સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ/ગોવર્ધનયુગનું ગદ્ય
સાહિત્યના આપણે જે યુગો પાડીએ છીએ તેને તે તે સમય-વિભાગના પ્રથમ ગણનાયોગ્ય પ્રતિનિધિનું નામ આપવાનો શિરસ્તો છે. દલપત-નર્મદયુગ કે જાગૃતિયુગ કે સંસારસુધારા યુગ પછીનો યુગ જેને ગોવર્ધનરામ, નરસિંહરાવ, હરિલાલ ધ્રુવ, કેશવલાલ ધ્રુવ, મણિલાલ નભુભાઈ, રમણભાઈ, ‘કાન્ત’, આનંદશંકર ધ્રુવ, બલવંતરાય ઠાકોર, છગનલાલ પંડ્યા, કમળાશંકર ત્રિવેદી, આદિ વિદ્વાનોની અક્ષરોપાસનાનો અને કલમનો લાભ મળ્યો છે તેના સમર્થ પ્રતિનિધિ ગોવર્ધનરામ હોવાથી તેને ગોવર્ધનયુગ નામ આપવામાં કશું ખોટું થતું નથી. નર્મદયુગ જાણે ઈ.સ. ૧૮૬૬માં થયેલા નર્મદના અવસાનથી પૂરો થતો હોય એમ ૧૮૮૭માં ગોવર્ધનરામકૃત ‘સરસ્વતીચંદ્ર’ ભાગ-૧ અને નરસિંહરાવકૃત ‘કુસુમમાળા’ પ્રગટ થયાં અનેએ રીતે પાંડિત્યની નવી દીપ્તિ દાખવતો ગોવર્ધનયુગ શરૂ થયો. એ ચાલ્યો ગણાય ગુજરાતી સાહિત્યક્ષેત્રે થયેલા શ્રી કનૈયાલાલ મુનશીના પ્રવેશ અને ગાંધીજીનાં લખાણ તથા સાહિત્ય સંબંધી દૃષ્ટિની થવા માંડેલી અસર સુધી.
આ યુગ નર્મદયુગ કરતાં સ્પષ્ટ પ્રગતિ દેખાડે છે. આ યુગના સાહિત્યકારોમાંના ઘણા યુનિવર્સિટીનું શિક્ષણ પામેલા પદવીધરો હતા. નર્મદયુગના લેખકોનું શિક્ષણ યુનિવર્સિટી સુધી પહોંચ્યું ન હતું. વ્યવસ્થિત યુનિવર્સિટી શિક્ષણ, સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનોતે કારણે વધુ વિશાળ અને ઊંડો અભ્યાસ, શાસ્ત્રીય માનસ, અને અશેષ નિરૂપણનો આગ્રહ, આ ગોવર્ધનયુગના લેખકોની વિશિષ્ટતા હતી. નર્મદયુગ કરતાં જીવનની સંકુલતા પણ વધતી જતી હતી અને ઘણા નવા પ્રશ્નો વિચારવાના ઊભા થતા હતા. આને પહોંચી વળે તેવું ઉચ્ચ બુદ્ધિતંત્ર પણ પરમાત્માએ આ યુગના લેખકોને બક્ષ્યું હતું. આથી વિચારણા વધી અને તેમાં સુસ્થતા, પકવતા અને ઊંડાણ વધ્યાં. ગોવર્ધનરામ, મણિલાલ, આનંદશંકર, રમણભાઈ, આદિએ કરેલી ધર્મ, સંસાર, રાજ્ય ને સાહિત્ય સંબંધી વિચારણા આની પ્રતીતિ કરાવશે. એ રીતે જુઓ તો આ યુગ પંડિતોનો યુગ હોવાથી એને પંડિતયુગ કે સાક્ષરયુગ નામ અપાયું છે તે અમસ્થું નહિ.
