સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ/ચરિત્રલેખનનો આદર્શ
માનવી જ વિચારતા અને લખતા માનવીના રસ અને અભ્યાસનો સનાનત વિષય છે. જેમ બધું કથાત્મક સર્જનાત્મક સાહિત્ય, તેમ દેશદેશનું ચરિત્ર (Biography) સાહિત્ય પણ એની એક સાબિતી છે. કોઈ વિશિષ્ટ કે થોડી ઘણી લોકોત્તર પ્રસિદ્ધ વ્યક્તિનાં જીવનકાર્ય અને સિદ્ધિઓથી આકર્ષાયેલા લોકોને એ વ્યક્તિ મનુષ્ય તરીકે કેવી હતી તે વિશે, એટલે કે તેના જન્મ, ઉછેર, ઘડતર, સ્વભાવ, ટેવો, જીવનના મહત્ત્વના પ્રશ્નો પરત્વે તેનું વલણ, ઇત્યાદિ બાબતો વિશે, જાણવાનું, કુતૂહલ સ્વાભાવિક રીતે થાય જ છે. આ કુતૂહલને સંતોષવા ખાતર ચરિત્રસાહિત્યનો જન્મ છે. ચરિત્રનાયક કે ચરિત્રનાયકનું જીવન અનેકોને પ્રેરણાદાયી, જીવનયાત્રમાં માર્ગદર્શક અને જીવનકલા શીખવનાર બની તેમના સંસ્કારઘડતરમાં મહત્ત્વનો ફાળો આપવાનું છે એવી ચરિત્રલેખકની શ્રદ્ધા પણ તેને ચરિત્રલેખનમાં પ્રેરતી હોય છે. સમયની રેતીમાં પડેલાં વિશિષ્ટ રીતે જીવી જનાર વ્યક્તિઓનાં પદચિહ્નો પર વિસ્મૃતિના પવનથી સમયની રેતી ફરી વળી તેને ભૂંસી કે ઢાંકી દે છે. તે પહેલાં તેને સ્થાયી કે અમર રૂપ આપી દેવાનો આશય પણ ચરિત્રલેખન પાછળ ખરો. ઉત્તમ ચરિત્રગ્રંથોના વાચનશ્રવણની જે ફલશ્રુતિ કાકા કાલેલકરે પોતાની ‘સ્મરણયાત્રા’ ના પ્રાસ્તાવિક લેખમાં સમજાવી છે તે સાચી છે.
જીવનચરિત્રો કોનાં લખાય છે એ પ્રશ્નનો જવાબ ઉપરની હકીકતમાં જ સૂચવાઈ જાય છે. એ તો સ્પષ્ટ છે કે જનસામાન્યનું ધ્યાન કે માન ખેંચી ન શકનાર પૃથગ્જનની કંઈ ચરિત્રકથા હોય નહિ. પૈસાથી લખાવાતાં ભાડૂતી જીવનચરિત્રોની તો વાત જ કરવાની નથી. લોકોનો પ્રેમ અને આદર બેઉ, અથવા બેમાંથી એકે, ન રળી શકનાર વ્યક્તિ ચરિત્રગ્રંથનું માન મેળવવાની અધિકારી નથી. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં (અને જીવન કંઈ નાનું નથી. વિદ્યા, કલા, સાહિત્ય, વેપાઉદ્યોગ, સમાજસુધારણા, રાજપ્રકરણ, ધર્મ, વિજ્ઞાન, આદિ કોઈ પણ ક્ષેત્રમાં) વર્ષો સુધી સ્મરણીય બને એવો ફાળો આપી પોતાના જીવનકાર્યથી અનુકરણીય આદર્શ રજૂ કરી જનાર. ગીતાના શબ્દોમાં કશુંક શ્રીમત્, ઊર્જિત કે વિભૂતિમત્ સત્ત્વ દાખવી જનાર, અરે, કશું બોલીલખીને કે કરીને નહિ, પણ સુંદર જીવનકલાથી મૂંગા મૂંગા જીવી જાતજાહેરાત ન કરતાં ફૂલની માફક પોતાની સૌરભ ફેલાવી જનાર, ટુંકમાં, જેનો નમોચ્ચાર માત્ર તેના ચરિત્રના વાચન માટે લોકોની અભિમુખતા તથા ઉત્સુકતા જીતી આપે તેવી કોઈ પણ વ્યક્તિ ચરિત્રગ્રંથની અધિકારી છે. ભલે વધતા-ઓછા પ્રમાણમાં, પણ અસામાન્યતા અને જનહૃદયમાં સ્થાન એ ચરિત્રવિષય વ્યક્તિની પાત્રતાના લક્ષણો ગણાય.
ચરિત્રકારની કોઈ લાયકાત નક્કી કરવાની ખરી કે? ચરિત્ર-નાયકના ખાનગી તેમ જાહેર, એટલે આંતર તેમ બાહ્ય જીવનની જાણકારી એ એની મોટી લાયકાત. એ હોય સૌથી વધુ ચરિત્રનાયકના પ્રત્યક્ષ કેનિકટના સંસર્ગમાં આવનાર એનાં સ્વજનો, મિત્રો, સહકાર્યકારો, શિષ્યો કે પ્રશંસકોમાં. સંસ્મરણો તથા પત્રોની ચરિત્રલેખનમાં સારું કામ આપે એવી સામગ્રી એ વર્ગને સુલભ શું, એની પોતાની પાસે જ સારા પ્રમાણમાં હોય છે. ચરિત્રનાયક સાથેનો સંબંધ કે તેની પ્રત્યે પ્રેમ, સદ્ભાવ કે ભક્તિ ચરિત્રકારને ચરિત્રનાયકના દોષ દેખવા જ ન દે. અથવા તેને પક્ષપાતી ઉત્સાહમાં તાણી જઈ પ્રમાણભાન ચૂકવી ચરિત્રનાયકને તેની પાસે દેવ જેવો ચીતરાવી કાઢે એ સંભવ અવગણાય એવો નાનો નથી. પ્રમાણવિવેક અમુક દૂરતા અને તાટસ્થ્ય માગી લે છે. એ જેનામાં હોય તેવી વ્યક્તિ ચરિત્રનાયકને બિનંગત દૃષ્ટિએ સાચા સ્વરૂપમાં જોઈ નિરૂપી તેને ઘટતા સ્થાને મૂકી શકે, પણ તો તેને ચરિત્રનાયક જોડેનો પ્રત્યક્ષ સંપર્ક, તેથી લેખનમાં આવતી એક પ્રકારની ઊર્મિની ઉષ્મા અને સાધનોની સુપ્રાપ્યતા હોતી નથી! આ કારણથી ચરિત્રો, નાયક કે નાયિકાનાં સંબંધીઓ, મિત્રિ, શિષ્યો, સાથીઓ કે પ્રશંસકોએ ન લખવાં અને તટસ્થોએ જ લખવાં અથવા તો તટસ્થોએ નહિ પ તેમના પ્રત્યે પ્રેમ ને આદર ધરાવનાર સંબંધીઓ કે મિત્રોએ જ લખવાં, એવા વટહુકમો સાહિત્યક્ષેત્રે ફરમાવવા શક્ય નથી. ફરમાવ્યા હોય તો સાહિત્યનું પ્રજાસત્તાક તેને ગાંઠવાનું પણ નહિ. આપણે તો તત્ત્વદૃષ્ટિએ એટલી જ અપેક્ષા રાખવાની કે બંને પ્રકારના ચરિત્રકાર પાસેથી મળતો લાભ જીવનચરિત્રને મળવો જોઈએ, અને બેઉ પક્ષે જે થોડો ગેરલાભ કે ભયસંભવ છે તે વર્જાવો જોઈએ.
