કવિલોકમાં/પરંપરા અને પોતીકો અવાજ
પવન રૂપેરી, ચંદ્રકાંત શેઠ, પ્રકા. આર. આર.
શેઠની કંપની, અમદાવાદ, ૧૯૭૨
ચંદ્રકાંતનું એક કાવ્ય છે –
ચણી બોર ચાખીને ચાખ્યો સમય
હવે તો શબ્દે શબ્દે એની મીઠી વાત કહેવી.
કવિએ સમયનો આસ્વાદ તો કર્યો છે પણ ચણીબોર જેટલો અને જેવો, જેમાં છે ‘ઝાઝા ઠળિયા, ઝાઝી છાલ’ અને 'કાંટાળી કૂડી જાળ.’ વિશેષ તો એમણે અનુભવી છે સમયની ભીંસ — ‘ઉજ્જડ ઉજજડ વગડો' અને 'લુખ્ખું લુખ્ખું આભ.' આંખોમાં રજકણ ખૂંચે છે અને ખારાં પાણી ઊભરાય છે એટલે જ બેચાર ગરેલાં ચણીબોર મળ્યાની ખુશી કવિમનમાંથી ટહૌકી ઊઠે છે. એમ છતાં શબ્દેશબ્દે ‘મીઠી વાત' કહેવાનું તો કવિથી બનતું નથી.
'પવન રૂપેરી'ના કવિને 'આધુનિક' કહેવામાં આવ્યા છે. એ છાપને સાર્થક ઠરાવે એવું સંવેદનજગત અહીં ઠેરઠેર વિસ્તરેલું છે : વ્હૈ ગયેલું નીર અને સુક્કા પટે પહાડની સળગતી તરસ, ખવાતું મન અને આંખોમાં ઘસાતો સૂર્ય, પડઘા સમા શબ્દો, નજરમાં આંધળી વાગોળોની ભટકણ, પ્રાણને ગૂંગળાવતી વાસી હવા, ઠરી ગયેલો અને પાંપણ પર અશ્રુકણની જેમ વળગેલો સૂર્ય, છાતીમાં ઘૂઘવતાં મૃગજલ, સૂર્યને પાંખોમાં ઢાંકીને બેઠેલું ઘુવડ. આ બધાં ચિત્રકલ્પનો ખાલી ખખડતા, ચૈતન્યહ્રાસ અનુભવતા, વંધ્ય મથામણો કરતા, વાસનાના પ્રેત સમા માનવ-અસ્તિત્વની છબી આપણી સમક્ષ આંકે છે. આ એક નવો ચીલો છે અને એક નવા કવિ તરીકે ચન્દ્રકાન્ત એ ચીલે સહજ રીતે અને સફળતાપૂર્વક ચાલ્યા છે. આખો કાવ્યસંગ્રહ વાંચતાં સંવેદનકલ્પનની એક લઢણ આપણને પડઘાયા કરતી લાગે તો એમાં આશ્ચર્ય નથી. પરંતુ કેટલાંક બળવાન કલ્પનો, કેટલીક મનમાં વસી જાય એવી વાગ્ભંગીઓ, કેટલીક નક્કર ઘાટ પામેલી રચનાઓ પણ આપણને અવશ્ય મળે છે. એક સંકુલ ગૂંથણીવાળું બળવાન કલ્પન જુઓ :
ચામાચીડિયાં
ઊડતાં ઊડતાં
દીવાલ વચ્ચે વણતાં જાડી અંધાપાની જાળ,
દીપશિખાઓ સ્વર્ણિમ મત્સ્યે એ જાળે તરફડતી.
દીવાલો વચ્ચે ઊડતાં ચામાચીડિયાં, એથી વણાતી અંધાપાની જાડી જાળ, એમાં સુવર્ણમત્સ્યો પેઠે તરફડતી દીપશિખાઓ - એકેએક વીગત અને એકેએક શબ્દપ્રયોગ કેવી મૂર્તતા નિપજાવે છે અને એમાં રહેલી વક્રોક્તિ ગૂંગળામણના ભાવને કેવી તીક્ષ્ણ ધાર અર્પે છે!
માનવઅસ્તિત્વની પંગુતા દર્શાવતી આ પંક્તિઓ જુઓ :
હાથ પહોળા થૈ થઈ શકે પણ
કોઈ પંખીનું ગગન ખૂલતું નથી.
અને એની ગૂંગળામણ અને ભીંસે શાની અને કેવા પ્રકારની છે તે નીચેના ઉદ્ગારો સૂચક રીતે દર્શાવી આપે છે :
કોઈ મને છોડાવો
રે કોઈ
રસ્તાઓના ભરડાઓમાંથી
મારો ચરણ મુકાવો.
