zoom in zoom out toggle zoom 

< સાફલ્યટાણું

સાફલ્યટાણું/૨૦. શ્રી વિષ્ણુ ભાસ્કર લેલે

From Ekatra Wiki
Revision as of 14:24, 6 April 2025 by Kamalthobhani (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૦. શ્રી વિષ્ણુ ભાસ્કર લેલે

વિદ્યાપીઠમાં જેને મનીષી લેખી શકાય એવી વ્યક્તિઓ અવારનવાર આવ્યા જ કરતી. એ મુજબ એક વખત શ્રી વિષ્ણુ ભાસ્કર લેલે નામના એક મહારાષ્ટ્રીય સજ્જન અમારા અતિથિ બન્યા. એ વખતે લેલે નામ શ્રી અરવિંદને યોગમાર્ગની દિશા બતાવનાર એક યોગી તરીકે જાણીતું હતું. હું એમના નામથી પરિચિત હતો. એટલે એક મોટા યોગીને જોવાની ને સાંભળવાની તક મળશે જાણી એ પળ માટે હું ખૂબ ઉત્સુક બન્યો.

હું ભરૂચ હતો તે દિવસમાં કોઈક યોગી નર્મદાતટ પર સમાધિમાં બેસે છે એવું સાંભળતાં હું એના દર્શનાર્થે દોડી જતો. પણ હું ઝખતો હતો તેવા કોઈ યોગીનું મને દર્શન થયું ન હતું. એકવાર ભરૂચથી ઉપરવાસમાં ઠીક ઠીક દૂર એક યોગી હોવાની વાત મેં સાંભળી. સ્થળનું તેમ જ યોગીનું નામ ભુલાઈ ગયું છે. મારા એક સહાધ્યાયી સાથે એ યોગી પાસે જવા અમે નીકળ્યા.

રેવાજીના તટ ઉપર એમનો આશ્રમ હતો. એમના ચમત્કારની કેટલીક વાતો અમારે કાને આવી હતી. શ્રી રામકૃષ્ણ પરમહંસના ચમત્કાર અંગેના અભિપ્રાયો મને સુપરિચિત હતા. પાણી ઉપર ચાલીને આવતા એક યોગી અંગે એમણે કંઈક એવું કહ્યાનું યાદ છે. કે હોડીના બે પૈસા એણે બચાવ્યા! આમ છતાં જ્યારે અમે સાંભળ્યું કે અમે જેના દર્શને જવા નીકળ્યા હતા તે યોગી રેવાજીને સામે કાંઠે જવું હોય તો પાણી ઉપર ચાલતા જાય છે ત્યારે એ અંગે કશી શંકા ન કરતાં અમે એને સાચી લેખી અને માન્યું કે એમની પાસે ઘણી મોટી યોગિક સિદ્ધિઓ હશે.

એમનો આશ્રમ પ્રકૃતિના સુંદર વાતાવરણમાં હતો. પાસે જ રેવાજીનો સારા ઊંડાણવાળો નિર્મળ જળનો વિશાળ પટ હતો. એ જળની નિર્મળતા જોતાં અમને લાગ્યું કે ત્યાં સુધી સમુદ્રની ભરતી જતી નહિ હોય. ઘડીભર અમને એમ પણ વિચાર આવ્યો કે રેવાજીમાં સ્નાન કરી થોડો તરવાનો લ્હાવો લઈ વધારે તાજગીભર્યા મને યોગીના દર્શને જવું; પરંતુ અજાણી જગ્યા અને એનાં નીલઘેરાં પાણીના ઊંડાણમાં મગર વગેરે હોય તો આફતમાં મુકાઈ જવાનું થાય એટલે એ વિચાર અમે પડતો મૂક્યો. આશ્રમ બાજુએ જતાં અમને કોઈ માણસોનો ભેટો ન થયો. પણ આશ્રમની નજીક કોઈક મજૂર કંઈ કામમાં રોકાયો હતો તેને યોગી અંગે અમે પૂછ્યું. અમે તેની સાથે વાત કરતા હતા એ જોઈ, કુટિરમાંથી સશક્ત બાંધાવાળો દાઢી અને જટામાં આછી આછી સફેદ વાળની ભાતવાળો એક પુરુષ, હાથમાં લઠ્ઠ લઈને વેગથી અમારા તરફ હિંદીમાં ગાળો દેતો આવ્યો ને બોલ્યો કે આ સાલાઓ બધા ક્યાંથી અહીં ફૂટી નીકળે છે! અમે તો એના એ આક્રમણથી જાણે કે ડઘાઈ ગયા અને યોગીના દર્શન કરવાની વાત ભૂલી, ત્યાંથી ડાંગ અમારા પર ઝીંકાય તે પહેલાં મૂઠી વાળીને ભાગી છૂટ્યા.