ચરિત્ર ક્યારે લખાય એ પ્રશ્નને માટેય આવો ઉકેલ સૂચવાય. ચરિત્રવિષય વ્યક્તિની ઇહલૌકિક જીવનલીલા સમાપ્ત થઈ કે તરત જ એને માટે લખવાનું થતાં તેના વ્યક્તિત્વ માટે ઘણી તાજી માહિતી મળી શકવાનો લાભ છે, પણ તેના જીવનકાર્ય તથા વ્યક્તિત્વનું અદ્દલ મૂલ્યાંકન નહિ થઈ શકે. કાળ જ ખરો પારેખ છે. અને તથી એવું મૂલ્યાંકન અંગત રાગદ્વેષ કે તત્કાલ ભક્તિનાં પાણી-આછરે ત્યાર પછી એટલે કે સમયના થોડાસ અંતર પછી, થવું ઘટે એવો એક અભિપ્રાય છે. પણ ચરિત્રનાયકના મૃત્યુ પછી જેમજેમ વખત વીતતો જાય તેમતેમ તેના જીવનચરિત્ર માટેની સામગ્રી, ખાસ કરીને જેઓ તેના સમાગમમાં આવેલા હોય તેઓની પાસેથી મળતાં સંસ્મરણો ને માહિતી ઓછી સુલભ બનતી જાય છે. એટલે આ સંબંધમાં ચરિત્ર તેના નાયક-નાયિકાના અવસાન પછી તરત લખવું કે અમુક ગાળો વીત્યા પછી, એ ગાંધીજી જેવાના સંબંધમાં બન્યું છે તેમ તેના જીવતાં જ લખવું, એ સંબંધમાં કોઈ વિધિનિષેધો કરી શકાય નહિ. એ લખાય ગમે ત્યારે, બેઉ વિકલ્પોનો લાભ એને મળવો જોઈએ. તરત જ લખાતી વેળા એને મળતો સામગ્રીલાભ અને અમુક સમય પછી લખાતી વેળાદ મળતો વિવેકશીલ ને સાચા મૂલ્યાંકનનો લાભ ચરિત્રને મળે એટલું આદર્શ ચરિત્રના લાભમાં આપણે માગીએ.
આ થઈ, જીવનચરિત્ર કોનાં હોય, કોણ લખે, ક્યારે લખાય, એ બધું વિચારતી, એ સાહિત્યપ્રકારની બહાર બહાર આંટા મારતી ચર્ચા. ચરિત્રમાં ખુદમાં શું શું કેટલા પ્રમાણમાં અપેક્ષિત, એનાં મહત્ત્વનાં લક્ષણો ક્યાં, એવી એના અંતરંગની તપાસણી માટે એનો સાહિત્યપ્રકાર જાણી લેવો જરૂરી છે. સાહિત્યપ્રકાર તરીકે ચરિત્ર ઇતિહાસના વર્ગમાં આવે. બંને ઇતિહાસ છે. પણ ઇતિહાસ કોઈ રાજવંશ, દેશ કે પ્રજાની કેટલાક સૈકાઓની હકીકત છે. જ્યારે જીવનચરિત્ર એક જ વ્યક્તિની તેના જન્મથી અવસાન સુધીના આયુષ્યની હકીકત હોય છે. ચરિત્ર આમ ઇતિહાસ જ છે, પણ એના ક્ષેત્રની ઇયત્તા એક વ્યક્તિનો જ એ ઇતિહાસ હોઈ મર્યાદિત છે. આથી જેમ ઇતિહાસને વિશે, તેમ ચરિત્રને વિશે પણ કહેવાય કે એ પ્રથમ વિજ્ઞાન કે શાસ્ત્ર છે, અને પછી કલા છે. ચરિત્રકારને પણ આમ હોવાથી નાના પાયા પર ઇતિહાસકારનું જ કામ કરવાનું હોય છે. ઇતિહાસકાર જેમ શિલાલેખો, દસ્તાવેજો, તામ્રપત્રો, સિક્કા, જૂના ઇતિહાસ ને પ્રબંધો, જૂની સાહિત્યકૃતિઓ, અભ્યાસવિષય કાળના સમકાલીનો પાસેથી મળતા ઉલ્લેખો, વગેરે સામગ્રી ખંતપૂર્વક પ્રાપ્ત કરી, તેનું પૃથક્કરણ કરી, તેમાંથી જમાનાના ઇતિહાસની ઇમારત ચણેછે અને બનેલા બનાવોનાં કારણો તેમાંથી શોધે. તપાસે ને તારવે છે, તેમ ચરિત્રકારે પણ ચરિત્રનાયક જો વિદ્યમાન હોય તો તેની અને વિદેહ હોય તો તેના નિકટના સંપર્કમાં આવેલાઓની મુલાકાતો લઈ, તેના પત્રો લખાણો ને પ્રવૃત્તિનોંધો કે ભાષણો વાંચી જઈ, તેનાં જીવન ને સિદ્ધિઓ પર પાર્શ્વપ્રકાશ ફેંકી શકે તેવી સમકાલીનોનાં લખાણમાંથી મળતી માહિતી મેળવી, તેની પ્રવૃત્તિ કે સેવાકાર્યનો જે કાંઈ ઇતિહાસ પ્રાપ્ત હોય તે જોઈ જઈ, ચરિત્રનાયકના જીવનચરિત્ર માટે ઉપાદાનરૂપ સામગ્રી પ્રથમ તો એકઠી કરવાની હોય છે. જેમ ઇતિહાસમાં તેમ જીવનચરિત્રમાં કશું જ અનાધાર લખાય નહિ. કારણ એ સત્ય હકીકતની જ વાત કરવા બેઠું છે. અને એમ છે એટલે બને તેટલી વિગતો, પોતે જ કંઈ કહે તેના આધાર કે સમર્થન માટે એકઠી કરવી એ ચરિત્રકારનું પહેલું કામ છે. આમ વિગતસજ્જ બન્યા પછી ચરિત્રનાયકની ક્રમબદ્ધ સુરેખ જીવનકથા એમાંથી નિરૂપાતી રહે એ રીતે બધી વિગતોની ગોઠવણીનું કામ અને પછી ચરિત્રનાયકના જીવન, વ્યક્તિત્વ તથા જીવનકાર્યને તેમાંથી ઉપસાવવાનું અને તેના આશયો, માનસ તથા સિદ્ધિઅસિદ્ધિઓને સમજાવવા-સમીક્ષવાનું કામ એને કરવાનું રહે છે. સંપાદિત સામગ્રીમાંથી કઈ પોતાની કામની ને કઈ નહિ, એનું ક્યાં-શું સ્થાન. એ બધાનો આધાર ચરિત્રકારની વિવેકબુદ્ધિ પર રહે છે. એવી વિવેકબુદ્ધિ વિના ઇતિહાસકાર કે ચરિત્રલેખકનું કામ આગળ ચાલે કે શોભે જ નહિ.