ગદ્યને હંમેશાં વિચાર જોડે સંબંધ છે. ઊંડી ગંભીર પર્યેષણા વધે ત્યારે તેને વ્યક્ત કરવા પૂરતું સમર્થ ગદ્ય પણ સાથે જ જન્મે. ગોવર્ધનયુગના આ પંડિતોએ વિકસતા ગુજરાતી ગદ્યને જુદાજુદા વિષયોમાં પોતપોતાની વ્યક્તિવિશિષ્ટ રીતે પ્રયોજી, પલોટી, સારી પેઠે કેળવ્યું છે અને તેને સૂક્ષ્મ વિચારવળાંકોને વ્યક્ત કરી શકે એવું, અર્થવાહક, ભાવક્ષક, સબળ અને રસાળ બનાવ્યું છે. ગોવર્ધનરામે નવલકથા અને ચરિત્રમાં; મણિલાલે નિબંધ, નાટક અને શાસ્ત્રીય ગ્રંથમાં; આનંદશંકરે નિબંધ, વાર્તિક-પ્રવચન અને તંત્રીનોંધોમાં; રમણભાઈએ નાટક, વિવેચન અને હાસ્યકૃતિઓમાં; છગનલાલ પંડ્યા, કેશવલાલ ધ્રુવ અને મણિલાલ દ્વિવેદીએ સંસ્કૃત કૃતિઓનાં ભાષાંતરોમાં, કાન્તે ‘શિક્ષણનો ઇતિહાસ’ જેવા ચિંતનગ્રંથ, નાટકો ને સંવાદોમાં; નરસિંહરાવે સંસ્મરણાત્મક રેખાચિત્રોમાં, રસળતી ચિંતનાત્મક, નિબંધિકાઓમાં, વિવેચનમાં અને ચર્ચામાં; બલવંતરાય ઠાકોરે વિવેચન, ઇતિહાસ અને ગંભીર પર્યેષણામાં; કલાપીઓ પત્રો, પ્રવાસવર્ણન ને સંવાદોમાં, શ્રેયઃસાધક અધિકારી વર્ગના લેખકોએ શિષ્ટ અને ગૌરવભરી સંસ્કૃતિપ્રચુર શૈલીમાં લખેલા લેખો અને પુસ્તકોમાં; ઉત્તમલાલ, રણજિતરામ, આદિએ સુચિંતિત અભ્યાસલેખોમાં અને ચંદ્રશંકર પંડ્યાએ વક્તૃત્વછટાથી અંકિત લેખો, વ્યાખ્યાનો તથા તંત્રીનોંધોમાં એનો ઉપયોગ કરી ગુજરાતી ગદ્યને સમૃદ્ધ બનાવ્યું છે.
ગોવર્ધનયુગની ભાષા વ્યુત્પન્ન વિદ્વાનોની ભાષા હોઈને એ સ્વાભાવિક રીતે જ શિષ્ટ અને પ્રૌઢ બની. નર્મદયુગના ગદ્યમાં વ્યવહારની વાતચીતિયા ભાષાનો ઉપયોગ ઠીક પ્રમાણમાં થતો હતો. એક તો તે વેળા ગદ્ય અવિકસિત અને બીજું એના લખનારાઓ લોકશિક્ષકો તરીકે સમસ્ત જનતાને સંબોધવા માગતા હતા, તેથી એમ જ બને. પંડિતયુગના લેખકોએ પોતાનો શ્રોતૃવર્ગ અધિકારીજનોનો કલ્પ્યો છે. આથી એમની ભાષા વધુ ગૌરવશાળી બનવા જતાં સંસ્કૃતપ્રચુર બની છે. આમ બન્યા વગર રહે પણ નહિ. ગુજરાતી શબ્દાઢ્ય ને વૈભવવંતી સંસ્કૃતની વારસ છે. આ નવા યુગમાં જે અનેક નવા ભાવો અને વિચારોને ગુજરાતી ગદ્યે વ્યક્ત કરવાના હતા તેને પહોંચી વળવા પર્યાપ્ત શબ્દસામર્થ્ય પા પા પગલી કરતા એ સમયના ગુજરાતી ગદ્ય પાસે ન હતું. એ પરિસ્થિતિમાં સંસ્કૃત ભાષાના શબ્દખજાના પર જ, જ્યારે શબ્દોની તાણ પડે ત્યારે હાથ મારવાની વૃત્તિ સંસ્કૃતજ્ઞ વિદ્વાનોને સહેજે થાય. મનસુખરામનો સંસ્કૃતમય ભાષાનો આગ્રહ તો અંતિમ કોટિનો ગણાય. એ કોટિએ આ યુગના બધા લેખકો નથી ગયા, પણ ભાષાને સંસ્કૃતમય તો તેમણે બનાવી છે જ. ઘણા અંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાયો પણ તેમને ઘડવાના હતા અને કોઈ કોઈ વિષયમાં નવી પરિભાષા પણ ઊભી કરવાની હતી. એ માટે પણ તેમણે બહુધા સંસ્કૃત ભાષાની જ મદદ લીધી છે. આ પર્યાયોની વાત થાય છે ત્યારે એ કહી નાંખવું જોઈએ કે અંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાયોનું સૌથી વધુ ઘડતર ગોવર્ધનયુગની ટંકશાળમાં થયું છે. સંસ્કૃતમય ભાષામાં પાંડિત્યપ્રદર્શન અને આડંબર ક્યારેક આ યુગના ગદ્યમાં આવી ગયાં છેય ખરાં, એનો મોહ કેટલાકને નહિ હોય એમ નથી, પણ ખરું તો એ છે કે ગંભીર વિચાર-વિમર્શન અને વિષય જ કંઈક ગંભીર, શિષ્ટ અને પ્રૌઢ ભાષા માગતાં હતાં. આથી જ હરગોવિંદદાસ કાંટાવાળાની સાદી તળપદી વ્યવહારભાષાની હિમાયતનું એ કાળમાં બહુ ઊપજ્યું જણાતું નથી.