બનવાજોગ છે કે એને અમારા ખાદીના લગભગ પગની પાની સુધી પહોંચતા ઝભ્ભા જોઈને રોષ ચઢ્યો હોય. એ ઝભ્ભા ગાંધીજીના માણસોના પ્રતીકરૂપ લેખાતા અને ગાંધીજીના છૂતાછૂતના વિચારોથી અકળાતા સનાતનીઓ એને અધર્મ લેખતા. આવું જ કદાચ અમે જે યોગી પાસે ગયા હતા એના મનમાં આવ્યું હોય, અથવા તો તેણે અમને સી. આઈ. ડી.ના માણસ લેખ્યા હોય. એ જે હોય તે, પણ અમારી યાત્રા નિષ્ફળ નીવડી. કિંતુ યોગીને મળવાની મારી ઝંખના તો કાયમ જ રહી. આથી શ્રી લેલે જ્યારે વિદ્યાપીઠમાં આવ્યા ત્યારે મને ઘણો આનંદ થયો.

એ વખતે શ્રી અરવિંદની એક મહાન ક્રાંતિકારી, દેશભક્ત અને એથી યે મહાન યોગી તરીકેની ખ્યાતિ ચોમેર પ્રસરી ગઈ હતી. ગુજરાતમાં ઠેરઠેર એમના ભક્તોનાં વૃંદ હતાં. આ બધાંને લઈને શ્રી લેલેનું આગમન અમારે મન મહિમાવંતુ બની ગયું.

શ્રી લેલેએ અમારી સાથે જે વાર્તાલાપ કર્યો એમાં બુદ્ધિના ચમકારા ન હતા, પરંતુ એક જાતની ભાવનામયતા હતી. યોગના નવા પ્રદેશમાં માનવજાત પ્રવેશ કરી રહી છે એ અંગે સભાન બની એ દિશામાં ગતિ કરવા તેમણે ઉદ્બોધન કર્યું. શ્રી અરવિંદના યોગની સાધનામાં કંઈક નવું હોવાની છાપ મારા મન ઉપર હતી; પણ એનો સ્પષ્ટ ખ્યાલ આવતો ન હતો. શ્રી લેલેએ એમના વાર્તાલાપમાં શ્રી અરવિંદના નામનો ઉલ્લેખ કર્યો ન હતો પણ મને લાગ્યું કે એ ગર્ભિત રીતે તેમના યોગમાર્ગનો જ ઉલ્લેખ કરી રહ્યા છે. એ વાર્તાલાપ દરમિયાન એમની નજર અવારનવાર મારી ઉપર મંડાયા કરતી. મહારાષ્ટ્રીય ચિત્તપાવન બ્રાહ્મણોની ભૂરી આંખ જેવી એમની આંખ જાણે કોઈ અસાધારણ, શાંત તેજથી ભરી હોય એવું મેં અનુભવ્યું અને એમની નજર મારી ઉપર પડતાં મારી આંખ મીંચાઈ જતી. વાર્તાલાપને અંતે મારા તરફ જોઈ એમણે મને મારું નામ પૂછ્યું અને પછી મને કહ્યું કે ‘તમને સમય હોય તો મને મળવા આવજો.' આનાથી વધુ મોટું સદ્ભાગ્ય મારે માટે બીજું ક્યું હોઈ શકે? લાંબા વખતથી કોઈ યોગીને જોવાની અને તેમને ચરણે બેસી સાધના કરવાની મને જે લગની હતી એ માટેની અણધારી તક આવી પહોંચી છે એવી દૃઢ પ્રતીતિ મારા મનમાં બંધાઈ ગઈ અને એમણે સૂચવ્યા પ્રમાણે હું તેમને મળવા ગયો.

તેમણે મને મારી કૌટુંબિક વાતો પૂછી, અભ્યાસની વાતો પૂછી, મને કેવાં સ્વપ્નો આવે છે તેની વાત પૂછી. એમાંના મને યાદ રહી ગયાં હોય તેવાં એક-બે સ્વપ્નોની પણ માહિતી માંગી. એ પૈકી એક સ્વપ્ન જે મેં ગાતાં આસોપાલવમાં’ એ વાર્તાના નાયકના મુખમાં મૂક્યું હતું તે સંભળાવ્યું.* એ સાંભળતાં તેમનું મુખ દીપ્તિમંત બની ગયું અને તેમણે કહ્યું, ‘સંપૂર્ણ આત્મસમર્પણ કરી શકાય એવી ઉચ્ચ ભૂમિકા પરના તમે એક યોગભ્રષ્ટ આત્મા છો. આ જન્મે મોક્ષના અધિકારી બની શકો. અહીંથી હું ગિરનાર જવાનો છું. તમને અનુકૂળ હોય તો મારી સાથે આવો, ત્યાં હું તમને યોગમાર્ગની દિશા બતાવીશ.'