ચરિત્રનાયકના આયુષ્યના આવા ઇતિહાસમાં એનું વ્યક્તિત્વ બરાબર ઊપસી આવવું જોઈએ. પુસ્તકનાં પાનાંના નિર્જીવ અક્ષરોમાંથી ચરિત્રનાયકનું સજીવ પાત્ર કૂદીને વાંચનારના મનશ્ચક્ષુ આગળ ખડું થાય તો જ ચરિત્રલેખનની કૃતાર્થતા. ચરિત્રનાયકની છબીઓ, હસ્તાક્ષર વગેરે બાહ્ય સાધનો એમાં મદદ કરે, પણ તે એકલાં લખનારને ચરિત્રનાયકને જીવતો કરતાં આવડતું ન હોય તો કંઈ બહુ સફળ થાય નહિ. માણસનું જાહેર જીવન અને તેના જીવનના મોટા પ્રસંગોને જ આગળ કરવાથી તેનું વ્યક્તિત્વ પૂરું પકડાતું નથી. એના જીવનના નાનકડા નાનકડા પ્રસંગો, કાર્યો ને ટેવો કેટલીક વાર એનો સાચો પરિચય આપવા બહુ કામના થઈ પડે છે. એવા નાના પ્રસંગોને ચરિત્રમાં સ્થાન આપવાથી કશી હાનિ નથી એટલું જ નહિ. એની તો ખાસ જરૂર છે. કારણ ઊલટું એ તો સિદ્ધ કરી આપે છે કે મહાન વ્યક્તિઓ તેમનાં નાનાં નાનાં કામોમાં પણ મહાન હોય છે. ન્યૂટન કે ગોવર્ધનરામે પોતાના કીમતી કાગળોના વિનાશ પછીયે કેવી અજબ શાંતિ રાખી, ગોખલે વર્ગમાં દાખલો સાચો ઠર્યો છતાં તેનું માન સ્વીકારવાને બદલે કેવા રડી પડ્યા. બુકર ટી, વૉશિંગ્ટને ઓરડો બરાબર વાળીઝૂડી સાફ કરીને કેવી રીતે પ્રથમપહેલી કસોટી પાર કરી નર્મદે ઘરમાં માત્ર એક પાવલી જ રહી એમ જાણ્યું ત્યારે પણ કેવી સ્વસ્થતા અને મસ્તીથી ‘એ પણ એક રંગ છે!’ એમ કહેલું, દાંડીકૂચ વેળા – પેટ્રોમેક્સના ઉડાઉ ઉપયોગથી શાંતમના ગાંધીજી કેવા ઊકળી ઊઠ્યા હતા, તે બતાવવું એ વ્યક્તિઓનાં જીવનચરિત્રોમાં જરૂરી છે. આવી આવી બાબતો તે તે વ્યક્તિઓને અજબ રીતે ઓળખાવી જાય છે. ચરિત્રવિષય વ્યક્તિઓના જીવનના આવા વ્યક્તિત્વદ્યોતક પ્રસંગો તથા તેમના ઉદ્ગારો તેમના ચરિત્રનિરૂપણને સજીવ બનાવી જાય છે. માટે તેનો ઉપયોગ કરવો આવશ્યક છે. ચરિત્રનાયકોનાં બાળપણ ને વિદ્યાર્થીદશાના કેટલાક પ્રસંગો એ બતાવનારા હોય છે કે તેમનામાં પાછળથી ખીલી નીકળેલા સ્વભાવલક્ષણો ગુણદોષો, ને મહત્તા બીજરૂપે તેમનાદ બાળપણમાં પણ દેખાતાં હતાં. ભલે બૉસ્વેલ મશ્કરી પામ્યો. પણ તેણે જ્હોન્સનની ઝીણી મોટી વાતો ને પ્રસંગો નોંધ્યા છે તો તો જ્હોન્સન તેની જીવનકથામાંથી તેના સાચા વ્યક્તિત્વ સમેત ઊભો થાય છે. એમ ન કરતાં તેણે જ્હોન્સનના જીવનના મોટા મોટા પ્રસંગોની જ વાત કરી હોત તો એવું પરિણામ ન આવત. વળીઽ માણસ જાહેર પ્રકાશમાં તો પોતે હોય તેથી સારો દેખાવાનો જાણીને કે અસંપ્રજ્ઞાતપણે પ્રયત્ન કરતો હોય છે. અને એમ ન હોય તોપણ તેનું બાહ્ય જીવન તેના સાચા જીવનનું એક જ પાસું હોય છે. માણસ ખાનગીમાં ને અંધારામાં એટલે લોકો ન જાણતા હોય એ સ્વરૂપમાં જે હોય તે જ તેનું ખરું સ્વરૂપ હોય છે. એનો પણ નહિ, એનો જ પરિચય ચરિત્રકારે એના ખાનગી જીવન સુધી પહોંચી જઈ આપવાનો છે. ચરિત્રનાયકનું ખાનગી જીવન, એની નાનીમોટી ટેવો, એની પ્રકૃતિ, એની જીવનદૃષ્ટિ, અનેક બનાવોના પ્રત્યાઘાત વ્યક્ત કરતા એના ઉદ્ગારો, અન્ય વ્યક્તિઓ જોડેના એના પ્રસંગો, એ બધી એના જીવન પર પ્રકાશ નાખે એવી વિગતોનો ઔચિત્યપુરસ્સર ઉપયોગ કરી, લોકોમાં એ જેવા તરીકે પ્રતિષ્ઠિત હોય તેવા ઉપરાંત મિત્ર, પિતા, પતિ, ભાઈ, પુત્ર, ગુરુ, નેતા વગેરે તરીકે એ કેવા એનો ખ્યાલ આપી, એકંદરે એનો શક્ય તેટલો સંપૂર્ણ ને સાચો પરિચય ચરિત્રકારે આપવો અપેક્ષિત છે.
