કવિલોકમાં/વારંવાર વાગોળતા જેવું કેટલુંક

From Ekatra Wiki
Revision as of 07:07, 10 April 2025 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


વારંવાર વાગોળવા જેવું કેટલુંક


સંનિવાસ, ઇન્દુકુમાર ત્રિવેદી, પ્રકા. પ્રણવકુમાર
ઈન્દુકુમાર ત્રિવેદી, અમદાવાદ, ૧૯૮૫

ઇન્દુકુમાર ત્રિવેદીનો એક નાનકડો કાવ્યસંગ્રહ 'ક્વચિત્' ૧૯૬૫માં પ્રસિદ્ધ થયેલો. એમાંના નાજુક રમણીય શિલ્પકર્મે સૌ સાહિત્યરસિકોનું ધ્યાન ખેંચેલું. 'સંનિવાસ'માં બે કાવ્યસંચયો સાથે મૂક્યા છે - 'ક્વચિત્' અને 'આર્જવ’. 'આર્જવ’માં ‘ક્વચિત્’માં નહીં લેવાયેલ કેટલીક રચનાઓ તથા તે પછીના ગાળાની ચૂંટેલી રચનાઓનો સમાવેશ થાય છે. 'ક્વચિત્'નાં ૨૪ અને 'આર્જવ'નાં ૬૦ મળી કુલ ૮૪ કાવ્યો આ સંગ્રહમાં છે. ઇન્દુકુમારની કવિતાને આપણે કલ્પનરાગી કવિતા કે ચિત્રકવિતા કહી શકીએ. ચિત્રકવિતા એટલે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અર્થમાં ઊતરતી કવિતા નહીં, પણ ઇન્દ્રિસંતર્પક ચિત્રોમાં જેની સાર્થકતા છે એવી કવિતા. સૂરજ, ચંદ્ર, દરિયો, ડુંગર, હેમંત, વસંત, વર્ષા, મધ્યાહ્ન, સૂર્યાસ્ત, શિશુ. રાતરાણી વગેરે અનેક પદાર્થોનાં અહીં માર્મિક ચિત્રો અંકાયેલાં છે. બહુધા આ દૃશ્યચિત્રો છે પણ શ્રાવ્યતાના ગુણનો કેટલીક વાર કૌશલપૂર્વક લાભ ઉઠાવ્યો છે. ખીલેલી, મદમાતી નારી જેવી રાતરાણી અને ધરતીમાંથી ઊખડી ગયેલી રાતરાણી - આ બે ચિત્રો એમાં પ્રયોજાયેલા વર્ણધ્વનિથી જુદાં પડે છે અને આપણા ચિત્તમાં જીવન-ઉલ્લાસ અને જીવનહ્રાસના બે જુદા ભાવસંસ્કાર જન્માવે છે. ‘વર્ષાપંખી'માં તો દૃશ્ય-શ્રાવ્ય ચિત્રનો યોગ રચવાનો વધારે સભાન પ્રયાસ છે. વર્ણધ્વનિ ઉપરાંત લયધ્વનિને પણ એમાં કાર્યક્ષમ બનાવવાની કોશિશ થઈ છે. ક્વચિત્ વાસ્તવની એકબે અત્યંત સૂચક રેખાઓ વડે કવિ પોતાનું ચિત્ર સર્જે છે, જેમકે ‘મધ્યાહ્ન'માં ગ્રીષ્મના મધ્યાહ્નના પ્રખર તાપનું સૂચન સૂકા સરવરના કાદવમાં ભીનાશને શોધતાં દેડકાં અને બાવળના વૃક્ષની છાયામાં ઊમટી રહેલાં કીડી-મકોડાના વર્ણન દ્વારા થયું છે. સૂર્યમાં આરોપાયેલો 'રોષ' અને છાંયને લગાડેલું ‘વિહ્વળ' વિશેષણ બાદ કરીએ, તો આ કાવ્ય કશા પણ આરોપણ વગરનું શુદ્ધ વર્ણનાત્મક કાવ્ય, સંસ્કૃત કાવ્યશાસ્ત્ર મુજબ સ્વાભાવોક્તિકાવ્ય કહેવાય. અલબત્ત, એમાં પરોક્ષતાનો એક ચમત્કાર રહેલો છે. પણ સામાન્ય રીતે કવિ પોતાનાં વર્ણનકાવ્યોમાં રૂપક-ઉત્પ્રેક્ષાદિ અલંકારોનો આશ્રય લે છે ને કેટલીક વાર કશીક ભાવાત્મકતા પણ ગૂંથે છે. અલંકરણમાં નૂતનતા અને તાજગી છે તેમ અર્થઘોતકતા પણ છે. આકાશમાં થતા વાદળોના ગડગડાટ અને વીજ-સળવળાટને વર્ણવવા કવિ અંધકારમાં ધસતી ગુડ્ઝ-ટ્રેનનાં વેગનો અથડાઈ પડતાં થયેલા અકસ્માતનું ચિત્ર કામમાં લે છે. 'સૂરજ' 'દરિયો' 'ડુંગર'નાં જુદાજુદા સમયનાં રૂપ કવિએ બહુધા અલંકારના આશ્રયથી જ મૂર્ત કર્યાં છે :

