બાબુ સુથારની કવિતા/બાબુ સુથારની કવિતાના વિશેષોઃ મનીષા દવે

From Ekatra Wiki
Revision as of 02:22, 14 April 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બાબુ સુથારની કવિતાના વિશેષોઃ મનીષા દવે

ભાષા વિશેની અભિનિવેશપૂત સભાનતાથી પ્રેરાઈને આધુનિક કવિ તેની નિરપેક્ષ અભિવ્યક્તિ કરવા મથી ભાષાની સ્વાયત્તતા સ્થાપવા ચાહે છે અને એથી કરીને ઈરાદાપૂર્વકની ભાષિક અન્-અર્થતા એની કવિતાનું એક પ્રમુખ લક્ષણ બને છે. પ્રારંભિક તાર્કિકતાનો અભાવ અથવા વિચ્છેદ, ભાષાની ભૌતિક સામગ્રીનું અંતરીકરણ, ઐન્દ્રિયાનુભવની અવ્યવસ્થાનો સભાન સ્વીકાર, પ્રત્યાયનની નિરપેક્ષતા અને મુખરતા - આ બધાના આશ્રયે ભાષાના પારંપરિક પ્રત્યાયન નિરવરુદ્ધ, સાહજિક બોધ અને કવિતાના પ્રારંભિક ભાષાબોધનો વિરોધ કરી કવિકર્મની અને ભાષાની સ્વકીયતા સિદ્ધ કરવા આધુનિક કવિ ભાષાની સામે પ્રતિભાષા અથવા તો એની પોતાની સાહિત્યિક વ્યક્તિભાષા (LITERARY IDEOLECT) કામે લગાડે છે. એક સમૂહ માધ્યમ તરીકે ભાષાની ખોવાઈ ગયેલી પ્રાકૃતિકતા, વૈયક્તિકતા શોધે છે અને એમ કરતાં પારંપરિક ભાષાનો જીવન સાથેનો સંબંધ તોડી નાખે છે. ૨૦મી સદીના નવમા દસમા દાયકાથી સર્જનક્ષેત્રે પ્રવૃત્ત બાબુ સુથાર આ પ્રકારે ભાષાની સમૃદ્ધિ પ્રગટ કરવા માટે સર્જનક્ષેત્રે સતત પ્રયોગો કરે છે. તેમનું લખાણ તેમજ તેમની ભાષાનું પોત તેમની આંતરિક આવશ્યકતામાંથી ઘડાયું છે. પરદેશમાં વસતો અને પોતાની માતૃભાષાથી, માતૃભૂમિથી પણ વિખૂટો પડી ગયેલો સર્જક (બેશક એ પોતાની ઇચ્છાથી ત્યાં છે!) પોતાની સંવેદના, ભાષાપરક લાગણી આ પ્રકારે પ્રગટ કરે છેઃ ભાષાની સામે ભાષા, શબ્દની સામે શબ્દ, અર્થની સામે અર્થ, અન્-અર્થની સામે અન્-અર્થ મૂકી સંવાદિતા પ્રગટાવવા ચાહે છે. તેમના કાવ્યોમાં સામગ્રીરૂપે આવતાં આદિમ સંવેદનો ભારતીય પરંપરાને અનુલક્ષીને સર્જનાત્મક ઉન્મેષ પ્રગટાવે છે. આદિમ તત્ત્વો આધુનિક રચનારીતિ સાથે જોડાઈને ભાવકને એક નવા જગતની સન્મુખ કરે છે. બાબુ સુથાર પાસેથી ગુરુજાપ અને માંલ્લું, વિષાદમહોત્સવ, ઘરઝુરાપો, સાપફેરા, નદીચાલીસા, ડોશી, બાપા અને બીજાં કાવ્યો, ઉદ્વેગ, લખવું એટલે કે... જેવાં કાવ્યસંગ્રહો મળે છે જે તેમની ભાષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ભાવકની કસોટી કરતા અને તેની ભાવયિત્રી પ્રતિભાનો વિસ્તાર ઇચ્છતા આ સર્જક ઇચ્છે છે કે ભાવક પણ પૂરી સજ્જતાથી આ કાવ્ય જગતમાં પ્રવેશે. આ ઉપરાંત કાચંડો અને દર્પણ, વાક્યકથા અને શ્રીમદ્ કાગડાપચ્ચીસી, વળગાડ, નિદ્રાવિયોગ જેવી પ્રયોગશીલ નવલકથાઓ પણ તેમણે આપી છે. - એમાં ય શ્રીમદ્ કાગડાપચ્ચીસી અને વાક્યકથાને તેઓ ‘ફિક્શન’ તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે. કાંચડો અને દર્પણ ને ‘અલગ પ્રકારની નવલકથા’ કહ્યા પછી પણ ‘નવલકથા’ શબ્દ પર છેકો મારે છે! સંપ્રજ્ઞ એવા આ સર્જકના કાવ્યોમાંથી પસાર થઈને પ્રતિનિધિ કાવ્યો શોધવા એ એકાધિક રીતે મૂંઝવણનો અનુભવ કરાવે છે. આ મૂંઝવણનાં કારણો જોઈએ તો પહેલું એની સંપ્રજ્ઞતા, બીજું, એમના કાવ્યોમાં નિરુપાતી તળપદ જીવનરીતિ અને ત્રીજું, જેને ચંદ્રકાન્ત ટોપીવાળા પ્રતિભાષાનું કવચ કહે છે તેવું કવચ રચતી તેમની તીવ્ર આધુનિક બોધ કરાવતી કાવ્યભાષા. કવિ જ્યાં સર્જનાત્મક સામર્થ્ય વડે ઉપરોક્ત બાબતોને કાવ્યરૂપ આપી શક્યા છે ત્યાં ગુજરાતી કવિતાનો એક આગવો અવાજ રચાયો છે. બાબુ સુથારની સર્જકતાથી સંપૃક્ત કાવ્યસાહસો અહીં પસંદ થયેલી પ્રતિનિધિ રચનાઓ રૂપે મૂકાયા છે અને એના સકળ અધ્યાસોની ઓળખ આપવાની મથામણ એટલે આ સંપાદકીય. અહીં જે કાવ્યો પસંદ કર્યાં છે એમાં કેવળ યદૃચ્છા નથી બલ્કે આ સર્જક પ્રારંભથી જે નિસ્બતથી કાવ્યસર્જન કરતા આવ્યા છે એ નિસ્બત સાથે એમણે છેડો ફાડ્યો નથી, એ આજે પણ એ જ અભિનિવેશથી સર્જનકાર્યમાં રત છે એ દર્શાવવાનો છે. શબ્દ તથા અર્થ સાથેનો સંબંધ અને ભાષાની ચિંતા