અમારી ઉનાળાની રજા પડવાને ટાંકણે જ આ ઘટના બની હોઈ, એમની સાથે જવામાં મને કાંઈ મુશ્કેલી ન હતી. એટલે તેમના નિમંત્રણનો મેં ભક્તિભાવપૂર્વક સ્વીકાર કર્યો; અને તેમની સાથે ગિરનાર જવા હું પૂરતી તૈયારી કરી નીકળ્યો.

[1]

પ્રો. જોષી પણ સાધક હતા અને શ્રી લેલે સાથેના એમના વાર્તાલાપમાં બન્નેને પોતપોતાના અનુભવોની આપલે કરતા મેં સાંભળ્યા. તેમાં એક સીદી બાદશાહનો ઉલ્લેખ અવારનવાર આવતો હતો અને શ્રી લેલે એ જાણવા આતુર હતા કે પ્રો. જોષીને એમના તરફથી કોઈ પ્રકાશ સાંપડ્યો હતો કે કેમ? પ્રો. જોષીએ કંઈક એવું કહ્યાનું મને યાદ છે કે હજુ એ કક્ષાએ હું પહોંચ્યો એ નહિ હોઉં એટલે મારી ઉપર એમના આશીર્વાદ ઊતર્યા નથી. આ સાંભળતાં મને થયું કે યોગમાર્ગની મારી યાત્રામાં વળી આ એક નવી તક. હું સીદી બાદશાહને જોવા અને જાણવા આતુર બન્યો.

પ્રો. જોષીના રહેઠાણની તદ્દન નજીક મેં એક આધેડ વયના, ચીંથરામાં વીંટળાયેલા, મેલાઘેલા સીદીને જોયો. ઉનાળો હોવા છતાં એની સામે એક ધૂણી કજળ્યા કરતી હતી. પહેલાં તો મને ખ્યાલ આવ્યો નહિ કે સીદી બાદશાહ તે આ જ પુરુષ!

મારું કુતૂહલ વધતાં પ્રો. જોષીને એના અંગે મેં પૂછ્યું, ત્યારે એમણે કહ્યું, ‘એ સીદી બાદશાહ મહાન યોગી છે.' મેં જે કંઈક થોડું ઘણું એનું અવલોકન કર્યું હતું તે પરથી તો મને એમ લાગ્યું હતું કે એ કોઈક પશુના જેવું જીવન ગાળતી વ્યક્તિ છે. એટલે મેં સહજ કુતૂહલથી પૂછ્યું કે યોગીઓ આવા મેલાઘેલા રહે! શ્રી લેલેએ કહ્યું કે યોગીઓ પોતાના ભક્તોનાં દુઃખ પોતાના પર વહોરી લે છે. સીદી બાદશાહના અંગ પર જે આપણને આધાત લાગે એવું દેખાય છે તે બધું ભક્તોનાં દુઃખ દૂર કરવા એમણે જાત પર વહોરેલું છે. મારી બુદ્ધિ ગ્રહણ કરી શકે એવું એ ન હોવા છતાં આ બંને વડીલો માટે મને પૂજ્યભાવ હતો એટલે મેં એ અંગે વિશેષ શંકા વ્યક્ત કરી નહિ.

સાંજ પડતાં પહેલાં એ બંને કોઈને મળવા ગયા. હું પ્રો. જોષીના વરંડામાં કંઈક વાંચવામાં મગ્ન હતો ત્યાં પ્રો. જોષીની કામવાળીને મેં ઘાંટા પાડતી સાંભળી. સીદી બાદશાહને સંબોધી, ગાળ દેતી તેમને તે હડધૂત કરી રહી હતી. સીદી બાદશાહ એ સાંભળતાં જાણે કશું જ બનતું ન હોય તેમ તેમના ઊજળા દાંત દેખાય એમ સ્મિત કરતા હતા. બાઈ મારી આગળ ઊભરો ઠાલવતાં બોલી, ‘અમારા સાહેબને ઘેલું લાગ્યું છે અને આવા આ એદીને અહીં પેધો પાડ્યો છે. એ પીટ્યાને હડધૂત કરીએ છીએ, પણ મૂવો અહીંથી ટળતો નથી. સાહેબની બીકથી ન છૂટકે મારે એને ખાવાનું આપવું પડે છે.' આ બધું તે વખતે હું જે મુગ્ધ સ્થિતિમાં હતો તેમાં મનમાં ગૂંચવાડા ઊભા કરે એવું હતું; પણ એનો કોઈ ખુલાસો શોધવાની મને ગમ ન હતી.