સૂરજ ફૂલ સવારે દરિયો
પીળો વાઘ બપોરે દરિયો
મોરપિચ્છ શો સાંજે દરિયો

પણ આવાં વર્ણનકાવ્યો ઘણી વાર પદાર્થના રૂપરંગના ચિત્રણ આગળ ન અટકતાં એની ઉચ્ચતર અર્થવત્તાનું પણ સૂચન કરી જાય છે. સૂરજનાં વિભિન્ન રૂપોના વર્ણનની પરિણતિ 'લોચન લોચન વસતો સૂરજ, સચરાચરમાં શ્વસતો સૂરજ' એ પંક્તિઓમાં આવે છે. કવિનો ચિત્ર-રાગ એટલો છે કે અમૂર્ત ભાવને એ ચિત્ર રૂપે કલ્પે છે અને માનવપરિસ્થિતિને પણ ચિત્ર રૂપે આલેખે છે. સ્મૃતિઓનું કવિએ કરેલું વર્ણન જુઓ :

સ્મૃતિઓ વાગોળો થઈ લટકે
સ્મૃતિઓ ચીબરીઓ શી ભટકે...

'આંસુ'માં હૃદયમાં ભારેલી વેદનાનું કેવળ ચિત્રાત્મક વર્ણન કરવાની કવિની અજબ કલાનું દર્શન થાય છે. પાનખરની રાત, સૂમસામ ઓરડો, સગડી પાસે તાપતાં બે જણ (દંપતી), કબાટમાં ઝૂરતાં રમકડાં, દૂર અંધારમાંથી કોતરેલો ઊંઘતો પુલ, રસ્તા પર વીંટળાઈને ઊભેલ આંબલી ને પીપળાનાં ખરતાં પાન, સહસા કોઈ બાળકના રડવાનો આવતો અવાજ, એક જણની આંખમાંથી ખરતું આંસુ છે તો એક પરિસ્થિતિનું થોડી લાક્ષણિક રેખાઓથી થયેલું ચિત્રાંકન, પણ એમાંથી દંપતીના હૃદયની શૂન્યતા કેવી વ્યંજિત થઈ ઊઠે છે! સીધાસાદા કથનનાં કેટલાંક કાવ્યો 'આર્જવ' વિભાગમાં છે - ‘વર્ષો વીત્યાં', ‘વિષાદયોગ', 'વિભૂતિયોગ', 'સદ્ગત પત્નીને' વગેરે. પણ આ કાવ્યોમાં કશો પ્રભાવ કે ચમત્કાર આણી શકાયો નથી એટલે એમ લાગે છે કે ઈન્દુકુમારનું પોતાનું કવિમાધ્યમ ચિત્રકલ્પન જ છે. ઇન્દુકુમારની ઘણી રચનાઓ ટૂંકી છે. કેટલીક તો મુક્તક ગણી શકાય એવી જ છે. જે રચનાઓમાં વીગતબહુલતા છે એ પણ સઘન તો હોય જ છે. લગભગ બધી રચનાઓ સંઘેડા—ઉતાર છે ને કૃતિને સચોટ માર્મિક અંતથી પ્રભાવક બનાવવાનું કૌશલ પણ કવિ વારંવાર બતાવે છે. 'આંસુ' કાવ્યને અંતે કવિ કહે છે કે ખરેલું આંસુ ‘સગડી મહીંના શેષ એ અંગારને ઠારી રહ્યું.’ આમ જુઓ તો આ એક વાસ્તવદર્શી રેખા છે, પણ દંપતીના ઓલવાતા જતા જીવન-અંગારનું પણ એ સૂચન કરે છે અને આપણને તીક્ષ્ણ-તીવ્ર કરુણના અનુભવમાં મૂકી આપે છે. પ્રકૃતિ- વર્ણનના કાવ્યમાં પણ અંતનો ચમત્કાર જોવા મળે છે. શિયાળાની રાતના સર્વત્ર ઠાર ફેલાવતા વાતાવરણના ચિત્રને અંતે તરુવર-પાંદને ઉડાડતા, એકાએક ધસી આવેલા પવનનું વર્ણન છે, એમાં છેલ્લી પંક્તિની ઉત્પ્રેક્ષા 'અબઘડી આકાશેથી ખરી જશે ચાંદ' આપણને વર્ણ્ય-વિષયની એક રોમાંચક પરાકાષ્ઠા આગળ છોડી દે છે. ‘હેમંતમાં' એ કાવ્યની અંત આનાથી ઊલટી જ દિશાનો છતાં એટલો જ ચમત્કૃતિપૂર્ણ છે. સૂર્ય, નદી, સરોવર, વૃક્ષ, રસ્તા, મકાનો, વાહનો બધું ધુમ્મસથી ઢંકાયેલું છે અને ચાલવાનું સૂઝતું નથી ત્યારે પોતાના ઉષ્માભર્યા ઉચ્છ્વાસનો કવિને ખ્યાલ આવે છે. આજુબાજુ ધુમ્મસ હોય ત્યારે પણ માણસ પાસે પોતાના ઉચ્છ્વાસની ઉષ્મા તો હોય છે. એક માનવ-મૂલ્યની સ્થાપના કવિ સહજ રીતે કરી દે છે. હા, ચિત્રસર્જક આ કવિના હૃદયમાં શાંત, સ્નિગ્ધ, નિર્મળ માનવતાનો ધબકાર આપણને સતત સાંભળવા મળે છે. રજાના દિવસે છાજલીમાં કશુંક ગોઠવવા જતાં ઈંડું દડી પડે છે ને ફૂટે છે ત્યારે કવિના હૈયામાં પંખીનો ફફડાટ થાય છે. તૃણ ચગદાય છે ત્યારે સહેજ પણ અવાજ સંભળાતો નથી ને પતંગિયું વીંધાય છે ત્યારે ક્યાંય આછોય કંપ ઊઠતો નથી એની નોંધ આ કવિ લીધા વિના રહી શકતા નથી. કવિનાં પ્રકૃતિચિત્રણો એવાં છે કે એમાં વિશ્વચૈતન્યનો સંસ્પર્શ વરતાયા કરે છે. 'સંનિવાસ'માં ક્યાંક પ્રગટતું ચાતુર્ય પણ આસ્વાદ્ય બને છે. પ્રિયતમાની આંખોનું આમંત્રણ પામેલો નાયક પૂછે છે કે 'ક્યાંથી પ્રવેશું? દૃષ્ટ તો તવ બેઉ સુંદર!’ સંભ્રાન્તતાને બહાને પ્રગટતી પટુતા આપણને પણ રીઝવી જાય છે. ‘આર્જવ’ વિભાગનાં કાવ્યોની ચાળણી હજુ જરા કઠોરતાથી થઈ શકી હોત. કલ્પનરાગી કવિતાથી જુદી ને પરંપરાગત રીતે ચાલતા 'ક્યાં મળશે મણિયાર'માં પણ જાણે બોદો અવાજ સંભળાય છે. છંદ ને પરંપરિત લયની રચનાઓમાં અજબ આત્મવિશ્વાસથી વિહરતા કવિ ગીત અને ગઝલમાં ભૂલા પડી ગયેલા લાગે છે. આમ છતાં સમગ્રપણે આ સંગ્રહ એનાં સમૃદ્ધ ચિત્રકલ્પનો, ભાવઉષ્મા, રચનાચમત્કાર ને લયસિદ્ધિથી સંતર્પક બન્યા વિના રહેતો નથી. કેટલુંક તો વારંવાર વાગોળવા જેવું છે એ કવિની નાનકડી સિદ્ધિ નથી. ૨૯ એપ્રિલ, ૧૯૮૫

ગ્રંથ, નવેમ્બર, ૧૯૮૫