પન્ના નાયકનો વાર્તાવૈભવ/બુક-કેસ

From Ekatra Foundation
Revision as of 13:07, 10 April 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૨. બુક-કેસ

‘ના, ના, મને સારું છે. સાચે જ સારું છે. તમે કોણ?’ ‘મહેશ. પપ્પા, હું મહેશ છું.’ ઉમેશભાઈને એ નામ સાથે કોઈ લેવાદેવા હોય એવું ન લાગ્યું. વેગમાં જતી ટ્રેનમાં સ્થિર ઊભા રહેવા કોઈ દાંડો પકડવા જાય એમ ઉમેશભાઈ એ નામને વળગવા મથી રહ્યા. અમેરિકામાં વસતા ભારતીયોનાં પપ્પા-મમ્મી દર ઉનાળામાં ચાર મહિના દીકરા-દીકરી સાથે રહેવા ને પૌત્ર-પૌત્રીને રમાડવા આવે એમ જ ઉમેશભાઈ એમની પત્નીના અવસાન પછી ફરી એક વાર મહેશ સાથે રહેવા આવ્યા. એક શનિવારે ઉમેશભાઈ નવ વાગ્યા સુધી નીચે ચા પીવા ન આવ્યા. મહેશે એના દીકરા સૌરભને દાદાજીને બોલાવવા મોકલ્યો. સૌરભ દાદાજીને ન લાવ્યો એટલે મહેશ પોતે જ ઉપર ગયો. ઉમેશભાઈ ભરઉનાળામાં કફની પર બંડી પહેરી શાલ ઓઢી પથારીમાં બેઠા હતા. ‘પપ્પા, ચા થઈ ગઈ છે.’ ‘શું?’ ‘ચા, પપ્પા.’ ‘ચા?’ ‘તમને સારું નથી લાગતું?’ ‘ના, ના, સારું છે. તમે કોણ?’ ‘મહેશ. પપ્પા, હું મહેશ છું.’ મહેશ ઓરડાની બહાર આવી દાદરનાં બબ્બે પગથિયાં કૂદી નીચે આવ્યો. નીચે સરલા અને સૌરભ ચા માટે સજાવેલા ટેબલ પર વાતો કરતાં હતાં. સરલાએ એને જોયો. ‘પપ્પા બરાબર છે ને?’ ‘ના.’ ‘ગયા વખત જેવું?’ ‘ના, ના, એવું નથી.’ ગયા ઉનાળામાં ઉમેશભાઈ આવ્યા ત્યારે એમની પત્ની કમલાબહેનનું અવસાન થયું હતું. દિવસે એમનો સમય વાચનમાં ગાળતા. બપોરે સૌરભ સાથે વાતો કરતા. ઇલેક્ટ્રિક ટ્રેન અને કમ્પ્યૂટર ગેમ વિશે કુતૂહલ બતાવતા. સાંજે મહેશ અને સરલા ઘેર આવે ત્યારે પુસ્તકો વિશે ચર્ચા કરતા. પુત્ર મહેશ ન્યૂજર્સીમાં ચેરી હિલમાં રહેતો હતો. પુત્રી માયા લૉસ ઍન્જલસમાં. ઉમેશભાઈ થોડા દિવસ માયાને ત્યાં જવાના હતા. નક્કી કરવા. એક દિવસ માયાનો ફોન આવ્યો. મહેશ આજની જેમ જ બેડરૂમમાં બોલાવવા ગયેલો. બેડરૂમમાં પપ્પા પથારીમાં બેભાન અવસ્થામાં જોર જોરથી શ્વાસ લેતા હતા. એણે માયાને બેચાર વાક્યોમાં સમાચાર આપી ફોન મૂકી દીધો. ડૉક્ટરને બોલાવ્યા. ઘરનાં બધાં પપ્પાની પથારીની આસપાસ ભેગાં થયાં. બે દિવસ પર જ એમને ઍટલાન્ટિક સિટીનો કસીનો જોવા જવું હતું. પોતે કહી દીધેલું કે નહીં ફાવે. પપ્પા બર્ટ્રાન્ડ રસેલની વાત કરે તો સાંભળી ન સાંભળી કરે. એમની વાત કાપી નાંખી એ ને સરલા