અનુષંગ/ગુજરાતી ગઝલવિવેચન

From Ekatra Wiki
Revision as of 10:56, 12 April 2025 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ગુજરાતી ગઝલ-વિવેચન | }} {{Poem2Open}} દાહોદ જવાનો છું એવી એક મિત્ર સાથે વાત થતાં એમણે પૂછ્યું, “કેમ? દાહોદમાં શું છે?” મેં કહ્યું, “ગઝલ વિશે પરિસંવાદ છે. એમાં મારે બોલવાનું છે.” મિત્રન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગુજરાતી ગઝલ-વિવેચન

દાહોદ જવાનો છું એવી એક મિત્ર સાથે વાત થતાં એમણે પૂછ્યું, “કેમ? દાહોદમાં શું છે?” મેં કહ્યું, “ગઝલ વિશે પરિસંવાદ છે. એમાં મારે બોલવાનું છે.” મિત્રને આશ્ચર્ય થયું, “ઓહો! જયંત કોઠારી અને ગઝલ!’ મેં કહ્યું, “હા, અમારા મિત્ર શ્રી ટોપીવાલા ચતુર છે. જે માણસ જે વિષયમાં કંઈ જાણતો ન હોય એને એ વિષય સોંપવો, અને એ રીતે એને તૈયાર કરવો.” ગઝલની આપણા વિવેચકોએ નરદમ ઉપેક્ષા કરી છે એવું આરોપનામું અહીં રજૂ થયું. મારી સામે બેઠેલામાંથી ઘણાખરા, હું જોઉં છું કે, ગઝલ લખનારા કવિઓ છે. કેવળ વિવેચક ગણાય એવો તો, કદાચ, હું જ છું. એ હિસાબે અહીં જાણે હું એકલો જ આરોપીના પિંજરામાં ઊભો હોઉં એવો મને ભાસ થાય છે. અંગત રીતે તે મારે એ આરોપનો સ્વીકાર જ કરવાનો છે. ગઝલનું સ્વરૂપ મને ગમે છે, એ એક માતબર સાહિત્યસ્વરૂપ છે એમ પણ હું માનું છું, છતાં ગઝલ કે ગઝલ વિશે મેં કશો અભ્યાસ આજ સુધી કર્યો નથી. એટલા માટે જ શ્રી ટોપીવાલાને આ વક્તવ્યના ભારમાંથી મને મુક્ત રાખવા મેં વિનંતી કરેલી. પણ એમણે તો યુક્તિ રચેલી એટલે મારી વિનંતી શાની સ્વીકારે? જિજ્ઞાસુવૃત્તિથી અને અભ્યાસની એક તક તરીકે મેં આ કામગીરી સ્વીકારી પણ મને સંતોષ થાય એવું કામ હું કરી શક્યો નથી. ગઝલ વિશેનાં કેટલાંક સારાં લખાણો – જેમકે શ્રી રતિલાલ ‘અનિલ’ના કહેવા મુજબ સંજાણાનાં – એ હું જોઈ શક્યો નથી. આ પ્રયોજન માટે ખાસ, ગઝલસાહિત્ય તાજુ વાંચ્યું નથી. એટલે ગઝલ વિશેનાં લખાણો વાંચીને જે કંઈ છાપ મારા મન પર પડી છે અને જે કેટલાક સવાલો ઊઠ્યા છે એ રજૂ કરીને જ હું સંતોષ માનીશ. ગઝલના શાસ્ત્ર અને એના ઇતિહાસથી અનભિજ્ઞ માણસ દ્વારા આ રજૂ થાય છે એ રીતે આપ એને જોશો. ગઝલનું ગુજરાતી વિવેચન જે કંઈ મને વાંચવા મળ્યું એ, કહેવું જોઈએ કે, ન-જેવું અને બહુધા ન-જીવું છે. એમાં કેટલેક ઠેકાણે ભળતી જ વાતો થઈ છે. જેમકે ‘અરૂઝ’માં ગઝલની જે કંઈ લાક્ષણિકતાઓ વર્ણવી છે એ સામાન્ય રીતે કવિતાની કે ઊર્મિકવિતાની જ લાક્ષણિકતાઓ છે. ગઝલની વિશેષતા ઉપર એમાં કશો પ્રકાશ પડતો નથી. ‘ગઝલિસ્તાન’ની પ્રસ્તાવનામાં સાગર સૂફીવાદને પાટે જ ચડી ગયા છે. ‘ગઝલનું છંદશાસ્ત્ર’ ગઝલના અંતરંગની માર્મિક ચર્ચા કરી શકતું નથી. ‘ધૂપદાન’ના રામપ્રસાદ બક્ષીના પ્રાસ્તાવિક લેખમાં ગઝલના સ્વરૂપને સમજવાનો અને એના ઇતિહાસને સ્વસ્થ દૃષ્ટિએ નીરખવાનો એક પ્રયાસ દેખાયો. ચિનુ મોદીએ અને કંઈક વ્રજલાલ દવેએ પણ આજની ગઝલની લાક્ષણિકતાઓ તારવવાનો એક સમજદારીભર્યો પ્રયત્ન કર્યો છે. અહીં આજે ભગવતીકુમાર શર્માએ બે રદીફ અને કાફિયા વિશે એક સર્જકની હેસિયતથી કેટલાંક ધ્યાન ખેંચતાં નિરીક્ષણો કર્યાં. આ સિવાય કેટલુંક નોંધપાત્ર સાહિત્ય આડુંઅવળું પડ્યું હશે જે મારા ધ્યાન બહાર રહ્યું હોય, પણ એ વાતનો ઇન્કાર તો થઈ શકે તેમ નથી કે ગઝલને આપણા ઉત્તમ વિવેચકોનો – અને એમના ઉત્તમ વિવેચનનો – લાભ મળ્યો નથી. ગઝલકારોએ ગઝલ વિશે અવારનવાર લખ્યું છે પણ એમને પાંડિત્યનો અભાવ નડ્યો છે. ગઝલ વિશે આપણા મનમાં કશોક સંકોચ પડેલો છે એમ લાગે છે. નરસિંહરાવનો ગઝલની ‘મસ્તી’ સામેનો અણગમો અને વિષ્ણુપ્રસાદનો પુણ્યપ્રકોપ જાણીતા છે. વિષ્ણુપ્રસાદનો પ્રકોપ એ વખતની મુશાયરાપ્રવૃત્તિને અનુલક્ષીને હતો એવું કેટલાકનું માનવું