આ છેલ્લી વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ચરિત્રવિષય વ્યક્તિને એ હતી તેવી જ – ન વધુ. ન ઓછી – રજુ કરવી જોઈએ. એને દેવ બનાવવાની જરૂર નથી, એને માનવી તરીકે જ જોવાની ને નિરૂપવાની છે. અને માનવી કંઈ પૂર્ણ નથી. નરમાંથી નારાયણ બનવા, પૂર્ણતાને પામવા, તો તેની સાધના હોય છે. એનામાં ગુણ હોય તેમ દોષ હોય. ભલભલા સંતના હૃદયમાંય કોક ખૂણો શોધીને એકાદ અશુદ્ધિ લપાઈને સૂતી હોય અને શયતાન કે પાપી ગણાતા માણસના હૃદયમાંય એકાદ એવો ઉદાત્ત અંશ હોય જે બરાબર વિકસ્યો હોય તો એને સંત બનાવી દે. માનવી તો કવિ ખબરદારના શબ્દોમાં ‘તેજઅંધારનું પૂતળું’ છે ચરિત્રલેખક ચરિત્રનાયકની વિશિષ્ટતાઓને જ ગાયાં કરી ભક્ત કે ભાટના ભાવથી તેની ઊજળી બાજુને જ આગળ કરી તેની ક્ષતિઓ પરત્વે મૌન સેવે તો એ પોતાના ધર્મમાંથી ચૂકશે અને વાંચનારાઓને ચરિત્રનાયકનું સાચું મનુષ્યપણું હાથમાં આવવાનું નહિ. ચરિત્રકારનું વલણ ઇતિહાસકારની માફક વૈજ્ઞાનિક કે શાસ્ત્રીય અને શક્ય તેટલું બિનંગત રહેવું જોઈએ. ચરિત્રનાયકનું સાચું મનુષ્યપણું હાથમાં આવવાનું નહિ. ચરિત્રકારનું વલણ ઇતિહાસકારની માફક વૈજ્ઞાનિક કે શાસ્ત્રીય અને શક્ય તેટલું બિનંગત રહેવું જોઈએ. ચરિત્રનાયકની નબળાઈઓ કે દોષો ‘આવી વ્યક્તિમાંય આ કચાશો રહી ગયેલી!’ એ ભાન સાથે વાચકોને પૂર્ણતાની સાધનાનું કપરાપણું સમજાવશે. અને પોતે એવી ક્ષતિઓને પોતાના જીવનમાં નહિ આવવા દે એવો સંકલ્પ તેમનામાં સ્ફુરાવશે. આટલું થશે તો ચરિત્રલેખનનો હેતુ સફળ થવાનો. ચરિત્રનાયક ગમે તેટલો પૂજ્ય હોય છતાં તેના જીવનમાં જ ો કશુંક કહેવાપણું માલૂમ પડ્યું હોય તો તેનાથી શરમાઈ કે ગભરાઈ તેને છુપાવવાને બદલે તેને વિશે સત્યનિષ્ઠાની અને વિવેકપૂર્વક વાત ચરિત્રલેખકે કરવી જોઈએ. ગુણદોષ સમેત એક વ્યક્તિનો થતો અભ્યાસ વાચકને પરમાત્માના અનોખા સર્જનરૂપ માનવીને સાચો ઓળખવાની ચાવી આપશે. Proper study of mankind is man.’
