્રસાદ દેસાઈ તો વારંવાર કહેતા કે તાળી પાડતાં પણ રખે ને નાજુક હાથમાં વાગી જાય એ રીતે હળવેથી તાળી પડાતી! તે વખતે આ ગરબા જોવા લોકોની ભીડ જામતી; પણ છતાં વખાણ થતાં પેલી ગ્રામીણ બહેનોના ગરબાનાં! એમાં તે વખતે કંઈક તથ્ય હશે પણ ખરું; પણ પોળના ગરબાઓ ઉપરાંત જાહેર સંસ્થાઓ દ્વારા યોજાતી થયેલી ગરબાની આ પ્રવૃત્તિએ વખત જતાં જે પ્રગતિ સાધી તેણે કલાક્ષેત્રે તેમ જ સાહિત્યક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે એમ આજે ઠેર ઠેર યોજાતા ગરબા સમારંભોમાંથી આપણે જોઈ શકીએ છીએ.

પરંતુ ગરબાની લાક્ષણિકતા લેખાય તે સમૂહનૃત્ય અને સમૂહગાન પૈકી સમૂહગાનને નૃત્ય ને અભિનયે જાકારો દીધો! એ લાઉડ સ્પીકરોના ઉપયોગને આભારી છે. એને લઈને ગરબામાં રહેલા એક મહત્ત્વના તત્ત્વને હાનિ પહોંચી છે. એ તરફ હવે તજ્જો સભાન થતા હોય એમ જણાય છે. વખતોવખત યોજાતી કેટલીક ગરબા હરીફાઈઓમાં બહારથી ગવડાવવાની મના હોય છે ને ભાગ લેનાર બધી બહેનોએ ગાવું જ જોઈએ એવો આગ્રહ રખાય છે. રાસગરબા શિક્ષણસંસ્થાઓમાં ઠેઠ પછાત દેખાતાં ગામડાં સુધી ઉત્સાહપૂર્વક ઇતર પ્રવૃત્તિના એક મહત્ત્વના અંગરૂપ બન્યા છે, અને શાળાની ગુણવત્તાના અંદાજમાં એની પણ નોંધ લેવાય છે; પણ આ સાથે એક નવું આક્રમણ ગરબા ઉપર થઈ રહ્યું છે, એ છે ડિસ્કો ગરબાનું. સંવેદનશીલ લોકોને લાગવા માંડ્યું છે કે આમાં ગરબો ખોવાઈ રહ્યો છે.

એ વખતના ગરબા આવા ભયથી મુક્ત હતા. કૉલેજમાં ભણતી કે ભણી ગયેલી બહેનોનો એ ગરબાઓમાં નોંધપાત્ર ફાળો હતો. દા. ત. લેડીઝ ક્લબના જે ગરબાનો મેં ઉલ્લેખ કર્યો છે તે ગરબો ઝિલાવનાર ડૉ. સુમંત મહેતાનાં પુત્રી પ્રેમલીલાબહેન હતાં. એમના કંઠમાં જે માધુર્ય હતું તે હજુ પણ સ્મરણમાં ગુંજે છે! એવી જ રીતે વિનોદિનીબહેન નીલકંઠ વગેરે પણ એમાં હોવાનું મને યાદ છે. આવા ગરબા સર ચીનુભાઈને ત્યાં પણ યોજાતા, અને તેમાં એકાદ વાર મારી સાથે ભણતા શ્રી ચૈતન્યપ્રસાદ દીવાનજી મને લઈ ગયા હતા. આ અનુભવોએ મને આપણા રાસસાહિત્ય તરફ વધુ આકર્ષ્યા અને ન્હાનાલાલના રાસમાંથી કોઈક જો કોઈ જગ્યાએ ગવાવાના હોય તો અચૂક રીતે હું ત્યાં પહોંચી જતો.