માનવના અપરિહાર્ય જીવનવૈષમ્યને કવિ કયા કલ્પનથી મૂર્ત કરે છે તે જુઓ. અગતિ અસ્તિત્વને જડ બનાવે છે તો ગતિ એને છિન્નભિન્ન કરે છે:
ઊભા રહો તો જાવ ચણાતા
ચાલો તો વીખરાતા.
અને એક અશ્રુબિન્દુને ઝંખનારનાં કારુણ્ય અને દૈન્ય કેવાં અપાર છે! –
કોઈ એક ઝાકળનું બિન્દુ ક્યાં છે?
જે આ લુખ્ખી આંખે મોતી થૈને નિર્મલ ચળકે?
શૂન્યતા, નિરાધારતા અને છિન્નભિન્નતામાંથી ઊગરવા કવિ સ્પર્શક્ષમ આલંબન ઝંખે છે. તેની તીવ્રતા જુઓ :
મને હવે તો સ્પર્શ જોઈએ,
વિષકન્યાનો આપો.
ભલે ઝેરનું હોય,
તોયે લીલુંછમ ચુંબન આપો.
‘હથેલીમાં ખીણ એમાં ફસાયેલો અશ્વ’ અને ‘ખંડિયેરનો ભય’ જેવાં કાવ્યોમાં તથા ‘પંખી' જેવા મુક્તકમાં આ જાતની અનુભૂતિ લાઘવથી અને કંઈક નવીન સઘન સંકેતયોજનાથી રજૂ થઈ છે તે ધ્યાન ખેંચે છે. હથેળીની ખીણમાં ફસાયેલો અશ્વ અવરુદ્ધ ભાગ્યદશાનું એક સબળ પ્રતીક બની રહે છે. અંધકારનો ફફડાટ, ગોખમાં નીડ બાંધતાં પડઘાઓનાં ટોળાં, હવામાં ફરક્તું છિન્ન સ્વપ્નનું પિચ્છ, દ્વાર પર ઝળૂંબતો મધદરિયેથી હોડી પાછી વળેલી જોઈ થાકેલી આંખોનો ઉદાસ અવકાશ - આ બધું ખંડિયેરના વાતાવરણની ગમગીની અને ભીષણતાને મૂર્ત કરે છે અને ઘોડા સાથે પથ્થરમાં પલટાતો, પાળિયો બની જતો અસવાર એ ભીષણતાને વેધક બનાવે છે. ‘પંખી’ મુક્તક તો અહીં ઉતારીએ :
પંખી કો' આંધળું
ભીતરે વર્ષ કૈં કેટલાં-થી વસ્યું,
ખાલી ઈંડું જ સેવ્યા કરે છે;
પાંગળી પાંખથી રહેજ ઊડી-પડી
તણખલે ગગન બાંધ્યા કરે છે.
ઘણી રચનાઓમાં થોડી વાગ્મિતા આવ્યા વિના રહી નથી - દૃષ્ટાંત રૂપે ‘તે મારો કયો હશે અપરાધ', 'નવી ફૂટેલી હવા જોઈએ' જેવાં કાવ્યોનો ઉલ્લેખ કરી શકીએ - છતાં ઘણે ઠેકાણે કશુંક અભિવ્યક્તિ-વૈશિષ્ટય પણ નજરે પડે છે. ‘ખખડે - સૂણું'માં 'ખખડે'થી વ્યક્ત થતો શૂન્યતાનો બોદો કર્કશ રણકાર અને 'હું ને મારી આંખ વચાળે'માં દૂરત્વનો - વિચ્છેદનો ભાવ વ્યક્ત કરવા 'વચાળે'નો ઉપયોગ એના તરત નજરે ચડતા નમૂના છે.
માનવઅસ્તિત્વની આ પોકળતા, અગતિકતા, સીમાબદ્ધતા શું સમય અને સંદર્ભને જ આભારી છે? તો માણસના માણસપણાનું શું? 'પવન રૂપેરી'ના કવિમાં માનવ્યમાં શ્રદ્ધા અને આશાનો પાતળો તંતુ ટકેલો દેખાય છે. દીન-હીન આંખોના ખારા દરિયાના તલ ઊંડાણમાં કોક મહા વડવાનલની ચિનગારી એમને મોતી જેમ ચમકતી, મરજીવાની વાટ જોતી, નવા સૂર્યનું બીજ વાવતી દેખાય છે. તેઓ એવી શ્રદ્ધા પણ વ્યક્ત કરે છે કે –
મારામાં વિશ્વાસ જરા જો જાગે,
આજે, આ જ ક્ષણે તો
હથેલીઓમાં ઊગે-ખીલે
મારું પેલું સવાર
આજે હમણાં.
નીર વહી ગયું છે, સુક્કા પટે પહાડની તરસ સળગી રહી છે. ડાળથી પાંદડું તરફડીને નીચે પડે છે, ફાટી પડેલી શ્વેત આંખે ઊડતી રેતી, મરેલી માછલીઓ અને ખડકોનો ખાર દેખાય છે ત્યારે કવિને કયો વિચાર આવે છે? –
હું હવે તો આંખમાં - ઊંડાણમાં ઊંડો સરું...
હું મને ખોદી શકું જો...
હું મને ખોદી શકું ને જો મને પાણી મળે...
પથ્થરોને પાઉં ને એ જો બધા લીલા બને...
જો કલકલે...
ઘણી આશંકાઓના અંતરાય છતાં આશાનો અંતિમ આધાર તો 'હું' જ છે એ અહીં સૂચિત થાય છે.
'પવન રૂપેરી'ના કવિને આધુનિક હોવાની સાથે ભારતીય હોવાનું કહેવામાં આવ્યું છે તે એમના આવા વલણને કારણે હશે? ગમે તેમ, કવિ જાત વિશે વિચાર કરવા, માંહેલાની શોધ કરવા પ્રેરાય છે તેની પાછળ તો આ શ્રદ્ધા અને આશા જ કામ કરી રહેલી જણાય છે. જાત પ્રત્યે ઊંડી અને વેધક નજરથી, નિર્મમતાથી એ જુએ છે અને કશાયે આયાસ વિના છતાં અત્યંત માર્મિકતાથી. ક્યારેક તો દેખીતી હળવાશથી પણ જાતના સંકુલ ગહન રહસ્યને કાવ્યબદ્ધ કરે છે. 'એક ઉંદરડી', 'બેસ, બેસ, દેડકી', 'ક્યાં છો ચંદ્રકાંત’, 'ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ' વગેરે કાવ્યો આનાં ઉદાહરણરૂપ છે. 'ક્યાં છો ચંદ્રકાંત'માં પોતાના બહારી વ્યક્તિત્વની પોકળતાને જે માર્મિક વ્યંગોક્તિઓથી ખુલ્લી કરવામાં આવી છે અને પોતાના આંતરવ્યક્તિત્વને - પોતામાં રહેલા પરમ તત્ત્વને પામવાની અભીપ્સા જે તીવ્રતાથી પ્રગટ કરવામાં આવી છે તે તો અસાધારણ લાગે છે. બહારી વ્યક્તિત્વની પોકળતા પ્રત્યે વેધક કટાક્ષો કેવાં કલ્પનો અને કેવી વક્રોક્તિઓથી થયા છે તે જુઓ :
- તમોને ભુલાવી દેતા તમારા અરીસા
-એને તોડીફોડી કેમ નથી દેતા?
- તેજના તમિસ્ત્રમાંથી નીકળો રે બહાર.
- ચન્દ્રકાંત નામની દીવાલો ઓઢી ઓઢી
તમે શ્વાસે શ્વાસે મમી થતા ચાલ્યા!
- ચન્દ્રકાંત નામ માટે
શબ્દોના મિનારા ચણ્યા,
સંબંધોનાં જાળ વણ્યાં,
પરઘેર પાણી ભર્યાં.
રંગલાના વેશ કર્યા.
સાત સાત પૂંછડાં ઉગાડ્યાં ને કપાવ્યાં કર્યાં!
આંતર તત્ત્વની આરઝૂ કેવી સાચી, ઊંડી અને ઉત્કટ આલેખાઈ છે? –
- શ્વાસથી ઉચ્છ્વાસના ઝૂલાએ રોજ ઝૂલો,
કદી અંતરાલે માંડી ખરી મીટ?
કોનો લય, કોની ગતિ, કોનું રૂપ
-જેનો આમ નિષ્પંદ શો છંદ ઊંડો નસે નસે ચાલે?
ફૂલ જેમ હસો છો ને કરો છો કિલ્લોલ!
તમે જાણો છો?
-અનંતમાં જે અંતે તમે ઝૂલો
એ કાળના તરુની કોણ ડાળ?
- ચારે કોર ચંદ્રકાન્તો
ખીચોખીચ
કીડિયારાં રચી રચી જીવે,
એમાં હું જ હોઉં એવો સાચો
એક તો બતાવો મને
ચંદ્રકાન્ત ક્યાં છે?
