હયાતી/૭૩. મહાલિયા જેક્સનનું ભક્તિસંગીત સાંભળતાં

From Ekatra Foundation
Revision as of 06:52, 13 April 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૭૩. મહાલિયા જેક્સનનું ભક્તિસંગીત સાંભળતાં

કૅથેડ્રલની કમાન પર રોકાઈ
હજારો નેત્રોને અમૃતથી આંજી રહ્યા –
એ સૂરો :
અને પછી ઊંચે વધતા
બે મિનારાઓને માપી
એ આકાશ બની ગયા –
જ્યાં એમને આલિંગવા
તત્પર હતા પ્રભુના વિસ્તરેલા બાહુઓ.
કૅથેડ્રલમાં હતો એક ચહેરો –
ગુલાબી ફ્રૉક
અને સ્થૂલ દેહ ઓગળી ગયા પછી રહેલો
શ્યામ ચમકતો ચહેરો – કૃષ્ણના વર્ણ સમો.
તેના પર ચમકતી હતી
સંજીવનીની કૂપી સમી બે આંખો.

ખુરશીઓ પર સમૂહ ન હતો.
એકએક હૃદય હતું
જેનો તાર
પેલા સૂર સાથે જોડાઈ ગયો હતો.

દીવાલ પરનાં આરસનાં શિલ્પોએ
કાન સરવા કરી
પોતાની જ વ્યથા સાંભળી.

ક્રૉસ પર બે હાથ પ્રસારી
ઊભેલા ઈસુએ ધડકતા હૃદયે સાંભળી
પોતાની જ વેદના અને કરુણાની કથા.
‘પવનની લ્હેરખી માફક
આવી પહોંચ્યા જગતના નાથ.’
અને ક્યારેક ‘નમાઈ બાળકી હોવા’નો
અનુભવ કરતી મહાલિયા જૅકસનના
સૂરો સાથે એકાકાર થઈ.
કોઈની આંખોમાં આંસુ બની,
કોઈના હૃદયનું સ્પંદન બની,
કોઈના મનની વિમાસણ બની
કોઈની અન્યમનસ્કતા કે
કોઈની અભાનતા બની
સર્વત્ર પથરાઈ ગયા.

આખીયે માનવજાતમાં વહેંચી દેવાય
તો પણ અસહ્ય બને
એવી ઈસુની વ્યથા
એ સૂરાવલીમાં હતી :
એ ધીરે ધીરે
કૅથેડ્રલના વાતાવરણમાંથી
છલકાઈ
આખાયે માર્ગ પર,
આખાયે શહેર પર,
આખીયે દુનિયા પર;
અને સમસ્ત બ્રહ્માંડ પર.
કોશેટામાંથી નીકળતા તાર જેવો,
આકાશગંગાના ઉજ્જ્વલ વહેણ સમો,
ઊગતા સૂર્યના કિરણ જેવો
ધરતીમાંથી ફૂટતા તરણ સમો
એ સૂર પથરાઈ ગયો.
અને એ ગુંજતા અવાજ સાથે
માર્ગ, શહેર, દેશ, દુનિયા, બ્રહ્માંડ,
નક્ષત્રમંડળો–સૌ કોઈ બોલી ઊઠ્યાં
‘ચાલો બાળકો,
આપણે સાથે મળીને ગાઈએ!’

૮–૫–૧૯૭૧