વાત કરે ત્યારે પપ્પા મૂગા મૂગા જમ્યા કરે. સૌરભ સાથે ઇલેક્ટ્રિક ટ્રેનની વાત કરતા હોય ત્યારે નાહકના ટોકેલા એ યાદ આવ્યું. એને માટે ખાસ મુંબઈથી લીલી ચા લાવેલા. પપ્પા આમ ચાલી નીકળવાના છે એવી ખબર હોત તો જરૂર એમને ઍટલાન્ટિક સિટી લઈ ગયો હોત. ડૉક્ટર આવે ત્યાં સુધી શું કરવું? પપ્પાને એમના એમ પથારી પર રહેવા દેવા? મહેશે પપ્પાના મોઢામાંથી ચોકઠું કાઢી લીધું. ચોખ્ખી હવા માટે બારી થોડી ખોલી. ઓશીકું ઠીક કર્યું. પગ ઢાંક્યા. એણે પપ્પાના ખાટલા પાસે ખુરશી ખેંચી. બેઠો. થોડી વાર પછી ઉમેશભાઈનો શ્વાસ થોડો હળવો થયો. ભાન આવતું લાગ્યું. આંખો થોડી ખૂલી. બોખા મોંમાંથી અસ્પષ્ટ પણ શબ્દો બહાર આવવા લાગ્યા. ડૉક્ટર આવ્યા. ઉમેશભાઈને તપાસ્યા. સ્પેસમની દવા આપી. ઉમેશભાઈ ડૉક્ટરની હાજરીમાં જ બેઠા થયા. ચા માગી. કલાકેક પછી એમનું પ્રિય પુસ્તક વાંચતા હતા અને ગમેલાં વાક્યો નીચે લાલ પેનથી અન્ડરલાઇન કરતા હતા. મહેશને થયું કે પપ્પા આમ જ હોવા જોઈએ. કફની પહેરીને ખાટલા ઉપર બેઠા બેઠા વાંચતા હોય એ જ ચિત્ર બરાબર છે. મહેશે હાશનો શ્વાસ લીધો. એને થયું કે તબિયત સારી ન થઈ હોત તો કદાચ હૉસ્પિટલમાં ખસેડવા પડત. હૉસ્પિટલના ખર્ચનો વિચાર કરતાં મહેશને ધ્રુજારી થઈ. કદાચ ખર્ચને તો પહોંચી વળાય, પણ હૉસ્પિટલમાં જવાઆવવાનો સમય ક્યાંથી કાઢવો? હૉસ્પિટલમાં ન ખસેડવા પડ્યા એ જ સારું થયું. પપ્પાએ વસિયતનામું કર્યું હશે? એમના મૃતદેહને અહીં જ અગ્નિસંસ્કાર કરવાનો કે ભારત મોકલવાનો? ફ્યૂનરલ હોમમાં ક્રીમેશનની પણ તપાસ કરી રાખવી જોઈએ. હમણાં તો પપ્પાને જીવતદાન મળ્યું છે. એમને સમજવાની બીજી તક મળી છે. મહેશે વિચાર્યું, એ એના વર્તનમાં ફેર કરશે જ. બીજા દિવસથી એણે સૌરભ સૂઈ જાય પછી પપ્પાના ઓરડામાં જવા માંડ્યું. એ ચોરપગલે જતો. પપ્પા વાંચતા હોય તો ધીમેથી બહાર સરકી જતો. પપ્પા સૂઈ ગયા હોય તો રજાઈ ઓઢાડતો. સાંજે જમતાં જમતાં આખા દિવસનો અહેવાલ પૂછતો. થોડા દિવસ આમ ચાલ્યું. ઉમેશભાઈને સારું થવા માંડ્યું. એમ એમનો જૂનો દમામ પાછો આવવા માંડ્યો. ‘આપણે મર્સીડીઝ બેન્ઝ કેમ નથી લેતા? મજબૂત અને ટકાઉ તો ખરી ને?’ ‘પપ્પા, હવે ફૉર્ડ પણ સારી ગાડી બનાવે છે.’ ફોનની ઘંટડી વાગી. મર્સીડીઝની વાત અટકી. બે અઠવાડિયાં પછી ઉમેશભાઈની ડૉક્ટર સાથે અપૉઇન્ટમેન્ટ હતી. રોજ મહેશને યાદ કરાવ્યું. જવાને દિવસે ઉમેશભાઈ બારણાની બહાર ગરાજ પાસે ઊભા હતા. ‘પપ્પા, કેમ બહાર ઊભા છો?’ ‘ડૉક્ટરને ત્યાં જવાનું છે ને?’ ‘એ તો આઠ વાગ્યે. હજી સાડા પાંચ થયા છે.’ ઉમેશભાઈનો જમવામાં જીવ નહોતો. સાત વાગ્યે પાછા તૈયાર થઈ બારણા પાસે ગયા. ‘પપ્પા, હજી વાર છે. અહીંથી પાંચ જ મિનિટ થાય છે.’ પોણા આઠે નીકળ્યા. મહેશ ઑફિસથી થાકીને આવેલો. ઑફિસમાં કંઈક મુશ્કેલીઓ હતી. મોટી તો બજેટની. થોડા પૈસા બચાવવા એના હાથ નીચેના માણસને છૂટો કરવાનો હતો. મહેશને એ બાબતનું ખૂંચતું હતું. એ બિચારાને બૈરીછોકરાં છે. બૈરી કામ નથી કરતી. ઘરનું મૉર્ટગેજ ભરવાનું. છોકરાંને ભણાવવાનાં. ગાડીના હપતા ભરવાના. ‘કેમ ચૂપ છે?’ ‘ના, કંઈ નહીં.’ ‘મોઢા પર ચિંતા છે ને મને કહે છે, કંઈ નહીં.’ મહેશ હસી ન શક્યો. ‘મારે લીધે તને કેટલી દોડાદોડી થાય છે.’ ઉમેશભાઈ બોલ્યા. મહેશને થયું. મમ્મી જલદી ચાલી ગઈ એ જ સારું થયું. પપ્પા ભારે કરકસરિયા. મમ્મીને વૅકેશન લેવાનો, બહાર જમવા જવાનો ભારે શોખ, પણ પપ્પા કહ્યા જ કરે કે એ રિટાયર થાય પછી પ્રૉવિડન્ટ ફંડના પૈસા આવશે એમાંથી કોણાર્ક અને મહાબલિપુરમ્ જશે. પપ્પા રિટાયર્ડ થતાં જ મમ્મી ચાલી ગઈ. એ પપ્પાને સમજી શક્યો નહોતો. ડૉક્ટરે ઉમેશભાઈને તપાસ્યા. એ ઉમેશભાઈની પ્રગતિથી ખુશ હતા. દવા ચાલુ રાખવા કહ્યું. પાછા ફરતાં ગાડીમાં મહેશે ઉમેશભાઈ માટે પ્રસ્તાવ મૂક્યો. એક ગુજરાતી ત્રૈમાસિક શરૂ થાય છે. એમાં સંપાદક-તંત્રીની જરૂર છે. પપ્પા જરૂર મદદ કરી શકે. ‘મને ત્રૈમાસિકનો વિચાર જ ગમતો નથી.’ ‘કેમ?’ ‘દેખીતું તો છે.’ ‘શું દેખીતું છે?’ ‘અમેરિકામાં ગુજરાતીની પડી છે કોને? આ તમારાં છોકરાં તો પટપટ અંગ્રેજી બોલે છે ને રાતદિવસ ટીવી, વીડિયો જુએ છે. ગુજરાતી કોણ મારો બાપ વાંચવાનો છે?’ ‘પણ અહીં જે ગુજરાતીઓ વસ્યા છે એમને માટે. કદાચ ઊગતી પેઢી માટે...’ મહેશ મૂગો મૂગો ગાડી ચલાવતો હતો. ઉમેશભાઈએ વાત શરૂ કરી. ‘બાબુભાઈના દીકરાનાં લગ્ન છે ને? શું નામ એનું?’ ‘વિકાસ.’ ‘હા, વિકાસ. કેટલો ચાંલ્લો કરવાનો છે?’ ‘એક સો ને એક.’ ‘અધધધ. એટલા બધા કેમ? ત્રણ હજાર રૂપિયા થયા.’ ‘પણ પપ્પા, એમ ગણતરી ન થાય. અહીં અમેરિકામાં રહેતા હોઈએ ને સારો સંબંધ હોય તો એ પ્રમાણે ચાંલ્લો કરવાનો ને !’ ‘તો પછી મારી સાળીના દીકરાને એનાં લગ્નમાં પાંચ સો એક રૂપિયા આપેલા એનું શું? માંડ સત્તર જ ડૉલર?’ ‘હા પપ્પા, મુંબઈમાં મુંબઈનો રિવાજ.’ ‘એકવીસ ડૉલરથી વધુ ચાંલ્લો ન જ કરાય. ડૉલરનાં કંઈ ઝાડ નથી ઊગતાં.’ મહેશ અંદરથી ઊકળતો હતો. પપ્પાની ઉંમર, એમનો સ્વભાવ, એમની રહેણીકરણી અને વિચારસરણીથી એ પરિચિત હતો. મહેશે માથું ધુણાવ્યું. ‘પપ્પા, તમારા વાળ કપાવી લો ને.’ ‘અહીં વાળ કપાવું?’ ઉમેશભાઈ તાડૂક્યા. ‘હા, કેમ?’ ‘દસ ડૉલર કપાવવાના ને ઉપરથી ટિપ. કપાવીશ ઇન્ડિયા જઈને.’ અને પછી આ શનિવારની સવાર. જ્યારે ઉમેશભાઈ ચા પીવા નીચે ન આવ્યા અને મહેશ બોલાવવા ગયો ત્યારે ઓરડામાં સભાન બેઠા હતા, પણ મહેશને ઓળખ્યો નહોતો. મહેશે પપ્પાને પરિસ્થિતિ સમજાવી. એ અમેરિકામાં મહેશ અને સરલાને ત્યાં છે. આઠ વરસનો સૌરભ નીચે ઇલેક્ટ્રિક ટ્રેન સાથે રમે છે. માયા લૉસ ઍન્જલસ રહે છે, જ્યાં એ જવાના છે. એમને સાહિત્ય અને ફિલસૂફીનો શોખ છે. કૃષ્ણમૂર્તિ એમને ખૂબ પ્રિય છે. ‘એમ, એમ? સારું.’ મહેશને થોડી ધરપત થઈ. ‘તારી મમ્મીને કહે કે આવતે અઠવાડિયે વૅકેશન લઈએ. ખજૂરાહો જઈએ.’ ‘પપ્પા, મમ્મી તો ગુજરી ગયાં છે.’ ‘મમ્મી ગઈ? મને કેમ યાદ નથી? અને તારી પત્ની? શું નામ એનું?’ ‘સરલા.’ ‘અને તારો બાબો?’ ‘સૌરભ.’ ‘સૌરભ. એને શેનો શોખ છે?’ ઉમેશભાઈ ઊભા થયા. ડેસ્કનું ખાનું ખોલ્યું. બંધ કર્યું. ‘પપ્પા, શું શોધો છો?’ ‘મારી... મારી ચોપડીઓ.’ ‘એ તો આ રહી. બુક-કેસ પર.’ ઉમેશભાઈ બુક-કેસ પાસે ઊભા રહ્યા. એક ચોપડી કાઢી. જૂના પૂંઠાની હતી. ડાબા હાથમાં મૂકી જમણા હાથથી ટપારી. સહેજ ધૂળ ઊડી. પછી જમણા હાથમાં લીધી. ‘મહેશ, લે આ તારાં કાવ્યો. મેં તારા દીકરા માટે સાચવી રાખ્યાં’તાં...’ મહેશ ભૂલી ગયેલો કે એ અઢાર વર્ષનો હતો ત્યારે અઢાર સૉનેટ લખી વ્યવસ્થિત હસ્તપ્રત બનાવેલી. મહેશ પપ્પાને વળગી પડ્યો. ૧૩. રીઅલ ભાગ્યોદય આજે અમેરિકામાં થૅંક્સગિવિંગનો તહેવાર છે. અમેરિકનો આજે ટર્કી, સ્ટફિંગ, મેશ્ડ પટેટો, ક્રેનબરી સૉસ, અને પમકીન પાયની જ્યાફત ઉડાવશે. દારૂ પીશે. હું, રાજેશકુમાર પંડ્યા, આજે થૅંક્સગિવિંગના દિવસે મારા એક બેડરૂમના અપાર્ટમેન્ટમાં એકલો એકલો પથારીમાં આળોટું છું. મને અમેરિકા આવ્યે ચોવીસ વર્ષ થયાં છે. આ પહેલો જ થૅંક્સગિવિંગનો દિવસ છે જ્યારે મારે ઘેર કોઈ આવવાનું નથી. એકલો એકલો પથારીમાં આળોટું છું. સામે ટીવી ચાલુ છે. ન્યૂઝ આવે છે. મારી ઉંમર પિસ્તાળીસ વર્ષની છે. મારી પાસે અંગ્રેજી સાહિત્યમાં યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાની પીએચ.