છે પણ મને સાવ એવું લાગતું નથી. એટલું જ નહીં, ગઝલ વિશેનો આ પ્રતિભાવ કોઈ એકલદોકલ વ્યક્તિનો નહીં, પણ ઓછેવત્તે અંશે, જાણપણે-અજાણપણે ઘણા લોકોનો હોય એવું ભાસે છે. આનંદશંકર જ્યારે ‘પ્રેમભક્તિ’ અને એમના અનુયાયીઓની, એમણે “ગઝલનો વિષયપ્રદેશ વિસ્તાર્યો છે, એનાં જળ વધારે સ્વચ્છ શુદ્ધ અને શાંત વહેતાં કર્યાં છે” એમ કહી પ્રશંસા કરે છે ત્યારે પરંપરાગત – એમના શબ્દોમાં ‘સાંપ્રદાયિક’ – ગઝલ પ્રત્યેનું એમનું દૃષ્ટિબિંદુ જણાઈ આવે છે. ન્હાનાલાલ વગેરેની આ રચનાઓને આજે આપણે ગઝલના અખતરાઓથી વધારે મહત્ત્વ ભાગ્યે જ આપીએ. “આપણા અનેક પ્રતિષ્ઠિત કવિઓ ગઝલ તરફ આકર્ષાયા છે” એવું રામપ્રસાદ બક્ષીનું વિધાન પણ હું મર્યાદિત રીતે જ સાચું માનું છું. પંડિતયુગના લગભગ બધા શિષ્ટ સાહિત્યકારોએ ગઝલનું સ્વરૂપ ખેડ્યું છે, પણ આજે આકારશુદ્ધિની દૃષ્ટિએ એ ગઝલો આપણને ઊતરતી લાગે છે. પછી, ગઝલમાં આકારશુદ્ધિ આવી ત્યારે ગઝલનો પ્રવાહ ‘શિષ્ટ’ સાહિત્ય(જો એવો શબ્દ વાપરીએ તો)થી અળગો પડી ગયો, ગાંધીયુગ-અનુગાંધીયુગના આપણા ‘શિષ્ટ’ કવિઓએ ગઝલ પર હાથ અજમાવ્યો નહીં અને એ વખતે ગઝલ લખનારાઓએ અન્ય સાહિત્યસ્વરૂપો પ્રત્યે ધ્યાન આપ્યું નહીં. આજે નવા કવિઓ ગઝલ, ગીત, અછાંદસ એમ વિવિધ રૂપે કાવ્યપ્રવૃત્તિ કરી રહ્યા છે, ગઝલની બહારની અને અંદરની દીવાલો તોડી રહ્યા છે ત્યારે પણ ગઝલના કોચલામાં પુરાયેલો એક વર્ગ તો હયાતી ધરાવે જ છે તો ગઝલને કંઈક ‘ઉપશિષ્ટ’ કાવ્યપ્રકાર માનતું પ્રજામાનસ હજુ સાવ ગયું નથી. જે મિત્રે હું ગઝલ ઉપર બોલું એમાં આશ્ચર્ય વ્યક્ત કરેલું એમના મનમાં ગઝલના મસ્તીભર્યા સાહિત્યસ્વરૂપનું મારા જેવા ગંભીર સાહિત્યરસિકને આકર્ષણ કેમ હોય એવો પણ ભાવ હશે. પણ નવા કવિઓ ગઝલને જે રીતે ખેડી રહ્યા છે તે ગઝલ પ્રત્યેના આપણા પ્રજામાનસને બદલાવશે અને એ કાવ્યપ્રકારને પ્રતિષ્ઠિત કરશે એવી શ્રદ્ધા બેસે છે. ગઝલ પ્રત્યેના આપણા આ દૃષ્ટિબિંદુનું કારણ શું? એ પરદેશી કાવ્યપ્રકાર હોવાનું કારણ ચાલે તેમ નથી, કેમકે આપણે ઘણા પરદેશી કાવ્યપ્રકારો અપનાવ્યા છે. પણ સૉનેટ તરફના આપણા પક્ષપાત અને ગઝલને છોડવાની તૈયારીની નોંધ લઈ ઉમાશંકર એક વિચારણીય મુદ્દો રજૂ કરે છે : યુરોપનું એટલું સારું – એવી લાઘવ ગ્રંથિની અસર હશે? ગઝલનો ‘ઇશ્ક’, ગઝલની શબ્દચાતુરી, ગઝલનો સળંગસૂત્રતાનો અભાવ – આ બધાંએ ગઝલ પ્રત્યેના આપણા દૃષ્ટિબિંદુને ઘડવામાં ભાગ ભજવ્યો હોય એવું લાગે છે. મુનાદી એવી દલીલ રજૂ કરે છે કે જેમને ઉત્કટ શૃંગારની ગરબીઓ ખૂંચી નહીં એમને ગઝલ સામે કેમ વાંધો પડ્યો? પણ ગરબીઓનો શૃંગાર તો ‘ભક્તિશૃંગાર’ હતો. ગઝલનો ‘ઇશ્ક’ પણ જ્યાં સુધી સૂફીવાદને રંગે રંગાયેલો રહ્યો ત્યાં સુધી બહુ વાંધો ન આવ્યો. ‘સૂકા’ (dry) ગુજરાતમાં ‘શરાબ’ અને ‘જામ’ અને ‘નશા’નો પણ કદાચ વાંધો હોય – એ પરિભાષાના અતિરેકે પણ અણગમો પ્રેર્યો હોય. ગઝલનો પ્રવાહ ગુજરાતની સંસ્કૃતિથી ચાતરીને ચાલ્યો છે? ચિનુ મોદીને એવું લાગ્યું છે કે નવી ગઝલ તળ ગુજરાતનાં ભાષા, સંવેદના અને વાતાવરણ લઈને આવી છે. ચંદ્રકાન્ત શેઠને બાલાશંકરથી બેફામ સુધીમાં પણ ગુજરાતી સંસ્કૃતિનો રસકસ ગઝલમાં ઊતરતો જણાયો છે. આ મુદ્દો વીગતે તપાસવા જેવો છે પણ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ગઝલ ગુજરાતી ભાષા અને જીવન સાથે વધુ ને વધુ વણાતી આવતી હોવાનાં ચિહ્નો જૂની ગઝલમાં પણ જોવા મળવાનો સંભવ છે. ગઝલનું આપણે ત્યાં થયેલું વિવેચન જોતાં એની બે મૂળભૂત મર્યાદાઓ જણાય છે. એક તો, ગઝલને આપણે સામાન્ય કવિતા તરીકે જ અવલોકીએ છીએ. ગઝલની ‘વિશેષતાઓ’નો સ્પર્શ એમાં ભાગ્યે જ થાય છે, સિવાય કે થોડા ‘સચોટ’ ‘અસરકારક’ રદીફો આપણે તારવી આપીએ. ‘સમન્વય’માં ઉમાશંકર-સુન્દરમ્‌નાં સૉનેટોની