ઉનાળો હોઈ રાત્રે અમે વરંડામાં સૂતા. ચાંદીની રાત અને ખુશનુમા હવામાં એ બંને વડીલોની વાત સાંભળતો સાંભળતો હું ઊંઘી ગયો. સમય તો ચોક્કસપણે કહી શકાય એમ નથી; પણ રાતના એકબેના અરસામાં હું ગાઢ ઊંધમાં હતો ત્યાં કોઈકનો સ્પર્શ મારા શરીર ઉપર મેં અનુભવ્યો. હું જાગી ગયો અને જોયું તો સીદી બાદશાહ મને પંપાળી રહ્યા હતા. ચંદ્રનું અજવાળું એમની ઉપર પડતું હતું. પેલી કામવાળી આગળ જે રીતે એમણે સ્મિત કર્યું હતું તેવું સ્મિત તે કરી રહ્યા હતા. મને કંઈ પણ કહ્યા વિના એમની સાથે જવા એમણે નિશાની કરી. ક્ષણભર તો હું મૂંઝાયો પણ પેલા વડીલોની વાતની જે છાપ મારા મન પર હતી તેથી પ્રેરાઈ હું તેમની સાથે ગયો. મને તે તેમની ધૂણી પાસે લઈ ગયા. ત્યાં તેમની નિકટ બેસાડ્યો. થોડો વખત મને પંપાળી તેમણે ચલમ પેટાવી તેના થોડાક ઘૂંટ લઈ એમણે ચલમ મને આપી. મેં તે લીધી; પણ એમના ઉત્તેજન છતાં એક પણ ઘૂંટ એમાંથી લીધી નહિ અને પાછી હતી તેમની તેમ મેં તેમને સોંપી દીધી. એ પછી મને તે મારી પથારી સુધી મૂકી ગયા અને હું તરત જ ભર ઊંઘમાં પડ્યો.

સવારે ચા પીતાં મારા રાતના અનુભવની આ વાત મેં કહી. એ સાંભળતાં જ જોષીએ માથું ફૂટ્યું ‘કેટકેટલા વખતથી ઝંખું છું કે મને એમની ચલમના બે ઘૂંટ એ આપે-પણ એ સદ્ભાગ્ય હજુ સાંપડ્યું નથી. તમને તો લક્ષ્મી ચાંલ્લો કરવા આવી અને તમે મોં ફેરવી લીધું!' શ્રી લેલેએ પણ આવું જ કહ્યું. એમની વાત સાંભળી, પેલી કામવાળી મને જાણે કે પ્રેરણા આપતી હોય તેમ મેં કહ્યું, ‘તમે કહો છો એવી અલૌકિક શક્તિ એમની પાસે છે તો એ ચલમના ઘૂંટ લેવાનું મને સમજાવવામાં એ કેમ નિષ્ફળ ગયા?' પ્રો. જોષીએ કહ્યું, ‘એ એમની નિષ્ફળતા નથી, આપણી પાત્રતા એટલી ઓછી.' મારા મનનું આ ઉત્તરથી સમાધાન થયું નહિ. અને પોતાને આવું સદ્ભાગ્ય સાંપડ્યું નહિ એ કારણે પ્રો. જોષીની આંખમાંથી ટપકતાં આંસુ જોતાં પણ કોઈ મોટી તક મેં ગુમાવી હતી એવું મને લાગ્યું નહિ.