આપણે ત્યાંની વિચારસરણી પ્રમાણે મનુષ્ય જન્મે છે ત્યારે ગત જન્મોનો સંસ્કાસમૂહ પોતાના સૂક્ષ્મ શરીરમાં લેતો આવે છે. તેનાં સ્વભાવ, સંસ્કાર, ભાવનાઓ અને કાર્યોનાં બીજ એ સૂક્ષ્મ શરીરમાં હોય છે. વિજ્ઞાનના કહેવા મુજબ સ્થૂળ શરીરસંપત્તિની બાબતમાં (અને કદાચ માનસિક સંપત્તિની બાબતમાં) આનુવંશિક કે કૌટુંબિક વારસાનો લાભ કે ગેરલાભ પણ બાળકને જન્મથી જ મળતો હોય છે. બાળક વિકસતું જઈ પૂરો મનુષ્ય બને તે સમય દરમિયાન એનો જે સંસ્કારવિકાસ ને બુદ્ધિવિકાસ થતો રહે છે તેમાં થોડોઝાઝો પોતાપૂરતો ફાળો આપનાર બાહ્યા બળો છે ઘરના સંસ્કાર, શેરીનું વાતાવરણ, શાળાનું શિક્ષણ, જ્ઞાતિ નેસમાજના એક અંગ કે એકમ તરીકે રહેવાનું થતાંદ પાળવાનો નાગરિકધર્મ અને જીવવાનું સામાજિક જીવન, જીવનની શાળામાં મળતું અનેક કડવામીઠા અનુભવોરૂપી બોધપાઠોનું શિક્ષણ, સાહિત્ય, કલા, ધર્મ, ઇ.નું સેવન, પ્રવાસ, વાચન. આ બધાંનો ચરિત્રનાયકને ઘડવામાં શો ફાળો તે બતાવવાની જવાબદારી પણ ચરિત્રલેખકની છે. ચરિત્રનાયકના કુટુંબ, પૂર્વજો ને માતાપિતાથી શરૂઆત કરી તેના બાળપણ ને ઉછેરથી તેની વિકસિત દશા સુધીની હકીકત ચરિત્રલેખકે એવી રીતે કહેવી જોઈએ કે તેથી એના વિકાસનો ઇતિહાસ તેનાં ઘડતરબળોની સાથે તેમાંથી જ મળી રહે. જ્યારે ચરિત્રનાયકનો સંસ્કારદેહ પૂરો ઘડાઈ જઈ સ્થિર આકાર કે બાંધો પામ્યો લાગે ત્યાં સુધી આવો તેના વિકાસનો ઇતિહાસ આલેખી પછી તેના સામાજિક, રાજકીય, ધાર્મિક, સાહિત્ય, કલા વગેરે સંબંધી વિચારવલણો અને જીવનદૃષ્ટિનો ચરિત્રકારે યથાપ્રાપ્ત પરિચય આપવો જોઈએ.
આટલાથી જ કંઈ પૂરું થઈ જતું નથી. જેને ખાતર તો ચરિત્રનાયક ચરિત્રગ્રંથ પામે છે તે એના જીવનકાર્યને સારી જગ્યા ચરિત્રમાં અપાવી જોઈએ. એ જીવનકાર્ય માટે નાયકને તૈયાર કરનારાં બળો અને મળેલી પ્રેેરણા કે સૂચના, નાયકની ભાવના, એનું ધ્યેય, એણે આદરેલ કાર્યને સાંપડેલ સફળતા વા નિષ્ફળતાનું પ્રમાણ, એનાથી એને ઊપજેલ સંતોષ વા અસંતોષની લાગણી, એ બધાની વિગત પણ એની પ્રવૃત્તિનો ઇતિહાસ બીજી રીતે સચવાયો હોય તો તેમાંથી, તેનાં જ લખાણો ને ઉદ્ગારોમાંથી સમકાલીનો કુટુંબીજનો, મિત્રો, આદિની ડાયરીઓમાંથી કે તેમની પાસેથી પત્રો, સંસ્મરણો, ઇ.ની મળતી સામગ્રીમાંથી મેળવીને ચરિત્રમાં રજૂ કરવી જોઈએ. ચરિત્રનાયકના જીવનકાર્યની સિદ્ધિ – અસિદ્ધિનાં પ્રમાણ અને કારણો વિગતે તપાસાય અને એના જીવનની વાત પૂરી થયા પછી સમગ્ર દૃષ્ટિએ એના જીવનકાર્યની સમીક્ષા દ્વારા એના જીવનનું મૂલ્યાંકન તથા એના જીવનમાંથી મળતો સંદેશ તારવી બતાવાય ત્યારે જ ચરિત્રગ્રંથ પૂરો થયો ગણાય. ચરિત્રકાર નર્યો ઇતિહાસકાર કે ઇષ્ટમહિમા ગાનાર ભક્ત જ નથી. ચરિત્રનાયકનો જીવનસમીક્ષક પણ છે.
આ હકીકત ચરિત્રલેખકની જવાબદારી ઘણી વધારી મૂકે છે. નાયકના જાહેર જીવનની તો ખરી જ, પણ તેના ખાનગી અને આંતર ભાવનાજીવનની પણ એવી માહિતગારીની આથી એની પાસે અપેક્ષા રખાય કે તેનાં શ્રદ્ધાં, સંકલ્પો, આશયો, ધ્યેય, મંથન, આદિ એને હસ્તામલકવત્ પ્રત્યક્ષ હોય માનવચિત્તની જટિલતા ઓછી નથી. તેમ લોકોત્તરાણાં ચેતાંસિ કો હિ વિજ્ઞાતુમર્હતિ એ ય કેટલાક પ્રમાણમાં સાચું હોય છે. વળી માણસ પોતે જ પોતને પૂરે ઓળખી શકતો નથી હોતો, તો બીજી વ્યક્તિને ઓળખવાનું તો કેટલું મુશ્કેલ? એટલે, ચરિત્રકાર ચરિત્રવિષયને અંદરથી તેમ બહારથી પૂરેપૂરો જાણી લીધો હોવાનો દાવો તો કેમ કરી શકે? છતાં, શક્ય તેટલો પ્રયાસ તેણે કરવો તો જોઈએ જ. તો જ નાયકનાં કેટલાંક કાર્યો સમજાવી શકાય, તેમ એના જીવને ઊભી કરેલી ગેરસમજો – અને ગેરસમજનો ભોગ તો કંઈ લોકોત્તર વ્યક્તિનેય બનવું પડ્યું નથી? – તથા એની ભાવના અને વ્યવહાર વચ્ચે (સૂક્ષ્મ અને સ્થૂળ જીવન વચ્ચે) કેટલીક વાર દેખાતા વિસંવાદનો ખુલાસો આપી શકાશે. માણસ એક જ સમયે જુદીજુદી ભૂમિકાઓનો વાસી હોય છે. એનો બુદ્ધિવૈભવ ખૂબ ઊંચો હોય તો હૃદયવિકાસ એનાથી પાછળ હોય. ભાવનાઓ વિશુદ્ધ ને ઊંચી હોય તો આચરણમાં ક્ષદ્રતા કે પ્રાકૃતતા ક્યાંકથી ઘૂસી ગઈ હોય, આચરણ અન્યથા ઉદાત્ત ને વિશુદ્ધશીલ હોય તો અહં કે લોભ કે ક્રોધ કે કામવૃત્તિ અણઘટતું જોર જમાવીને ચિત્તમાં પડી હોય. ઊંચી ભાવના કે સંકલ્પ સ્થૂલ જીવનમાં