વાત કરતાં સુરેશ દલાલે એ મતલબનું લખેલું કે હું અહીં ઉમાશંકર-સુન્દરમ્‌ની આ રચનાઓને સૉનેટની વ્યાખ્યાઓની ફૂટપટ્ટીઓથી માપવા નહીં બેસું, એની કાવ્યસિદ્ધિ કે એના કલાતત્ત્વને જ પામવાનો અહીં અભિગમ છે. એની સમીક્ષા કરતી વખતે મેં કહેલું કે અંતે કાવ્યત્વ એ જ મોટી વસ્તુ હોવા છતાં, કવિ જે આકારપ્રકાર દ્વારા કામ કરે છે, એનાં પ્રયોજન અને એની કાર્યસાધકતાને ચર્ચવામાંથી વિવેચન કેમ છટકી જઈ શકે? વિવેચક જ્યારે ‘સૉનેટ’ તરીકે એ રચનાઓ ભેગી કરતો હોય ત્યારે તો ખાસ. આ રીતે, ગઝલનું પણ સ્વરૂપદૃષ્ટિએ વિવેચન કરવાનું આપણે ટાળ્યું છે અને મારી દૃષ્ટિએ એની શક્યતાઓ ઠીકઠીક રહેલી છે. ગઝલની સ્વરૂપગત લાક્ષણિકતાઓ શી એની ચર્ચા હવે પછી હું કરવાનો છું એમાં આ અંગે કેટલુંક દિશાસૂચન થશે. આપણા ગઝલ-વિવેચનની બીજી મુખ્ય મર્યાદા એ છે કે ગઝલને કાવ્યવિશેષ તરીકે નહીં, પણ કાવ્યસામાન્ય તરીકે અવલોકતી વખતે પણ એના કવિકર્મની તપાસ તો કંઈ થતી જ નથી. મોટે ભાગે ગઝલોમાંથી વ્યક્ત થતી કવિની જીવનદૃષ્ટિ કે એનો મિજાજ તારવવાનું કામ થાય છે – થોડાંક પસંદ કરેલાં ઉદાહરણો સાથે. વિવેચન આ રીતે સારગ્રાહી બને છે. જેમકે ઉમાશંકર શેખાદમના ‘આરતભર્યા મુલાયમ ભાવો’ની નોંધ લે છે, ઘાયલ રુસ્વા મઝલૂમીના ‘મદિરા’ની પ્રસ્તાવનામાં કવિના (૧) મયકશી (૨) મહોબત (૩) મર્દાનગી અને (૪) માણસાઈનું વિવરણ કરે છે. આ કદાચ આપણા સમગ્ર કાવ્યવિવેચનની અમુક અંશે મર્યાદા છે, પણ છતાં અન્ય કાવ્યો પરત્વે તો કવિકર્મની બારીક તપાસનાં ગણનાપાત્ર ઉદાહરણો જડી આવશે. ગઝલનું આ જાતનું વિવેચન વિરલ જણાય છે. અત્યારે મને ‘કંકાવટી’માં અજિત ઠાકોરે કિસન સોસાની એક ગઝલનું વિવેચન કરેલું તે યાદ આવે છે. એમણે કાવ્યનાં કલ્પનોની સાર્થકતા અને સમર્થતા પ્રગટ કરવાનો સરસ ઉદ્યમ કરેલો. આજે અહીં ટોપીવાલાએ પણ એક ગઝલનું ભાષાકીય અન્વેષણ આપણી સમક્ષ કર્યું.૧ આ સિવાય મારા ધ્યાનમાં ન આવેલા બીજા દાખલાઓ હશે જ, પણ એ શરૂઆત છે અને ગઝલના કવિકર્મની તપાસ વધારે સઘનતાથી થાય એમ આપણે ઇચ્છીએ. ગુજરાતી ગઝલના વિકાસ-ઇતિહાસની સૂક્ષ્મ સવીગત નોંધ આપણા વિવેચનમાં લેવાઈ નથી. શ્રી ચંદ્રકાન્ત શેઠે બાલાશંકરથી બેફામ સુધીની ગઝલપ્રવૃત્તિનો એક અહેવાલ અહીં આપ્યો, એમાં કેટલાંક મૂલ્યાંકનો નોંધપાત્ર હતાં, પણ ગઝલના સ્વરૂપવિકાસનું વિશદ ચિત્ર એમાંથી ઊભું થતું નહોતું. નિરંજને ગઝલના ત્રણ તબક્કા બતાવ્યા – બાલાશંકર, શયદા અને આદિલ, કે જમિયત પંડ્યાએ ગઝલના ત્રણ યુગવિભાગો પાડ્યા – પ્રયોગયુગ, પ્રણાલિકાયુગ અને પ્રગતિયુગ, તેને માર્ગે ચંદ્રકાન્ત શેઠ પણ ચાલ્યા તે બરાબર છે પણ આ તબક્કાઓ કઈ સ્વરૂપગત વિશેષતાઓથી જુદા તરી આવે છે. એકમાંથી બીજામાં ક્રમિક સંક્રમણ કઈ રીતે થયું છે એ બધું અભ્યાસવિષય બનવાની ક્ષમતા ધરાવે છે. ચિનુને માટે તો બે જ તબક્કા હતા – જૂની ગઝલ અને નવી ગઝલ. નવી ગઝલની એણે બતાવેલી લાક્ષણિકતાઓ – નવું ભાવવિશ્વ, કલ્પનચિત્રાણાનો પ્રયોગધ્વનિપૂર્ણતા, નવી કવિતા સાથે તાલ મિલાવતું નવું ભાવવિશ્વ, ભાવસાતત્ય, ગુજરાતી ભાષાની તળ અભિવ્યક્તિ-શક્તિનો કસ કાઢવાની વૃત્તિ – આ બધું સહેજે સ્વીકારી શકાય તેવું છે; ભગવતીકુમારે પણ વાક્ય રૂપે આવતા કે નક્કર પદાર્થસૂચવતા કે ‘વગેરે’ જેવા નૂતન રદીફો તરફ બહુ યોગ્ય રીતે ધ્યાન દોર્યું, પણ આપણા નવા ગઝલકારોની રચનાઓના સઘન અભ્યાસમાંથી પ્રગટતાં નિરીક્ષણો હજુ બાકી છે. ચિનુને જૂની ગઝલમાં – બાલાશંકરથી બેફામ સુધીની ગઝલમાં – સ્થગિતતા, બિનજરૂરી ફારસીપણું, ફિલસૂફીમાં ચાટૂક્તિનો વિનિયોગ, અને અનુકરણાત્મકતા જણાઈ છે. પણ આ તો આજની ક્ષણે ઊભેલાને આખોયે ભૂતકાળ એકસરખો લાગે એના જેવું છે. દશેક વરસ પહેલાંની ક્ષણ પર ઊભા રહીને ભૂતકાળને જોયો હોત તો એ ક્ષણ એના ભૂતકાળથી જુદી પડતી જણાઈ હોત. બિનજરૂરી ફારસીપણાની ફરિયાદ કરનાર આપણે ગઝલની ‘બહેર’ ‘મિસરો’ વગેરે પરિભાષાને વળગી રહીએ છીએ તે જરૂરી છે કે કેમ એ વિચારવા જેવું છે. સામે પક્ષે, ચંદ્રકાન્ત શેઠને છેક બાલાશંકરમાં ફારસી શબ્દોનાં ચોસલાં તો નહીં, ઊલટું સૂફીવાદની મસ્તી ગુજરાતી ભાષામાં પ્રગટ કરવાની ક્ષમતા જણાઈ છે અને રામપ્રસાદ બક્ષીએ સંસ્કૃતજન્ય ભાવાસમૃદ્ધિ ગઝલમાં મુસ્લિમ શાયરો સુધી પણ પહોંચી ગયાની વાત નોંધી છે. ગઝલને જોવાની દૃષ્ટિમાં કેટલો ફરક પડી શકે છે એનો ખ્યાલ તો એના પરથી આવશે કે બાલાશંકરની ‘ગુજારે જે શિરે તારે’માં ચંદ્રકાન્ત શેઠને નરી બોધાત્મકતા લાગતી નથી, ત્યારે ચિનુ મોદીને લાગે છે; ચંદ્રકાન્ત શેઠને શયદામાં તત્ત્વદર્શનનું ઊંડાણ જણાય છે, ચિનુને ભાગ્યે જ; મીનુ દેસાઈ ભાષાપ્રધાન, વિચારપ્રધાન (અને ભાષા અને વિચાર બંને હોય એવી) એવા ગઝલના ભેદો કરે છે. તેમાં પહેલામાં ચિનુ મોદી ચાટૂક્તિની ફરિયાદ કરશે અને બીજામાં નર્યું statement હોવાની. ચિનુ મોદીએ જરાક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોયું હોત તો જૂની ગઝલમાં પણ પ્રયોગો અને મથામણો અને અંતે ક્વચિત્‌-ક્વચિત્‌ કંઈક પ્રાપ્તિ એમને અવશ્ય જણાયાં હોત. બાકી અનુકરણાત્મકતા એ કોઈ એક યુગનો ઇજારો નથી, નથી ગઝલ પરત્વે પણ એની ફરિયાદ કેટલેક અંશે થઈ શકે એમ છે. આગવો અવાજ લઈને આવતા કવિઓ તો ઓછા જ હોય. રતિલાલ ‘અનિલ’ તો એવું નિરીક્ષણ કરે છે કે નવું ગીત વધુ રોમૅન્ટિક બની રહ્યું છે, જ્યારે ગઝલ જે મૂળમાં રોમૅન્ટિક હતી તે રંગદર્શીપણાનો પરિહાર કરી રહી છે. રાજેન્દ્ર શુક્લની તાજી ગઝલને અનુલક્ષીને એક સૂચક પ્રશ્ન પણ એ પૂછે છે કે નવીનતર ગઝલે બધી શક્યતાઓ તાગીને પૂરી કરી છે અને હવે તે અડધું ડગલું પાછું ભૂતકાળમાં ભરે છે? આનું તાત્પર્ય મારી દૃષ્ટિએ એ છે કે યુગેયુગે કાવ્યના, એની રચનાશૈલીના સંકેતો બદલાતા હોય છે અને એ હકીકતને લક્ષમાં રાખીને સમયસમયનાં કાવ્યોનો ન્યાય કરવો જોઈએ. ગઝલ અંગેના કેટલાક પ્રશ્નો મારા મનમાં ઘોળાઈ રહ્યા છે તે હવે હું મૂકું. ગઝલ અંગેની મારી જાણકારી, મેં આરંભમાં જ કહ્યું તેમ, અલ્પ છે. એટલે આ પ્રશ્નો જ હોવાના, ઉત્તરો નહીં. પણ આપણા વિવેચને આ પ્રશ્નો ગંભીરતાથી વિચારવા જોઈએ એમ મને લાગે છે માટે આપની સમક્ષ મૂકું છું. મુખ્ય પ્રશ્ન તો, અલબત્ત, ગઝલની identityનો – ઓળખનો છે. ગઝલ આપણે કોને કહીશું? ‘ગઝલ’ એવી અલગ સંજ્ઞા આપણે જો વાપરતા હોઈએ તો એના અલગ સંકેતો પણ હોવા જોઈએ, નહીં તો એવી અલગ સંજ્ઞા અન્વર્થક ગણાય નહીં. અલબત્ત, કવિઓ તો પોતાની રીતે પ્રયોગો કરવાના જ. એમનો એ હક્ક અબાધિત છે. પણ વૈચારિક સ્પષ્ટતા કરવાનું પોતાનું કર્તવ્ય વિવેચન ન ટાળી શકે. ગઝલની identity ભૂંસાઈ ગઈ હોય તો એણે એમ પણ કહેવું જોઈએ. સંકેતો બહુ જડતાથી નક્કી ન થઈ શકે એ પણ સ્વાભાવિક છે. ઓછામાં ઓછાં આટલાં લક્ષણો હોય તો ગઝલ એમ વિવેચન કહી શકે, તેમ આ અથવા આ લક્ષણ હોય તો ગઝલ એમ પણ વિવેચન કહી શકે. મુખ્ય વાત તો ગઝલને એક વિશિષ્ટ કાવ્યપ્રકાર તરીકે ઓળખવાની અને સ્થાપવાની છે. ગઝલનાં સ્વરૂપલક્ષણો નિયત કરવામાં ઘણી મુશ્કેલીઓ છે એ તો દેખીતું છે. એને લાંબો ઇતિહાસ અને વિવિધ પરંપરાઓ છે. લાંબા સમયપટ ઉપર કોઈપણ સાહિત્યસ્વરૂપની સીમાઓ બદલાતી રહે છે એટલે ઇતિહાસને લક્ષમાં લેવો કે ઉપયોગી લાગતા થોડાક મૂળ નિયમોને વળગવું એ પ્રશ્ન છે. ગઝલના સ્વરૂપનિર્ણય વિશે વિચારતાં એના બહિરંગને મહત્ત્વ આપવું કે અંતરંગને એ પ્રશ્ન સૌ પહેલો આગળ આવવાનો અને મૂંઝવણરૂપ બનવાનો. ઉમાશંકરનું ચિંતન આ સંદર્ભમાં ખૂબ લાક્ષણિક જણાય છે. બાહ્ય આકાર માટેના આગ્રહને નવી સાંપ્રદાયિકતા કહેવાની સાથે જ નવા કવિઓએ ગઝલના વિષયોનો પ્રદેશ અનંતગણો વિસ્તારી દીધો છે એ હકીકતની નોંધ એ લે છે. વળી, ગઝલ પ્રત્યે આવું સંકોચભેદક કહેવાય એવું દૃષ્ટિબિંદુ ધરાવવાની સાથે જ ઉમાશંકર એવું અવલોકન કરે છે કે “ગઝલના ઇતિહાસમાં એક યા બીજી જાતના ફેરફાર સમય પ્રમાણે ભલે થયાં કરે પણ ઊંચી જાતની ગઝલો બહિરંગ પરત્વે દૃઢ પદ્યબંધવાળી – એટલે કે ગઝલના મુખ્ય કાનૂન પાળનારી – નહીં હોય એમ માની શકાતું નથી, તેમજ અંતરંગ અંગે પણ પ્રેમભાવનાની ઝલકથી એ છેક અસ્પૃષ્ટ હશે એમ કલ્પવું મુશ્કેલ છે.” ‘ઊંચી જાતની ગઝલો’ની આ લાક્ષણિકતાઓ કલ્પવામાં એક અભિપ્રાય તો વ્યક્ત થાય જ છે પણ તે ઉપરાંત ઉમાશંકર “ગઝલનો આ સ્વરૂપે જ સ્વીકાર થવો ઘટે છે.” એમ ‘જ’કારવાળું વિધાન પણ કરે છે. અલબત્ત, પાછા અપવાદોનો માર્ગ મોકળો રાખતાં કહે છે કે “સાથેસાથે નભાવી લેવાય એટલી હદ સુધીની અનિયમિતતાઓની પણ બરદાસ્ત કરવી ઉચિત છે. જેમ ચૌદ પંક્તિ હોય તેમજ તેની યોગ્ય વિભાગયોજના હોય તો નિયમસરની પ્રાસરચના વગરની કૃતિને પણ સૉનેટ – પછી ભલે અનિયમિત સૉનેટ – ગણવામાં આવે છે તેમ અનિયમિત ગઝલો પણ થોડીક હશે. સૉનેટો તેમજ ગઝલો અપવાદ રૂપે જ અનિયમિત હશે કે કેમ તે તો ભાવિ નક્કી કરશે.” આ બધા ઉદ્‌ગારોમાં વ્યકત થતી, ગઝલના અંતરંગ તેમજ બહિરંગ પરત્વેની ઉમાશંકરની દ્વિધા તે કદાચ આપણા સૌની દ્વિધા છે. ગઝલની ઓળખ સ્થાપવા આપણે પ્રવૃત્ત થઈએ એટલે વિષય, મિજાજ, છંદ, વાક્‌છટા કે પદાવલિ, રચનાશૈલી, પ્રાસ વગેરે તત્ત્વો આપણી સમક્ષ પોતાનો હક્કદાવો રજૂ કરતાં ખડાં થાય છે. ગઝલ મૂળભૂત રીતે પ્રેમકાવ્યનો પ્રકાર મનાયો છે. અને એ રીતે જ બહુધા ગઝલનું ખેડાણ થતું આવ્યું છે. ‘ગઝલ’ શબ્દનો મૂળ અર્થ પણ ‘પ્રેમની જબાન’ છે એમ કહેવાય છે, જોકે કૃષ્ણલાલ ઝવેરી તો એમ નોંધે છે કે “ ‘ગઝલ’ નો મૂળ અર્થ ‘પ્રેમની ભાષા બોલવી’ અથવા ‘કાવ્યની ભાષા – કવિતામાં બોલવું’ – અને તે ઉપરથી કાવ્ય યા ગીત : આપણી સમજણ મુજબ માત્ર ઇશ્કનાં કાવ્ય નહીં પરંતુ સઘળી જાતનાં કાવ્ય.” પ્રાચીન પરંપરામાં ગઝલ ઇશ્કે મિજાજીમાંથી સૂફીઓને હાથે ઇશ્કે હકીકી તરફ વળી એ એનો પહેલો વિષયવિસ્તાર. પણ એ પરંપરામાં પણ ગઝલ કેવળ અંગત ઊર્મિનો જ કાવ્યપ્રકાર હતો કે કેમ એ વિચારવા જેવું છે. પ્રેમના સંવેદનની સાથેસાથે જ એક વિશિષ્ટ પ્રકારનો વિશ્વબોધ – જીવનદર્શન પણ એમાં વણાતું નથી રહ્યું? નસીમ કહે છે તેમ ‘હકીકતનાં રહસ્યો’ પણ શું ગઝલનો એક વિષય બની જતો નથી જણાતો? ગઝલમાં ઈશ્વર આવતાં પણ ચિંતનને ઠીક અવકાશ મળ્યો છે. મતલબ કે ઊર્મિ સાથે ચિંતન તરફ પણ ગઝલ પહેલેથી ઢળતી રહી છે, ભલે એ ચિંતન ઘણી વાર તો પ્રેમતત્ત્વને અવલંબીને થયું હોય. ગઝલ કેવળ વ્યક્તિગત લાગણીમાં સીમિત રહી શકે તેમ નથી. ભવિષ્યની ઊંચી જાતની ગઝલો પ્રેમભાવનાની ઝલકથી છેક અસ્પૃષ્ટ હશે એમ કલ્પવું ઉમાશંકરને મુશ્કેલ લાગ્યું છે પણ એમણે પોતે, ગઝલમાં રોજિંદા જીવનના બનાવો નિરૂપાય છે, એમાં ‘નર્મ-હાસ્ય’નો પણ આશ્રય લેવાય છે એની નોંધ લઈ સમકાલીન જીવનના પ્રશ્નો પ્રત્યેની ગઝલની અભિમુખતાનો નિર્દેશ કર્યો છે. આને ઊતરતી જાતની ગઝલો ગણવી કે એને અપવાદરૂપ દાખલાઓ ગણવા? ગનીના ‘ઉપવને આગમન’ જેવી ગઝલમાં પ્રણય-પ્રભુ-પૃથ્વીપરાયણતાને સ્થાને જોવા મળતાં પ્રકૃતિનાં નાજુક અને રમણીય ચિત્રો તરફ ઉશનસ્‌ આપણું લક્ષ ખેંચે છે ત્યાં એ ગઝલ પ્રેમભાવનાની ઝલકથી છેક અસ્પૃષ્ટ છે એમ કદાચ નહીં કહી શકાય, પણ ગઝલ વર્ણનાત્મક બની રહી છે એમ તો જરૂર કહી શકાશે. આજે તો આપણે કેવળ વર્ણનાત્મક અને સમૃદ્ધપણે ઇન્દ્રિયરાગી કહી શકાય એવી ગઝલ પાસે આવી પહોંચ્યા છીએ. હવે, ગઝલની ઓળખમાં કામ આપે એવી કોઈ વિષયમર્યાદા બાંધી શકાય તેમ છે ખરી? ભગવતીકુમારે તો કહ્યું કે સંવેદનાને સરહદ નથી તેથી ગઝલના વિષયને પણ કોઈ મર્યાદા નથી. ગઝલના