ડી.ની ડિગ્રી છે. શિકાગો યુનિવર્સિટીમાં ભણાવ્યું છે. કેટલાય નોબેલ પ્રાઇઝ બુદ્ધિજીવી વિજેતાઓ સાથે કામ કર્યું છે. એમની સાથે હર્યોફર્યો છું. મારા એક બેડરૂમના અપાર્ટમેન્ટમાં સૌથી વધુ જગ્યા રોકે છે વિશ્વસાહિત્યનાં ઉત્તમ પુસ્તકોથી સભર શેલ્વ્ઝ. મેં વસાવેલું એકેએક પુસ્તક મેં વાંચ્યું છે. અત્યારે એટલે કે, છેલ્લાં ત્રણ વરસથી મારી પાસે કોઈ જૉબ નથી. મારું લગ્નજીવન સુખી હતું. બાળકો મને ગમતાં પણ અમારે બાળક હોવું જોઈએ એનો આગ્રહ નહોતો. મારી પત્ની બીનાને બાળક જોઈતું હતું. એ એની માને મુંબઈ મળવા ગઈ ત્યારે તેણે ફોન પર એના સગર્ભા થવાના સમાચાર આપ્યા હતા. મેં આનંદ વ્યક્ત કર્યો હતો. અમારું બાળક તે નીના. નીના અત્યારે બાવીસ વર્ષની છે, પેન સ્ટેટમાં જુનિયર વરસમાં કશું ભણી રહી છે. એ કોઈ કાળા છોકરા સાથે ફરે છે. આઈ લીવ હર અલોન. લગ્નજીવન દરમિયાન મારે માર્ગરેટ સાથે ઓળખાણ થઈ. એ મારી સાથે જ ભણાવતા ડેવિડ કોહનની બહેનપણી હતી. ડેવિડ સાથેનો એનો સંબંધ તૂટી ગયો પછી અમારો સંબંધ શરૂ થયો. પેગી (માર્ગરેટ) વાર્તા લખતી. મને વંચાવતી. અમે સુધારાવધારા કરતાં. પછી એ છપાવતી. એનો વાર્તાસંગ્રહ થયો. મને અર્પણ કરેલો. થોડા સમય પછી પેગી વાર્તાસંગ્રહના પ્રકાશકને પરણી ગઈ. આ સાત વરસ પહેલાંની વાત છે. મારી પાસે એનો ફોનનંબર છે, પણ કરતાં અચકાઉં છું. પેગી સાથેના સંબંધને કારણે હું અને બીના એકબીજાથી દૂર થતાં જતાં હતાં. એણે છૂટાછેડાનો પ્રસ્તાવ મૂક્યો. ચાર વરસ પહેલાં અમે સમજૂતીથી છૂટાં થયાં. નીના એની સાથે રહેવા ગઈ. મેં ઘર બીનાને લખી આપ્યું. બીના અત્યારે કોઈ એન્જિનિયરને પરણી છે. વેસ્ટ ચેસ્ટરમાં રહે છે. નીનાની ફી ભરવાની હોય ત્યારે મારા પર ફોન આવે છે. મેં નીનાની ફી ભરવા અને મારું ઘર ચલાવવા મારા બિઝનેસમૅન મામા પાસેથી ચાળીસ હજાર ડૉલર્સ લોન પર લીધા છે. એક વાર જૉબ મળશે એટલે બધા ડૉલર્સ ચૂકવી દઈશ. બે વરસ પહેલાં એક છવ્વીસ વરસની છોકરી – નામે સ્મિતા – સાથે ઓળખાણ થઈ. એનો ભાઈ અહીં ડૉક્ટર છે. એને મળવા અને અમેરિકા ફરવાને બહાને સ્મિતા આવી હતી. સાચું કારણ તો કોઈ છોકરો મળે તો પરણી જવાનું હતું. ભાવનગરની મહિલા કૉલેજમાં એ ગુજરાતી ભણાવીને કંટાળી હતી. અમારું ક્લિક થયું. પણ સ્મિતાનાં પપ્પા-મમ્મી, ભાઈ વગેરે અમારા સંબંધથી નારાજ હતાં, કારણ મારી