આમ છતાં તળપદી ભાષાનો ઉપયોગ ગદ્યમાં ગોવર્ધનયુગમાં નથી થયો એમ નથી. ગોવર્ધનરામે પંડિતભોગ્ય ભાષાની સાથે સંખ્યાબંધ રૂઢિપ્રયોગો, કહેવતો અને વાતચીતની ભાષાના શબ્દોનો ઉપયોગ પોતે જ કર્યો છે તે ‘સરસ્વતીચંદ્ર’ બતાવે છે. કેશવલાલ ધ્રુવ અને બળવંતરાય ઠાકોરે પણ તળપદા શબ્દોનો ઉપયોગ કર્યો છે. કેશવલાલ મધ્યકાલીન ગુજરાતીના લુપ્તપ્રાય શબ્દોને પુનર્જીવિત કરવા માગતા હતા તેથી તે સફળ થયા નહિ. એટલે કે એમની એ રીતનું અનુસરણ કંઈ થયું નહિ. પણ ઠાકોર બોલાતી જીવતી ભાષાની છટાઓ અને વિશિષ્ટ વાતચીતિયા પ્રયોગોને શિષ્ટ ગદ્યમાં આણી ગદ્યમાં સજીવતા અને બળ પૂરવામાં સફળ થયા ગણાય.
જેમ સંસ્કૃતની તેમ અંગ્રેજીની અસર પણ પંડિતયુગના ગદ્ય ઉપર ઓછી થઈ નથી. ઘણા અંગ્રેજી શબ્દો, શબ્દસમૂહો અને વાક્યરચનાઓ ગુજરાતી વેશ ધરી એ કાળે ગુજરાતી ગદ્યમાં ઘૂસી હવે આટલે વર્ષે એમનું પરદેશીપનું પરખાય કે પકડાય પણ નહિ એ રીતે એનાં થઈને રહી ગયાં છે. નરસિંહરાવ અને ઠાકોરના ગદ્યમાં તો ખરું જ પણ મણિલાલ જેવાના ગદ્યમાં પણ આ દેખી શકાય તેમ છે. અંગ્રેજી ગદ્ય અર્વાચીન ગુજરાતી ગદ્યને ઘડવામાં આમ કેટલેક અંશે મદદગાર બન્યું છે.
આ પણ એક ધ્યાન ખેંચે તેવી વાત છે કે આ યુગના ગદ્યકારોમાંથી દરેકે પોતાની વિશિષ્ટ શૈલી કેળવી છે. અંગ્રેજીમાં કહેવાયું છે : Style is the man. માણસ જે કહે તે, જે રીતે કેહ તે, અને તેનું વ્યક્તિત્વ એ ત્રણે મળીને એની શૈલી બને છે. પંડિતયુગના બધા ગદ્યલેખકોના ગદ્યને તેમનાદ વ્યક્તિત્વનો રંગ બરાબર બેઠો છે.