વિવેચનમાં ઘણી વાર ‘મિજાજ’નો ઉલ્લેખ કરવામાં આવે છે અને ગઝલને કોઈ આગવો ‘મિજાજ’ છે એમ માનવામાં આવે છે. મણિલાલ વગેરેમાં ગઝલનો ‘મિજાજ’ હતો પણ આકાર-શુદ્ધિ નહીં – એમ રામપ્રસાદ બક્ષી કહે છે, તો ચિનુ મોદી પણ ગઝલનો મિજાજ છટકી ન જાય એનું ધ્યાન રાખવાનું સૂચવે છે. રામપ્રસાદ બક્ષીએ પ્રેમભક્તિભર્યાં ગીતો તેમજ હુશ્ન અને ઇશ્કને ગાતી ગઝલો એ બન્નેને પહેલાં તો તત્ત્વતઃ સમાન ગણી કાઢેલાં : ભાવ, ભાવના એક; તફાવત ભાષા-છંદનો. પણ પછી આ બન્નેના ‘મિજાજ’ના ફરકની પણ એમણે નોંધ લીધી : “પણ ગઝલ આ ભક્તિનાં પદોથી, કદાચ ફક્ત ભાષામાં જ નહીં પણ એના મિજાજમાં – મનોભાવમાં પણ જુદી પડતી જણાશે. ગઝલમાં ફકીરી છે તે સાથે અમીરી છે; ફનાગીરી છે તે સાથે મસ્તી છે, અને ખાકસારી છે તે સાથે ખુમારી પણ છે.” બક્ષીએ ગઝલના ‘મિજાજ’ને સ્પષ્ટ કરવાનો અહીં પ્રયત્ન કર્યો છે એ નોંધપાત્ર છે. એમાંથી ‘મસ્તી’નો ખ્યાલ તો આપણે ત્યાં ગઝલ સાથે હમેશાં સંકળાયેલો રહ્યો જ છે ને? (નરસિંહરાવને એ ‘મસ્તી’ સામે જ વાંધો હતો ને?) પણ આવી મસ્તીનો કે આવા મિજાજનો ખ્યાલ આજની વર્ણનાત્મક ગઝલ પરત્વે કેટલો ટકી શકે એ પ્રશ્ન છે. ચિનુને ‘મિજાજ’ દ્વારા શું અભિપ્રેત છે તે હું જાણતો નથી, પણ એ બક્ષીથી કંઈક જુદું હોય તો એથી મને આશ્ચર્ય ન થાય. પણ આ બધી ચર્ચાનો સાર એ છે કે જો ‘મિજાજ’ના સંપ્રત્યયને ગઝલની વિશેષતા દર્શાવવા ઉપયોગમાં લેવાનો હોય તો એની સ્પષ્ટ વ્યાખ્યા આપણે કરવાની રહે. ગઝલના અંતરંગથી બહિરંગ તરફ આવીએ એટલે પ્રાસ – રદીફ અને કાફિયા – ગઝલના સ્વરૂપનિર્ણાયક તત્ત્વ તરીકે આપણું ધ્યાન ખેંચે છે. મણિલાલ-કલાપીની ગઝલોમાં આકારશુદ્ધિ નહોતી કે સ્વરૂપ-દૃષ્ટિએ એ શિથિલ હતી એમ આપણે કહીએ છીએ ત્યારે રદીફ-કાફિયાનો અભાવ જ આપણા મનમાં હોય છે. એ નોંધપાત્ર છે કે ગુજરાતી કવિતાએ સૉનેટમાં એની વિશિષ્ટ પ્રાસરચનાનો સામાન્યપણે ત્યાગ કર્યો ત્યારે ગઝલમાં એના વિશિષ્ટ પ્રાસનો સામાન્યપણે આગ્રહ રાખ્યો. પ્રાસની પણ એક ચમત્કૃતિ હોય છે અને એ હમેશાં જતી કરવા જેવી નથી હોતી એમ હું માનું છું; ગઝલ કે જેમાં દરેક શેર સ્વતંત્ર પણ હોઈ શકે છે. ત્યાં રદીફ-કાફિયા બધા શેરોને એક-કૃતિત્વ અર્પનાર પણ બનતા હોય છે અને એ ઉપરાંત, કેટલીક વાર રદીફ વિષયદૃષ્ટિએ પણ કાવ્યને સાંકળે છે – એની વિલક્ષણ જીવનદૃષ્ટિ કે ‘મિજાજ’નું વહન કરે છે. (આપણી ગઝલોના રદીફ-કાફિયાનો આ દૃષ્ટિએ અભ્યાસ કરવા જેવો છે.) આમ છતાં, કાફિયા-રદીફને આપણે ગઝલના અનિવાર્ય ઘટક માનીશું ખરા? ચિનુ મોદીએ આજે રદીફ વિનાની ગઝલ ન હોઈ શકે એવો મત વ્યક્ત કર્યો, પણ એમણે જ સંપાદિત કરેલા ‘ગમી તે ગઝલ’માં પહેલી ગઝલ જ રદીફ-કાફિયા વિનાની છે. ઉમાશંકરે પણ નિયમિત પ્રાસરચના વગરની થોડીક અનિયમિત ગઝલો માટે અવકાશ રાખેલો એ યાદ કરવા જેવું છે. ગઝલ માટે આપણે એના મૂળ ફારસી છંદો સ્વીકાર્યા છે. તો ગઝલની વ્યાવર્તકતા સિદ્ધ કરવા માટે એના છંદો કામ આવે ખરા? રામનારાયણ પાઠકને ગઝલના છંદો વિશિષ્ટ લાગ્યા હતા. એમણે કહ્યું હતું કે “ગઝલના રાગો એવા છે કે એમાં લાગણી ઘણા ક્ષુભિત તરંગોમાં ચાલે.” પણ એ તો હવે જાણીતું છે કે ગઝલના ઘણાં છંદો આપણા હરિગીત, ભૂજંગી જેવા છંદોની ઘણા નજીક આવે છે; અને હરિગીત ભૂજંગી વગેરે છંદોમાં કંઈ લાગણી હમેશાં ક્ષુભિત તરંગોમાં ચાલતી નથી હોતી. આપણા ચાર ચરણના શ્લોકબંધ અને ગઝલના બે ચરણના શેર વચ્ચે પ્રભાવદૃષ્ટિએ ઠીકઠીક ફરક હોવા સંભવ છે. જેમકે, ‘ગાફિલ’ના એક છંદનાં નીચેનાં બે ઉદાહરણો જુઓ :

(૧) અસલના ઉતારા છે મારી ગઝલમાં,
   કે મોઘમ ઇશારા છે મારી ગઝલમાં.


(૨) તમારે કરે લાખ તારોની વીણા,
   છે મારે કરે એક તંબૂર નાનો,
   બજાવી રહો છો તમે સૂર ઝીણા
   બજાવું છું હું સૂર એક જ ગજાનો.

