સાફલ્યટાણું/પરિચય
શ્રી ઝીણાભાઈની આત્મકથાનો ‘મારી દુનિયા' પછીનો આ બીજો ભાગ અસહકારનું આહ્વાન થયું ત્યાંથી શરૂ થાય છે અને ગાંધીજી ગોળમેજીમાંથી ખાલી હાથે પાછા આવ્યા અને પકડાયા ત્યાર પછી દેશભરમાં જે વ્યાપક ધરપકડો થઈ તેના ભાગરૂપે ઝીણાભાઈ પણ પકડાયા અને બે વરસની સજા લઈને જેલમાં ગયા અને ૧૯૩૩ ના પાછલા ભાગમાં છૂટીને બહાર આવ્યા ત્યાં પૂરો થાય છે. આમ, એ તેર વર્ષની કથા છે. એ વર્ષો આપણા દેશના, ગુજરાતના અને ઝીણાભાઈની પેઢીના માણસોના જીવનનાં ઉજ્જવળ ત્યાગભાવના અને દેશની આઝાદી માટે કંઈક કરી છૂટવાની તીવ્ર તમન્નાભર્યાં વર્ષો છે. આ કથા લખાઈ છે પણ એ રીતે કે આખા દેશમાં વ્યાપી વળેલા એ ઊર્મિઉછાળનો સ્પંદ અનુભવાતો રહે, તેમાં ગુજરાતે ભજવેલા ભાગનો એકંદર ખ્યાલ આવે તથા ઝીણાભાઈ જ્યાં કામ કરતા હોય તે સ્થાનની પ્રવૃત્તિઓની માહિતી જરા વિગતે મળે અને એ બધાની ભૂમિકા ઉપર એમનું પોતાનું જીવન આલેખાતું જાય. આ વ્યાપક પરિપ્રેક્ષ્યને લીધે આ પુસ્તકનું ઐતિહાસિક અને પ્રેરણાત્મક મૂલ્ય ઘણું વધી જાય છે. ખરું જોતાં, આ ઝીણાભાઈ નામે એક વ્યક્તિની કથા નથી રહેતી પણ એ જમાનાની અનેક વ્યક્તિઓની અને ખાસ તો એ ગાળામાં દેશે અનુભવેલા અપૂર્વ અને અદ્ભુત જીવનસાફલ્યના ટાણાની કથા બની જાય છે. ગાંધીજી માટીમાંથી માનવ સરજતા હતા એમ જે કહેવાયું છે તે ક્રિયા અહીં પ્રત્યક્ષ જોવા મળે છે. એ જમાનાનો ઉચ્ચ આદર્શવાદ અને ધ્યેયનિષ્ઠ ત્યાગભાવના સામાન્ય માણસોમાં પણ કેવું બળ પૂરતાં હતાં તેનો અહીં પાને પાને પરિચય થાય છે. એ રીતે, આ કથા આજની પેઢીને આપણી આઝાદીની લડતના એક મહત્ત્વના અને ઉજ્જવળ ગાળાના પ્રેરક અને પાવક વાતાવરણનો જાણે કે પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. આના જ એક અનિવાર્ય ભાગરૂપે, કથામાં ક્રમપ્રાપ્ત હોઈને, ગુજરાત વિદ્યાપીઠનાં પ્રારંભનાં વર્ષોના થનગનાટભર્યા મુક્ત વાતાવરણનું અને તેની અનેકવિધ પ્રવૃત્તિઓનું પણ, વારે વારે વાગોળવું ગમે એવું વર્ણન અહીં મળે છે. આચાર્ય ગિદવાણીજી, કૃપાલાનીજી, કાકાસાહેબ કાલેલકર અને અધ્યાપકોમાં રામનારાયણ પાઠક, મલકાની, અબૂઝફર નદવી તેમ જ તે વખતના વિદ્યાર્થીઓનો પણ પરિચય થાય છે. મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં પણ ઝીણાભાઈએ એક વર્ષ અભ્યાસ કરેલો હોઈ, ત્યાંના વાતાવરણનો, પુછ્તાંબેકર, લલિતજી, ગાંગુલી વગેરે અધ્યાપકોનો તેમ જ શિવરામ શાસ્ત્રી, સૂળે વગેરે વિદ્યાર્થીઓનો પરિચય પણ આવતો હોઈ, આખા દેશમાં તે વખતે કેવો વિદ્યુતસંચાર થયો હતો તેની એક ઝાંખી અહીં જોવા મળે છે. તે વખતે અસહકારમાં જોડાનાર વિદ્યાર્થીઓમાં કેવી ભાવનામયતા, ઉચ્ચ આદર્શવાદ અને દેશ માટે કંઈક કરવાનો કેવો અદમ્ય ઉત્સાહ હતો અને તેમની મૂંઝવણો અને મુશ્કેલીઓ તથા તેમનો ત્યાગ કેવા પ્રકારનાં હતાં તેનો પણ ખ્યાલ આ કથામાંથી મળી શકે એમ છે. ધ્યેયનિષ્ઠાને કારણે તરુણ નવલોહિયા વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ કેવી આપોઆપ સંયમિત થાય છે તે પણ અહીં જોવા મળે છે. આ પહેલાં, વિદ્યાપીઠના વિદ્યાર્થી કે અંતેવાસી એવા ત્રણ માણસોની આત્મકથા પ્રગટ થઈ ચૂકી છે: (૧) દિનકર મહેતાની, (૨) કમળાશંકરપંડ્યાની, અને (૩) બબલભાઈ મહેતાની, આ ચોથી છે. પહેલી ત્રણમાંની એકેમાં વિદ્યાપીઠના તે વખતના જીવનનું અને વાતાવરણનું ચિત્ર આટલું વિગતે મળતું નથી. એટલે વિદ્યાપીઠના ઇતિહાસની દૃષ્ટિએ પણ આ પુસ્તકનું ઘણું મહત્ત્વ છે. વિદ્યાપીઠનો જીવંત ઇતિહાસ હજી સુધી લખાયો નથી. ગુજરાતના અર્વાચીન કાળના ઇતિહાસમાં એ એક મહત્ત્વનો અધ્યાય છે અને એ લખી શકે નો ઝીણાભાઈની પેઢીના માણસોમાંથી જ કોઈ લખી શકે. એ લખાય એવો સંભવ હુ ઓછો છે એટલે પણ આ પુસ્તકનું મૂલ્ય ઘણું વધી જાય છે. જો ધારે તો કદાચ માઈ જેઠાલાલ ગાંધી એ કામ કરી શકે છે. એમની પાસે પુષ્કળ માહિતી છે અને હજી સુધી એમની સ્મૃતિ પણ સારી છે. ચોટદાર અને પ્રેરક પ્રસંગોનો એમની પાસે મોટો ભંડાર છે. પહેલાં કહ્યું તેમ, આ પુસ્તક ૧૯૨૦ થી ૧૯૩૩ સુધીના ગાળાને આવરી લે છે, એટલે બીજી રીતે કહીએ તો, એમાં ઝીણાભાઈની ઉંમરના સત્તરમા વર્ષથી ત્રીસમા વર્ષ સુધીની કથા આવે છે, એટલે કે આજ સુધી પહોંચવા માટે બીજાં પચાસ વર્ષની કથા બાકી રહે છે, અને તે જ એમના જીવનનો મુખ્ય ભાગ છે. આમાં તો એમના ઘડતરનાં વર્ષોની વાત જ આવે છે. ઘટનાની દૃષ્ટિએ જોઈએ તો, ગાંધીજીના વ્યાખ્યાનથી પ્રેરાઈ અસહકાર કરી, સરકારી શાળા છોડી, રાષ્ટ્રીય શાળાના અભાવે લડતના કામમાં જોડાઈ ભરૂચ જિલ્લાનાં ગામડાંમાં પ્રચાર અર્થે એઓ નીકળી પડે છે. પોતાની શાળા ઉપર પિકેટિંગ પણ કરે છે. કાંતતાં શીખવા માટે અમદાવાદ જઈ આચાર્ય ગિદવાણીજીના સ્વરાજ આશ્રમમાં તાલીમ લઈ આવે છે અને લાંબા મનોમંથન પછી, પરીક્ષાને બે અઠવાડિયાં બાકી હોય છે ત્યારે, વિનીતની પરીક્ષા આપવાનો નિર્ણય કરે છે અને આંજણી અને તાવ સાથે પરીક્ષા આપી બીજે નંબરે પાસ થાય છે. આવી જ ટૂંકી તૈયારીએ પરીક્ષા આપવા છતાં પ્રથમાની પરીક્ષામાં પણ એઓ પહેલે નંબરે પાસ થાય છે, એ જ બતાવે છે કે એમની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી કેવી તેજસ્વી અને ઉજ્જવળ હતી. આ ગાળાની કથામાં અસહકાર માટે માતા કાશીબાની સંમતિ મેળવવામાં અને તે પછી પણ એમને જે તીવ્ર મનોમંથનમાંથી પસાર થવું પડ્યું છે તેમાં એમની એ વયે પણ સમજ કેવી સ્વચ્છ અને સંકલ્પબળ કેવું દૃઢ હતું તેનો પરિચય થાય છે. પુસ્તકમાં સ્થાને સ્થાને એમનાં જે નિરીક્ષણો નોંધાયેલાં છે તે એમની જાગ્રત નિરીક્ષણ-શક્તિ અને પુખ્ત સમજદા ૨ી વિશે આદર જગાડ્યા વગર રહેતાં નથી. આ ગાળાની કથામાં અસહકારને કારણે પિતાપુત્ર વચ્ચે ઘેરઘેર જાગેલી સોરાબ-રુસ્તમીના જે બે દાખલા નાથુભાઈ અને મનુભાઈના એમણે ટાંક્યા છે તે, તે જમાનાના તરુણોની ભાવનાશીલતા અને દઢતાના ઘોતક છે. આ જ ગાળામાં એઓ શ્રી દયાળજીભાઈ તથા શ્રી કલ્યાણજીભાઈના સંપર્કમાં આવે છે એટલે તેમનાં પણ સુરેખ ચિત્રો આપણને મળે છે. આ પુસ્તકમાં અવારનવાર આવતાં ભિન્ન ભિન્ન વ્યક્તિઓનાં રેખાચિત્રો એનું એક સમૃદ્ધ પાસું છે. એ બે જણ ઉપરાંત પરાગજીભાઈ અને ચંદુલાલ દેસાઈએ તિલક સ્વરાજ ફાળા માટે કરેલાં સર્વસ્વના દાનના ભવ્ય પ્રસંગના પણ એ સાક્ષી બને છે. આઘાતથી થયેલા દયાળજીભાઈના અવસાનનો પ્રસંગ હૃદયસ્પર્શી છે અને તેનું નિરૂપણ ખૂબ સૌમ્ય રીતે થયું છે. આ પુસ્તકમાં ક્યાંય કડવાશ કે ડંખ નથી. ‘ગાંધીજી અને એમના અનુયાયી' પ્રકરણમાં લોકોમાં ફેલાયેલી ગાંધીજી વિશેની અંધશ્રદ્ધા અને તેના લેવાયેલા ગેરલાભની વાત આવે છે તે અનેક રીતે બોધક છે. એ પ્રકરણનો અંત વાંચતાં મને ગાંધીજીએ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સમક્ષ ઉચ્ચારેલાં વચનો કે ‘હું ઓજારોનો વાંક કાઢનાર અણઘડ સુથાર નથી'નું સ્મરણ થાય છે. વિનીત થયા પછી એઓ મહાવિદ્યાલયમાં જોડાવા મુંબઈ જાય છે અને ત્યાં એમને જે અનેક અનુકૂળતાઓ સાંપડે છે, તેનું વર્ણન એમણે ‘માનવતાની મહેક’ નામના પ્રકરણમાં કર્યું છે. એમાં હંસરાજ પ્રાગજી અને કમળાબહેન સોનાવાલા તથા દવાની ફી ન લેનાર તેમ જ પાંચ દાદરા ચડી તપાસી જવાની તૈયારી બતાવનાર દાક્તરનો વ્યવહાર ખાસ નોંધપાત્ર છે. આ બધામાં એમને ઇશ્વરનો · હાથ હોય એવું લાગે એમાં નવાઈ નથી. મુંબઈના એમના ત્રણ સહાધ્યાયીઓ શિવરામ શાસ્ત્રી, સૂળે અને કાંતિલાલ પોતપોતાની રીતે અનોખા છે. કાંતિલાલનો મને પરોક્ષ પરિચય ઝીણાભાઈ મારફતે જ થયો હતો. એમના કહેવાથી મેં ‘સુવર્ણમાળા’ માટે બંગાળના બાઉલો વિશે લેખ મોકલ્યો હતો અને મને યાદ છે ત્યાં સુધી રંજિતલાલ પંડ્યાના ‘રામકથા' નામે પઘાત્મક રામાયણસારનું અવલોકન લખ્યું હતું. એ બે લેખો માટે ‘સુવર્ણમાળા' તરફથી મને ક્વિલર કૂચના ત્રણ ગ્રંથો-‘ઓન ધ આર્ટ ઑફ રીડિંગ’ ‘ઓન ધ આર્ટ ઑફ રાઈટિંગ' અને ‘સ્ટડીઝ ઈન લિટરેચર'-ભેટ મળ્યા હતા. મુંબઈ મહાવિદ્યાલયમાં એ પૂરું વર્ષ ભણ્યા નહોતા. અસહકારનું સક્રિય કામ કરનારને ટર્મ ગ્રાન્ટ થાય એ નિયમનો લાભ લઈ ચીખલી આવી ત્યાં મિત્રો સાથે મળી રાષ્ટ્રીય શાળા ચલાવવાનો એમણે પ્રયોગ કર્યો. એ પ્રકરણ જાણે વર્ષો યોજનાનો પૂર્વજન્મ હોય એવું લાગે છે. પરીક્ષાના થોડા દિવસ પહેલાં મુંબઈ પહોંચી જઈ બનતી તૈયારી કરી પ્રથમાની પરીક્ષા આપી અને તેમાં, પહેલાં કહ્યું તેમ, પહેલે નંબરે પાસ થયા. પછી તો ચૌરીચૌરાનો ગોઝારો હત્યાકાંડ થયો, ગાંધીજીએ લડત મોકૂફ રાખી, સરકારે તેમને પકડી કેસ ચલાવ્યો, તેમાં તેમને છ વર્ષની સજા થઈ અને દેશમાં મંદીનું મોજું ફરી વળ્યું. ઘણા વકીલોએ ફરી વકીલાત શરૂ કરી, ઘણા વિદ્યાર્થીઓ પાછા સરકારી શાળા કૉલેજોમાં ગયા, પણ ઝીણાભાઈ આત્મગૌરવપૂર્વક પોતાના નિશ્ચયમાં દૃઢ રહ્યા અને વધુ અભ્યાસ માટે અમદાવાદના મહાવિદ્યાલયમાં જોડાયા. આ બધી ઘટનાઓનું વર્ણન કરતાં એમણે રાજાજીની ૧૯૨૦ની જેલડાયરીમાંથી જે આશ્ચર્યજનક ભવિષ્યકથન ઉતાર્યું છે તે આપણા દેશની ખાજની શોચનીય દુર્દશાનો આબેહૂબ ચિતાર આપે છે. (જુઓ પૃ. ૧૩૨) અમદાવાદ આવી વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં જોડાયા એટલે સ્વાભાવિક ક્રમમાં જ વિદ્યાપીઠ અને મહાવિદ્યાલયના વાતાવરણનું, પ્રવૃત્તિઓનું, અધ્યાપકો અને વિદ્યાર્થીઓનું વર્ણન કરવાનું આવે છે અને તે ઝીણાભાઈ મન મૂકીને વિગતે કરે છે. એમાં ક્યાંક ક્યાંક પૂર્તિ કરવાનું મન થાય છે, પણ અહીં તો તે અત્યંત સંયમપૂર્વક જ કરી શકાય. (૧) ભાઈ ઝીણાભાઈએ મહાવિદ્યાલયના સંગીતના અધ્યાપક શંકરરાવ પાઠકના વાયોલિન વાદનનો ઉલ્લેખ કર્યો છે (૧૩૯). એમનું વાદન કેવું ઉત્કૃષ્ટ હતું એનો ખ્યાલ એ વાત ઉપરથી આવશે કે સંગીતના જાણકાર અને કદરદાન સ્વ. નરસિંહરાવ દિવેટિયાએ એમનું વાયોલિન સાંભળીને પોતાની રોજનિશીમાં નોંધ કરી હતી કે ‘મહાવિદ્યાલયના સંગીતાચાર્ય શંકરરાવ પાઠકે વાયોલિન વગાડેલું. શું અદ્ભુત-આત્મોલ્લાસક, કલાપૂર્ણ-હતું. વાદન! બધા તલ્લીન થઈ ગયા.’ (નરસિંહરાવની રોજનિશી, પૃ. ૪૫૧). કવિ સુંદરમે પણ એમને વિશે કાવ્ય લખેલું છે અને મેં પણ ‘ગીતાંજલિ અને બીજાં કાવ્યો'નું અર્પણ એમને કર્યું છે. (૨) મહાવિદ્યાલયમાં આવતા મહેમાનોનાં પ્રવચન પછીનાં કૃપાલાનીજીનાં આભારવચનો વિશે લખતાં ઝીણાભાઈએ બ. ક. ઠા.નો પ્રસંગ ટાંક્યો છે(૧૫૧). મને એવો બીજો એક પ્રસંગ સાંભરે છે. એક વાર દીનબંધુ ઍડ્રુઝે બે દિવસ સુધી રવીન્દ્રનાથ વિશે વ્યાખ્યાન આપ્યું હતું અને બીજે દિવસે તેમનો આભાર માનતાં કૃપાલાનીજીએ જે પ્રવચન કર્યું હતું તેમાં રવીન્દ્રનાથ અને ગાંધીજીની ભિન્ન ભૂમિકાની વેધક ચર્ચા કરી હતી. એ વ્યાખ્યાન તે વખતે આચાર્ય ગિદવાણીજીના માસિક ‘ટુમોરો'માં ‘ધ પોયેટ ઍન્ડ ધ પ્રૉફેટ’ નામે પ્રગટ થયું હતું અને પાછળથી એનો ભાઈ ઉમાશંકર જોશીએ કરેલો અનુવાદ ‘કવિ અને પયગંબર’ ‘આચાર્ય કૃપાલાનીજીના લેખો' નામે પુસ્તકમાં પ્રસિદ્ધ થયો હતો. (૩) ભાઈ ઝીણાભાઈએ ચર્ચાપરિષદનો ઉલ્લેખ કર્યો છે (૧૭૮). એ પરિષદ પણ કેવું મુક્ત વિચારનું ફોરમ હતું એનો ખ્યાલ આવે એ માટે હું એક જ દાખલો ટાંકીશ. ૧૯૨૩ ના અરસામાં, આજથી પૂરાં સાઠ વર્ષ પહેલાં, એમાં અધ્યાપક મલકાનીએ ગર્ભનિરોધનાં સાધનોની હિમાયત કરતું સચિત્ર વ્યાખ્યાન આપ્યું હતું અને તેની ચર્ચામાં શ્રી કૃપાલાનીજી, કાકાસાહેબ, મજમુદાર વગેરેએ ભાગ લીધો હતો. જોકે એ ચર્ચાથી વાતાવરણ સહેજ ક્ષુબ્ધ થયું હતું. આ જ સંદર્ભમાં મને તે વખતની મતાંતર સહિષ્ણુતાનું સ્મરણ થાય છે. એક વરસે આ ચર્ચાપરિષદમાં અસહકારના વિરોધીઓને આમંત્રી તેમને આદરપૂર્વક સાંભળ્યા હતા. એમાં રમણભાઈ નીલકંઠ, ડૉક્ટર સોલોમન વગેરેનો સમાવેશ થતો હતો. (૪) મહાવિદ્યાલયના ત્રૈમાસિક ‘સાબરમતી'નો ઉલ્લેખ ઝીણાભાઈએ કર્યો છે (૧૭૮). તે વખતનાં ગુજરાતી સામાયિકોમાં એણે ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને આપણા દુરારાધ્ધ સાક્ષર બળવંતરાય ઠાકોરે પણ એની પ્રશંસા કરી હતી. (૫) ભાઈ ઝીણાભાઈએ મહાવિદ્યાલયમાં આવતા મહેમાનોનો ઉલ્લેખ કર્યો છે (૧૭૯), તે ઉપરથી મને આચાર્ય પ્રફુલ્લચંદ્ર રાયની