આ પછી સુમિત્રાબહેન કાનુગાએ એક વખત એમને ઘેરે મારા કાવ્યગાનનો નાનકડો કાર્યક્રમ ગોઠવ્યો. એમાં અમારી સાથે ભણતી બહેનો પૈકી શ્રી અંબાલાલ સારાભાઈના કાકાનાં પુત્રી ઈન્દુમતીબહેન, ડૉ. હરિપ્રસાદ દેસાઈનાં પુત્રી નિર્મળાબહેન, સરદાર વલ્લભભાઈનાં પુત્રી મણીબહેન, કીકુભાઈ દેસાઈ, ચૈતન્યપ્રસાદ દીવાનજી, ઈન્દુલાલ યાજ્ઞિક વગેરેને નિમંત્ર્યાં હતાં. એ કાર્યક્રમ લગભગ બે ક્લાક ચાલ્યો. આ પહેલાં અસહકારની લડત નિમિત્તે અનેક જાહેરસભાઓમાં મેં કાવ્યગાન કર્યું હતું; પણ આવો કાર્યક્રમ મારે માટે પહેલી જ વખત યોજાયો અને એણે મારા ઉત્સાહને અને આત્મવિશ્વાસને વધાર્યો. આ પ્રસંગ પછી મને કેટલાક મિત્રોના વિશેષ સંપર્કમાં આવવાનું બન્યું અને આ પૈકી ઈન્દુબહેન સાથેનો સંબંધ શિક્ષણક્ષેત્રના અમારા સંયુક્ત કાર્યમાં જીવનભરનો બન્યો.

ઈન્દુબહેનની પાસે સાહિત્યની દૃષ્ટિએ ઉત્તમ લેખી શકાય એવી ગીતોની ઢગલાબંધ રેકર્ડ હતી. મારે માટે એ બધી રત્નોની ખાણ જેવી બની ગઈ. એમને ત્યાં એમાંની ટાગોરનાં ગીતોની રેકોર્ડ સાંભળવા હું વારંવાર જતો અને બંગાળી જાણતો ન હોવા છતાં એકનું એક ગીત ફરી ફરીને સાંભળતાં એનો અર્થ કેટલાક પ્રમાણમાં મને સમજાતો. એ ગીતોના લય ને સંગીત મારા મનમાં ગુંજતાં થઈ જતાં. એમાંથી સર્જાઈ ‘અર્થ'માંની મારી કેટલીક. કવિતાઓ, જેણે એના લયથી તે વખતે ઠીક ઠીક ધ્યાન ખેંચ્યું હતું.

આમ અમદાવાદમાં હું સારી રીતે પ્રગતિ કરી રહ્યો હતો ત્યાં એક અણધાર્યું વિઘ્ન આવી પડ્યું. વાંચવામાં મને થોડીક મુશ્કેલી જણાતાં હું ચશ્માં માટે ડૉકટર પાસે ગયો. તેમણે આંખ તપાસી કહ્યું કે મારી આંખમાં ખીલ છે. એનો ઈલાજ કરવો જોઈએ. આથી ડૉ. એચ. એમ. દેસાઈની ટ્રીટમેન્ટ મેં લેવા માંડી. તે વખતે ખીલ માટે અદ્યતન લેખાય એવા બધા ઉપચાર ડૉ. દેસાઈએ માત્ર કાળજીથી જ નહિ, ખૂબ લાગણીપૂર્વક કર્યા.

ઠીક ઠીક સમય એ ઉપચાર પાછળ ગયો પણ કેમે કરીને ખીલ મક આપતા ન હતા; પરંતુ ડૉકટરે મને ધીરજ રાખી લાંબો સમય સુધી ટ્રીટમેન્ટ લેવી પડશે એમ જણાવી હું જાતે આંખનાં પોપચાંઓ ઉથલાવી તે વખતે વપરાતાં એચ. પી. લોશનથી ધોઈ શકું એ શીખવ્યું. એ માટે અન્ડાઈન આદિ સાધનોની પણ તેમણે મને માહિતી આપી અને એમણે સૂચવેલાં ટીપાં અને મલમનો લાંબા વખત સુધી ઉપયોગ કરવાનું મને સૂચવ્યું. એ પ્રમાણે હું આંખની તકલીફમાં ઊંડો ઊતરી ગયો. પરિણામે દવાઓને કારણે આંખ લાલ રહેવા લાગી. કાળાં ગોગલ્સનો ઉપયોગ મારે શરૂ કરવો પડ્યો અને એ બધાંને કારણે એક બાજુથી મારા ભણતરમાં અવરોધ ઊભો થયો અને બીજી બાજુથી એવી આંખ સાથે ટ્યૂશનમાં જવું હિતાવહ ન હોઈ મારે એ છોડવાં પડ્યાં.

કમળાબહેનને મારી આંખની તકલીફની જાણ થતાં તેમણે ટ્રીટમેન્ટ માટે મને મુંબઈ બોલાવ્યો. મુંબઈમાં એ વખતે આંખના જે પ્રસિદ્ધ ડૉકટરો હતા તે પૈકી ડૉ. પ્રભાકર પાસે કમળાબહેન મને લઈ ગયાં. મેં જે ટ્રીટમેન્ટ લીધી હતી એનો ઇતિહાસ પૂછી તેમણે કહ્યું કે એ ટ્રીટમેન્ટ બરોબર હતી. અમદાવાદમાં જે પ્રયોગ આંખ ઉપર થયો ન હતો તે કાર્બન ડાયોક્સાઈડ સ્નોનો પ્રયોગ તેમણે કર્યો; પણ એનું પરિણામ પણ ધારેલું આવ્યું નહિ અને મારી આંખ ઉપર ખીલને અબાધિત સામ્રાજ્ય જમાવવાનો પરવાનો મળી ગયો. હું હતાશ બન્યો અને ખીલનાં પરિણામોના કોઈ સ્પષ્ટ ખ્યાલો વિના અનેક શંકાકુશંકામાં ગબડી પડ્યો. દક્ષિણ ગુજરાતમાં તો આંખના ખીલ વ્યાપક હતા. અનેક લોકો ખીલવાળા હોવા છતાં પોતાના બધાં જ કામો સારી રીતે પાર ઊતારતા હતા. આ બધું તો મને પાછળથી ધીરે ધીરે સમજાતું ગયું, એટલું જ નહિ પણ ભાઈ ઉમાશંકર પણ મારા સમાનધર્મા હતા એ એમણે મને જણાવ્યું ત્યારે હું એ બાબતમાં તેમનો સલાકાર બન્યો.

મુંબઈમાં હતાશ થયા પછી હું ચીખલી આવ્યો. ત્યાં કાશીબાએ બધી વાત સાંભળી કહ્યું કે, ‘તેં તો કાગનો વાઘ કરી મૂક્યો છે. ખીલ તો મને પણ છે, પણ એ ક્યાં મને નડે છે?’ આમ મને સાંત્વન આપ્યું. એમની એક બહેનપણી ખીલના ઉપચાર કરવામાં ઘણી કુશળ હતી એની પાસે ઘરગથ્થુ ઈલાજ કરાવવાનું એમણે સૂચવ્યું. એ ઈલાજ હતો આંખના પોપચાના અંદરના ભાગ ઉપર બગાઈ ફેરવવાનો! પહેલાં તો બગાઈ જેવું જંતુ આંખ જેવા નાજુક ભાગ ઉપર મુકાય એ જ મને અકળાવે એવું હતું. પણ કાશીબાએ અમારા ગામમાંથી જ એ પ્રયોગથી સારા થયેલા ત્રણચાર કેસ મને બતાવ્યા અને મને પૂછ્યું કે ‘વિશ્વાસ ન હોય તો હું તને આવું જોખમ લેવા દઉં?' ડૂબતો માણસ જેમ તણખલાને પકડે તેમ હું એ માટે તૈયાર થયો અને એ પ્રયોગ મેં થવા દીધો. બગાઈ ફેરવ્યા પછી તરત કંઈક દવા નાખી આંખે પાટો બાંધી દીધો. બીજે દિવસે સવારે પાટો છોડી પેલી બહેને ગરમ પાણીમાં કોઈક પાવડર નાખી, રૂથી મારી આંખ સાફ કરી. ત્રણચાર દિવસ બીજી કોઈ પણ દવા નાખ્યા વિના એણે આંખને આ રીતે સવાર-સાંજ સાફ કરી. આંખની રતાશ કંઈક ઓછી થઈ. મને લાગ્યું કે કંઈક ઠીક હતું. એ બહેને આંખમાં બીજાં કોઈ ટીપાં ન નાખતાં પોપચાં ઉથલાવી એના પર ઠંડા પાણીની ધાર કરવાની સલાહ આપી. એ માટે નહાતી વખતે ચોખ્ખું પાણી અલગ રાખી ધાર કરવાની ટેવ પડે તો જતે દહાડે પોપચાં ઘણાં સુધરી જાય એવી એમની સલાહ મારે ગળે ઊતરી ગઈ.*

આ બધી દોડાદોડીમાં મારું ભણતર કથળી ગયું અને ટર્મ ભરાય એવી શક્યતા નહિ રહી હોવાથી મારે એ વર્ષ પૂરતો અભ્યાસ પડતો મૂકવો પડ્યો. આ સંજોગોમાં કમળાબહેને થોડોક સમય તેમની સાથે ગાળવા મને બોલાવ્યો, એ વખતે દુર્ભાગ્યે મારા મિત્ર કાંતિલાલ કાપડિયા ગંભીર માંદગીમાં પટકાયા હતા એટલે મને થયું કે એમને પણ એમની માંદગીમાં થોડા દિવસ હું સાથ આપી શકીશું. મુંબઈ ગયા પછી ડૉ. પ્રભાકરને હું મળ્યો. તેમણે આંખ તપાસી કહ્યું કે ખીલ ડોરમન્ટ-સુસ્ત સ્થિતિમાં હતા. જ્યાં સુધી એ કોઈ ઉપદ્રવ ન કરે ત્યાં સુધી આંખને ચોખ્ખી રખાય તો ખીલની તકલીફ ઓછી થાય. આ ખરું પડ્યું. ખીલ મટ્યા નહિ; પરંતુ પીડાકારક રહ્યા ન હતા. આજે પણ મારી આંખના ડૉકટર મને કહે છે કે મારા એ જન્મના સંગાથી મારા પોપચામાં ડોરમન્ટ થઈ પડ્યા છે; ને હું મર્યાદિત રીતે લેખન-વાચન કરતો રહું છું.

મુંબઈ થોડો સમય કમળાબહેન અને કાંતિલાલના સાંનિધ્યમાં ગાળી હું ફરીથી ચીખલી આવ્યો. ત્યાં આવ્યા પછી આઠદસ દિવસ વીત્યા નહિ હોય ત્યાં એક અણધાર્યો વજ્રાઘાત અમારા ઘર ઉપર આવી પડ્યો. મારો નાનોભાઈ ગુલાબ એ વખતે જી.ટી.બોર્ડિંગમાં રહી, વિલસન કૉલેજમાં ભણતો હતો. હું મુંબઈમાં એ દરમિયાન અવારનવાર તેને મળતો અને તે પણ મને મળવા આવતો. અમે છેલ્લા છૂટા પડ્યા ત્યારે તે તદ્દન સાોસમો હતો; તેટલું જ નહિ પણ તેણે એક કુસ્તીની હરીફાઈમાં મેળવેલા વિજયની વાત પણ મને ઉમળકાથી સંભળાવી હતી. એ વખતે મારી કલ્પનામાં પણ ન હતું કે ટાઈફૉઈડથી એ પટકાઈ પડે!

[1]

મારા મિત્ર મનુભાઈ નાયક એ વખતે મુંબઈની નૅશનલ મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતા હતા. તે ગુલાબને તાવ સાથે ચીખલી લઈ આવ્યા. એ જમાનામાં ટાઈફૉઈડ યમના તેડાના પર્યાય શબ્દ જેવી સંજ્ઞા હતી. અખૂટ આશાવાદ છતાં મારી હિંમત ભાંગી ગઈ. પણ કાશીબા દિવસ-રાત જોયા વિના ખડે પગે એની પથારી પાસે જ રહ્યાં.

ગુલાબની માંદગી ઘણી લંબાઈ. ૬૩ દિવસે તેનો તાવ ઊતર્યો. એના માથાના વાળ પણ ખરી પડ્યા. એ નવે અવતારે પાછો આવ્યો. આ માંદગીને લઈને એની લાંબી ગેરહાજરી છતાં જી.ટી. બોર્ડિંગમાં સંચાલકોની સહાનુભૂતિથી એનું સ્થાન કાયમ રહ્યું; એટલું જ નહિ, વિલસન કૉલેજના પ્રિન્સિપાલે પણ માંદગીને કારણે એની ટર્મના ખૂટતા દિવસો માફ કરી પ્રથમ વર્ષની પરીક્ષામાં બેસવાની એને તક આપી અને એમાં એ પ્રથમ શ્રેણીથી ઉત્તીર્ણ થયો.

આમ લગભગ એક આખું વર્ષ અમદાવાદ બહાર ગાળી વિદ્યાભ્યાસ ફરીથી ચાલુ કરવા હું અમદાવાદ ગયો. આ વખતે વિદ્યાપીઠનું નવું છાત્રાલય જેને પ્રાણજીવન છાત્રાલયનું નામ અપાયું હતું તેમાં મને જ્ઞા મળી. દરેક વિદ્યાર્થીને મોટે ભાગે એક ઓરડી આપવામાં આવતી. તે વખતે આ છાત્રાલય અમદાવાદથી ઘણું દૂર લેખાતું. આજના જેવા ડામરના રસ્તા વિનાની કપચીના રસ્તે અવરજવર થતી. સામાન સાથે આવવાનું હોય તો જ ઘોડાગાડીનો ઉપયોગ થતો, નહિ તો અમે એ બધો રસ્તો કાં તો પગપાળા નહિ તો સાઈકલથી કાપતા. અભ્યાસનું મારું આ છેલ્લું જ વર્ષ હોઈ ટ્યૂશન વિના કમળાબહેનની અને કાશીબાની મદદથી મેં ચલાવ્યું. મારા વિષયો પૈકી અર્થશાસ્ત્રનો વિષય ઈન્દુબહેનની સાથે સ્વાધ્યાય કરી મેં તૈયાર કર્યો. એ નિમિત્તે ઈન્દુબહેનનાં માતુશ્રી માણેકબાનો મને ગાઢ પરિચય થયો. તે વખતે તો મને ક્લ્પના સરખી પણ ન હતી કે એમની વાત્સલ્યભરી પ્રેરણા હેઠળ એમની સાથે વિદ્યાવિહારમાં સંચાલનમાં હું સક્રિય રીતે જોડાઈશ.

સ્નાતકની પરીક્ષામાં હું સારી રીતે ઉત્તીર્ણ થયો; પરંતુ મારે જે પ્રથમ સ્નાતકની પરીક્ષામાં હું સારી રીતે ઉત્તીર્ણ થયો; પરંતુ મારે જે પ્રથમ શ્રેણી મેળવવી હતી તે મને મળી નહિ. ઓગણસાઠ ટકાથી થોડાક વધુ માર્કથી હું ઉત્તીર્ણ થયો. હિંદીમાં જો મને થોડાક વધુ માર્ક મળ્યા હોત તો પ્રથમ શ્રેણી મને મળી શકત.

આમ છતાં સમાજશાસ્ત્રમાં મારું સ્થાન પ્રથમ રહ્યું અને ગુજરાતીમાં ૭૩% માર્ક મેળવી હું એ વિષયના પ્રથમ પારિતોષિકને પાત્ર બન્યો.

  1. * બગાઈવાળો પ્રસંગ હું એથી નોંધું છું કે આપણા દેશમાં જે ઘરગથ્થુ ઉપચારો લેવાતા અને તેમાંના કેટલાક અસરકારક બનતા તે અંગે જાણવા કે સમજવાની કોઈ જિજ્ઞાસા આપણામાં નથી! કોઈ પરદેશી આવી આપણને એ બતાવે તો આંખ મીંચી આપણે અહોભાવથી તેને આવકારીએ છીએ!