ઉંમર તેંતાળીસ વરસની હતી. જૉબ પણ નહોતી. અમે ભાગી જઈને પરણ્યાં. અમારાં લગ્નને બે વરસ થયાં છે પણ પહેલાં જેવું નથી. મારી પાસે જૉબ નથી, કારણ શિકાગો યુનિવર્સિટીએ મારો કૉન્ટ્રૅક્ટ રિન્યૂ ન કર્યો. મેં નૉર્મન મેલર પર પુસ્તક શરૂ કરેલું. ચાર ચૅપ્ટર લખાયાં. ને પછી પેગી, બીના, નીના વગેરેના ચક્કરમાં અટવાયો. મારી સાથેના ડેવિડે ટોની મૉરિસન પર પુસ્તક લખ્યું. છપાવ્યું. સરસ રિવ્યૂ થયા. એ હવે ડિપાર્ટમેન્ટ ચૅરમૅન થઈ ગયો ને મને પાણીચું. સ્મિતા કહે છે, ‘ન ભણાવવું હોય તો ગૅસ પંપ કરો, ગ્રોસરી સ્ટોરમાં બાસમતી ચોખા વેચો, કેન્ડી સ્ટોરમાં ક્લર્ક થાવ. આમ ઘેર બેસીને “સોપ” ના જોયા કરો.’ સ્મિતા મારાથી કંટાળીને આયોવાની રાઇટર્સ વર્કશોપમાં ક્રિએટીવ રાઇટિંગના કોર્સ કરવા ગઈ છે. મને એકલું લાગે છે. હું રોજ ફોન કરું છું એ એને ગમતું નથી. મને ટાળવા આન્સરિંગ મશીન ચાલુ રાખે છે. મેં જ્યોતિષીઓની સલાહ લીધી છે. હું શનિની મહાદશામાંથી પસાર થઈ રહ્યો છું. બસ, આ ડિસેમ્બર પૂરો થયો ને વરસ બદલાયું એટલે બધું સુધર્યું સમજો. ડિસેમ્બર પૂરો થવાને હજી પાંચ અઠવાડિયાં બાકી છે. પછી ભાગ્યોદય. લાવ પેગીને ફોન કરું. ‘હાય પેગી. હૅપી થૅંક્સગિવિંગ. ડુ યુ નો હૂ ધીસ ઇઝ?’ ‘નો, લેટ મી થિંક.’ પેગી કહે છે. ‘રાજુ. યોર રાજુ પાંડ્યા.’ ‘રાજુ, કૉલ મી સમ અધર ટાઇમ. આઈ ઍમ ઇન મિડલ ઑફ સ્ટફિંગ માઈ ટર્કી.’ પેગી ફોન મૂકી દે છે. પાંચ અઠવાડિયાં પછી જાન્યુઆરીની પહેલીથી ડૉક્ટર રાજેશકુમાર પંડ્યાનો ભાગ્યોદય થાય છે. પંદરમી જાન્યુઆરી સુધીમાં જૉબ હશે, હશે, ને હશે. પછી બા કહેશે, ‘ભઈલા, બહુ દી’થી મોં નથ જોયું.’ સ્મિતા કહેશે, ‘ડાર્લિંગ, ચાલને નાયગરા ફૉલ્સ જઈએ.’ પેગી કહેશે, ‘લેટ્સ હૅવ અ કૅન્ડલલાઇટ ડિનર ફૉર ધ ઑલ્ડ ટાઇમ્સ સેક.’ અને હું ડૉક્ટર રાજેશકુમાર પંડ્યા, પોઝ લઈને કહીશ, ‘લેટ મી થિંક ઇટ ઓવર.’ દર ગુરુવારે બાજુવાળા હરિભાઈ પટેલનાં વહુ ભાનુબહેન તપેલી ભરીને દાળ મોકલાવે છે. હરિભાઈ આવે એટલે એકનો એક સવાલ પૂછે, ‘જૉબનું કાંઈ થિયું?’ હું બોલું એ પહેલાં જ જૉબ ચીંધવા માંડે ‘ન થિયું હોય તો આવી જાવ આપણી ‘ઓસનફ્રન્ટ મોટેલ’ પર. રાતપાળીની ખાલી જગ્યા તમારી. બોલો છે વિચાર?’ હું નકારમાં માથું ધુણાવું એટલે વળી કહે કે, ‘તમે તો ભણેસરી. અમારા મોટેલિયાની હોડમાં હાના બેહો!’ આજે હજી દાળ આવી નથી. સારું થયું. આજે સપરમે દિવસે હરિભાઈના સવાલમાંથી બચી ગયો. બઝર વાગે છે. ‘હૂ ઇઝ ઇટ?’ ઇન્ટરકૉમ પર પૂછું છું. ‘નીના.’ હું બઝર દબાવું છું. નીચેનું બારણું ખૂલવાનો ને પછી બંધ થવાનો અવાજ આવે છે. હું અપાર્ટમેન્ટનું બારણું ખોલી ઊભો રહું છું. નીના દાદર ચડીને ઉપર આવે છે. સાથે કાળો છોકરો છે. નીના મને વળગી પડે છે. એના ગાલ ઠંડા છે. એણે વૂલન કોટ પહેર્યો છે. હાથમાં મોજાં છે. ખભે પર્સ છે. કેટલે બધે વખતે મેં જોઈ નીનાને. ‘પપ્પા, આ સ્કૉટ ગીબ્સ. એ ટ્રિનિડાડનો છે. વી લિવ ટુગેધર.’ નીના કહે છે. ‘હલો સ્કૉટ.’ હું હાથ મિલાવું છું. ‘પપ્પા, મારે બાથરૂમ જવું પડશે.’ નીના દોડીને બાથરૂમમાં જાય છે, બારણું બંધ કરે છે. સિન્કમાં આખો નળ ખોલવાનો અવાજ આવે છે. હું સ્કૉટને બેસવા કહું છું. એ ઊંચો છે. એના વાળ ભૂંગળીવાળા છે. આંખો તેજસ્વી છે. બરછટડા કાળા વાળવાળી દાઢીમાંથી એના જાડા પહોળા હોઠ ડોકાય છે. સ્વચ્છ શર્ટ, જેકેટ, ટાઈ પહેર્યાં છે. સ્કૉટ હૅન્ડસમ છે. ‘નીનાએ તમારી ખૂબ વાતો કરી છે. તમને મળીને આનંદ થયો.’ સ્કૉટ કહે છે. ‘શું ભણો છો તમે?’ હું પૂછું છું. ‘પેન સ્ટેટમાં એન્જિનિયરિંગમાં અન્ડર ગ્રૅજ્યુએટ કરું છું.’ સ્કૉટ જવાબ આપે છે. ટૉઇલેટ ફ્લશ થવાનો અવાજ આવે છે. નળ બંધ થાય છે. બારણું ખૂલે છે. નીના બહાર આવીને મારી ને સ્કૉટની વચ્ચે ઊભી રહે છે. ‘બેસ, નીના. કોટ કાઢ.’ હું કહું છું. ‘પપ્પા, અમે તમને ડિનર પર લઈ જવા આવ્યાં છીએ.’ નીના કહે છે. હું તૈયાર થવા જાઉં છું. દાઢી કરી, ક્વિક શાવર લઉં છું. નાહીને ક્લોઝેટમાંથી ઇસ્ત્રી કરેલું શર્ટ, ગ્રે સૂટ, ટાઈ પહેરું છું. ખાનામાંથી મોજાં, રૂમાલ કાઢું છું. ચેસ્ટર ડ્રોઅર પર પડેલું વૉલેટ ખોલું છું. એમાં પચાસેક ડૉલર છે. જતાં જતાં મૅક મશીનમાંથી બીજા લેવા પડશે. હું બેડરૂમમાંથી બહાર આવું છું. નીના ફરીથી બાથરૂમમાં જાય છે. ફરી ખુલ્લા નળનો અવાજ. સાથે ઊલટીનો અવાજ. મારા કાન ચોંકે છે. બીનાને આમ જ ઊલટીઓ થતી. નીના બહાર આવે છે. ‘એવરીથિંગ ઓ.કે.?’ હું પૂછું છું. ‘ફાઇન, ફાઇન, લેટ્સ ગો.’ નીના કહે છે. અમે સ્કૉટની ગાડીમાં જમવા જઈએ છીએ. હું પાછળ બેસું છું. રસ્તામાં મૅક મશીન આવે છે. હું ડૉલર્સ લઈ લઉં છું. સ્કૉટ અને નીનાએ રેસ્ટોરંટમાં રિઝર્વેશન કરાવ્યું છે. રેસ્ટોરંટમાં નીના મારી અને સ્કૉટની વચ્ચે બેસે છે. એણે કોટ પહેરી રાખ્યો છે. અમે ડ્રિન્ક્સ ઑર્ડર કરીએ છીએ. મેનુ જોઈએ છીએ. થૅંક્સગિવિંગનું ટ્રૅડિશનલ ડિનર ઑર્ડર કરીએ છીએ. ડ્રિન્ક્સ આવે છે. ગ્લાસ હાથમાં લઈ ‘ચીયર્સ’ કહી ટકરાવીએ છીએ. ‘ગુડ લક યુ ઑલ ઑફ અસ.’