બીજે દિવસે સવારે અમે ગિરનાર જવા નીકળવાના હતા તે પહેલાં શ્રી લેલેએ મુંડન કરાવવવા મારે માટે એક નાઈને બોલાવી મંગાવ્યો હતો. મારે મુંડન-કરાવવાનું છે એ વાત અણધારી હતી અને હું એ માટે બિલકુલ તૈયાર હું ન હતો. આશ્રમના મારા કેટલાક અનુભવો યાદ આવ્યા અને મેં મારી ઉપર કોઈ અણધારી આચારસંહિતાઓ લદાય તે સામે મારા મનને સજ્જ કર્યું. શ્રી લેલે મારા ઈન્કારથી કંઈક નાખુશ થયેલા જણાયા પણ તેમણે મારો કશો વાંક કાઢ્યો નહિ. આ ઘટનાથી મારો ઉત્સાહને એક હળવો ધક્કો લાગ્યો. ગાતા આસોપાલવ’માંના મારા સ્વપ્નની વાત સાંભળી એમણે કહેલું કે એ સ્વપ્નાનો મર્મ સંપૂર્ણ સમર્પણભાવ છે. એ સમર્પણ ભગવાનને ચરણે કરવાનું છે. પણ ભગવાન નિરાકાર હોઈ ગુરુના આદેશને અનુસરીને એ સમર્પણ કરવાનું છે. મને સાથે લેવામાં મને શિષ્ય બનાવવાની ધારણા એમણે રાખી હોય તો મુંડનની ઘટનાથી તેમનો મારે માટેનો ભાવ કંઈક ઓછો થાય એ સ્વાભાવિક હતું. મારા અંતરમાં ખોજ કરી કે હું પૂરા સમર્પણભાવથી એમને ગુરુ તરીકે સ્વીકારી શકું? મને લાગ્યું કે આટલા અલ્પ અનુભવ પરથી કોઈ નિર્ણય પર આવવું ડહાપણભરેલું નથી. ગુરુનો અર્થ એવો ન જ હોઈ શકે કે શિષ્યની પૂર્વભૂમિકાના ખ્યાલ વિના તેના ઉપર તેને ન ગમતું એવું કોઈ બંધન તે લાદે. બૌદ્ધિક રીતે શિષ્યના મનનું સમાધાન કરીને જ ગુરુએ એને માટેની આચારસંહિતાનું નિર્માણ કરવું ન જોઈએ? મારી આ માન્યતા સંભવ છે કે યોગમાર્ગના સાધકો માટે દોષરૂપ લેખાય; પણ તે વખતે મને એવું લાગ્યું ન હતું; અને આજે પણ હું એ જ માન્યતા ધરાવું છું.

ગિરનારનું આરોહણ ઘણું આહ્લાદક હતું. મારા બાલ્યમાં વાંસદાનાં જંગલોમાં ડુંગરો ખૂંદવાનો મને અનુભવ મળ્યો હતો. એની ભવ્યતા મારા મનમાં ગિરનારના સાંનિધ્યમાં તાજી થઈ અને ગિરનારની ભવ્યતાથી આંખ જાણે કે અંજાઈ ગઈ. વાતો કરતાં અને શ્રી લેલે પાસેથી ગિરનારના યોગીઓ અને અઘોરીઓની વાતો સાંભળતાં અમે પથ્થરચેટી પહોંચી ત્યાં મુકામ કર્યો. ત્યાંથી બીજેદિવસે દત્ત શિખરની પણ યાત્રા કરી આવ્યા. ભૈરવજપનું પણ દર્શન કર્યું.

કોઈ ઊંચા પહાડ ઉપર રહેવાનો આ મારો પ્રથમ અનુભવ હોઈ પહાડ પરની નિસર્ગશોભાથી માંડી તળેટીમાં દૂર દૂર સુધી દેખાતી વિસ્તીર્ણ ક્ષિતિજો મનને વિસ્મયમાં ડૂબાડી દેતી. રાત્રે આ અનુભૂતિ વધુ ઘેરી બનતી. ચાર દિવસ ગિરનારમાં ગાળી ફરીથી પ્રો. જોષીની મહેમાનગીરી માણી અમે અમારી યાત્રામાં આગળ વધ્યા.

ગિરનારમાં બેએક વખત શ્રી લેલેએ મને ધ્યાનમાં બેસાડ્યો. પરંતુ એમાં કોઈ અસાધારણ અનુભવ થયાનું મને લાગ્યું નહિ. એમણે કહેલું કે મનને તદ્દન ખાલી કરી દઈ, એમાં જે કંઈ ચાલે તેના કેવળ દૃષ્ટા તરીકે જ રહેવું. પણ વ્યવહારમાં મને એ મુશ્કેલ લાગ્યું. મેં મારી આ મુશ્કેલી એમને જણાવી અને એમણે કહ્યું કે નિયમિત અભ્યાસ અને ધ્યાનથી ટેવ પડતાં એ હસ્તામલકવત્ બની જશે.