પહેલો ગઝલનો શેર છે એમાં કોઈ જ શંકા થતી નથી; બીજા ઉદાહરણમાં એવો ભાસ થતો નથી. બીજું ઉદાહરણ જેમાંથી લેવામાં આવ્યું છે એ કૃતિ ‘કવિને’ સમગ્રપણે મને ગઝલ લાગતી નથી તેનાં ઘણાં કારણો છે – એની કથનવર્ણન-રીતિ, એની પદાવલિ વગેરે – પણ ચાર ચરણ સુધી ફેલાતો શ્લોકબંધ પણ એનું એક કારણ છે. છતાં આ ફરક તે રચનાશૈલીનો ફરક થયો, છંદસ્વરૂપનો તો નહીં જ. સ્વરૂપદૃષ્ટિએ છંદ તો બન્ને ઉદાહરણોમાં એક જ છે અને છતાં એક ગઝલ બને છે, એક બનતું નથી. છંદને આધારે ગઝલની વ્યાવર્તકતા સિદ્ધ કરવાનું આ રીતે મુશ્કેલ છે, તો બીજી બાજુથી ગઝલમાં આપણા પરંપરાગત છંદોનો પણ પ્રયોગ લેખે વપરાશ થયાના દાખલાઓ છે. પૃથ્વી કે એવા છંદોની ઉપયુક્તતા તો ભારે શંકાસ્પદ છે, પણ સાખી તો ગઝલના શેરની જેમ મુક્તકશૈલીમાં વહેતી હોય. છે, છતાં દેરાસરીએ ગઝલમાં સાખીનું મિશ્રણ કરેલું ત્યાં સાખીનો સૂર ગઝલના સૂરથી જુદો પડી જતો લાગે છે. આમ, ગઝલ પરત્વે છંદનો કોયડો કંઈક મૂંઝવે એવો છે. ગઝલ અમુક પ્રકારના છંદો જ માગે છે, છતાં એ છંદોમાં જ ગઝલત્વ સમાયેલું છે એમ કહી શકાય એમ નથી. ગઝલના ફારસી છંદોના બંધારણની કંઈક વિશિષ્ટતા છે, પણ એ વિશિષ્ટતા આપણા વિવેચનમાં સમજાવી શકાઈ હોય એમ મને લાગતું નથી. જમિયત પંડ્યાએ એ ફારસી છંદો અક્ષરમેળ અને માત્રામેળ છે એમ કહ્યું, તો તુરાબે માત્રામેળ નહીં પણ ધ્વનિમેળ એમ કહ્યું. ફારસી છંદો ‘વજન’ પર આધારિત છે એમ પણ કહેવામાં આવે છે પણ આ વજન શી ચીજ છેતે સ્ફુટ થતું નથી. નસીમે “ ‘વજન’ એટલે સ્વર, વ્યંજન અને તેના વડે રચાયેલા શબ્દો. સમાન હોય અને એનો ઉચ્ચારધ્વનિ એક જ પ્રકારનો હોય તે” એવી સમજૂતી આપેલી પણ એ ભાગ્યે છે જ સંતોષકારક ગણાય, હું જોઉ છું કે ફારસી છંદોમાં ગુરુને લઘુ ઉચ્ચારવાની, આપણા પરંપરાગત છંદોમાં જોવા નહીં મળતી, છૂટ છે.૨ ‘ગાફિલ’ની નીચેની બે પંકિતમાં ત્રણ સ્થાને ‘એ’ને લઘુ ઉચ્ચારવાનો રહે છે :

અસલના ઉતારા છે મારી ગઝલમાં,
કે મોઘમ ઇશારા છે મારી ગઝલમાં.

પણ બધા ગુરુ અક્ષરો લઘુ ઉચ્ચારી શકાય છે કે કેમ, તેમ બધે સ્થાને ઉચ્ચારી શકાય છે કે કેમ એ તપાસનો વિષય છે. ‘ગમી તે ગઝલ’માં પહેલી મુકાયેલી અદમ ટંકારવીની રચનામાં લઘુ-ગુરુની જે છૂટ લેવામાં આવી છે તે છંદના બંધારણને તોડી નાખતી હોય એવું મને લાગે છે. રામપ્રસાદ બક્ષી અને રતિલાલ અનિલ બન્નેએ ગુજરાતી ભાષાને ફારસી છંદોને સૌથી અનુકૂળ ભાષા તરીકે ઓળખાવી છે. બક્ષીના શબ્દો છે : “ભારતની ઉર્દૂ અને હિંદી સિવાયની ભાષાઓમાં ગઝલની રચનાને વધારે અનુકૂળ બને, એના વજનને જાળવીને શોભાવી શકે એવી બીજી કોઈ ભાષા હોય તો તે ગુજરાતી છે.” આ જાતનાં વ્યાપક વિધાનો જરા જોખમી હોય છે. ઓછામાં ઓછું, બધી ભાષાઓનાં બંધારણમાં ઊતર્યા વિના આવાં વિધાન થઈ ન શકે. ગઝલના છંદો મૂળ અરબી છંદો છે, તો અરબી ભાષાની લાક્ષણિકતાનો અભ્યાસ કદાચ એ છંદોના વિશિષ્ટ બંધારણ પર પ્રકાશ પાડી શકે. પણ આવા કોઈ પ્રયત્ન આપણે ત્યાં થયા નથી. એમ લાગે છે કે ગઝલનું છંદશાસ્ત્ર કોઈ સમર્થ પિંગળકારની વાટ જોતું બેઠું છે. ગઝલના આ જાણીતા ઘટકો ઉપરાંત, મારી દૃષ્ટિએ ગઝલનાં અન્ય બે તત્ત્વોનો પણ એના સ્વરૂપનિર્ણય અંગે વિચાર કરવા જેવો છે. એક છે ગઝલની બાની (diction). ‘બાની’ એટલે શબ્દપસંદગી એવા સંકુચિત અર્થમાં નહીં; ગઝલ માટે ગુજરાતી ભાષા ‘પોચટ આસું જેવી’ (મીનુ દેસાઈ) લાગી હોય અને અમુક ભાવ-વિચાર માટે ગઝલકારોએ ફારસીનો એક વખતે વધારે આશ્રય લીધો હોય તોપણ આજે તો નવી ગઝલ માટે એવા ફારસી-રંગની જરૂર નથી રહી અને ગઝલમાં તળ ગુજરાતીનો પણ સફળતાપૂર્વક વિનિયોગ થવા લાગ્યો છે. પણ ગઝલની એક વિશિષ્ટ ઉક્તિછટા છે એમ લાગે છે એમાં ગદ્યના અન્વય અને બોલચાલની ભંગિમાને ઘણો અવકાશ છે. તુરાબે ગઝલની આ પ્રવાહિતાની – ગદ્યાકારમાં એને ઢાળવાની ક્ષમતાની નોંધ લીધી હતી. ‘ગઝલ’નો અર્થ’ ‘પ્રિયતમા સાથેની ગોષ્ઠિ’ છે એમ કહેવામાં આવે છે. તો આ ગોષ્ઠિસ્વરૂપ હોવામાં પણ ગઝલનો કંઈક મર્મ રહેલો જણાય છે. આત્મકથનની મુદ્રા ગઝલ વારંવાર અપનાવતી જણાય