—હું કહું છું. ઊલટીના અવાજને મારા કાન ખંખેરી શકતા નથી. અમે પેન સ્ટેટના એજ્યુકેશનની વાતો કરીએ છીએ. નીના જુનિયરમાં છે. એણે બાયૉલૉજી મેજર લીધું છે. મેમાં સિનિયરમાં આવશે. મેડિકલ સ્કૂલનો વિચાર હમણાં માંડી વાળ્યો છે. સ્કૉટ મેમાં ગ્રૅજ્યુએટ થશે. ‘આઈ લવ નીના વેરી મચ.’ સ્કૉટ કહે છે. બંને જણ એકમેકની આંખમાં આંખ પરોવી એમની આંગળીઓ ગૂંથે છે. હું અને પેગી પણ આમ જ કરતાં. અમારું ડિનર આવે છે. અત્યારે ડિનર કરતાં મને નીનામાં, નીનાના ભવિષ્યમાં વધારે રસ છે. ‘પપ્પા, તમને ગુડ ન્યૂઝ આપવાના છે.’ કહીને નીના સ્કૉટ સામે જુએ છે. ‘બોલ બેટા.’ મને ખબર છે પણ મારે એને મોઢે સાંભળવું છે. ‘તમે ગ્રાન્ડફાધર થવાના છો. આઈ ઍમ સો એક્સાઇટેડ.’ નીના કહે છે. ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ. બેબી ક્યારે ડ્યુ છે?’ હું પૂછું છું. ‘મેમાં. ગ્રૅજ્યુએશન ગિફ્ટ ફૉર સ્કૉટ.’ સ્કૉટની સામે જોઈ નીના જવાબ આપે છે. ‘પછી ભણવાનું? બેબીને રેઇઝ કરવાનું?’ હું પૂછું છું. ‘થઈ જશે.’ નીના વિશ્વાસથી બોલે છે. સ્કૉટનું વસ્તારી કુટુંબ ટ્રિનિડાડમાં છે. એ લોકોનાં કેળાંનાં મોટાં પ્લાન્ટેશન છે. બેબીને લઈ સ્કૉટ ટ્રિનિડાડ જશે. નીના અહીં રહી સિનિયરનું વરસ પૂરું કરશે. પછી એ પણ ટ્રિનિડાડ જશે. નીના પરણવાની વાત નથી કરતી. હું અંદરથી સમસમી રહું છું. નીના અને સ્કૉટ મને ઉતારીને સ્કૉટના પપ્પાને ત્યાં જાય છે. હું દાદર ચડી ઉપર આવું છું. અપાર્ટમેન્ટ ખોલી એક પગે ધક્કો મારી બારણું બંધ કરું છું. કપડાં બદલું છું. બ્રશ કરું છું. ટીવી ઑન કરી પથારીમાં પડું છું. સ્મિતાને ખબર આપવા ફોન જોડું છું. એનું આન્સરિંગ મશીન જવાબ આપે છે. નીનાને બેબી આવવાનું છે એની બીનાને ખબર હશે? આઈ વંડર. નીના નામ શું પાડશે. દેશી કે અમેરિકન. રાજેશકુમાર પંડ્યાને હજી પેગીના વિચાર આવે છે, ને છ મહિનામાં તો એ દાદાજી થશે. ગ્રાન્ડપા. જ્યોતિષીઓએ નવા વરસમાં ભાગ્યોદય ભાખ્યો છે. હૂ નોઝ? મે બી ધિસ ન્યૂ બેબી વિલ બ્રિંગ મી લક. ઇન ધ કમિંગ યર રાજેશકુમાર પંડ્યા વિલ હૅવ અ જૉબ ઍન્ડ ઑલ્સો અ ગ્રાન્ડ ચાઇલ્ડ ટુ પ્લે વિથ. રીયલ ભાગ્યોદય.