જૂનાગઢથી નીકળી અમે કોઈ એક ગામ ગયા જેનું નામ તેમ જ સ્થળ મને યાદ નથી રહ્યાં. પણ ત્યાં પહોંચતાં જ ત્યાંના લોકોએ શ્રી લેલે, તેમનાં પત્ની અને એમની સાથે અમે જે ત્રણચાર જણ હતા તેમનું ભાવભીનું સ્વાગત કર્યું. અગિયારેક વર્ષની એક રૂપાળી, ગભરુ બાળા ‘દાદા’ ‘દાદા’ બોલતી શ્રી લેલેને બાઝી પડી. એની માએ કહ્યું, ‘છેલ્લા ચારેક દિવસથી એ તમારું નામ રટતી હતી અને આજ સવારથી કહેતી હતી કે આજે દાદા આવવાના છે.’ આથી હું નવાઈ પામ્યો. મને જાણવા મળ્યું કે આ પહેલાં શ્રી લેલેને તે કદી મળી ન હતી. માત્ર તેના વડીલ પાસેથી શ્રી લેલે અંગે એણે થોડુંક સાંભળ્યું હતું. મારે મનમાં ને મનમાં કબૂલ કરવું પડ્યું કે આ એક ન સમજાવી શકાય એવો ચમત્કાર હતો.

એ પછી અમે બેત્રણ જગ્યાએ મુકામ કરતાં કરતાં આણંદ ગયા. ત્યાં ડી.એન. હાઈસ્કૂલમાં અમારો ઉતારો હતો..

આ ભ્રમણ દરમ્યાન શ્રી લેલે જે વાત કરતા તેમાં એક હકીકતના ઉપર તે ખૂબ ભાર મૂકતા. એ હતી આવી રહેલી મોટી આધ્યાત્મિક ક્રાંતિની. એમનું કહેવું એમ હતું કે માણસજાત આજના કરતાં કોઈક મોટી આધ્યાત્મિક ભૂમિકામાં પ્રવેશે એવી તૈયારી આપણા દેશમાં ચાલી રહી છે. આપણે આધ્યાત્મિક પ્રગતિમાં મનની ભૂમિકા સુધી પહોંચ્યા છીએ. હવે એમાંથી અતિમનમાં આપણે ઉત્ક્રાંત થવાનું છે અને આપણી હવેની સાધના એ માટેની હોવી જોઈએ. આવું કંઈક વિધાન એ ઠેર ઠેર કરતા. એમાં શ્રી અરવિંદના નામનો સીધો ઉલ્લેખ આવતો ન હતો; પરંતુ એ એમને અનુલક્ષીને જ કહી રહ્યા છે એવું સહેજે સમજાતું. શ્રી અરવિંદને માટે મને અખૂટ આદર હોઈ, મને એમના વિધાનમાં કંઈક તથ્ય હોવાનું જરૂર લાગતું. પરંતુ આખી માનવજાત એ ઊંચી ભૂમિકામાં ઉત્ક્રાંત થશે એ કેમે કરીને મારું મન ગ્રહણ કરી શકતું ન હતું. કેટલીક વ્યક્તિઓ જરૂર એવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે; પણ તે અપવાદરૂપ લેખાય. જેમ આજે પણ હિમાલયની અને અન્ય ગિરિગુફાઓમાં, જગતને અજાણ એવા યોગીઓ હશે જેમનાં આધ્યાત્મિક આંદોલનો આપણને ખબર ન પડે તેમ, માનવજાતના કલ્યાણની દિશામાં વહેતાં હશે. મારી આ દલીલનો તેઓ એક જ ઉત્તર આપતા અને તે એ કે તર્ક એ જીવનદર્શન માટે પાંગળું સાધન છે. હું જે દલીલ કરી રહ્યો છું તેમાં હું આ સાધનના હાથમાં છું. જયાં સુધી આ પરિસ્થિતિમાંથી હું નીકળું નહિ ત્યાં સુધી આ આધ્યાત્મિક વાતો મારાથી નહિ સમજાય. તેમનું આ વિધાન મને ગળે ઊતરતું ન હતું; પરંતુ એ અંગે એમની સાથે હું વિશેષ દલીલ કરતો નહિ.

પણ એમણે જ્યારે અસહકારના અહિંસક આંદોલનની મારી સાથે ચર્ચા કરી ત્યારે એમણે એવું પ્રતિપાદન કર્યું કે ભગવાન જ્યારે અવતાર લે છે ત્યારે એનું રૌદ્ર સ્વરૂપ દાખવે છે. સંહાર એનો મહામંત્ર હોય છે. એટલે અહિંસાને જીવનવ્યવહારમાં એક અને અમોઘ શસ્ત્ર તરીકે અપનાવી શકાય નહિ. ત્રિગુણાત્મક પ્રકૃતિથી ભરેલી માનવતામાં ત્રણે ગુણોની જરૂર છે. તમસ્ની સામે ટકરાવા વજ જેવા તમમ્‌ની જરૂર પડે તો એથી ખચકાવું જોઈએ નહિ. કાંટો કાંટાને કાઢે. તેમના મતે ગાંધીજી કેવળ નૈતિક ભૂમિકા ઉપર ક્રિયાશીલ હતા, અને એથી જીવનનું એમનું દર્શન અધૂરું હતું. એમને જો કોઈ ગુરુ મળે તો એ ઘણાં મોટાં પરિણામો લાવી શકે. આવું ઘણું બધું એમની પાસેથી મને સાંભળવા મળ્યું; પણ કેમે કરીને તે મારી બુદ્ધિમાં ઊતરતું ન હતું અને એથી સમજાતું પણ ન હતું અને હું એમની સાથે સતત વાદવિવાદ કરતો રહેતો.