મુલાકાત સાંભરે છે. તેઓ વિદ્યાપીઠના મુખ્ય મકાન ‘પ્રાણજીવન વિદ્યાર્થી ભવન'નો પાયો નાખવા આવ્યા હતા. એ પ્રસંગે કુલનાયક તરીકે આચાર્ય ગિદવાણીજીએ પોતાના વ્યાખ્યાનનો ગુજરાતી અનુવાદ તૈયાર કરાવી તે સિંધી લિપિમાં લખી લીધો હતો અને તે સભામાં વાંચ્યો હતો. ગિદવાણીજી ગુજરાતી શીખ્યા પણ હતા અને તેમણે ભાઈ પરીક્ષિતલાલની મદદથી સિંધીમાંથી ‘જીવનચિંતન’ નામે એક પુસ્તિકાનો અનુવાદ પણ કર્યો હતો. શિલારોપણવિધિ તા. ૯-૩-૨૩ને રોજ થયો હતો અને બીજે દિવસે આચાર્ય પ્રફુલ્લચંદ્ર મહાવિદ્યાલયમાં પધાર્યા હતા તેમણે પોતાના પ્રવચનમાં ધ્રુવની માતાએ તેને આપેલો ઉપદેશ-સુચીતો મવ ધર્માત્મા-સંભાર્યો હતો અને બોલતાં બોલતાં મસ્તીમાં આવી તેઓ પાસે બેઠેલા સકસના વિખ્યાત ખેલાડી પ્રો. રામમૂર્તિના ખભા ઉપર ચડી ગયા હતા અને રામમૂર્તિ તેમને ઉપાડીને ઊભા થઈ ગયા હતા. આચાર્ય પ્રફુલ્લચંદ્ર બાળકના જેવા સરળ હતા. તેમનો આભાર માનતાં આચાર્ય કૃપાલાનીજીએ અંતે બે વાક્યો બંગાળીમાં કહ્યાં હતાં – ‘મશાય, આપનાર પાયેર ધૂલિ ચાઈ. એઈ શુભ કાર્ય આપનાર આશીર્વાદ ચાઈ.’ (૬) ભાઈ ઝીણાભાઈએ વિદ્યાપીઠના મુક્ત વાતાવરણની સાથે શિસ્તનો પણ ઉલ્લેખ કર્યો છે અને તેના એક દૃષ્ટાંત તરીકે નાગપુર ઝંડા સત્યાગ્રહનો પ્રસંગ ટાંક્યો છે. એવો જ બીજો દાખલો બારડોલીની લડતનો છે. તે વખતે ઘણા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ લડતમાં જોડાવા જવા થનગની રહ્યા હતા, પણ માત્ર દસ જણને જ જવા દેવામાં આવ્યા હતા. એ દસ જણે ત્યાં એવું કામ કર્યું કે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા'ના ખાસ ખબરપત્રોને એમ લાગ્યું અને તેણે પોતાના હેવાલમાં લખ્યું પણ ખરું કે વિદ્યાપીઠમાંથી સો જણ અહીં આવ્યા છે અને તેઓ આખા તાલુકામાં લડતનાં વિવિધ કામો સંભાળે છે! મુંબઈમાં જેમ ઝીણાભાઈને અનેક અનુકૂળતાઓ આવી મળી હતી તેવું જ અમદાવાદમાં પણ થયું. એમના ઉપર ટ્યૂશનોનો વરસાદ વરસ્યો. એની વાત એમણે ‘સ્વાવલંબન અને વિદ્યાભ્યાસ’ નામના પ્રકરણમાં કરી છે. એમણે નોંધ્યું છે તેમ, ‘આ ઘટનાથી મારા મનમાં થોડાક વખતથી એક શ્રદ્ધા પોતાનાં મૂળ નાખી રહી હતી કે ભગવાન મારો રાહબર છે અને તે સતત મારી કાળજી રાખે છે, એ વધુ દૃઢ બની' (૧૯૩). આ જ સમયમાં ઝીણાભાઈ પાઠકસાહેબ મારફતે આપણા બે મૂર્ધન્ય કવિઓ નાનાલાલ અને બ. ક. ઠાકોરના નિકટના પરિચયમાં આવ્યા અને તેમની સાથેના એમણે વર્ણવેલા પ્રસંગો એ બંનેના સ્વભાવનો સારો પરિચય કરાવે છે. ઝીણાભાઈએ કવિશ્રીના મણિમહોત્સવ વખતના પ્રવચનનો ઉલ્લેખ કર્યો છે એટલે મને બીજો એક પ્રસંગ ટાંકવાનું મન થાય છે. કવિનું અસહકારીઓ પ્રત્યેનું વલણ જાણીતું હોવા છતાં વિદ્યાપીઠના અધ્યાપકોમાં કે વિદ્યાર્થીઓમાં તેમના પ્રત્યે રોષ કે દુર્ભાવ જોવામાં આવતો નહોતો. મહાવિદ્યાલયના મારા છેલ્લા વર્ષ દરમિયાન ૧૯૨૪-૨૫માં અમારી પંચાયતે ગોવર્ધનરામ જયંતી ઊજવવાનું નક્કી કર્યું હતું અને હું તે વખતે કામચલાઉ મહામંત્રી હતો એટલે મુખ્ય વક્તા તરીકે કવિશ્રી નાનાલાલને આમંત્રણ આપવા મારે જવાનું હતું. મારા મિત્ર ભાઈ રમણલાલ ભટ્ટ, કરુણાશંકર માસ્તરના ભાણેજ થાય એટલે તે નાતે એમને કવિશ્રીનો પરિચય હતો. તેમને સાથે લઈને હું કવિને મળવા હઠીસિંહની વાડીએ ગયો. એમણે આમંત્રણ સ્વીકાર્યું અને કહ્યું, ‘પ્રમુખ તો હું જ. હવે તમે વક્તાઓ મેળવી લેજો.’ અમારી પાસે રામનારાયણ પાઠક તો હતા જ. બીજા કોને બોલાવ્યા તે યાદ નથી. સભા પ્રેમાભાઈ હૉલમાં રાખી હતી, અને તેમાં કવિશ્રીએ ‘ગોવર્ધનરામભાઈ-ગુજરાતના પ્રજ્ઞામૂર્તિ જગત્સાક્ષર' એ વ્યાખ્યાન આપ્યું હતું જે તે વખતે ‘સાબરમતી’માં પ્રગટ થયું હતું. એ વ્યાખ્યાનની શરૂઆતમાં એમણે ‘અસહકારીઓ ઇતિહાસ ભૂલ્યા છે' એવો આક્ષેપ, નવલરામ જયંતી વખતે પોતે કર્યો હતો તે સંભારી, વિદ્યાર્થીઓએ ગોવર્ધનરામની જયંતી ઊજવી માટે, નેતાઓને બાદ રાખી, વિદ્યાર્થીઓ પૂરતો એ આરોપ પાછો ખેંચી લીધો હતો. પણ વિદ્યાપીઠ પ્રત્યેના એકંદર વલણમાં ખાસ ફેર પડ્યો હોય એવું લાગતું નથી. કારણ, ૧૯૨૮-૨૯માં ‘કાવ્યપરિચય'માં એમનાં કાવ્યો લેવા માટે વિદ્યાપીઠે જ્યારે પરવાનગી માગી ત્યારે તેનો એવો જવાબ મળ્યો હતો કે મારાં કાવ્યો વાંદરાં માટે નથી. આ પહેલાં એકવાર ગાંધીજીએ એ મતલબના ઉદ્ગાર કાઢ્યા હતા કે વિદ્યાપીઠમાં એકે વિદ્યાર્થી નહિ હોય, અહીં વાંદરાં રમતાં હશે તોયે હું વિદ્યાપીઠ ચલાવીશ, તેનો આમાં પડઘો છે. વિષ્ણુ ભાસ્કર લેલેને લગતું પ્રકરણ ઝીણાભાઈના વ્યક્તિત્વ ઉપર નવો જ પ્રકાશ પાડે છે. ઘણાને એમની એ પાસાની ખબર ન હોવાનો સંભવ છે. આંખના ખીલના ઉપચાર અને ગુલાબભાઈની ગંભીર માંદગીને કારણે એમનું એક વર્ષ બગડ્યું અને એઓ એક વર્ષ મોડા સ્નાતક થયા અને પ્રથમ શ્રેણી પણ ન મેળવી શક્યા. જોકે સમાજશાસ્ત્રમાં એમનું સ્થાન પ્રથમ હતું અને ગુજરાતીમાં ૭૩ % માર્ક મેળવ્યા હોઈ એ વિષયનું પ્રથમ ઈનામ એમને મળ્યું હતું. સ્નાતક થતાં જ એઓ વિદ્યાપીઠમાં અધ્યાપક નિમાયા. આ અરસામાં જ એમણે વ્યાયામ અને તરવાથી કસાયેલા પોતાના શરીરને વેઈટ લિફ્ટિંગ અને કુસ્તી વગેરેથી સુદૃઢ કર્યું. ખીલના ઉપચાર તરીકે ચૌદ દિવસના ઉપવાસ કર્યા અને યુવકસંઘની પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લીધો. ૧૯૨૭-૨૮માં વિદ્યાપીઠમાં મોટા ફેરફારો થયા. કૃપાલાનીજીને બદલે આચાર્યસ્થાને કાકાસાહેબ આવ્યા, અને વિદ્યાપીઠના જીવનનો એક નવો તબક્કો શરૂ થયો. વિદ્યાપીઠમાંથી કૃપાલાનીજીની વિદાય વસમી વિદાય હતી. આ પ્રસંગે ઝીણાભાઈએ કૃપાલાનીજીના એ પછીના જીવનનો પણ ઉલ્લેખ કરી લીધો છે અને ઉચિત રીતે જ. આજના કડવાશભર્યા વાતાવરણમાં, સુચેતાદેવી અને કૃપાલાનીજીના સહિષ્ણુતાસભર પ્રસન્ન દાંપત્યનો મહિમા કર્યો છે. કૃપાલાનીજીના ગયા પછી થોડા જ વખતમાં બીજા કેટલાક અધ્યાપકોની પેઠે ઝીણાભાઈ પણ વિદ્યાપીઠમાંથી છૂટા થાય છે, એ પ્રસંગનું નિરૂપણ ભારે સંયમપૂર્વક થયું છે.. વિદ્યાપીઠમાંથી છૂટા થઈને તરત જ એઓ ‘નૂતન ગુજરાત’નું તંત્રીપદ સંભાળે છે, શ્રીમતી વિજયાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાય છે. ‘ઈન્ડિપેન્ડંસ લીગ'માં આગેવાનીભર્યો ભાગ લે છે અને ફરી સક્રિય રાજકારણમાં ખેંચાય છે. ત્યાં તો લાહોરની કોંગ્રેસ મુકમ્મિલ આઝાદીનો ઠરાવ કરે છે અને માર્ચમાં તો દાંડીકૂચ આવી પહોંચે છે. એઓ ‘નૂતન ગુજરાત'માંથી છૂટા થઈ સુરત જઈ સત્યાગ્રહ પત્રિકાની જવાબદારી સંભાળે છે. ગાંધીજીની રોજની પ્રવૃત્તિનો હેવાલ આપવાનું એમને માથે આવ્યું એટલે અવારનવાર ગાંધીજીને મળવાનું પણ થતું. યુદ્ધગીતો લખાતા ગયાં. ગાંધીજીની ધરપકડ પછી ધરાસણાની ધાડનો જે કાર્યક્રમ ગોઠવાયો તેની વીરતા અને ક્રૂરતા બંનેના એ સાક્ષી બન્યા અને કોઈ પણ જાતની રીતસરની તાલીમ વગરના અહિંસક સૈનિકોએ જે અવિસ્મરણીય દૃઢતા, સહનશક્તિ, સંયમ અને અહિંસાપૂર્વક આત્મબળનો પરચો આપ્યો તેના પ્રતીકરૂપે એમણે નરહરિભાઈ પરીખ અને સરોજિની દેવીનાં દૃષ્ટાંત ટાંક્યાં છે, તે સાચે જ, રોમહર્ષણ છે. ગાંધીજીની પ્રવૃત્તિ કેવળ રાજકીય નહોતી, સમગ્ર જીવનને સ્પર્શતી હતી અને તેથી ગુજરાતના જીવનમાં કેટલા બધા સુધારા એ પ્રવૃત્તિના આનુષંગિક પરિણામરૂપે થઈ ગયા એનો પણ કંઈક ખ્યાલ આ પુસ્તકમાંથી આવે છે. બીજી ક્રાંતિઓમાં માણસ રાજકીય બાબતમાં ઉગ્ર હોય અને છતાં જીવનનાં બીજાં ક્ષેત્રોમાં રૂઢિવાદી કે પછાત હોય એવું બનતું, પણ ગાંધીજીની પ્રવૃત્તિમાં જીવન એક અને અખંડ હોઈ, સર્વોતોમુખી ઉન્નયન થતું રહેતું. સ્વાતંત્ર્ય પછી એ સામગ્નિક દૃષ્ટિ ગઈ અને જાહેરજીવનમાં અનેક દોષો પેઠા-અને આજે હવે ભ્રષ્ટાચાર જ શિષ્ટાચારરૂપે મહાલતો થયો છે. અસ્તુ. ધરાસણા પછી ઝીણાભાઈ પણ વધુ વાર બહાર રહી શક્યા નહિ અને નવ મહિનાની સખત કેદ અને દોઢસો રૂપિયાના દંડની સજા લઈ સાબરમતી અને ત્યાંથી યરોડા પહોંચી ગયા. યરોડાની યાતનાનો અહીં વિગતે ચિતાર છે. મુંબઈના ભાઈઓએ શરૂ કરેલી ભૂખ હડતાલનો નામોશીભર્યો અંત આવ્યો એ બલાબલનો પૂરો વિચાર કર્યા વગર ઉપાડેલી લડતનું દૃષ્ટાંત પૂરું પાડે છે. એમનો દંડ ન ભરવાના નિશ્ચયને વળગી રહીને કાશીબાએ જે વીરતાથી બધાં કષ્ટો વેઠી લીધાં અને આખરે હિજરત પણ કરી એ તે જમાનાનું વાતાવરણ કેવું પ્રેરક હતું એનો ખ્યાલ આપે છે. એની સાથે જ ઝીણાભાઈએ અમીનાબહેન કુરેશીની દઢતા અને સંકલ્પબળનું જે ઉજ્જ્વળ દૃષ્ટાંત ટાંક્યું છે તે પણ આ જ વાતની સાખ પૂરે છે. ગાંધીજી માણસની સર્વોત્તમ શક્તિને કેવી રીતે બહાર લાવતા હતા તે આવાં દૃષ્ટાંતોમાં જોવા મળે છે. સજા પૂરી કરી બહાર આવતાં જ એમને સુરતમાં જોઈતું કામ મળી ગયું એ એમને સદા મળી રહેતી અનુકૂળતાનું જ વધુ ઉદાહરણ છે. અઠ્ઠાવીસ વર્ષના ઝીણાભાઈ સુરત શહેર કૉંગ્રેસના પ્રમુખસ્થાને ચૂંટાય છે અને તેની કામગીરી યશસ્વી રીતે પાર પાડે છે, એ એમની સૂઝ, કલ્પકતા અને આત્મશ્રદ્ધાનું ઘોતક છે. એ વખતે સુરતમાં હિંદુમુસ્લિમ હુલ્લડ થયું હતું અને તેમાંથી મુસ્લિમોનો સામાજિક બહિષ્કાર પોકારવામાં આવ્યો હતો, અને પરિણામે બે