બાબુ સુથારની કવિતા/સંપાદક-પરિચય
મનીષા દવે
શ્રી તલકચંદ મ્યાચંદ શાહ મહિલા આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક ડૉ. મનીષા દવે નવી પેઢીના સંનિષ્ઠ વિવેચક અને સંશોધક છે. ‘સ્વાતંયોત્તર ગુજરાતી કવિતા અને નાટકમાં મિથનો વિનિયોગ’ ઉપર એમણે શોધકાર્ય કર્યું છે, જેને વર્ષ ૨૦૦૨ના શ્રેષ્ઠ મહાશોધનિબંધનું શ્રી ઉપેન્દ્ર પંડ્યા પારિતોષિક પ્રાપ્ત થયું છે. પ્રશિષ્ટ સર્જકો અને કૃતિઓના વિવેચન તરફ એમની સવિશેષ રુચિ છે. એમના સંશોધન અને વિવેચન લેખો ગુજરાતીના ઉત્તમ સાહિત્યિક સામયિકો ‘એતદ’, ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’, ‘વિદ્યાપીઠ’, ‘સમીપે’, ‘તથાપિ’, ‘પદ્ય’માં સમયાંતરે પ્રગટ થતા રહ્યા છે અને વિદ્વાનોની પ્રશંસા મેળવતા રહ્યા છે. નિર્ભીકતા, સ્પષ્ટવકતૃત્વ અને ઊંડી કળાસૂઝ એમની લેખિનીના વિશેષ છે. સાહિત્ય ઉપરાંત ચિત્રકલા અને શિલ્પ-સ્થાપત્યકલામાં વિશેષ રુચિ ધરાવે છે. તેમનાં ત્રણ પુસ્તકો, જેમાં એક તેમનો શોધનિબંધ અને બે તેમના વિવેચન ગ્રંથો ટૂંક સમયમાં પ્રકાશિત થશે. તેઓ હાલ ગુજરાતી સાહિત્ય પરિષદની ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠ અંતર્ગત ‘પ્રેમાનંદનો આવર્તનાનુસારી શબ્દકોશ’ તૈયાર કરી રહ્યાં છે. તેઓ ગુજરાતી અધ્યાપક સંઘના મંત્રી પદે રહી ચૂક્યાં છે અને હાલ ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના નિયુક્ત સદસ્ય છે.
{{right|મો.: ૯૯૨૪૭૪૨૩૫૧}]
{{right|ઈ-મેઈલઃ manishadave@gmail.com}]