ડી. એન. હાઈસ્કૂલમાં મળેલી સભા પૂર્વે તેમણે મને અમારી યાત્રામાં મેં જે કાંઈ જોયું હતું તેનો સભામાં ટૂંકો હેવાલ આપવા સૂચવ્યું, અને તેમાં પેલી બાલિકાનો વિગતે ઉલ્લેખ કરવા જણાવ્યું. મને તે ગમ્યું નહિ કારણકે એમાં જે ચમત્કાર આવતો હતો તે મને સમજાતો ન હતો, અને તે અંગે કોઈ પણ જાતનો અહોભાવ વ્યક્ત કરવો એ મને યોગ્ય લાગતું ન હતું. પણ હું તેમને ના પાડી શક્યો નહિ અને મેં જે કાંઈ જોયું હતું તે કોઈ પણ જાતના અભિપ્રાય વિના કેવળ હકીકતરૂપે સભામાં વર્ણવ્યું. પછી મારી ઉપર અનેક પ્રશ્નોની ઝડી વરસી. આવા બીજા કયા ચમત્કાર મારા જોવામાં આવ્યા હતા? શ્રી લેલે દાદા સાથે મારે કઈ કઈ જાતની વાતો થાય છે? વગેરે જિજ્ઞાસાભર્યા પ્રશ્નોનો ઉત્તર આપતાં હું મૂંઝાઈ ગયો. પરંતુ જેમ તેમ કરી હું એ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવ્યો અને એ બધો વખત શ્રી લેલે પ્રસન્નતાપૂર્વક એ બધું નિહાળી રહ્યા.

આણંદથી અમે ભરૂચ ગયા. ત્યાં શ્રી અંબુભાઈ પુરાણીએ અમારું સ્વાગત કર્યું. અંબુભાઈ સાથે મારો, હું ભરૂચ ભણતો હતો ત્યારનો સંબંધ. એ તે વખતે પણ મોટા અરવિંદભક્ત હતા. શ્રી છોટુભાઈ પુરાણી પણ શ્રીઅરવિંદના ભક્ત હતા અને તે પણ એ વખતે ભરૂચ હતા. એટલે મને તો હું સ્વજનોની વચ્ચે હોઉં એવી સુખદ અનુભૂતિ થતી હતી. પરંતુ શ્રી લેલે સાથેના મારા સંબંધમાં ઠીક ઠીક મોટી તિરાડ પડી હતી. આજની આપણી રાષ્ટ્રીય ચેતનાને આવી રહેલી આધ્યાત્મિક ક્રાંતિ આગળ, ગૌણ લેખવાનો એમનો અભિગમ મને કઠતો હતો. મારી દલીલ એ હતી કે ભલે અહિંસક અસહકારની પ્રવૃત્તિ કેવળ નૈતિક ભૂમિકા ઉપર જ હોય તો ય એણે જે અજોડ રાષ્ટ્રીય જાગૃતિ આણી હતી, આખા સભ્ય જગતના ચિંતકોને એ અંગે સાદર વિચાર કરતા કરી મૂક્યા હતા એ કાંઈ નાનીસૂની ક્રાંતિ ન હતી. બુદ્ધ, મહાવીર આદિએ આપેલી અહિંસાને વ્યક્તિમાંથી સમષ્ટિ પ્રતિ સત્યાગ્રહ દ્વારા લઈ જવાનો ઇતિહાસમાં નોંધાતો એક અપૂર્વ અધ્યાય આપણી નજર સમક્ષ લખાઈ રહ્યો હતો. એ ઉત્ક્રાંતિનું એક નવું સોપાન હતું. મારી આવી દલીલોથી એ ઘણા વ્યથિત થતા રહ્યા. એક શિષ્યને છાજે તેવી નમ્રતાથી તેમની વાતો મારાથી ઝીલી શકાઈ નહીં. એનાથી એમનું મન ઠીક ઠીક ખાટું થયું હતું. મને લાગ્યું કે એમની સાથે હું મારા મનની શાંતિ જાળવી કદમ નહિ મિલાવી શકું. એટલે મેં એમનાથી છૂટા થવાની રજા માગી અને બેત્રણ દિવસ પછી હું મારે ગામ જઈશ તેમ જણાવ્યું.