વ્યક્ત કે મૂર્ત થવાનું કરતાં વિકૃતિ પામે, આવું માનવજીવનમાં તો બહુ વાર બને છે. આગળ ઉલ્લેખ્યો તે વિસંવાદનું મૂળ આમાં છે. એ વિસંવાદ દેખાય કે તરત વ્યક્તિના સમગ્ર જીવનને દૂષિત માની બેસવાની ઉતાવળ સામાન્ય માણસોથી થઈ જાય છે. વિચારપલટો કર્યો એટલે નર્મદ સુધારાથી ડરી ગયો. મણિલાલના જીવનના અમુક પ્રસંગો સારા નથી માટે એની વિદ્વત્તા, બુદ્ધિ ને ભાવનાઓ જૂઠી ને દંભી. કલાપી શોભનાને ચાહતા હતા માટે એની વિદ્વત્તા, બુદ્ધિ ને ભાવનાઓ જૂઠી ને દંભી. કલાપી શોભનાને ચાહતા હતા માટે તેમની નીતિ ને વૈરાગ્યની વાતો આત્મવંચક, ગાંધીજીએ વાછરડાને મરાવી નાખ્યો માટે તેમની અહિંસા ખાલી બોલવાની જ. આવી આવી ગેરસમજને લોકમગજ પર ચડી બેસતા વાર નથી લાગતી. ચરિત્રકારનું કામ પોતના નાયકને આવી ગેરસમજથી ચોખ્ખા કરવાનું તેમને ન્યાય મળે એ રીતે તેમનાદ સાચા આંતરસ્વરૂપને ઓળખાવવાનું, અને તેમની પ્રવૃત્તિઓ તથા બાહ્ય જીવનમાં દેખાતી અસંગતિઓનો ખુલાસો આપવાનું છે. દોષોનો બચાવ કરવાનો ધ્વનિ આમાં નથી. પણ ગેરસમજનાં વાદળાં જો હોય તો તેને દૂર કરવાની વાત છે. ચરિત્રનાયકનો જીવનસમીક્ષક બને છે તો ચરિત્રકારની આ ફરજ બની રહે છે. નવલરામે નર્મદના વિચારપરિવર્તનનાં કારણો રજૂ કરી ખુલાસો આપી, એ તેનાં બુદ્ધિભ્રંશનું નહિ પણ મળેલી નવી દૃષ્ટિનું પરિણામ કે ચિહ્ન હતું એમ સિદ્ધ કર્યું ન હોત તો એમના ‘કવિજીવને’ નર્મદને બરાબર રજૂ કર્યો ગણાત કે?
ચરિત્રનાયકના જીવન અને જીવનકાર્યની આવી સાચી સમીક્ષા માટે તેનો જમાનો લક્ષમાં લીધા વિના ચાલે નહિ. ચિત્રમાં જેમ પશ્ચાદ્ભૂમિની આગળ કે એના પરિસંદર્ભમાં મુખ્ય ચિત્ર સુંદર ને ઉચિત લાગે છે, તેમ ચરિત્રનાયકનું જીવનચરિત્ર તેના દેશકાળ એટલે સમકાલીનક સામાજિક – રાજકીય જીવનની ફલકભોંય પર દોરાવું જોઈએ. જે દેશકાળ કે સંજોગોમાં એ વ્યક્તિ જીવી ગઈ અથવા પ્રો. ઠાકોરની ભાષામાં બોલીએ તો જે જળની એ માછલી હતી, તેના યોગ્ય પરિચય વિના વાચકોને એના જીવનની વિશિષ્ટતા કે મહત્તા સમજાવાની નહિ. દરેક મહાપુરુષ પોતાના જમાનાનું સંતાન હોય છે. દરેક જમાનો એવી વ્યક્તિઓ દ્વારા જ પોતાની એષણાઓ ને જરૂરત વ્યક્ત અને સિદ્ધ કરવા મથતો હોય છે. જમાનો જ આવી વ્યક્તિઓને ઘડે છે, અને પોતાને જન્મ વખતે મળેલા જમાનાને તેઓ પોતાના જીવનકાર્યનું દાન કરી નવાં રૂપરંગ આપી ઘડવાનો પ્રયત્ન કરે છે. નર્મદાના જન્મ વેળા ગુજરાતનો જનસમાજ જડતા, રૂઢિદાસત્વ, વહેમ ને અજ્ઞાનથી પીડાતો ન હોત અને નવી પાશ્ચાત્ય સંસ્કૃતિનો સ્ફૂર્તિકર પ્રવેશ ન થયો હોત તો નર્મદ એને જેવો ઓળખીએ છીએ એવો ન બન્યો હોત. ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં ગોરાઓની જોહુકમીનો અનુભવ થયો ન હોત તો તેમનો સત્યાગ્રહ અને પછીની કારકિર્દી જન્મ્યાં ન હોત એમ પણ કોઈ કહે. નર્મદ કે કરસનદાસ કે દુર્ગારામના સમયની ગુજરાતની સાંસ્કારિક, ધાર્મિક, સામાજિક, રાજકીય, અને કેળવણીવિષયક સ્થિતિ સમજીએ તો એવી સ્થિતિને સુધારવાના એમણે કરેલા પ્રયાસોનું યોગ્ય મૂલ્યાંકન કરી શકીએ. આજની દૃષ્ટિથી વિચારતાં એમનું કાર્ય નજીવું લાગે, પણ એ જમાનો જોતાં એ મોટું હતું ને એમણે જે કંઈ કર્યું તેને લીધે તો અત્યારની પરિસ્થિતિ શક્ય બની છે. ચરિત્રનાયકના જન્મ ને ઉછેર સમયના દેશકાળ અને અવસાન વેળા તેણે પાછળ મૂકેલ દેશકાળ ને સમાજ વચ્ચેના તફાવતમાં તેનો જે હિસ્સો હોય તે તપાસવા-મૂલવવાનું તેના જમાનાના ચિત્ર વિના અશક્ય નહિ તો મુશ્કેલ તો બની જ જાય. નાયકના જીવનકાર્યને મળેલી સિદ્ધિ કે અસિદ્ધિઓના મૂળમાંય તત્કાલીન પરિસ્થિતિ ઘણે અંશે કારણભૂત હોય છે એ પણ ભૂલવી જોઈએ નહિ એવી વાત છે. જીવનચરિત્રમાં આથી તેના નાયકના જીવનકાળ દરમિયાન પ્રવર્તતી તેના પ્રદેશની સામાજિક, ધાર્મિક, રાજકીય તથા સાંસ્કારિક એમ બધા પ્રકારની પરિસ્થિતિનું ચિત્ર આવશ્યક બને છે. એના વિનાનુંદ એકલું ચરિત્રનાયકના જીવનનું બયાન અતડું પડી ઘણી વાતે અણસમજાયેલું રહેવાનું ‘નંદશંકર-જીવનચરિત્ર’ અને ‘કવીશ્વર દલપતરામ’માં મોટા પ્રમાણમાં, અને ‘વીર નર્મદ’માં તેની નાની મર્યાદામાં પણ આવશ્યક તેટલો ચરિત્રનાયકના સમયના ગુજરાતનો સામાજિક ઇતિહાસ આલેખાયેલો છે તે આ કારણે.
