અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ દલાલ/અનુભૂતિ
અનુભૂતિ
સુરેશ દલાલ
લીલ લપાઈ બેઠી જળને તળિયે;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ!
કંપ્યું જળનું રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ!
હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ!