સાફલ્યટાણું/૨૫. સત્યાગ્રહપરિત્રાના તંત્રીપદે
સુરતથી શ્રી જુગતરામ દવેના તંત્રીપદ હેઠળ એક દૈનિક ‘સત્યાગ્રહપત્રિકા' શરૂ થઈ હતી. તેની જવાબદારી સંભાળી લેવાનું મને સોંપાયું. મારી ઇચ્છા ગાંધીજી મીઠાના કાયદાનો ભંગ કરે તે પછી તરત એમને પગલે સત્યાગ્રહ કરવાની હતી; પરંતુ મને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી ‘સત્યાગ્રહપત્રિકા' ચાલુ રહે ત્યાં સુધી એ જવાબદારી ઉપાડી મારે જુગતરામભાઈને લડત માટે અનુકૂળતા કરી આપવી. એ કામ કરતાં જેલમાં જવું પડે તે સિવાય બીજી કોઈ રીતે મારે જેલ વહોરવી નહિ. એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે આ આદેશ મેં ઉપાડી લીધો અને શ્રી જુગતરામભાઈ પાસેથી તંત્રીપદનો ભાર મેં સ્વીકાર્યો. મારા સાથીઓમાં પાટીદાર આશ્રમના શ્રી ભાઈલાલભાઈ પટેલ અને શ્રી નરોત્તમભાઈ મુખ્ય હતા. જોતજોતામાં અમારો સંબંધ ઘણો ઉષ્માભર્યો અને ઘનિષ્ઠ બન્યો.
મારે માથે ગાંધીજીની દાંડીયાત્રાના રોજબરોજના હેવાલ તૈયાર કરવાનું આવ્યું. એ નિમિત્તે ગાંધીજીની ટુકડી જ્યાં મુકામ કરે ત્યાં પહોંચી જઈ ત્યાંથી જરૂરી માહિતી ભેગી કરી પત્રિકાની ઑફિસે પાછા આવી હેવાલ તૈયાર કરી હું છાપવા આપતો. આ મુજબ દરરોજ અહેવાલો પત્રિકામાં પ્રસિદ્ધ થતા. પત્રિકાએ ઘણું. આકર્ષણ જમાવ્યું અને જોતજોતામાં એની ગ્રાહકસંખ્યા ઘણી વધી ગઈ. પરિણામે રોજની છત્રીસ હજાર જેટલી નક્લ લોકો પાસે જતી થઈ. મારી આ કામગીરીની અસરકારકતાથી પ્રેરાઈ કોંગ્રેસવતી અંગ્રેજીમાં અહેવાલો આપવાનું કામ પણ મને સોંપાયું. આથી ગાંધીજીને પણ અવારનવાર મળવાનું થતું. છઠ્ઠી એપ્રિલે એમણે જ્યારે મીઠાના કાયદાનો ભંગ કર્યો ત્યારે ત્યાં હાજર રહેવાની તક મને મળી ન હતી; પરંતુ બપોરે હું જ્યારે એમના નિવાસે પહોંચ્યો ત્યારે એની ચારે બાજુ નજર કરતાં એક વિરલ દૃશ્ય જોવા મળ્યું. એક બાજુ અફાટ સાગર એનાં પ્રચંડ મોજાં સાથે ઊછળી રહ્યો હતો, તો બીજી બાજુ વિશાળ માનવ મહેરામણ હેલે ચઢ્યો હતો. આ દૃશ્ય લાગલગાટ ત્રણચાર દિવસ જોવાનું મળતાં ગાંધીજીની કુટિરમાં જ બેઠાં બેઠાં એક કાવ્ય મને સૂઝ્યું. એ વખતે મણિલાલ ગાંધી ગાંધીજીના પગનાં તળિયાંમાં ઘી લગાડી રહ્યા હતા. સરોજિનીદેવી મુગ્ધતાથી વિશાળ માનવ મેદનીમાંથી આવતા નારામાં લીન થઈ ગયાં હતાં. શ્વેતકેશી વયોવૃદ્ધ અબ્બાસ તૈયબજી ગાંધીજીના કોઈ નિવેદન પર નજર નાખતા વિચારમગ્ન સ્થિતિમાં નીરવ બેઠા હતા. આ પ્રેરણા હેઠળ થોડી જ મિનિટમાં મેં એક કાવ્ય લખ્યું. તેની કેટલીક કડીઓ અહીં ઉતારુંઃ
“સાગરની છોળોમાં આજે
ધોમ ધખેલી ધરતી આરે,
વનવગડાને ડુંગર – ધારે,
ગાજે ગેબી એક અવાજ-
પૂર્ણ સ્વરાજ! પૂર્ણ સ્વરાજ!
આવે! આવે! મરદો આવે -
ખેતર છોડી ખેડૂત આવે,
શાળો છોડી વજ્રકર આવે,
આવે આખો વીર સમાજ,
પૂર્ણ સ્વરાજ! પૂર્ણ સ્વરાજ!
એક પડે ત્યાં લાખ ધસે છે,
કેદો દેખી મર્દ હસે છે,
બંદૂક દેખી છાતી ધરે છે,
ખાખ બને છે પાપી રાજ!
પૂર્ણ સ્વરાજ! પૂર્ણ સ્વરાજ!
આ કાવ્ય લખાઈ રહ્યા પછી મારી સ્થિતિ ટાગોરે એક કાવ્યમાં ઘૂંટેલા ભાવ જેવી બની ગઈ. એ મુજબ, “યારે તારા ચરણની રજમાત્ર યે પામીશ ત્યારે તે વાત કેમ છાની રાખી શકાશે? ઘરે ઘરે જઈને સૌ કોઈને બતાવી કહીશ કે જુઓ, આ મને લાધ્યું છે! આ મને લાધ્યું છે!' સૌ કોઈને આ હું સંભળાવું એવી તીવ્ર ઝંખનાએ મારા મનનો કબજો લીધો, અને હિંમત કરી ગાંધીજીને એ કાવ્ય મેં સંભળાવ્યું. સાંજે પ્રાર્થનાસભામાં એ ગીત ગાવાનું સૂચન થયું. મારા આનંદને સીમા રહી નહિ.
સાંજે ઉમેદરામે વિરાટસભામાં એ ગીત ઝીલાવ્યું. ધ્રુવપદ તરીકે આવતું ‘પૂર્ણ સ્વરાજ!’ લોકો સમૂહમાં એકસાથે ઉપાડતા ત્યારે સમુદ્રમાં ઉપરાઉપરી આવતાં મોજાંની જેમ ‘પૂર્ણ સ્વરાજ!' ‘પૂર્ણ સ્વરાજ!' સભામાંના છેક દૂર દૂરના લોકો સુધી પડઘા પાડતું પ્રસરી જતું. બીજે દિવસે સવારે આ કાવ્ય ‘સત્યાગ્રહપત્રિકા’માં છપાયું અને સરકારે પ્રતિબંધિત કર્યું, એટલે તો લોકોએ ઠેર ઠેર એને જોરથી ઉપાડી લીધું.
કાવ્યના આ નશાની અસર હેઠળ પત્રિકામાંનાં મારાં લખાણોમાં પણ નવા ઉન્મેષો આવવા માંડ્યા. નવી કવિતાઓ પણ લખાતી થઈ. એમાંનું એક કાવ્ય જેની થોડીક કડી મને યાદ રહી છે તે લોકગીતની જેમ સરઘસોમાં અને સભાઓમાં ખુમારી સાથે ગવાતું થયું. શાળામાં ભણતાં પાઠ્યપુસ્તકમાં શીખવી પડેલી-
Ru'e Britannia! Britannia rule the waves
Britons never never shall be slaves.'
કવિતા અને એ સાથે બ્રિટને પોતાને માટે અપનાવેલા દરિયાની રાણી'ના બિરુદને પડકારતાં મેં ગાયું-
દરિયો ડોલે હો! પેલો દરિયો ડોલે
માઝા મૂકી મૂકી પેલો દરિયો બોલે
કોની રાણી તું? બોલ કોની રાણી?
કોણે બનાવી તને મારી રાણી?
પાપો ફૂટે રે તારાં પાપો ફૂટે
સાંધે સાંધા આજ તારા તૂટે!
દરિયો ડોલે હો પેલો દરિયો બોલે
દરિયાની રાણીનાં પોગળ ખીલે.'
આ ગીતમાં લોકો પોતાને મનગમતા સુધારાવધારા કરી અંગ્રેજ અમલ તરફના પોતાના રોષને બને તેટલી ઉગ્રતાથી અભિવ્યક્તિ આપવા મથતા; અને બહુજનસમાજમાંથી લાધતા સમાનધર્મીઓથી મારું મન પુલકિત થતું.
રોજની મારી આ દાંડીયાત્રાની પ્રત્યેક પળનો પૂરેપૂરો કસ હું કાઢતો. ‘સત્યાગ્રહપત્રિકા’ જયાં છપાતી તે નવયુગ પ્રેસ મારું નિવાસસ્થાન બન્યું હતું. ત્યાં માળા ઉપર એક બારીના પાટિયા ઉપર મોડી રાતે છેલ્લાં પ્રૂફ તપાસી લગભગ એકાદ વાગે હું સૂઈ જતો અને પાંચ વાગે ઊઠી ઉતાવળથી નાહી, કપડાં ધોઈ, પ્રેસનો એક કારીગર મને ચા બનાવી આપતો તે પી અમદાવાદથી સવારે સાતના અરસામાં આવતી પૅસેન્જર ગાડી પકડી હું દાંડી જતો. સ્ટેશન પરથી મળતાં દૈનિકપત્રકોની નકલો મારી સાથે રાખી એમાં લડતના જે કાંઈ સમાચારો આવતા તે બધાની નોંધ કરી દાંડીમાં પત્રિકા માટેનું સાહિત્ય બને તેટલું તૈયાર કરતો, જાહેરસભામાંનાં ગાંધીજીનાં પ્રવચનોની નોંધ લેતો અને પત્રિકા માટેનું બને તેટલું સાહિત્ય એકઠું કરી અમદાવાદ જતી સાંજની પૅસેન્જર ટ્રેઈનમાં રાત્રે આઠના અરસામાં પ્રેસમાં હાજર થઈ જતો. દરમિયાન મારા સાથીઓએ જે સમાચારો ભેગા કર્યા હોય એ ઉપરાંત તેમણે બીજી જે કાંઈ નોંધ કરી હોય, અને તેમને કોઈ ભૂગર્ભપત્રિકાઓ મળી હોય તો તેમાંના નોંધપાત્ર સમાચારો વગેરે તપાસી આખી પત્રિકા તૈયાર કરી અમે છાપવા આપતા. જેમ જેમ ગૅલીઓ આવતી જાય તેમ તેમ પ્રૂફ તપાસી મોડી રાત સુધી અમે કામગીરી બજાવતા રહેતા. આ કામનો નશો એવો તો પ્રબળ હતો કે અમે કોઈપણ જાતનો થાક અનુભવતા નહિ કે ભૂખ-તરસ અમને યાદ આવતાં નહિ. દાંડીથી સ્થળાંતર કરી ગાંધીજી કરાડી ગયા ત્યાં પણ મારી આ દિનચર્યા ચાલુ રહી.