ક્યાં છે?
ક્યાં છે?
પડઘાતી પદાવલિનો લય વ્યંગની ધારને અને આરઝૂની ઉત્કટતાને ઉઠાવ આપવામાં કેવો અસરકારક બન્યો છે તે જોવા જેવું છે.
‘બેસ, બેસ, દેડકી'માં વાર્તાલાપી રચનાબંધ આંતરસંવાદ કે વિસંવાદને મૂર્ત કરવામાં ઘણો કામિયાબ નીવડ્યો છે. આ કાવ્યોની સાહજિકતા એટલી છે કે એમાં કવિનો અવાજ જૂની કે નવી પરંપરાના પડઘારૂપ નહીં પણ પોતીકો લાગે છે. ભાષાની કેટલીક વિશિષ્ટ લઢણોનો, પરિચિત કલ્પનોનો નવા સંદર્ભમાં કાર્યસાધક વિનિયોગ એ ચંદ્રકાન્તનું આગવું બળ છે એ આ કાવ્યો બતાવી આપે છે.
આથી આગળ વધી કવિ વિશ્વમાં પોતાનું રૂપ નિહાળવા સુધી, વિશ્વમાં પોતાની અનિરુદ્ધ ગતિ અનુભવવા સુધી પણ પહોંચે છે અને એનો આનંદ ખુમારીથી અને છટાથી પ્રગટ કરે છે :
- દશે દિશાઓનું કેન્દ્ર એક જે તે મારા મહીં
મારામાંથી ઊડતાં ને ખૂલતાં આકાશ.
- કેટલાંયે રણ મારી છાયા મહીં આવી,
લીલાંછમ વન બની જાય. ('અનંત જે રૂપ મારું...')
અલબત્ત, આ અનિરુદ્ધ ગતિ દૃષ્ટિનીયે પાર રહેલા એક રૂપમાંથી આવે છે એમ કવિ અંતે તો જણાવે છે. કવિની આ જાતપ્રસ્તુતિ સરસ કવિત્વથી રજૂ થઈ હોવા છતાં એટલી સાહજિક લાગતી નથી. આગવાપણાની કોઈ પ્રતીતિ કરાવતી નથી. કેટલીક અભિવ્યક્તિલઢણો નવીન હોવા છતાં જાણે 'વિશ્વમાનવી'ના ભણકારા સંભળાય છે.
ચૈતન્યહ્રાસની લાગણીની સાથેસાથે કવિની આનંદશક્તિ જીવંત રહી છે અને સમયનો ભલે ચણીબોર જેટલો પણ આસ્વાદ એ કરી શક્યા છે એ ઘટના નોંધપાત્ર લાગે છે. આનંદઆસ્વાદનાં કાવ્યો મુખ્યત્વે પ્રકૃતિનાં અને કંઈક માનવસૌંદર્ય તથા રતિનાં છે. એમાં કેટલાંક નક્કર ધીંગી રેખાઓવાળાં ચિત્રો કવિની આગવી વિશેષતા તરીકે આપણું ધ્યાન ખેંચે છે. 'સૂરજ અને હબસી કન્યા', 'બપોર-૨' અને 'રાત પડે ને'માં વિશિષ્ટ વાતાવરણ અને ભાવચિત્ર જે સામર્થ્યથી તાદૃશ કરવામાં આવ્યાં છે તે જુઓ;
- કાળો વાદળ-કોર્યો એનો કોમળ-લિસ્સો પિંડ,
આંખ સદાયે વીજ-ઝબૂકી, જલની કંઠે મીંડ,
- પાને પાને એના જાડા હોઠ મહીંનો તાંજો અમલ ટપકતો.
(‘સૂરજ અને હબસી કન્યા')
- ધૂળ મહીંની પગલી ચીખે : 'દાઝું' 'દાઝું' થાય,
કપોતની પાંખોમાં ઊડી ગગન ભરાવા ચ્હાય.
- પૂંછડે લાગી આગ, બાવરો દોડ્યો જાય સમીર.
- વડવાનલ ધરતી પર ભમતો મારે મૃગજલછોળ. (‘બપોર-૨')
‘બપોર-૧' ‘બપોર-૨'નાં સબળ પ્રાકૃતિક આલેખનોની વચ્ચે આવી પડેલા 'સમય'ના ઉલ્લેખો કવિની આધુનિકતાની સભાનતા છતી કરી દે છે.