આ યુગને જેનું નામ અપાય તે ગોવર્ધનરામ આ યુગના એક સમર્થ ગદ્યસ્વામી છે. એમની ભાષા પંડિતની છે એ તો એમના કોઈ પણ ગદ્યગ્રંથનું કોઈ પણ પાનું તરત કહી આપશે. મનસુખરામી આડંબર ને બિનજરૂરી સંસ્કૃતપ્રાચુર્ય તેમની ભાષામાં કેટલીક વાર દેખાઈ જાય છે, પણ એકંદરે એ અર્થગૌરવવાળી છે. એમના વિચારભારને એ પૂરી ઝીલી શકે છે. એમની વાક્યરચના ટૂંકી ને સાદી નહિ તેટલી વક્તવ્ય અશેષપણે કહેવાઈ જાય નહિ ત્યાં સુધી પૂરી નહિ થનારી સુદીર્ઘ અને સંકુલ હોય છે. અંગ્રેજીમાં જેને Periodic Sentence કહેવાય છે તેવી વાક્યવીથિઓની પરંપરાનું ‘સરસ્વતીચંદ્ર’માં અભ્યાસીને અનેક સ્થળે દર્શન થશે. વિચારક પંડિત ગોવર્ધનરામનો આત્મા ભીતરમાં રસિક કવિનો પણ છે. બાણભટ્ટના જેવી આલંકારિક શૈલીના રસિયા બની કથાપથમાં અનેક ઉપમારૂપકાદિ અલંકારો તેઓ છૂટે હાથે વેરતા ગયા છે તે આથી જ. ધર્મ-તત્ત્વજ્ઞાનની કે રાજનીતિની કે સંસારધર્મની ગંભીર આલોચના, તર્ક, કલ્પના, હૃદયદ્રાવક લાગણી, ઉત્કટ મનોમંથન, મર્મવિનોદ, સૌને તેમને યોગ્ય વાણી એક સરખી સફળતાથી ગોવર્ધનરામે આપી છે. આડંબરી પંડિતશૈલી સાથે જ લોકબોલીનો પણ તેમણે ઉપયોગ કરી જાણ્યો છે. ‘સરસ્વતીચંદ્ર’ને તેમણે શૈલીઓની પ્રયોગશાળા બનાવી દીધેલ હોય એમ લાગે એટલું વૈવિધ્ય તેમાં એમણે દાખવ્યું છે. પરિસ્થિતિ અને પાત્રોના સ્વભાવ, સંસ્કાર અનેતે પરિસ્થિતિએ જન્માવેલા પ્રતિભાવને અનુરૂપ વાણી તેમનાં મોંમાં મૂકી એમણે આ કર્યું છે. સ્ત્રીઓની, મુત્સદ્દીઓની, બહારવટિયાની, પત્રકારની, કેળવાયેલા વિદ્વાનોની, સાધુસાધ્વીઓની, ક્ષત્રિયવટના અભિમાની રાજાની, નોકરો ને સિપાઈની – એમ ભાતભાતના લોકોની ભાષાનો યથાર્થ ઉપયોગ કરી જાણનાર ગોવર્ધનરામનું ભાષા પ્રભુત્વ પ્રશંસાનું અધિકારી છે.
અર્વાચીન ગુજરાતી કવિતાના પિતા મનાતા નરસિંહરાવનું ગદ્યલખાણ ઓછું વિપુલ નથી. ગદ્યે એમને એમના પરુતું સારું કામ આપ્યું છે, પણ તેમના ગદ્યમાં વાક્યબંધ શિથિલ હોય છે. પ્રવાહિતા નથી દેખાતી, અને તેનું પોત ઘટ્ટ નથી, એટલે સમર્થ શૈલીકાર એ બની શક્યા નથી. નરસિંહરાવની જોડે જ જેમનું નામ લેવું જોઈએ એવા કેશવલાલ ધ્રુવનું ગદ્ય નરસિંહરાવના ગદ્ય કરતાં કંઈક સારી છાપ પાડે એવું છે. એની લાક્ષણિકતાઓથી એ બીજા સમકાલીન લેખકોના ગદ્યથી સાવ જુદું તરી આવે એવું પણ છે. એની વાક્યરચના ટૂંકી અને સુશ્લિષ્ટ હોય છે. એ ગદ્ય ખૂબ મિતાક્ષરી અને ખૂબ મધુર થવા સભાનપણે મથતું, ગદ્યમાં કેટલીક વાર પદ્યનો લય સંતાડીને પ્રગટ કરવાનો મોહ રાખતું, ઘસાઈ ગયેલા જૂના ને તળપદા શબ્દોને ચલણી સિક્કા બનાવવા પ્રયત્ન કરતું. કર્તાની રસિકતા ને કવિત્વને છતાં કરતું સફાઈદાર ગદ્ય છે.