છઠ્ઠી એપ્રિલે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડ્યો તેની સાથે, આખા દેશના દરિયાક્ત્તિારા ઉપર મીઠાના કાયદાનો ભંગ કરવાની પ્રવૃત્તિ વેગથી ઊપડી, ઠેરઠેર લાઠીમાર થયા. લોકોની ધરપકડ થઈ; પણ સરકાર ગાંધીજીને છૂટા રાખતી હતી; પરંતુ જ્યારે સરકારનો દમનનો કોરડો બહેનો ઉપર વીંઝાવા માંડ્યો, વીરમગામમાં બહેનો ઉપર પોલીસે ઘોડા દોડાવ્યાના સમાચાર, ગાંધીજીને મળ્યા ત્યારે તેમનો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો. તેમણે સરકારને આખરીનામું પાઠવી ચીમકી આપી કે તેઓ વલસાડ તાલુકામાં આવેલા ધરાસણા ગામના મીઠાના ડુંગરો ઉપર ધાડ પાડી લૂંટ ચલાવશે. એ માટેની તારીખ ૬-૫-’૩૦ પણ તેમણે જણાવી. સરકારને એ ભારે પડ્યું અને ગાંધીજી પોતાનો આ જલદ કાર્યક્રમ અમલમાં મૂકે એ પહેલાં પમીની રાતે કરાડીની છાવણીમાંથી સરકારે તેમને ગિરફતાર કર્યા. એ પછી ધરાસણાની ધાડની જવાબદારી અબ્બાસાહેબે લીધી. તેમને પણ પકડી લેવામાં આવ્યા.
છઠ્ઠી એપ્રિલે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડ્યો તેની સાથે, આખા દેશના દરિયાકિનારા ઉપર મીઠાના કાયદાનો ભંગ કરવાની પ્રવૃત્તિ વેગથી ઊપડી. ઠેરઠેર લાઠીમાર થયા. લોકોની ધરપકડ થઈ; પણ સરકાર ગાંધીજીને છૂટા રાખતી હતી; પરંતુ જ્યારે સરકારનો દમનનો કોરડો બહેનો ઉપર વીંઝાવા માંડ્યો, વીરમગામમાં બહેનો ઉપર પોલીસે ઘોડા દોડાવ્યાના સમાચાર ગાંધીજીને મળ્યા ત્યારે તેમનો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો. તેમણે સરકારને આખરીનામું પાઠવી ચીમકી આપી કે તેઓ વલસાડ તાલુકામાં આવેલા ધરાસણા ગામના મીઠાના ડુંગરો ઉપર ધાડ પાડી લૂંટ ચલાવશે. એ માટેની તારીખ ૬-૫-’૩૦ પણ તેમણે જણાવી. સરકારને એ ભારે પડ્યું અને ગાંધીજી પોતાનો આ જલદ કાર્યક્રમ અમલમાં મૂકે એ પહેલાં પમીની રાતે કરાડીની છાવણીમાંથી સરકારે તેમને ગિરફતાર કર્યા. એ પછી ધરાસણાની ધાડની જવાબદારી અબ્બાસાહેબે લીધી. તેમને પણ પકડી લેવામાં આવ્યા.
ધરાસણાના મીઠાના અગરોની લૂંટના કાર્યક્રમે જગતના ઇતિહાસનું એક અદ્ભુત પ્રકરણ સર્જ્યું. પોલીસના પડછાયાથી પણ ફફડી ઊઠતી ગુજરાતની ભોળી, ગભરુ ગ્રામજનતા સેંકડો નહિ, હજારોની સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાવા થનગની ઊઠે એ એક વિરલ ચમત્કાર હતો. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી આ ધાડમાં જોડાવા સ્વયંસેવકોની ટુકડીઓનો ધસમસતો પ્રવાહ ધરાસણા તરફ આવવા માંડ્યો.
‘મર્દાની મર્દાની ક્યાં?
ધરાસણા ભાઈ, ધરાસણા!
મર્દો જંગ ખેડે ક્યાં?
ધરાસણા ભાઈ, ધરાસણા!
ઢાલ બનતી છાતી ક્યાં?
ધરાસણા ભાઈ, ધરાસણા!
હૈયે ગોળી ઝિલાય ક્યાં?
ધરાસણા ભાઈ, ધરાસણા!'
સરકારે આ લડતને કચડી નાખવા ગંજાવર તૈયારીઓ કરી હતી. લશ્કરની એક ટુકડી ધરાસણાના આ સંગ્રામક્ષેત્રથી થોડેક દૂર પડાવ નાખી પડી હતી. અમારામાંથી કોકે એમાંના એક સૈનિકને પૂછ્યું કે,' તમે ગોળી ચલાવશો?' એણે જવાબ આપ્યો, ‘હથિયાર વિનાના લોકો ઉપર અમે ગોળી નહિ ચલાવીએ.’ આમાં તથ્ય કેટલું છે એ હું નથી જાણતો; પણ જે પોલીસોએ સત્યાગ્રહીઓ ઉપર લાઠી ઝીંકી હતી તેમાંના કોઈ કોઈ આ કાર્યને જંગલી લેખી અકળાતા.