છે. ગઝલની વાક્યરચનાઓને આ દૃષ્ટિએ તપાસવાની જરૂર છે. પ્રશ્નો, સામસામે તોળાતા ખંડોવાળાં વાકયો ને આવું ઘણું બધું ગઝલનું વિશિષ્ટ rhetoric છે એની પ્રતીતિ કરાવશે. નવી ગઝલ પણ એનો પ્રસંગોપાત્ત ઉપયોગ કરતી જણાશે. અને છેલ્લે, ગઝલની રચનાશૈલીનો પણ વિચાર કરવાનો રહે છે. દરેક શેરનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોવું એ ગઝલની અન્ય કાવ્ય-પ્રકારોથી વ્યાવર્તકતા નથી? ગઝલ ભાવવિચારની એકતાવાળી રચના હોવાનું આવશ્યક નથી, પણ એ લક્ષમાં રાખવા જેવું છે કે દરેક શેરનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોવું એ કૃતિના એકત્વને બાધક નથી. ગઝલમાં ભાવવિચારની સળંગસૂત્રતા હોય, છતાં એનો દરેક શેર સ્વતંત્ર વ્યક્તિત્વ લઈને આવતો હોય, કદાચ આવતો હોવો જોઈએ એવી આપણી અપેક્ષા છે. દરેક શેરની સ્વતંત્ર આસ્વાદ્યતા, સ્વતંત્ર ચોટ-ચમત્કૃતિ એ ગઝલની – અને ગઝલની જ લાક્ષણિકતા છે. ગઝલમાં વાગ્મિતાનો આશ્રય લેવો પડે છે, એ કેટલીક વાર કૃત્રિમ કે આયાસી બની જાય છે. એનું આ જ કારણ છે. નસીમે કહ્યું હતું કે ગઝલની પંક્તિમાં એક-એક કાવ્ય તડપતું હોય છે એનો અર્થ પણ હું આ આવો જ કરું છું. શેરનો બે ચરણનો છંદોબંધ પણ વિશિષ્ટ પ્રભાવ પાડે છે એની વાત આગળ થઈ ગઈ છે. ગઝલનું ગઝલત્વ સ્થાપિત કરનારા આ અને આવા બીજા પણ ઘટકો બતાવી શકાય. એમાંથી કોઈ એક-બે ઉપર પસંદગીનો કળશ ઢોળવાનું કદાચ યોગ્ય ન હોય, પણ બે ચરણનો છંદોબંધ અને દરેક શેરનું સ્વતંત્ર વ્યક્તિત્વ એ બે ઘટકો ગઝલનો સ્વરૂપનિર્ણય કરવામાં વધારે કામ આપે તો નવાઈ નહીં. એ રીતે વિચારીએ તો ગઝલ ગઝલ રહીને સૉનેટ ન બની શકે, પરંપરિતમાં પણ એ ભાગ્યે જ વહી શકે. પણ આજે તો ગઝલમાં એવા પ્રયોગો થાય છે કે અજિત ઠાકોરે વાતવાતમાં કહ્યું હતું તેમ કદાચ ગઝલની વિશિષ્ટ ઓળખ ભૂંસાઈ પણ જાય, અન્ય ઊર્મિકાવ્યથી એની કોઈ ભિન્નતા ન રહે. એમ થવું હોય તો ભલે થાય. આપણને ગઝલનું વિશિષ્ટ કાવ્યરૂપ ટકાવવા જેવું ન લાગતું હોય તો લુપ્ત કરીએ. પણ આપણી સમજ અને આપણા સંકેતો શક્ય તેટલાં સ્પષ્ટ રાખીએ. ગઝલના સ્વરૂપનો મનફાવતો ઉપયોગ ભોળપણથી ન જ કરીએ. આપણે ત્યાં તો વિવેચને પણ એવું ભોળપણ બતાવ્યું છે. મણિલાલ-કલાપીની ગઝલોને આપણે ગઝલ તરીકે સ્વીકારીએ, કેમકે એમાં ગઝલની ભાવવિચારછટા છે અને શેરની રચનાશૈલી પણ છે; કાન્તની ગઝલોમાં મસ્તીને સ્થાને માર્દવ હોવા છતાં એમાં આરઝૂ છે, પ્રાસરચના અને શેરરચના પણ છે, એને પણ ગઝલસાહિત્યમાં યોગ્ય સ્થાન આપવું ઘટે છે. ન્હાનાલાલની ‘અમો જોગીના જોગ માફ કરજે, બાલા!’ એ રચનાને ગઝલ ગણવામાં વાંધો નથી, પણ એમની ‘પધારો પંખીડા પરદેશવાસી હો’ અને ‘બ્રહ્માંડ બ્રહ્મે પાથર્યું...’ કે મેઘાણીની ‘હજારો વર્ષની જૂની...’ અને ‘છેલ્લો કટોરો’ જેવી રચનાઓને રામનારાયણ પાઠક જેવા વિચક્ષણ વિદ્વાન પણ ગઝલ ગણવા તૈયાર થાય એ ગઝલની આપણી વિભાવના કેટલી અસ્પષ્ટ રહી છે તે બતાવે છે. નર્મદના ‘ચંદા’ એ ગીતને ગઝલ ગણાવવાનું પણ આપણે ત્યાં તો થયું છે! ગઝલનું વિવેચન વાંચીને, અને ગઝલ સાથેના મારા અછડતા પરિચયની ભૂમિકા ઉપર, મારા મનમાં જે પ્રશ્નો ઊભા થયા એ મેં અહીં મૂક્યા છે. ગઝલ વિશેની આપણી સમજ ચોખ્ખી કરવામાં એ જરાયે સહાયભૂત થાય એવી શક્યતા હશે તો મારો શ્રમ-સાર્થક થયો માનીશ.

પાદટીપ : ૧. અહીં એક નાનકડો મુદ્દો કહેવા જેવો લાગે છે. ટોપીવાલાએ ગઝલના અમુક શબ્દો કયા કારણથી, કેવી રીતે આવ્યા હશે એ સમજાવ્યું. એમાં ઊંડી કાવ્યસૂઝ વ્યક્ત થતી હતી, પણ છેવટે આ તો અટકળ થઈ. એવી અટકળ કરવા કરતાં કાવ્યમાં શબ્દો જે રીતે આવ્યા છે તે રીતે ભાવપોષક કે ચમત્કૃતિસાધક કેમ બને છે એ દૃષ્ટિએ આ ઘટનાને જોવી વધારે ઉચિત છે એમ મને લાગે છે. ૨. ડૉ. ભાયાણીએ પછી મને બતાવ્યું કે તળપદી ગુજરાતી પદ્યરચનામાં પણ આવી છૂટ છે જ.

[૨૦ જૂન, ૧૯૭૭; દાહોદ મુકામે નવજીવન આટર્‌સ ઍન્ડ કૉમર્સ’ કૉલેજના ઉપક્રમે ‘ગઝલ : પરિસંવાદ અને કાર્યશિબિર’માં ૭ મે ૧૯૭૭ના રોજ રજૂ કરેલું વક્તવ્ય; થોડા ઉમેરણ સાથે, ‘કવિલોક’, જુલાઈ-ઑગસ્ટ ૧૯૭૭.]