પણ ગોવર્ધનરામ પછી સમર્થ ગદ્યકાર તરીકે જેનું નામ તરત હોઠે આવે એવા લેખક તો છે મણિલાલ નભુભાઈ ત્રિવેદી. સુશ્લિષ્ટ વિચારપ્રધાન નિબંધોના પ્રથમ પંક્તિના આ લેખકને ગુજરાતના બૅકન કહેવા હોય તો કહી શકાય. એ વિદ્વાને ધર્મ, ગૃહ, રાજ્ય, શિક્ષણ અને સાહિત્ય વિશે એમના અદીર્ઘ જીવનમાં જે ધોધબંધ ગદ્યલેખન કર્યું છે. તેમાં મિતાક્ષરિતા, સચોટતા, છટા, બળ, શિષ્ટતા અને અર્થગાંભીર્ય છે. આચાર્ય આનંદશંકર ધ્રુવ તથા શ્રી વિશ્વનાથ ભટ્ટે કરેલી એની પ્રશંસાને એ બધી રીતે પાત્ર છે. વિચારબળ સાથે લાગણીનો આવેગ પણ ભળી એમના લખાણને ઉત્કટ બનાવે છે. આર્ય ધર્મ, તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિને ગુનેગારના પિંજરામાં ઊભા જોઈ તેનો સાવેશ બચાવ કરનાર વકીલ તરીકેનું મણિલાલનું માનસ ને વ્યક્તિત્વ એમાં તરવરી રહે છે.
ધર્મ, સુધારો અને સાહિત્યની બાબતમાં એમની સાથે દૃષ્ટિભેદ બતાવતા એમના સમર્થ પ્રતિસ્પર્ધી રમણભાઈના ગદ્યમાં મણિલાલના ગદ્ય જેવી ઉત્કટતા નથી. પણ પ્રવાહિતા છે. એમનું સીધું ગદ્ય એક પંડિતનું ગદ્ય હોવા છતાં સર્વસુગમ બને છે. એમની વિનોદવૃત્તિ એમનાં ગંભીર લખાણોમાંય વચમાં ક્યાંક હાસ્યકટાક્ષનો મમરો મૂકી જાય છે. હાસ્યરસ માટે ભાષાને પ્રયોજીને તો તેમણે અનુગામીઓ માટે એનો કેડો પાડી આપ્યો છે. ‘રાઈનો પર્વત’ની ભાષા પણ શિષ્ટ ગુજરાતીનો એક સુંદર નમૂનો પૂરો પાડે છે. પણ વાંચીને તરત પકડી શકાય કે આ લખાણ તો રમણભાઈનું જ, એવી એમની કોઈ લાક્ષણિક છાપ એમના ગદ્યને લાગી નથી. રમણભાઈમાં શૈલી નથી એમ પ્રો. ઠાકોરે કહેલું તે કદાચ આ કારણે હશે.
આચાર્ય આનંદશંકર ધ્રુવનું ગદ્ય એના લેખકના વ્યક્તિત્વની જેવું પ્રસન્નગંભીર, સૌમ્ય-સાત્ત્વિક, મિતાક્ષરી, સરળ છતાં પ્રૌઢ અને ક્યારેક મનોરમ રૂપકાદિ અલંકારો દ્વારા રસાળ પણ બનતું સુઘડ નાગર ગદ્ય છે. સારું ગુજરાતી ગદ્ય લખવાના હોંસીલાઓને જેમ મણિલાલનું અને રમણભાઈનું તેમ આનંદશંકરનું ગદ્ય વાંચવાનું સૂચવી શકાય.
ગોવર્ધનયુગના આ બધા મહારથીઓમાં પ્રો. બળવંતરાય ઠાકોર ગદ્યકાર તરીકે સાવ જુદા તરી આવે છે. એમના વ્યક્તિત્વની છાપ એમના ગદ્યને એવી વિલક્ષણ વિશિષ્ટતા અર્પે છે કે તમે તરત કહી શકો કે આ ઠાકોરની જ ભાષા એમનું ગદ્ય દૃઢ બાંધણીનું, નિઃશેષ નિરૂપણનું આગ્રહી અને તેથી ગોવર્ધનરામના જેવી પણ તેથી વધુ વિલક્ષણ સંકુલતા અને ક્યારેક તજ્જન્ય દુર્બોધતાવાળું, મિતાક્ષરી અને અર્થઘન તેટલું જ શબ્દાળ, મોંભરા સંસ્કૃત ને ક્વચિત્ ફારસી શબ્દો સાથે વાતચીતિયા ગુજરાતીના પ્રયોગો કરનારું, લોકગમ્યતાની પરવા વિનાનું, બે વાર વાંચ્યે સમજાય તેવું નારિકેલ પાકવાળું, ખડબચડ પણ બલવાન ગદ્ય છે. પોતાના મુદ્દાને પૂરતા ભાર સાથે કહેવાની પ્રો. ઠાકોરની રીત એમની શૈલીને હથોડાશૈલીનું નામ અપાવે એવી છે. ગદ્યક્ષેત્રમાં ગુજરાતી ભાષાનું નોંધપાત્ર ખેડાણ કરનારા પ્રો. ઠાકોરના ગદ્યનો પણ અભ્યાસીઓએ વિશેષ પરિચય કેળવવા જેવું છે.