આજે પણ એમને એટલી જ છે. આધુનિક કવિતાનો આગવો ભાવબોધ, ભાષાની સૂક્ષ્મ સંરચના અને અનુઆધુનિક કવિતાની ભારતીય અધ્યાત્મ પરંપરાથી લઈને દેશી જીવનરીતિ, ગ્રામજગતનું આદિમપોત, વતનઝુરાપો જેવી સામગ્રીનો વિનિયોગ સાધવાની રીત આ સર્જકના આઠ કાવ્યોસંગ્રહોમાંથી પસંદ કરેલા કાવ્યોમાં કેવી નીવડી આવી છે તે દરેક કાવ્યસંગ્રહને ધ્યાનમાં રાખીને જોઈએ. ૨૦૦૩માં પ્રગટ થયેલા પ્રથમ કાવ્યસંગ્રહ ‘ગુરુજાપ’ અને ‘માંલ્લું’માં (‘ગુરુજાપ’માં દસ અને ‘માંલ્લું’માં પાંચ એમ કુલ મળીને) પંદર કાવ્યો છે. આ તમામ કાવ્યોનો પ્રારંભ એકસમાન છેઃ ‘ૐ અંતરમંતર/જાદુ તંતર/મેલડી વંતરી/ભૂત શિકોતર/નાડાછડીને ચડ્યાં વેતર/એક નહીં/બે નહીં/ પૂરાં સાડાં તેતર/ ગુરુ પરતાપે હમ જૂઠ નહીં બોલતા/સૂરજ મેરા ગુરુ/આકાશ મેરા ગુરુ/બોડી બામણી મેરા ગુરુ.’ (અહીં પ્રયોજાયેલી સાધુક્કડી બોલી સહેતુક છે.) ‘ગુરુજાપ’ના પ્રથમ કાવ્યમાં શબ્દ અને સત્ વચ્ચે બોલાચાલી થાય છેઃ ‘શબ્દ હઠે ભરાયો, કહેઃ /સત નહીં બોલું/સત્ કહેઃ /શબ્દ વિના હું/ન બોલું/ન ચાલું.’ જેથી શબ્દનો સ્વામી એવો ગુરુ પાસે જઈને શબ્દ તથા સતને ઉગારવાની પ્રાર્થના કરે છેઃ ‘અમે આવ્યા તમારા ચરણોમાં ગુરુ/કરગર્યા અમે તમનેઃ/શબ્દને ઉગારો/સતને ઉગારો/બોલતો કરો શબ્દને/રમતું કરો સતને.’ આ ગુરુ દસેય કાવ્યોમાં ઉપસ્થિત છે જુદા જુદા સંદર્ભો સાથે. (ગુરુ એ પરંપરા છે. પૂર્વજ છે. જ્ઞાન છે.) ભારતીય તળપદ અને ભારતીય આધ્યાત્મિક પરંપરાને જાણનારા ભાવકને દત્તાત્રેયના ચોવીસ ગુરુનું સ્મરણ થઈ આવે. ગુરુશિષ્ય સંવાદની જે પરંપરા ઉપનિષદકાળથી મધ્યકાળ સુધી ચાલી આવી છે તેનો પણ સમુચિત વિનિયોગ અહીં કવિએ કર્યો છે. ગુરુ જંતરમંતર કરી શબ્દ અને સતને ઉગારવાનો પ્રયાસ પોતાની વિદ્યા વડે કરે છે અને કવિતા રચાતી જાય છે જેમ કે ‘ત્યાર પછીની આ પહેલી કવિતા; ત્યાર પછીની આ બીજી કવિતા’ વગેરે વગેરે. વચ્ચે વચ્ચે જિજ્ઞાસુ કાવ્યનાયક પ્રશ્ન પણ પૂછે અને ગુરુ તેનો ઉત્તર અને ઉકેલ આપતા જાય. આ પ્રશ્નો અને ઉકેલ તંત્ર-મંત્ર-મેલીવિદ્યાના સંદર્ભો સાથે આવે છે. અહીં પરંપરાગત પ્રશ્નો જેમ કે જીવ, પીડા, સત, આત્મા શું છેની સાથે ‘કૂલા એટલે શું’, ‘ઘા એટલે શું’, ‘ગળામાં સળગતી બાપાની દોણીની પીડાને ક્યાં બાંધવી’ જેવા પૂછાતા પ્રશ્નો ક્યાંક પરંપરાની ઠેકડી ઉડાવતા લાગે. એનું કારણ સાંપ્રત સમયમાં બની બેઠેલા ગુરુઓ પાસે જ્ઞાનની કોઈ સમૃદ્ધ પરંપરા જ નથી એ છે. આ પ્રશ્નોમાં પીડાની સાથે કટાક્ષ પણ ભળે છે. શબ્દનો મહિમા સમજાવતા ગુરુ કહે છે કે શબ્દ ન હોય તો આ પંચતત્ત્વનું બનેલું જગત પણ ન રહે. કવિ ઈશ્વરને ગુરુ ચીંધ્યાં માર્ગે પ્રસન્ન કરી શબ્દ અને સતને બચાવવાનો પ્રયત્ન કરે છેઃ ‘અમે માગ્યું: શબદને સાચો કરો/બોલતો કરો શબદને/રમતો કરો શબદને/સતમાં/ને સત/શબ્દમાં/લોહીમાં ઉઘાડ કાઢો/તથાસ્તુ કહી/અંતરજામી થઈ ગયા/અલોપ.’ આ સંગ્રહના ‘ગુરુજાપ’ કાવ્યોમાં (અને ‘માંલ્લું’માં પણ) શબદના સતને સાચો કરવાની મથામણ છે. જે શબ્દને આપણે બ્રહ્મ માનીએ છીએ એની શક્તિ પુનઃ પ્રાપ્ત કરવાની છે. ઈશ્વરના વરદાન પછી કક્કો-બારાખડી, પીડા, જન્મ, મરણ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, હ્રસ્વ-દીર્ઘસ્વરો, જોડાક્ષર આમ આખું વ્યાકરણ કવિ અહીં બાંધે છે. આ બાંધવું એટલે પણ જરૂરી અને મહત્ત્વનું છે કે આપણા સમયમાં ભાષાની ગુણવત્તા અને અર્થવત્તા ધીમે ધીમે ફીકી પડી રહી છે અને ભાષાએ પોતાની અસરકારકતા ગુમાવી દીધી છે. અલબત્ત, મુઠ્ઠીભર ભાષકો અને સર્જકોને બાદ કરતા બીજા બધાએ ભાષાના સારભૂત તત્ત્વ પર પ્રહાર કર્યો છે એ સમજાય/અનુભવાય એમ છે. ‘માંલ્લું’નાં પાંચ કાવ્યો ‘ભૂવા દાણા જૂએ છે’ , ‘ભૂવા પડી જૂએ છે’, ‘ભૂવા ગોલ્લાં ને ધૂણાવે છે’, ‘ભૂવા ભૂતપ્રેત કાઢવાની વિધિ કરે છે’, (બાબુ સુથાર વિધિને સ્ત્રીલિંગમાં પ્રયોજે છે એ આશ્ચર્ય છે.), ‘ભૂવા ભૂતપ્રેત કાઢી, સ્મશાને વળાવી