એમની સાથે આ વાત થઈ તે પછી સાંજે શ્રી અંબુભાઈ મારી પાસે આવ્યા. તેમણે મને કહ્યું કે લેલે ક્યારના આંસુ સારે છે. એમને તમારા વલણથી ઘણું દુઃખ થયું છે પરંતુ તમારા માટે એમને અગાધ પ્રેમ છે એટલે તમે દલીલ ઓછી કરીને કેવળ સાંભળવાનું જ રાખો તો તમારે જે આધ્યાત્મિક અનુભૂતિ મેળવી છે તે મળશે. બહુ આદર સાથે એમની વાત મેં સાંભળી, પણ એમને અનુકૂળ ઉત્તર હું આપી શક્યો નહિ. રાત્રે શ્રી લેલેએ મને કહ્યું, ‘તમને જે ઠીક લાગે તેમ કરો; પણ હું તમારી સાથે તમારે ગામ આવું અને તમારાં માતુશ્રીને મળું તો તમને કાંઈ વાંધો ખરો?’ મેં એમને પ્રણામ કરી કહ્યું, ‘મારાં આટલાં બધાં અળવીતરાં છતાં આપનો આવો અનુગ્રહ મને મળે છે એ કેવું મોટું સદ્ભાગ્ય! આપનાં પુનિત પગલાં મારા ઘરમાં થાય એટલે એને તીર્થનો મહિમા મળે.’ મારી આ વાતથી એ રાજી થયેલા લાગ્યા અને અમે ચીખલી જવાની તૈયારીમાં પડ્યા.

ચીખલી અમારી સાથે એ બે દિવસ રહ્યા. કાશીબાએ ભક્તિભાવપૂર્વક એમની પરોણાગત કરી. નદી, અમારું તળાવ વગેરે અમારા નાનકડા ગામનાં રમણીય સ્થળોએ એમને હું ફરવા લઈ ગયો. તેમને એ બધું ગમ્યું. અમારી વચ્ચે જે થોડુંક અંતર પડ્યું હતું તે તો એમનું એમ રહ્યું; પંરતુ અમે બંને છૂટા પડ્યા ત્યારે તેમના આશીર્વાદની ઝંખના કરતાં અમારા ગામથી છ માઈલ દૂર આવેલા બિલિમોરા સ્ટેશને મુંબઈ જતી ગાડીમાં મેં એમને વિદાય આપી. આ અમારી છેલ્લી મુલાકાત.





  1. * એ સ્વપ્નનો સાર એ છે કે એક સાંજે નવ વર્ષનો કિશોર દરિયાકિનારે રેતીમાં રમતો હતો. ત્યાં થોડે દૂર એના જ જેવી નાનકડી અને અતિ સ્વરૂપવાન છોકરી એણે જોઈ. તે બંને વચ્ચે જાણે કે સંતાકૂકડીની રમત મંડાઈ. એ છોકરી દોડીને થોડે દૂર આવેલા એક ઊંચા મિનારા પર ચઢી ગઈ. પેલો છોકરો પણ પાછળ દોડ્યો, પણ મિનારા પર જઈને જુએ છે તો છોકરી ત્યાં ન હતી. તે તો નીચે ખડખડાટ હસતી તેને બોલાવી રહી હતી. અને નીચે ઊતરવા તે સીડી તરફ દોડ્યો-પણ સીડી અલોપ થઈ ગઈ હતી ઉપરથી નીચે નજર નાખતાં તમ્મર આવે એવી ઊંચાઈ હતી; પણ એથી ડગ્યા વિના તેણે ઝંપલાવ્યું ને સ્વપ્ન ઊડી ગયું. એમની સાથે એમનાં પત્ની હતાં. જૂનાગઢ અને ત્યાંની કૉલેજના સંસ્કૃતના ઘણા જાણીતા અધ્યાપક શ્રી મહાદેવ મલ્હાર જોષીને ત્યાં અમે ઊતર્યા. મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી વામન મલ્હાર જોષીના એ ભાઈ. એમની પણ એક મોટા વિદ્વાન તરીકેની ખ્યાતિ હતી. પ્રો. મહાદેવ મલ્હાર જોષીને ત્યાં ઊતરવાનું છે એ જાણતાં મને વળી બીજી એક મોટી તક મળે છે એવો આનંદ થયો.