અહીં સુધી તો ચરિત્રલેખક ઇતિહાસકારનું જ કામ કરે છે. અલબત્ત પોતાની મર્યાદિત સીમામાં. પણ શાસ્ત્ર અને કલા કે લલિતેતર અને લલિત વાઙ્મયના પ્રકારો કદી એકમેકની પાસે આવી ભળી ન જ શકે એવા પ્રકારો નથી. ગિબનનો રોમન સામ્રાજ્યના પતનનો ઇતિહાસ, જીન્સ નેએડિંગ્ટનનાં વૈજ્ઞાનિક પુસ્તકો, વિલ ડ્યુરાન્ટના તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિના ઇતિહાસ અને કાકા કાલેલકરના આકાશ દર્શનના અને પ્રવાસ વિષયક લેખો તેમાંની લખાવટને કારણે રસાત્મક બની શક્યા છે. લખનારની તન્મયતા, ઉત્સાહ, કલાદૃષ્ટિ, સર્જકતા અને કલ્પના એમાં સારો એવો ભાગ ભજવે છે. શાસ્ત્રીય કે બોધક વાઙ્મયમાં સર્જક કે લલિત વાઙ્મયનાં તત્ત્વો આમ અનુપ્રવિષ્ટ થઈ શકે. નિબંધ ઘણીવાર સર્જન કોટિએ પહોંચતા દેખાય છે. જીવનચરિત્રને પણ શાસ્ત્રગ્રંથમાંથી કલાકૃતિ બનતાં કોઈ અટકાવતું નથી, એનું કાર્યક્ષેત્ર જોતાં તો એ એને માટે સહેલું ને સ્વાભાવિક પણ છે. ચરિત્રકારનું કામ એક રીતે નવલકથાકારના જેવું છે. ફેર એટલો કે નવલકથામાં પાત્રો ને પ્રસંગો કલ્પિત હોય છે, જ્યારે ચરિત્રોમાં એના લેખકને એ જીવનમાંથી સીધા મળેલાં જ હોય છે એટલે કલ્પનાવ્યાપારને એટલા પૂરતો ત્યાં અવકાશ નથી. બાકી ચરિત્રકારનેય ચરિત્રનાયકના જમાનાના ચિત્રનો ઉઠાવ, તેના જીવનપ્રસંગનોની ચિત્રાત્મક રજૂઆત, નાયકના પાત્રનો તેના વ્યક્તિત્વસમેત યોગ્ય ઉઠાવ, ને તેનું માનસનિરૂપણ કરવાનું હોય છે, એટલે એ પોતાની મર્યાદામાં નવલકથાકાર બની શકે એવી એને સગવડ છે. એ સગવડનો લાભ લેવાનું, અલબત્ત, એની પ્રતિભા, સર્જકતા, કલાદૃષ્ટિ, રસિકતા અને શૈલીસ્વામિત્વ પર અવલંબે છે. એમિલ લડવિંગ, લિટન સ્ટ્રેચિ અને આન્દ્ર મૉર્વાએ લખેલાં જીવનચરિત્રો આવી કલ્પનાપ્રાણિત સજીવ શૈલીમાં લખાયેલા હોય છે ને નવલકથાના વાચનથી મળતા આનંદ જેવો જ આનંદ આપે છે એ જાણીતું છે. આવી કૃતિઓને તમે હોંશભેર લલિત વાઙ્મયની કલાકૃતિઓ કહી શકો. આપણે ત્યાં ‘વીર નર્મદ’, ‘નર્મદ : અર્વાચીનોમાં આદ્ય’, ‘નરસૈયો : ભક્ત હરિનો’ અને ‘શુક્રતારક’ જેવી ચરિત્રિકાઓમાં આવા સર્જકતાના અંશ મળતાં એ ચિત્રાત્મક ને રસાત્મક બની છે. કાળનો પડદો ઊંચકી ચરિત્રનાયકના દેશકાળને તાદૃશ ખડો કરવામાં. એ દેશકાળની રંગભૂમિ પર ચરિત્રનાયકની જીવનલીલા વાંચનારાઓની નજર સમક્ષ જાણે ફરી ભજવાતી કરવામાં. અને ચરિત્રનાયકના પાત્રને તેની તેજછાયા સાથે પુનઃસંજીવિત કરવામાં ઓછી કલાસિદ્ધિ નથી. જોવાનું એટલું જ કે શાસ્ત્રીયતાને ભોગે, સત્યને ખર્ચે, કલાતત્ત્વ ઉપાસાવું જોઈએ નહિ. ઇતિહાસ જેમ પ્રથમ શાસ્ત્ર ને પછી કલા છે. તેવું જ ચરિત્રને માટે પણ કહેવાય. આથી કલ્પના તથા કલાને વધુ પડતી છૂટ આ સાહિત્યપ્રકારમાં નિર્વાહ્ય બને નહિ. ચોક્કસ જીવનના ઇતિ હ આસની સીમામાં રહીને જ શક્ય તેટલી રસાળતા કે કલા આવડતું હોય તો લવાય.
