અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેશ મા. દવે/સાહેબ હુકમ કરે કે આવું
Revision as of 10:03, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
સાહેબ હુકમ કરે કે આવું
મહેશ મા. દવે
સાહેબ હુકમ કરે કે આવું
આરણ-કારણ કાંઈ ન જાણું,
ક્યાંય પછી નહીં જાઉં
સાહેબ હુકમ કરે કે આવું.
મારા મનનું કાંઈ ન ચાલે
કોરે કાગળ સહી,
સાહેબના અણસારે મારી
હોડી જળમાં વહી;
નાવિક મારો કહે એ લયમાં
ગીત મારું હું ગાઉં.
સઘળું તેને સોંપી દઈને
કામ બધાં દઉં છોડી,
મેં તો મારી પ્રીત સદાયે
સાહેબ સાથે જોડી;
વહેણ હોય કે પૂર હોય
પણ નહીં કદી મૂંઝાઉં
સાહેબ હુકમ કરે કે આવું.
(કોરે કાગળ સહી, ૨૦૦૦, પૃ. ૧)