કોમ વચ્ચે કડવાશ વધતી જતી હતી. તેનો એમણે જે કુનેહ અને કલ્પકતાથી ઉપાય કર્યો તે કોઈની પણ પ્રશંસા માગી લે એવી ઘટના છે. આ જ અરસામાં એમને જવાહરલાલ નહેરુ, ખાન અબ્દુલ ગફારખાન, સુભાષબાબુ જેવા અખિલ ભારતીય નેતાઓના સંપર્કમાં આવવાનું થયું અને તેમના મિજાજનો પણ કદી ન ભુલાય એવો પરિચય થયો. એઓ અબ્બાસ તૈયબજીના કુટુંબના પરિચયમાં આવ્યા અને તેની ખાનદાનીનો પણ એમણે અનુભવ કર્યો. ગાંધી-અર્વિન સુલેહને પરિણામે ગોળમેજીમાં ગયેલા ગાંધીજી ત્યાંથી ખાલી હાથે પાછા આવ્યા તે પહેલાંથી જ સરકારે સુલેહનો ભંગ કરી ધરપકડો શરૂ કરી દીધી હતી. જવાહરલાલ સહિત અનેક કાર્યકર્તાઓ જેલના સળિયા પાછળ પુરાઈ ગયા હતા અને મુંબઈ બંદરે ઊતર્યા પછી ત્રણચાર દિવસમાં જ ગાંધીજી પણ પાછા યરોડા પહોંચી ગયા. ઝીણાભાઈ પણ સ્નેહી-સંબંધીઓને મળી સુરત પહોંચતાં જ ઝડપાયા અને બે વરસની જેલ લઈ સાબરમતી પહોંચી ગયા. આ એમની સુરતથી આખરી વિદાય હતી. બે વરસની સજા સાબરમતીમાં જ પૂરી કરી બહાર આવતાં એ સીધા મુંબઈ ચાલ્યા ગયા. આ કથામાં કાશીબાનું વીરમાતા તરીકેનું ઉજ્જવળ ચિત્ર વારેવારે પ્રગટ થાય છે. તેમની ઇશ્વરશ્રદ્ધા, પોતાનાં સંતાન ઉપરની શ્રદ્ધા, અને માનવમાત્ર ઉપરની શ્રદ્ધાનાં પણ દર્શન પ્રસંગોપાત થતાં રહે છે. ભાઈ ગુલાબભાઈના આંતરજ્ઞાતિ લગ્નમાં ભાગ લેવા આખું ગામ એમની સાથે નવસારી પહોંચી જાય છે એ પ્રસંગ હૃદયને સ્પર્શે અને કદી ન ભુલાય એવો છે. ‘જાલિમ સરકારને હટાવવા માટે આખા કુટુંબે ફના થઈ જવું પડે તો તેમ કરતાં અચકાવું ન જોઈએ’ એવી ઉદ્ઘોષણા કરતા બાળક ગુલાબભાઈનું ચિત્ર પણ યાદ રહી જાય એવું છે. ગાંધીજીની નિંદા કરનાર કવિ નાનાલાલને આવતા જોઈ બારણાં વાસી દેનાર અને ‘હવે એવું નહિ થાય' એવી ખાતરી મળ્યા પછી જ ખોલનાર પાર્વતી, પોતાની સખીને
[ હે સખી, આ બટુ વળી પાછો કંઈ બોલવા માગતો હોય એમ લાગે છે, એના હોઠ ફડફડે છે, માટે એને રોક, કારણ, જે મોટાની નિંદા કરે છે તે જ માત્ર નહિ, જે તે સાંભળે છે તે પણ પાપમાં પડે છે. (કુમાર સંભવ, ૫-૮૩) ] કહેતી ઉમાનું સ્મરણ કરાવે છે. યાદ રહી જાય એવું બીજું ચિત્ર તેર વરસની સરોજિનીનું છે. એ ઉપરાંત, સુરતના પ્રદર્શનમાં ગાંધીજી વિશે ઘસાતું બોલનાર દુકાનદારની છાતી ઉપર ચડી બેસનાર ઝીણાભાઈ, પોતાની છાતી ઉપરથી મોટર હંકાવનાર તથા લોખંડની સાંકળ તોડનાર પહેલવાન વિધાર્થી લાલીવાલાની ગળચીએ ભરડો ભરાવનાર ઝીણાભાઈ અને આખી નર્મદા તરી જનાર ઝીણાભાઈનાં તેમ જ જોશ જોનાર ભાઈબંધ ઝીણાભાઈ, છેલ્લી જેલના સાથી ભગવાનદાસ તથા રીઢા કેદી મહમદિયાનાં ચિત્રો પણ ચિત્તમાં છપાઈ જાય એવાં છે. આખું પુસ્તક એકધારી પ્રવાહબદ્ધ અને વિષયને અનુરૂપ ગૌરવભરી ભાષામાં લખાયું છે અને સતત, આસ્વાદ્ય ગદ્ય વાંચતા હોઈએ એવો અનુભવ કરાવે છે. ઉપર જણાવેલાં અને ન જણાવેલાં એવાં અનેક કારણોસર આ પુસ્તકનો બહોળો પ્રચાર થાય એમ હું ઇચ્છું છું. ૨૧, સરદાર પટેલ નગર નગીનદાસ પારેખ
અમદાવાદ-૩૮૦ ૦૦૬
ઝીણાભાઈ જન્મદિન
૧૬-૪-૮૩