ગ્રંથ કે ગ્રંથિકાના વિસ્તારમાં ચરિત્રો નહિ પણ લેખના વિસ્તાર ને સ્વરૂપનાં રેખાચિત્રો ચરિત્રના પેટામાં આવે. તેના લેખકને નાના ચરિત્ર લેખક જેવું જ કામ કરવાનું હોય છે. તેના કાર્યપટ નાનો હોય છે. અને ચરિત્રનાયકના જીવનકાર્યની સમીક્ષા કરતાં એની વ્યક્તિતા પર તેની નજર વિશેષ રહે છે, એટલો માત્ર ફેર. નખચિત્રો તો રેખાચિત્રોનીય ટચૂકડી આવૃત્તિ. એ તો વ્યક્તિ પરિચાયક લેખથી જારાક જ વિશેષ ગણાય. સર્જકતાનો ગુણ આ બેઉ પ્રકારમાં લાવી શકાય. લીલાવતી મુનશીનાં કેટલાંક રેખાચિત્રોમાં તથા નરસિંહરાવનાં કેટલાંક સ્મરણચિત્રોમાં એ છે. મૃત્યુનોંધો, જેને પણ આપણે ચર્ચીઓ છીએ તેને સાહિત્યપ્રકાર સાથે થોડું દૂરનું સગપણ છે. તેમાં નાયકના વ્યક્તિત્વ કરતાં સ્વાભાવિક રીતે જ તેના સ્મરણીય જીવનકાર્ય પર વધુ ભાર હોય છે. શક્તિશાળી લેખક એમાં તથા આગલા બંને પ્રકારના લેખોમાં થોડા જ વિસ્તારમાં ચરિત્રવિષયક વ્યક્તિનું વ્યક્તિચિત્ર તથા જીવનદર્શન આપી શકે.
આત્મકથા જીવનચરિત્રનો પ્રકાર જ કહેવાય. તેનો જીવન ચરિત્રથી મૂલગત ભેદ એ છે કે એમાં ચરિત્રનાયક પોતે જ ચરિત્રલેખક હોય છે. આમ છે એટલે એના લેખનની કેટલીક સ્વયંસિદ્ધ મર્યાદાઓ બંધાઈ જાય છે. એનો લેખક પોતાના જન્મથી આત્મવૃત્તાન્ત શરૂ કરી શકે નહિ. સિવાય કે મેળવેલી માહિતીનો આધાર આપી તેમ કરે. એની સ્મૃતિ જ્યાં સુધી એનેે ભૂતકાળમાં લઈ જાય ત્યાંથી વાજબી રીતે પોતાની વાત માંડી શકે. વળી પોતે પોતાના મૃત્યુ સુધીની વાત પણ કરી શકે નહિ, એટલે એ એની જિંદગીનાં અમુક વર્ષોની જ કથા બને છે. મુખ્ય વાત તો એ છે કે લખનાર પોતે જ ચરિત્રનાયક હોવાથી ચરિત્રકારે સાચવવાની સમતુલા, તટસ્થતા, પ્રાણિકતા તથા કડક સત્યનિષ્ઠા જાળવવાનું કામ એને માટે અશક્ય નહિ તો અઘરું અથવા અખંડ જાગૃતિ કે સાવધાની માગી લેનારું બને છે. માનવીના બધા વિકારો જાય પણ જે સૌ પછી ને મહાતપશ્ચર્યાએ જાય છે તે અહંપ્રેમ કે આત્મમોહથી તો આત્મચરિત્રકારે ખાસ ચેતવાનું છે. એ અહંપ્રેમ તેને પોતાની જાતને રંગીને ચીતરવા, પોતાનાં દોષો, સ્ખલનો અને ગોપ્ય બાબતો પરત્વે મૌન ભજવા, અને મહત્તાનાં અસામાન્યતનાં બીજ તો પોતામાં નાનપણથી જ હતાં એવું નિરૂપણ કરવા એને લલચાવે અથવા તેને ખબરે ન પડે તેમ વાળી જાય, એ ભયસંભવ મોટો છે. ટૉલ્સ્ટૉય કે ગાંધીજીના જેવી ઉગ્ર સત્યનિષ્ઠા આથી આત્મકથા કે આત્મચરિત્રે પાળવાની પહેલી શરત બની જાય છે. એવી સત્યનિષ્ઠાનું જેટલું વધુ પ્રમાણ અને પોતાની જાતને સાચા આત્મપરીક્ષણથી જેવી ઓળખી છે તેવી જ વ્યક્ત કરવાની પ્રમાણિકતા જેટલી વધુ, તેટલું લખનારનું આત્મચરિત્ર તેનું સાચેસાચું આત્મચરિત્ર બને. નહિતર, તે લખનારું પોતે જેવો છે તેનું નહિ પણ તેની કલ્પનાના ‘હું’નું અથવા પોતે જેવો જાતને દેખાડવા માગતો હોય તેનું, એટલે ખોટું, વર્ણન બની જાય. આત્મકથાની બીજી શરત પણ આમા સૂચવાઈ ગઈ. તે એ કે આત્મપ્રેમ નહિ પણ વિકાસવાંચ્છુ આત્મનિરીક્ષણ જ આત્મકથાનો પ્રેરક હેતુ હોવો જોઈએ. એમ હશે તો ચરિત્રકાર પોતે જ હનુમાને જેમ છાતી ચીરી બતાવી હતી તેમ પોતાની જાતને ખુલ્લી કરી પોતાના આશયોને, મંથનોને, ગુણદોષને અને પ્રવૃત્તિઓને સારી રીતે સમજાવી શકશે. અને એટલે અંશે વાંચનારાઓને એનો સાચો પરિચય પામવાનો લાભ સાંપડવાનો. આત્મકથા પણ સર્જનાત્મક કલાકૃતિ બની શકે,એ દુનિયાની ઘણી એ પ્રકારની કૃતિઓએ દેખાડ્યું છે. પણ આત્મકથા કે આત્મચરિત્રની ખરી કિંમત તો લેખકની સત્યનિષ્ઠામાં જ રહેલી છે.
(‘ગંધાક્ષત’)