'શોધ'માં આવી સબળ, પણ કટાક્ષરેખાઓ છે, તો ‘આવવા દો'માં અંધકારનાં વિવિધ રૂપોને પ્રત્યક્ષ કરવામાં આવ્યાં છે. અંધકારનું આ એક વિશિષ્ટ, શિશુસમ કોમળ, કૌતુકભર્યું રૂપ જુઓ :
- તુલસીને ક્યારે એક દીવો મૂકે દાદી,
અંધકાર ઝૂકે તહીં કૌતુકથી વ્યાપી,
તુલસીનાં પાને પાને હલે એના હોઠ;
અંધકાર આવે છે એ? આવવા દો.
ચન્દ્રકાંતનાં રતિકાવ્યો તો એમને શય્યાકાવ્યો તરીકે ઓળખાવવાં પડે તેવાં છે, પણ જે સૂક્ષ્મ સંવેદનશીલતા અને કલ્પકતાથી એમણે રતિના ઉન્માદ અને આવેગની સાથે એની નજાકત, એની મૃદુતા અને એની મધુરતા પ્રગટ કરી છે તે તો એક આગવો ઉન્મેષ બની રહે છે:
ગરમ લોહીનાં ઊછળે રાતાં ફૂલ!
શ્યામ લટોમાં ડોલે લિસ્સા મણિધર મુક્ત પ્રફુલ્લ
હોઠ મહીં રે હોઠ ઓગળી જાય,
આંગળીઓનાં સ્નિગ્ધ ટેરવે જ્યોત ફૂટતી જાય
અંધકારનો પવન રૂપેરી વાય;
કાળમીંઢ કો ખડક રેશમી કપોતમાં પલટાય.
કપોત કેરી શ્વેત હૂંફનો શય્યામાં સંચાર,
રોમ રોમમાં વ્યાપે એના ઊડવાનો વિસ્તાર.
જોકે તૃપ્તિની ક્ષણે પણ સેજની ઊલટી બાજુ સૂર્યથી સળગતી હોવાનું ભાન કવિને રહે છે અને ‘શય્યાના સાગરમાં ઓછી રખાય હોડી બાંધી?' એમ કહી વાસ્તવાભિમુખ થવા એ પોતાની જાતને પ્રેરે પણ છે.
સંગ્રહમાં ઘણાં ગીતો, થોડાં સૉનેટો અને થોડી ગઝલો છે. અહીં આપણે બહુધા ચિરપરિચિત સૃષ્ટિમાં વિહરતા હોઈએ એવું લાગે છે. ગીતોમાં ‘જાણનાર જાણે છે’, ‘બેડાંને ઝાઝું અજવાળ ના'માંનું રમતિયાળ ચાતુર્ય કે સવાર-સાંજનાં ચિત્રોમાંનું આછી પીંછીનું આલેખન આસ્વાદ્ય લાગે છે, પરંતુ ‘— તો આવ્યાં કને’ ‘જલને જાણે-‘ 'બપોર-૨' ‘રાત પડે ને’ એ રચનાઓમાં કથન-ચિત્રણની જે અસાધારણતા છે તે બીજે આવી શકી નથી. 'સાદ ના પાડો' અને 'મથું’ જેવાં ગીતો જે છટાથી ઊપડ્યાં છે એ છટાથી ચલાવી શકાયાં નથી. સૉનેટ અને ગઝલમાં પ્રયોગશીલતાને બદલે પ્રશિષ્ટ રચનારીતિનું સૌન્દર્ય સિદ્ધ કરવાનો પ્રયાસ દેખાય છે. એકબે ઠેકાણે પંદરસોળ પંક્તિમાં સૉનેટનો ઘાટ ઊતરી આવ્યો છે પણ એવા નમૂનાયે આપણને આ પૂર્વે મળેલા જ છે.
ચંદ્રકાંતનું એક અરમાન છે કે –
- ને કરી શકું જો કવિતાની બસ
એક આલાગ્રાન્ડ ઍક્સિડન્ટનું -
બસ એક જબ્બર અકસ્માતનું
અરમાન છે મને.
આવો આલાગ્રાન્ડ ઍક્સિડન્ટ એમને હાથે થવો હજુ બાકી છે, પરંતુ આ સંગ્રહની પાંચદશ પ્રથમ પંક્તિની રચનાઓ, સતત વરતાતો સર્જક કર્મ પ્રત્યેનો સંન્નિષ્ઠ ઉદ્યમ અને પોતીકા અવાજનો એક તણખો એવો ઍક્સિડન્ટ થવાની આશા પ્રેરી શકે. જોઈએ, શું થાય છે.
- બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી ૧૯૫૪; અનુક્રમ ૧૯૭૫