એમનાં લખાણોમાંથી વાનગી લેખે કશું ટાંકી બતાવ્યા વિના એમના ગદ્ય વિશે બે ચાર વાક્યો બોલીને જ ગોવર્ધનયુગના મહારથીઓની ગદ્યસેવાની અહીં વાત કરી છે. નમૂના આપી વિગત કરવા જઈએ તો એમાંનો દરેક ગદ્યકાર અકેક વાર્તાલાપ રોકે એવો છે. શ્રેયઃસાધક અધિકારી વર્ગના લેખકોનાં પુસ્તકો તથા ‘મહાકાલ’ ને ‘પ્રાતઃકાલ’ જેવાં માસિકોનાં શિષ્ટ પ્રવાહી સંસ્કૃતપ્રધાન ગદ્યનો તેમ જ ‘કાન્ત’, રણજિતરામ, ઉત્તમલાલ, ચંદ્રશંકર પંડ્યા, વાડીલાલ મો. શાહ, આદિના શિષ્ટ છટાદાર ગદ્યનો તો નામોઉલ્લેખ કરીને જ સંતોષ માનવો રહે. દૃષ્ટિ ને રુચિને ગોવર્ધનરામના કવિ-અનુજ જેવા ન્હાનાલાલનાં વ્યાખ્યાનો ગાંધીયુગમાં લખાયાં છે એટલે એમની વાત અત્રે પ્રસ્તુત નહિ ગણીએ તો ચાલશે.
ગોવર્ધનયુગના આવા ભારે ગદ્યમાં સીધા ને સરળ ગદ્યનો એક પ્રવાહ પણ વહેતો રહ્યો દેખાય છે. હરગોવિંદદાસ કાંટાવાળા, અંબાલાલ સાકરલાલ, આદિના ગદ્યમાં એનું કંઈક દર્શન થાય. ‘કલાપી’ના પત્રો, પ્રવાસવર્ણન અને સંવાદોની ભાષાની સરળતા, સીધાપણું, મધુરતા અને પ્રવાહિતા પંડિતયુગના ગદ્યમાં નવી જ ભાત પાડે એવાં છે. ‘કલાપી’ અને ભોગીન્દ્રરાવના ગદ્યની સરળતા ગાંધીયુગની આગાહી કરે એવાં છે. ગાંધીયુગ આવ્યો અને પંડિતશૈલી ગઈ. ગઈ, પણ કાંઈ મરી નથી. ગાંધીયુગના વિદ્યમાન વિદ્વાનોમાં એ હજી જીવે છે.
ગોવર્ધનયુગના ગદ્યનું વિહંગદર્શન પણ સિદ્ધ કરી આપે તેમ છે કે ગોર્ધનયુગ ગુજરાતી ગદ્યનું એક ઊંચું શિખર બતાવે છે. આટલાદ ને આવા સમર્થ ગદ્યકારો તેમ જ વિચારસમૃદ્ધ ગૌરવાન્વિત. શિષ્ટ ને પ્રૌઢ ગદ્યની આવી ને આટલી છત એની પહેલાંના નર્મદયુગે નથી બતાવી અને પછીના ગાંધીયુગે પણ નથી બતાવી. આચાર્ય આનંદશંકરે ઈ.સ. ૧૮૫૦થી શરૂ થતા અર્વાચીન ગુજરાતી સાહિત્યના ત્રણ ખંડ પાડી તેમાંના બીજા, એટલે કે આપણે અવલોક્યો તે, ગોવર્ધનયુગની સિદ્ધિ માટે જે કહ્યું હતું તે એ યુગની ગદ્યસિદ્ધિને પૂરેપુરું લાગુ પડે છે.
(‘સોહાર્દ અને સહૃદયતા’)