વર્તમાનપત્રોના પ્રતિનિધિઓ જ્યાંથી સંગ્રામ જોઈ રહ્યા હતા ત્યાં તેમની સાથે હું પણ ભળ્યો હતો. જે ભયાનક દશ્ય અમે જોયાં તે યાદ કરતાં આજ પણ હચમચી જવાય છે. મને હિંસક સંગ્રામ જોયાનો કોઈ અનુભવ નથી; પણ હું માનું છું કે હાથમાં હથિયાર હોય તો ભય સાથે થોડીક હિંમત આવે પણ નિઃશસ્ત્ર સૈનિકો માટે તો આત્મબળ જ મોટામાં મોટી ઢાલ. જે સ્વયંસેવકો આમાં ભાગ લઈ રહ્યા હતા તે બધાને હિંસક યુદ્ધના સૈનિકોને પૂર્વતૈયારી રૂપે જે વ્યવસ્થિત અને કડક તાલીમ અપાય છે તેના પ્રમાણમાં તાલીમ બહુ ઓછી મળી હતી. આમ છતાં એમનામાં મુક્તિ માટેની જે પ્રબળ ઝંખના અને ઉદાત્ત ભાવનાઓ હતી તેણે એમના મનોબળને બને તેટલું દૃઢ કર્યું. એમના પર લાઠીઓ વીંઝતા પોલીસ જ્યારે તૂટી પડ્યા, ઘોડાઓ દોડાવવામાં આવ્યા ત્યારે માર ખાતાં, પડતાં આખડતાં, વેરણછેરણ થઈ જતાં પણ અડગ ખડકની જેમ સામી છાતીએ ઘા ઝીલવાની અદ્ભુત શક્તિ એમનામાંના કેટલાકે દાખવી. એ પૈકી શ્રી નરહરિભાઈ પરીખે માથાથી પગ સુધી લોહી નીગળતા બની, શારીરિક વેદનાઓને દૃઢતાપૂર્વક દબાવી, જે ધૈર્યથી ઘા ઝીલ્યા, તે સંયમી મનુષ્યની સંકલ્પશક્તિ વિષમ સંજોગોમાં કેવું આત્મબળ દાખવી શકે છે તેના એક અવિસ્મરણીય પ્રતીકરૂપ હતું. ત્યારે સત્યાગ્રહ આશ્રમના ગાંધીજીના એક અત્યંત નિકટના સાથી તરીકે આશ્રમની શિસ્તનું પાલન કરી તેમણે જે આત્મબળ કેળવ્યું હતું તેનો લોકોને શ્રદ્ધપ્રેરક ખ્યાલ આવ્યો. અહિંસક સૈનિકોને જો આ જાતની તાલીમ મળે તો હથિયાર એની આગળ નિષ્ફળ નીવડે એવો ગાંધીજીનો દાવો કેટલો બધો સાર્થ હતો!
ધરાસણાની આ લડતમાં પરાક્રમોની અનેક ઘટનાઓ બની. એમાં શ્રીમતી સરોજિનીદેવીએ જે ફાળો આપ્યો તે માટે એમને વીરાંગનાનું બિરુદ અપાય તો તે પણ બહુ મોળું લાગે. મીઠાના ડુંગર પર ધાડ પાડવા એ સ્વયંસેવકોને લઈને પગપાળાં નીકળ્યાં ત્યારે અધવચ એમને રોકી પોલીસે એમની ફરતે ઘેરો કરી લીધો. સખત ઉનાળાના એ દિવસો હતા. સૂરજ ઊંચે આવી રહ્યો હતો. નજદીકમાં ક્યાંય કોઈ વૃક્ષ કે છાયા હતી નહિ.
અગર પર જવાનો રસ્તો તો બંધ થયો હતો અને અબ્બાસાહેબ કે ઈમામસાહેબને પોલીસ જેમ વચ્ચેથી જ જેલમાં લઈ ગઈ હતી તેવું જ સરોજિનીદેવીની બાબતમાં પણ બનશે એવું આ ઘટનાના પ્રેક્ષકોને લાગ્યું; પણ એવું કશું બન્યું નહિ. ન પોલીસ ત્યાંથી ખસી, ન સરોજિનીદેવી ખસ્યાં. સૂરજ ઉગ્ર બન્યો. કંઠમાં શોષ પડી જાય એવા તાપમાં પણ સરોજિનીદેવીએ પોલીસને પોતાની તરસની વાત કરી નહિ. થોડે દૂર ટોળે વળેલી ગ્રામબહેનોથી આ જોવાયું નહિ. એમાંની કેટલીક જઈ પાણી લઈ આવી અને પોલીસના ઘેરાને અવગણી સરોજિનીદેવીને એમણે પાણી પાયું. પોલીસ સાથેની આ લડત પૂરા ચોવીસ ક્લાક ચાલી. એ દરમિયાન થતો પસીનો પોતાના રૂમાલથી એ લૂછતાં ગયાં અને રૂમાલ જ્યારે ભીનો થયો ત્યારે પાલવનો ઉપયોગ શરૂ કર્યો. અવારનવાર પોલીસ સાથે પણ તે હળવો વિનોદ કરતાં રહ્યાં, અને પોલીસો પણ એમની સહનશક્તિથી પ્રભાવિત થયા. આખો દિવસ અને રાત એમને આ સ્થિતિમાં રાખી બીજે દિવસે સવારે દસના અરસામાં પોલીસ એમને સત્યાગ્રહીઓની છાવણીમાં મૂકી ગઈ. આ ઘટનાના સાક્ષી તરીકે મેં પત્રિકામાં એનું સવિસ્તર વર્ણન આપ્યું. સરોજિનીદેવીની ઘટનાથી બહેનોમાં વિશેષ જોમ આવ્યું.
સરકારે લડતને તોડી પાડવા એક બાજુથી જેમ લાઠીઓ વીંઝવા માંડી હતી તેમ જેલો પણ ભરવા માંડી. સુરતમાંથી સક્રિય કાર્યકર્તાઓને એક પછી એક ગિરફતાર કરવા માંડ્યા. પરિણામે પત્રિકામાં કામ કરનાર અમારી ઉપર પણ બીજી જવાબદારીઓ આવી પડી. આને લઈને મારું બહાર જવાનું બંધ થયું અને આખો વખત હું સુરતમાં જ રોકાયેલો રહ્યો. વિજયા એ વખતે બહેનોની છાવણીમાં હતી. એ છાવણીમાં કોઈ કોઈ વાર જવાનું થતાં જે મોટી સામાજિકક્રાંતિ થઈ રહી હતી તેનું મને દર્શન થતું. બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર, પારસી, મુસલમાન, હિરજન એવા ભેદો જાળવતી શહેરો તેમ જ ગામડાંની બહેનો પોતાના સદીઓ જૂના આચારને ફગાવી એક પંગતે જમવા બેસે એ સ્વરાજની લડત પહેલાં આપણા દેશમાં કોઈ માની શકે એવું ન હતું; પણ એ હવે નિત્યના આચાર જેવું બની જતાં આપણા દેશે ઘણી મોટી સામાજિક ક્રાંતિ સાધી.
પત્રિકા ઉપરાંત મારી ઉપર બીજી પણ કેટલીક જવાબદારીઓ આવી પડી. લોકોના ઉત્સાહને સતત પ્રેરણા મળતી રહે એવા પ્રભાતફેરી તેમ જ સરઘસના કાર્યક્રમોની જવાબદારી મેં ઉપાડવા માંડી. આવી રીતે અગાઉથી જાહેર કરી એક મોટા સરઘસનું આયોજન અમે કર્યું અને એની જવાબદારી મેં લીધી. સરઘસ ઘણું મોટું બન્યું અને આખે રસ્તે ગીતો તેમ જ નારા ગજાવતા અમે સાર્વજનિક કૉલેજ સુધી પહોંચ્યા. ત્યાં પોલીસે પાંચ મિનિટમાં વિખેરાઈ જવાનો અમને હુકમ આપ્યો. એ હુકમનો અનાદર કરતાં મેં બેસી જવાનું મારા સાથીઓને સૂચન કર્યું. એ સૂચન ઉપાડી લઈ, બેસી જાવ ભાઈ, બેસી જાવ” ના લલકાર સાથે સરઘસમાં એ સૂત્ર ઝિલાતું ગયું અને તેમ તેમ લોકો રસ્તા ઉપર બેસવા માંડ્યા. પોલીસે અમને વધુ તક આપ્યા વિના લાઠી વીંઝવી શરૂ કરી. કેટલાક ઘવાયા અને પછી સરઘસ જોતજોતામાં વેરણછેરણ થવા માંડયું. સદ્ભાગ્યે સુરત શહેરના લોકોની ચોપાટી જેવી લેખાતી એ જગ્યાએ, નદીકિનારે ઘણી મોકળાશ હોવાથી રસ્તા પરથી લોકો એ જગ્યામાં વિખેરાઈ ગયા અને થોડા વખતમાં એ કાર્યક્રમ પૂરો થયો. એ સરઘસના આયોજન પાછળ લોકોનો જુસ્સો ટકાવી રાખવા ઉપરાંત બીજી કોઈ નેમ ન હતી. આ લાઠીચાર્જમાં હું કેમ લાઠીના સપાટામાં ન આવ્યો એનું મને ઘણું આશ્ચર્ય થયું. એ ચાર્જ થયો ત્યારે મારી લાગણી ઘણી તંગ થઈ ગઈ હતી. આ પરિસ્થિતિની કલ્પના કરીને જ મેં સરઘસની આગેવાની લીધી હતી; પરંતુ આપણે ગમે તેટલી કલ્પના કરી હોય તોય વાસ્તવિકતા તે વાસ્તવિકતા જ, તેનો અનુભવ આ વખતે મને થયો અને ભગવાનનો મેં પાડ માન્યો કે મારી લાજ રહી.
ઠીક ઠીક લોકો લાઠીથી ઘવાયા હતા. તે બધાને પ્રાથમિક સારવાર મળે એ હેતુથી સાર્વજનિક કૉલેજની લેબોરેટરીમાંથી અમે થોડીક મદદ મેળવી. પ્રિ. એન. એમ. શાહે પોતાના કેટલાક સાથીઓ અને પટાવાળાઓ સાથે કૉલેજમાંથી બહાર આવી અમને સહાય કરી. આ પછી બધા વિખેરાયા ત્યાર બાદ હું પ્રેસ પર જવા નીકળ્યો. રસ્તામાં પોલીસે મને ગિરફતાર કર્યો અને સુરતની જેલમાં મોકલ્યો. ત્યાં મને શ્રી ઇશ્વરલાલ ગુલાબભાઈ દેસાઈ વગેરે કેટલાક સાથીઓ મળ્યા અને લડતના સમાચાર જાણવા માટે તે બધા મને વીંટળાઈ વળ્યા.
રાત્રે નવ-દસના અરસામાં બહેનોના કોઈ સરઘસમાં ગવાતા ગીતના સૂર અમારે કાને પડ્યા. તે જ દિવસે થયેલા સરઘસ પરના લાઠીચાર્જથી સહેજ પણ દબાયા કે ગભરાયા વિના યોજાયેલું બહેનોનું આ સરઘસ જાણે કે દમન સામેના પડકારરૂપ હતું. એ વખતે આપણી ધરતીના ખમીરનું મને જે દર્શન થયું તેણે આપણી ભોળી, ગભરુ જનતામાં ગાંધીજીએ મૂકેલા અખૂટ વિશ્વાસનું પ્રમાણ વિશેષ મળ્યું.