ઘેર આવે છે’ જેવા શીર્ષકો ધરાવે છે. કવિના દાદા અને પિતા ભૂવા હતા એટલે આ પ્રકારના વિધિ-વિધાનો એમના આ સંગ્રહ ઉપરાંત અન્ય કાવ્યોમાં પણ જોવા મળે છે. અહીં ભૂતપ્રેત કાઢવાનો જે વિધિ છે એ આપણે જેનાથી ભય પામીએ છીએ એ લૌકિક ભૂતપ્રેત ભગાડવાનો નથી. બલ્કે ભાષાને, વ્યાકરણને, કક્કા-બારાખડીને, શબ્દ, અર્થને ચલણી સિક્કાની જેમ પ્રયોજવાનો જે ‘બૌદ્ધિક’ વળગાડ વળગ્યો છે એને દૂર કરવાનો છે. સાહિત્ય રચવા બેઠેલા ‘સર્જકો’એ ભાષાની જે દુર્દશા કરી છે એમાંથી ભાષાને મુક્ત કરી ભાષાનું શુદ્ધિકરણ કરવાનું છે. ભૂત કાઢવાનું છે તો સ્વાભાવિક જ મેલીવિદ્યાના સંદર્ભ આવે. કાગળ પર કંકુથી ચીતરવું, ઘુવડના નખ, ઘોયડીની જાંઘ, શિયાળશિંગડી, કુંવારિકાના વાળ, ચાર દિશામાં ચાર ખીલા મારવા વગેરે. ભાષાનો ભૂવો ભાષાના વળગાડને માટલીમાં ઉતારે છે અને માટલીનું મોઢું ‘અહં બ્રહ્માસ્મિ’- થી બંધ કરે છે અને માટલી મશાણમાં વળાવી આવે છે. માટલીનું મોં બંધ કરવાનું કારણ એ કે જેથી જે તે ભૂતપ્રેત ફરી પાછા ના આવે. અહીં ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રસિદ્ધ શ્લોક हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं નું સ્મરણ થાય. અલબત્ત, અહીં વિરોધ સ્પષ્ટ છે. આટલા સાત્ત્વિક અને તામસિક વિધિવિધાન પછી પણ બધું ઠેરનું ઠેર છે. કશું સરખું થતું નથી. જૂઓઃ ‘પાછું શું થયું અમને/કોણ મારી છે મૂઠ/અમારા ક ખ ગ ઘ અંગને...’ મૂળ વાત એ છે કે જ્યાં સુધી આપણે આપણી ભાષાનું ગૌરવ નહીં કરીએ ત્યાં સુધી આવા બાહ્ય ઉપચારોનો કોઈ અર્થ નથી. આ એક અવિરતપણે ચાલતી અંતહીન પ્રક્રિયા છે. સર્જક સત્યને સાથ આપવાના સ્થાને અસત્યનો સાથ આપે ત્યારે આ સર્જાતું હોય છે. આ આખી બાબત બાબુ સુથારના ‘ગુરુજાપ’ અને ‘માંલ્લું’માં કાવ્યાત્મક રીતે ઊપસી આવી છે. ૨૦૦૪માં પ્રગટ થયેલું દીર્ઘકાવ્ય વિષાદમહોત્સવ કવિતાના વિષાદનો ઉત્સવ અને નષ્ટ થઈ રહેલી પોતાની ભાષાની ચિંતાને વ્યક્ત કરે છે. અજાગ્રત/અર્ધજાગ્રત મનની પ્રતિક્રિયારૂપે રચાયેલા આ સંગ્રહમાં પોતાની ભાષામાં રચાતા સાહિત્યની વિશેષ કરીને કવિતાની ચિંતા સરરિયલસૃષ્ટિ મિષે પ્રગટી છે. લગભગ ભૂલાઈ ગયેલો સરરિયાલિઝમ બાબુ સુથારના ઘણાં કાવ્યોમાં જોવા મળે છે. વાસ્તવ કરતા પરાવાસ્તવ વધુ રોમાંચક હોય શકે. સરરિયલમાં જગતમાં કોઈ બંધન નથી, કોઈ મર્યાદા નથી. યદૃચ્છાવિહાર છે. કાવ્યના પ્રારંભે જાહેર રસ્તાઓ પર હાથમાં સળગતી દોણી લઈને ટોળેટોળાં નીકળી પડ્યાં છે પણ એમને ખબર નથી કે કોનું અવસાન થયું છે! કાવ્યના અંતે પણ આ જ પ્રશ્ન છે એ સૂચક છે. અહીં સળગતી કાગડી છે જે સળગતા સળગતાં ઈંડા મૂકી રહી છે. પણ એને કવિની જેમ શ્રદ્ધા છે કે ‘એકાદુ ઈંડું બચી જશે તો પણ આ જગત ટકી જશે.’ એથી જ કવિ કાગડીના સળગતાં ઈંડાને માદળિયાંની જેમ પહેરી લે છે. આ કાગડી શ્રદ્ધાનું અને એનું ઈંડું લપટી પડી ગયેલી, અર્થ ગુમાવી બેઠેલી ભાષાનું અને દોણી મૃત્યુનું પ્રતીક બને છે. અલબત્ત આ ઈંડું જ્યારે પક્ષીમાં રૂપાંતરિત થશે ત્યારે ભાષાએ ગુમાવી દીધેલી શ્રદ્ધા પુનઃ નવા સ્વરૂપે પ્રગટશે એવા આશાવાદના ઈંગિત સહૃદય ભાવક પામી શકે છે. દોણીમાં રહેલું સળગતું ઈંડું સમગ્ર કાવ્યપ્રક્રિયાનું સાક્ષી છે. જ્યારે બધું સળગતું હોય ત્યારે સર્જકે કાગડીની જેમ આશાવાદી બનવાનું છે. આ જે સળગે છે તે ભાષા, સાહિત્ય, શબ્દ અને અર્થ છે. કવિ અને કવિ જેવા અસંખ્ય લોકો આ રીતે દોણીમાં સળગતાં ઈંડાંને લઈને ચાલ્યા જાય છે. પણ એમને ખબર નથી કોનું અવસાન થયું છે અને કોની દોણી તેમણે ગળામાં લટકાવી છે?: ‘બધા એકબીજાને પૂછે છેઃ/કોનું અવસાન થયું છે?/તમે પણ પૂછો છોઃ/કોનું અવસાન થયું છે?’ સર્જકને ચિંતા એ થઈ રહી છે કે આપણી ભાષાની બોધકથાઓ ટપોટપ મરી રહી છે. કહેવતોને સનેપાત થયો છે. કવિતામાં શબ્દો નથી પણ પાળિયા છે. શબ્દોને પનોતી બેઠી છે. ભાષા અને ભાષામાં રહેલા ગુહ્ય અર્થો/સંકેતો/પ્રચ્છન્નરૂપે રહેલા જ્ઞાનની રક્ષા સર્જકે કરવાની છે ને સાથે સાથે જ્યારે ભાવકને કોઈ પ્રશ્ન થાય ત્યારે જવાબ પણ આપવાનો છેઃ ‘કવિતાએ પ્રશ્નોના સંગ્રહસ્થાન બનવાનું નથી/કવિતાએ પ્રશ્નોના જવાબ આપવાના છે/સંતોના વારસદાર બનવાનું છે કવિતાએ.’ સાચું તો એ છે કે કવિતાએ જ નહીં બલ્કે સાહિત્યમાત્રમાં શું કહેવાયું છે કરતાં કેવી રીતે કહેવાયું છે એનો મહિમા કરવાનો હોય છે. કવિતા કશું કહે નહીં પણ નિર્દેશ કરે, ચેતોવિસ્તાર કરે એ તો હવે જાણે કે દૂરસુદૂરનો ભૂતકાળ છે. કવિતાએ ઇન્દ્રિયગમ્ય અનુભૂતિની વચ્ચે ભાવકને રમતો મૂકવાનો છે. એણે બયાનબાજી નથી કરવાની બલ્કે ચૈતસિક અનુભવોનું દર્શન કરાવવાનું છે. સર્જકે એનું સર્જકત્વ અળપાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે. કવિતા શું છે, શું હોવી જોઈએ અને શું હતી શું બનવાનું છે એનો ઉત્તર આ સંગ્રહમાંથી શોધવાનું કામ કવિને અપેક્ષિત છે એવા સંપ્રજ્ઞ ભાવક અને સંપ્રજ્ઞ કવિ બેઉનું સહિયારું છે. આ કાવ્યમાં આવતા અશ્વના પીઠ ઉપરની સળગતી ચિતા, કપાળમાં આરપાર થઈને ચાલ્યું જતું વાદળું, લોહીમાં સૂકાતો કબીરવડ, મંકોડાની પીઠમાં તારા ઝબોળતો માણસ, છાતીમાં સળગતી દોણી, સ્તનોને દીવાની જેમ પ્રગટાવતી સ્ત્રી, બિલાડીની આંખો, કૂતરાનાં દાંત, વાઘના નહોર, સાપની જીભને જણતા કાયા વગરના પડછાયા ઇત્યાદિ કલ્પનોમાં સરરિયલ સૃષ્ટિની અભિવ્યક્તિ છે. ચાર ઊથલામાં વિભક્ત ઘરઝુરાપો ૨૦૧૦માં પ્રગટ થાય છે. વતન-પરદેશ, સત્ય-સ્વપ્ન, સાંપ્રત-અતીત, પીડા-આનંદ જેવા દ્વંદ્વમાં સમાન્વિત આ કાવ્યરચનાઓમાં આત્મકથાના અંશો ભળેલા જોઈ શકાય છે. જ્યારે સમય ઝડપથી આગળ વધતો હોય છે ત્યારે પુરાણી સ્મૃતિઓ એને જીવંત રાખે છે. જે સાંસ્કૃતિક સંપદા સર્જકના મનમાં છે, સર્જક જેમાં જીવ્યો છે તે છૂટી ગયું છે અને તેની સામેનું વાસ્તવિક-ભૌતિક જગત ચિત્તમાં પડેલી વતનપ્રીતિ/અતીતરાગને વધુ ગાઢ બનાવે છે. બાબુ સુથાર સઘન ઇન્દ્રિયાનુભૂતિ દ્વારા જ્યાં એ વસે છે એ ફિલાડેલ્ફિયા અને જે હવે ચિત્તવ્યાપારમાં સ્મૃતિરૂપે શ્વસે છે એ પોતાનું ગામ ભરોડી એમ બે સ્થળને એકમેકમાં ભેળવીને પોતાનાં સંવેદનોને તાટસ્થ્યથી નિરૂપે છે. અહીં સતત માનસિક મુસાફરી છે. ચાલતા ચાલતા સિમેન્ટનો રસ્તો ગાડાવાટ બની જાય, મા-બાપની આંગળીઓ તથા ડાંગર અને ઘઉંના કણસલાંની સાથે મોબાઈલના આંકડાની ભેળસેળ થઈ જાય, બાલ્ટીમોર એવન્યુ ગામનું ફળિયું બની જાયઃ ‘આવું આ પહેલાં કદી બન્યું નથી/પણ, આજે બન્યું: જેના પર ચાલતો હતો/એ બાલ્ટીમોર એવન્યુ/મારા ગામનું ફળિયું બની ગયો/એની બેઉ બાજુએ જમરૂખ લાગે એમ ઘર લાગી ગયાં.’ ‘આવું આ પહેલાં કદી બન્યું નથી, કોણ જાણે આવું કેમ થાય છે’ના પડઘા સમગ્ર સંગ્રહમાં સંભળાય છેઃ અને એની સાથે જોડાતી કાવ્યપંક્તિઓ વતનપ્રીતિની તીવ્રતા અને ગમતાં જગતમાં જવું સરળ નથીની વેદનાને પણ નિર્દેશે છેઃ ‘કોણ જાણે આવું કેમ થાય છે?/પડો ફૂટેલી ભોયમાં પગનો અંગૂઠો બુડે/એમ આખું ડિલ બૂડી રહ્યું છે કશાકમાં’; આવું કેમ થયું?/કાગળ પર/ગામનું નામ લખ્યું/કે અક્ષર મેરૈયું બનીને/ઝળહળી ઊઠ્યા....’; ‘આજે આખું શહેર/કેમ જુદું લાગતું હશે?’ અહીં ભૂતકાળની ખોખલી યાદો નથી પણ જ્યાં રહ્યા છે અને જ્યાં સુધી રહ્યા છે એ જગતને પંચેન્દ્રિયોઓથી સેવી સ્મૃતિઓ દ્વારા ફરી પોતાને પામવાનો પ્રયાસ છે. આ બાળપણનું એ જગત છે જ્યાં વારંવાર જવું ગમે છે. જુઓઃ ‘ક્યારેક હું બાએ કહી વિક્રમ રાજાની વાર્તામાં આવતા ઘોડાની પીઠ/પર/હોડી પલાણતો,/તો વળી ક્યારેક મણમૂઠિયું આવે/અને મણ મઠ માગે એની/રાહ જોતો,/શિયાળ ક્યારે મારી સાથે રમવા આવશે?/પડ્યો પડ્યો વિચારતો.’ ક્યારેક આ અતીત એવો પજવે છે કે કેફ ચડે એમ ગામ આખું સ્મૃતિએ ચડે છે. ગોધૂલિવેળા, ધૂળમાં ન્હાતી ચકલીઓ, ગામની સ્ત્રીઓનું આશ્રયસ્થાન એવો કૂવો અને ભરાતા પાણીની સાથે ઢળાતી છલકાતી અફવાઓ, શુક્રનો તારો... અને એની સાથે માનું સ્મરણ અહીં છે. મા સાથેનો વિશિષ્ટ સંબંધ આ કાવ્યસંગ્રહમાં જોઈ શકાય છે. આકાશ ઊઘડશે બાની હથેળી જેવું, બાના દાતરડાને સોનાનું બનાવી દેવાની બાળકલ્પના, બાએ ગુંદેલી ગાર ઇત્યાદિમાં કલ્પનવૈભવ છે. સ્મૃતિની તીવ્રતાને અભિવ્યક્ત કરતું ઘાણેન્દ્રિયનું એક સરસ કલ્પન જોઈએઃ ‘બાએ હમણાં જ દાળમાં વઘાર કર્યો લાગે છે,/નહિ તો આખું ફિલાડેલ્ફિયા/આમ એકાએક હિંગથી તરબોળ ન લાગે.’ બાની સાથે પોતાની બીજી મા એવી માતૃભાષા ગુજરાતીની ચિંતા પણ અહીં છે. ભાષા જેમ દરિદ્ર બની રહી છે એમ સર્જક પણ દરિદ્ર બન્યો છે. એને પોતાની ભાષા સાચવવી છે એટલે એ તારસ્વરે બોલી ઊઠે છે કે ‘ઓ મારી ગુજરાતી ભાષા,/હું આપી આપીને તને શું આપી શકું?’ ઘણું ઘણું આપવું છેઃ વિક્રમરાજાની વાર્તા, પાણીનો ટપ ટપ અવાજ, ભાષાની કસ્તુરી જેવી મહેંક (જે કદાચ હવે નથી રહી) પૂરોગામી સર્જકોની અપૂર્ણ કૃતિઓની હસ્તપ્રત ઇત્યાદિ. લોક, સંસ્કૃતિ અને ભાષાથી પણ દૂર થઈ જવાયું છે એવો ભાવ પણ ઝુરાપાને વધુ તીવ્ર બનાવે છે. ફિલાડેલ્ફિયાથી ભરોડીનું ભૌતિક અંતર બહુ છે પણ ચૈતસિક અંતર નહીં જેવું છે. એ ગામ, ઘર, સંસ્કૃતિ, લોકાચાર, લોક, આદિમ સૃષ્ટિ વગેરે જાણે બીજું હૃદય છે. એક બાજુ પરંપરાગત ગ્રામજગત છે તો બીજી બાજુ ઈશ્વર પણ છળી જાય એવું નગર જગત છે. સાંપ્રતકાળમાં ગામમાં ચાલતા દિવાળીપર્વની સમાંતરે જ ફિલાડેલ્ફિયામાં ગોળીબાર થાય જ છે. અલબત્ત, હવે આ પ્રકારની અમાનવીયતા કે બર્બરતા માનવજાત માટે પહેલી પણ નથી અને નવીન પણ નથી. ‘જેવું આખા અમેરિકામાં બનશે/એવું મારા શહેરમાં પણ બનશે/વરસાદ નહિ હોય તો પણ/ઈશ્વર પોતાનું મોં છૂપાવવા/છત્રી લઈને શહેરના આ છેડેથી પેલા છેડે નીકળી જશે.’ માનવમાં રહેલું દૂરિત એટલું પ્રબળ બની ગયું છે કે હવે ઈશ્વરના હાથમાં પણ જાણે કશું રહ્યું નથી. જેને મુગ્ધતાથી જોતા હતા એ જગત હવે નથી રહ્યુંની વેદના આ સંગ્રહની મોટાભાગની રચનાઓમાં આલેખાઈ છે. ઘરઝુરાપો કવિના મતે ‘ચોઘડિયાંમાંથી સંવત’ (સાથે ‘કાચંડાસંવત’) બનવાની ઘટના છે. ‘હું જોઉં છું: સર્વત્ર જયજયકાર છે/કાચંડાઓનો./સર્વત્ર ફરકી રહી છે એમની/લીલી અને કેસરી ધજાઓ/નાનપણમાં મેં જે મેરૈયાં મૂક્યાં હતાં. એ મંગાકાકાની વાડ પણ/બચી નથી/કે/મારા ગામમાં શાક વેચવા આવતી હતી/એ ચાંદબીબીની કબર પણ/બચી નથી.’ આ પંક્તિઓ સૂચવે છે કે સાંપ્રદાયિક ઝઘડાઓમાં જૂના સંબંધ ભૂલાઈ ગયા છે અને કોમવાદ હવે વધુ વરવા સ્વરૂપે દેખાવા લાગ્યો છે. આ કાવ્યને જુદા અર્થમાં સમકાલીન ઘટનાઓના પ્રતિભાવરૂપે જોઈ શકાય. જેમનો સર્વત્ર જયજયકાર થઈ રહ્યો છે, જેઓ સભાઓ ભરે છે એ લીલા અને ભગવા રંગના કાચંડાના અર્થ સ્વયંસ્પષ્ટ છે. માટે જ ઘરઝુરાપાનો હવે કોઈ અર્થ નથી. અને એથી જ નાના બાળકને જેમ મોટેરાં વ્હાલથી ઊંચકી લે એમ ગામનો પાદર પણ પોતાને ઊંચકી લેશે એવી કલ્પના કરતો સર્જક ગામમાં, વતનમાં પ્રવેશ કરતા લોહીલુહાણ થઈ જાય છે. આ બધી જ કવિતા એક સળંગ કાવ્યનો અનુભવ કરાવે છે જેનો આરંભ ઘરઝુરાપાથી થાય છે અને અંત કવિની નિર્ભ્રાન્તિમાં આવે છે. કવિની આ કાવ્યસંરચના પણ રસપ્રદ બની છે. ૨૦૦૪માં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ સાપફેરામાં કેન્દ્રસ્થાને છે. માનવીની બે મૂળભૂત લાગણીઓ જીવનપ્રેરણા અને મૃત્યુપ્રેરણા પૈકીની મૃત્યુપ્રેરણા અને એને પ્રગટ કરવા માટે તેમણે કવિતાના નવીન કક્કો બારાખડી સર્જ્યાં છે. કાવ્યના શબ્દને મુક્ત કરી સ્વયંપર્યાપ્ત બનાવી, કવિતાને તર્કમુક્ત અર્થાતીત બનાવી છે. આ કાવ્યસંગ્રહની ‘મરણ એકાદશી’ની અગિયાર રચનાઓ ઉપરાંત અન્યત્ર પણ સતત આવતાં રહેતાં સાપ, કરોળિયો, ઘુવડ, શબ, ઈયળ, અંધકાર, ગીધ વગેરે અચેતન મનના પ્રતીક બની મૃત્યુપ્રેરણાના ભાવને વારંવાર ઘૂંટીને વધુ તીવ્ર બનાવે છે. આ ઉપરાંત અતીતરાગ, સ્વની શોધ વગેરે પણ આ કાવ્યોમાં જોવા મળે છે. કવિની મૃત્યુ પછીની ઇચ્છા શું છે જુઓ; ‘હું ઇચ્છું છું/કે/મારા અવસાન પછી/મારી નનામીને/ચાર ઈયળો ઊંચકીને/ચાલતી હોય,/દોણી, બીજું કોઈ નહીં/પણ/એક તીતીઘોડો/લઈને ચાલતો હોય/ડાઘુઓમાં થોડાક/કીડા હોય/મંકોડા હોય/પેલી રાતી રાતી ઝેમોલો હોય/ઊધઈ પણ હોય/અને/ઘોઘા પણ હોય.’ કાવ્યનાયક પોતાની સ્મશાનયાત્રામાં પતંગિયાને નથી ઇચ્છતો. પતંગિયા પાસે રૂપ છે પણ ભાષા અર્થાત અવાજ નથી. પણ એની જગ્યાએ દેડકાને ઇચ્છે છે કેમ કે એમનું ડ્રાઉં ડ્રાઉં પોતાના દેહમાં (પોતાના ગયા પછી) નિરાધાર બની ગયેલી ભાષાની બારાખડીને આશ્વાસન આપશે એવી એમને શ્રદ્ધા છે. ‘સાપફેરા-૨’ની રચના કવિકર્મની દૃષ્ટિએ તો ખરી જ, પણ એમાં રહેલી વક્રતાને કારણે પણ સંતર્પક નીવડી આવી છે. અજવાળું લઈને સતત અંધારું શોધતો સાપ ‘હું’ સાથે સાહચર્ય ધરાવે છે. મંકોડાને, આઠ કૂવા અને નવ વાવડીને, દેહમાં થડાં કરી વસતા પૂર્વજોને અંધારું લઈને અજવાળું આપવાની શરત કરતો સાપ મનુષ્યની શાશ્વત વેદનાનું પ્રતીક બને છે, કારણ જે નથી એની ઝંખના છે, શોધ છે, ને જે ‘છે’ એનું મૂલ્ય નથી. પણ અહીં વિરોધ છે. સામાન્ય રીતે આપણે અજવાળું શોધતા હોઈએ છીએ પણ આ પરિસ્થિતિ વિપરીત છેઃ ‘નથી બુઝાતું આ અજવાળું/જન્મ્યો ત્યારથી/નથી ભાળ્યાં અંધારા/ગર્ભદેહે હતો ત્યારે પણ/આ ફાનસ મારા દાંતમાં લટકતી હતી’ જેવી પંક્તિઓનું ત્રણ વાર થતું પુનરાવર્તન કરુણગર્ભ સ્થિતિ સૂચક છે. અંધારાને ઝંખતો ને એથી વારંવાર ફૂંક મારી ફાનસ ઓલવવા મથતો સાપ ચાંદો બુઝાવી શકે છે, ફાનસ નહીં. ને કાવ્યાંતે જ્યારે તે ફાનસ ઓલવવા શક્તિમાન બને છે ત્યારે ચાંદો ઝળહળી ઊઠે છે એટલે સાપ ફરી એક વાર અંધારાની શોધમાં નીકળી પડે છે. એની પાસે અંધારાનો કોઈ વિકલ્પ નથી. અંધારાની સતત શોધ કરતા સાપમાં કાવ્યનાયકનું પ્રક્ષેપણ જોઈ શકાય છે. તેને કોઈ મદદ કરી શકે એમ નથી. અંધારું એ કશાક અગમ્ય ઇચ્છિતનું પ્રતીક છે જેની પ્રાપ્તિ અસંભવિત છે છતાં એની શોધ છે. એનું વૈફલ્ય, કરુણ સમગ્ર કૃતિનું હાર્દ છે. ‘વારતાકાવ્યો’ ગોકળગાય, મંકોડો, દંતકથા અને તારાના અસ્તિત્વલોપના કાવ્યો છે. ગોકળગાય જિજ્ઞાસાને કારણે, મંકોડો પ્રલોભનને લીધે, દંતકથા જીદને કારણે અને તારો પરાક્રમની લાલસાએ પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે છે. ‘સાપફેરા’ શીર્ષક લખચોરાસી ફેરાનો ભાવસંદર્ભ છે. પૂર્વજન્મ અને પુનર્જન્મમાં માનતો અને વિશ્વાસ ધરાવતો કવિ કાવ્યપરંપરાનો વિદ્રોહ કરી જીવનપરંપરા સાથે અનુસંધાન રચે છે. ૨૦૦૫માં આવેલા કાવ્યસંગ્રહ નદીચાલીસામાં એક જ વિષય પર લખાયેલાં ૪૦ કાવ્યો છે. ઋગ્વેદના ત્રીજા મંડળમાં આવતા ‘નદીસૂક્ત’માં વિશ્વામિત્ર માર્ગ આપવા માટે વિપાશા (બિયાસ) અને શતુદ્રી (સતલજ)ને વિનંતી કરે છે, તેમની પ્રશંસા કરે છે, ગર્ભિત ધમકી પણ આપે છે. નદી માર્ગ તો આપે છે પણ સાથે સાથે પ્રાર્થના પણ કરે છે કે ‘તારા વચનોને વિસારીશ નહીં.’ કવિએ અહીં નદીસૂક્તનો સીધો વિનિયોગ નથી કર્યો પણ વચનો વિસારીશ નહી’ એ પંક્તિ વચનને ભાષા સાથે જોડી આપે છે એમ કહી શકાય. નદી સંસ્કૃતિના ઊગમકાળથી મનુષ્ય સાથે જોડાયેલી રહી છે. આપણી (અને જગતની બધી જ) સંસ્કૃતિ નદીકાંઠે જન્મી, પાંગરી, વિકસી. રિવાજો, વિધિવિધાન, કર્મકાંડ નિમિત્તે સમાજ અસ્તિત્વમાં આવ્યો. માનવ સુસંસ્કૃત થતો ગયો અને સંસ્કૃતિની અતિશયતા વિકૃતિમાં પરિણમી. એણે નદીનાં વહેતાં જળ બાંધ્યાં; જેની માતા ગણી પૂજા કરી એને ભૌગોલિક સીમાઓમાં વિભાજિત કરી. સમાંતરે ભાષાની પણ એ જ અવસ્થા થઈ. નદીને કેન્દ્રમાં રાખીને, સંવાદિતા ગુમાવી બેઠેલો માણસ પુનઃ સંવાદિતા પ્રાપ્ત કરી શકે એ માટે કવિ સંવાદ રચે છે. બાહ્ય વાસ્તવિકતા અને ચૈતસિક સૃષ્ટિ વચ્ચે સંવાદિતા સ્થાપવાનો કે દર્શાવવાનો અભિગમ આ શોધયાત્રાના મૂળ છે. સમગ્ર સંદર્ભમાં સફરજન અને નદીને પ્રતીકરૂપે પ્રયોજીને કવિ એના અર્થસંકેતો વિસ્તારે છે. સફરજનના જ્ઞાનપ્રાપ્તિના પ્રતીકરૂપે એવા બે સંદર્ભો જાણીતા છે. આદમ અને ઈવે સફરજન ખાધું અને એમને એમની નગ્નતાનું ભાન થયું. આ પ્રથમ સંદર્ભ ન્યૂટને ઉપરથી નીચે પડતા સફરજનને જોઈને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો એ બીજો સંદર્ભ ત્રીજો સંદર્ભ કવિનો પોતીકો છે. નદી સફરજનમાં છે ને એને શોધવાની છે. આ શોધ કવિની વિચારણા છે. જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેય એકમેકમાં ભળી ગયા છે. સફરજન (જ્ઞાન) અને કવિતા-ભાષા-વહી ગયેલો સમય અને સત (સત એટલે આપણું ઋત) એકમેકમાં સંયુક્ત છે. ‘નદીચાલીસા’ અર્ધજાગૃતાવસ્થાનો આધાર લઈને કવિતાની શોધ માટે રચાયેલો મનોવ્યાપાર છે. દેખાતા અને અનુભવાતા જગતનું આલેખન આ શોધયાત્રા નિમિત્તે કરાયું છે. ‘હું મૂકું છું.’ કાવ્યમાં જ આનો નિર્દેશ છે. ‘હું સ્વપ્નમાં છું/કે/સ્વપ્નની બહાર/મને ખબર નથી.’ શરીર અને મન, ભૌતિકતા અને આંતરચેતના વચ્ચેનો સંબંધ સ્થાપવાનું અતિવાસ્તવિક વલણ આ કવિતાના કેન્દ્રમાં છે. જાગતિક કે સ્વકીય દર્શન સ્વપ્ન અને મૃત્યુના ચિત્રણ દ્વારા ભારપૂર્વક પ્રગટ થઈ શકે છે. જેમ સ્વપ્નમાં બધું શક્ય છે તેમ સર્જનપ્રક્રિયામાં બધું શક્ય હોય છે. આ કાવ્યમાં શોધયાત્રા દરમ્યાન પણ સર્જકનો અતીતરાગ પણ પ્રગટે છે. અંત અને અનંતની વચ્ચે એક સમયે વહેતી નદી, લાખા વણઝારાની પોઠોનાં પગલાંમાં વેરાઈ ગયેલું ગામ, પીપળાનાં પાંદડાંમાં ડૂબી ગયેલો ગામનો ફેરકૂવો, પૂર્વજોના અવાજ અને દૂરસુદૂરના ભૂતકાળના હડપ્પા અને મૂએં-જો-દડો જેવા સંદર્ભોમાં અતીતરાગી અનુરાગ છે, તો બકરાની લીંડીમાં સાત માથોડું ઊતરી ગયેલો મહાવાક્યોનો મુગુટ, લણાતો કક્કા-બારાખડીનો પાક ભાષાની ચિંતાના સૂચક છે. ‘લાલની પાસે પીળો’ કાવ્યમાં મુંડકોપનિષદ-શ્વેતાશ્વતારોપનિષદના પ્રસિદ્ધ શ્લોક ‘દ્વા સુપર્ણા સયુજા’ સામે વાન હોખના સુપ્રસિદ્ધ ચિત્ર ‘સૂરજમુખીનાં ફૂલો’નો સંદર્ભ વ્યંગ્યાત્મક સહોપસ્થિતિ રચે છેઃ ‘સૂરજમુખીના ફૂલની ધારે ધારે / ડાંગરના છોડ / છોડને કણસલે કણસલે / બબ્બે પક્ષી / એક / ડાબે / એક / જમણે/ એક બેઠું બેઠું / ખાય / બીજું / ફોતરાં / ગણે.’ અહીં રંગોની એક સૃષ્ટિ પણ વિખરાયેલી પડી છેઃ ‘લાલની પાસે/પીળો//લોહીની પાસે/લીલો/પીળા પાસે/લીલો.’ આ કાવ્યમાં રાવજી પટેલના મૃત્યુના સંદર્ભે મરી ગયેલો ઘોડો, કરચલો, ઈયળ, લોહીની ભાગોળ આકાશ જેવા અચેતન મનમાં રહેલાં મૃત્યુના પ્રતીકો પણ છે તો એના વિરોધમાં સૂરજમુખીની નાભિમાં એક ચાકુના હાથા પર ફૂટેલી કૂંપળો જીવનનો સંદર્ભ સૂચવે છે. જે ખોવાઈ ગયું છે તેને શોધવાના પ્રયત્નરૂપે નાયક વાન હોખનાં ચિત્રો જુએ છે. ને હાડકાંના રાફડામાં રહેતા પૂર્વજો સાથે બારાખડી વ્યવહાર કરે છે - એ જાણે છે એમ નદી નથી મળવાની છતાં. શૈશવમાં ઉમરા પરથી સાત માથોડાં ઊંડા ધરામાં ઝંપલાવી શકતો નાયક વર્તમાનમાં પુખ્ય વયે જળની સપાટી પર કરોળિયાના થૂંકમાં અટવાઈ જાય છે. જળની સપાટી સામે ‘તોડવું’ ક્રિયાપદ ધ્યાનાર્હ છે. જળની તૂટતી સપાટી અપ્રત્યાયિત અવસ્થાનું પણ દ્યોતક છે. ને એ માટે પણ કવિતા રચવાની છે. કવિતા માટે જે તારા શોધવા નાયક જળમાં પડ્યો છે એ તારા આંગળીથી નખ જેટલા વેગળા છે એમ કહેવામાં ‘આંગળીથી નખ વેગળા’ કહેવતનો સમુચિત ઉપયોગ થયો છે. કવિને આશા છે કે ભલે ને તારા આંગળીથી નખ જેટલાં જ વેગળા હોય પણ એ હમણાં જ તારા લઈને બહાર આવશે. સફરજનને ડીશમાં મૂકી કવિ કાગળની બહાર નીકળી જાય છે અને ભાવકને કાગળમાં રહેવા દે છે. અહીં લાભશંકરનાં બૂમ કાગળમાં કોરાની કાવ્યરચના ૧૯ની ‘ટેબલ પર તાજું સફરજન શબ્દનું/બાજુમાં કાચની ડિશ જેવો કાગળ’નો પ્રભાવ જોઈ શકાય છે. અલબત્ત, બંનેના સંદર્ભ એકમેકથી સર્વથા ભિન્ન છે. હવે ભાવકના ચિત્તમાં પુનઃસર્જન થવાનું છે એવા નિર્દેશની સાથે સર્જનપ્રક્રિયા અને શોધયાત્રા કવિ પૂરતી સીમિત ન રહેતાં ભાવક સુધી લંબાશે એ પણ સમજી શકાય એમ છે. શક્ય છે કદાચ ખોવાઈ ગયેલી નદી ભાવકને મળી જાય. કાવ્યાન્તે આ વાતનો ઉલ્લેખ આવે છેઃ ‘હું જોઉં છું/એક નદી તમારી તરફ/આવી રહી છે/નાડાછડીના કટકે બાંધેલી.’ અંદરથી અને બહારથી વિચ્છેદાયેલી ભાષાને સર્જક, આદિમ-પૌરાણિક પરિવેશ અને ભાવક સાથે સાંકળીને આગવું વિશ્વ રચે છે. ‘નદીચાલીસા’માં આલેખાયેલો અતીતરાગ અર્થ નિશ્ચિત કરવાનો, મૂળ શોધવાનો સાંસ્કૃતિક અને ભાષિક પ્રયાસ છે. ૧૯ વર્ષના લાંબા અંતરાલ પછી બાબુ સુથાર ૨૦૨૩માં બે કાવ્યસંગ્રહો ‘ડોશી, બાપ અને બીજાં કાવ્યો’ અને ગદ્યકાવ્યોનો સંગ્રહ ‘ઉદ્વેગ’ આપે છે. બંનેનું ભાવવિશ્વ એકમેકથી સર્વથા ભિન્ન છે. બા અને બાપુજીના અવસાન નિમિત્તે પોતે જઈ શક્યા નહોતા એનો અપરાધભાવ અને એમના પ્રતિની લાગણી એમને ‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ લખાવે છે. ‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’માંના ‘ડોશી’ અને ‘બાપા’ જૂથનાં કાવ્યોમાં બા અને બાપાનાં મૃત્યુની સાથે ઘણે ઠેકાણે, અલબત્ત, સ્વપ્નમાં જ કરેલો પોતાના મૃત્યુનો સહજ સ્વીકાર કેન્દ્રમાં છે. આ સંગ્રહ ચાર ભાગમાં વિભાજિત છે; ‘ડોશી’, ‘બાપા’, ‘પૂર્વજો’ અને ‘ઘરઝુરાપો’. ચાર ખંડ ભલે હોય પણ એ સર્વને જોડે છે કવિનું ગામ, ખેતર, ઢોરઢાંખર, નદી, વૃક્ષો અને આદિમ જગતની લોકમાનસમાં દૃઢ થયેલી શિકોતર, વંતરી, બાબરિયો, મશાણિયો, લાખો વણઝારો, ગામછેડાની માતા, પૂર્વજો વગેરેની રહસ્યમય સૃષ્ટિ. અને એ રીતે કવિનો ભૂતકાળ સાથેનો સંબંધ આલેખાતો રહે છે. ચૈતસિક સમયની સાથે આકાંક્ષા, માનસિક રઝળપાટ, અભાવ, ઝુરાપો પણ અહીં છે. આ સંગ્રહમાં પૂરી તટસ્થતાથી-નિર્મમતાથી નહીં- મા-બાપના મૃત્યુનો સ્વીકાર છે. મા અને પિતાનાં મૃત્યુ સમયે પોતે હાજર નહોતા રહી શક્યાના દુઃખ સાથે માબાપા કેવા અલગારી જીવ હતાં તેનું નિરુપણ કવિએ કર્યું છે. કવિનાં મા (અને પિતા પણ) મૃત્યુને જે રીતે સ્વીકારે છે/આવકારે છે એ આખીય સંરચના કવિએ કરેલા પરકાયાપ્રવેશને કારણે રસપ્રદ બની છેઃ ‘ડોશીને લાગ્યું કે/એનો અંત હવે નજીક છે/ત્યારે તે ચૂપચાપ ઊભી થઈ./કાતરિયામાં વરસોથી મૂકી રાખેલાં/વાંસના ચાર લાકડાં/અને કાથીનું પિલ્લું/નીચે ઉતારી બાંધી દીધી/એની પોતાની એક ઠાઠડી.’ પછી જાતે નનામીના ચાર ખૂણે નાળિયેર લગાવે છે, કોરીકટ માટલીમાં છાણાં મૂકી ઉપર દેવતા મૂકે છે અને પિયરથી લાવેલાં કોરાં લુગડાં પહેરીને સૂઈ જાય છે. નાળિયેર, કોરાં લુગડાં, વાંસના લાકડાં, કોરી માટલી, છાણાં, દેવતા - આમાંની કેટલીક વસ્તુઓ શુભ અને અશુભ બેઉ પ્રસંગમાં આવશ્યક હોય છે - ઇત્યાદિ સંદર્ભો ભારતીય સંસ્કૃતિને પણ સૂચવે છે. અન્ય એક કાવ્યમાં પૂર્વજો ડોશીને પોતાની સાથે લઈ જવા આવે છે ત્યારે ‘જેમ ખોળામાંથી બાળક ઊભું થાય’ એવી સહજતાથી ડોશી ચાલી નીકળે છે. મૃત્યુનો નિર્લેપતાથી સ્વીકાર કરતી માનો જીવ ભેંશને પાણી નથી પીવડાવ્યું, ક્યાંક વાલોળનું શાક કરવાનું બાકી છે, જેવા દુન્યવી કારણોસર જતો નથી. તો વૈતરણી પાર કરવા એને ગાય નહીં પણ એમની બોડી ભેંસ જોઈએ છે. એમને મહિષ સાથે જવા કેવડાનું ફૂલ નહીં પણ મગફળીનું ફૂલ ખપે છે. આ કારણો શહેરીજનો અથવા આધુનિક લોકોને સાવ ક્ષુલ્લક લાગે એમ બને, પણ જેમનાં મૂળ આ ધરતી સાથે મજબૂત રીતે જોડાયેલાં છે તેવા લોકો અહીં ડોશીના જીવ ન જવાનાં કારણોને સંવેદી શકશે. કાવ્યના બીજા ખંડ ‘બાપા’માં કોયા ઠાર તરીકે પંથકમાં ઓળખાતા ભડ અને કાર્યદક્ષ પિતા ગામમાં આવતી કોઈ પણ આપત્તિને દૂર કરવાની આવડત અથવા શક્તિ ધરાવે છે. એ પછી ગામમાં આવતું વાવાઝોડું હોય કે ચઢી આવેલા બહારવટિયા હોય, સૂકો દુકાળ પડ્યો હોય કે પછી નદીમાં આવતાં પૂર હોય. એક કાવ્યમાં એથી ગામલોકો કહે છે ‘એ જ આપણને રાજા બનાવે/એ જ આપણને વનમાં લઈ જાય/ એ જ આપણને વનમાંથી હેમખેમ પાછો લાવે/એ જ કોયો ઠાર.’ આવા જોરુકા કોયા ઠાર દાણા જૂએ છે. આ દાણા બોલતા નથી ત્યારે મનોમન પોતાને કહે છે કે ‘પણ, હું હારું તો કોયો ઠાર શાનો? આ કોયો ઠારના મૃત્યુનો દિવસ યમરાજ ભૂલી જાય છે, પણ કોયા ઠાર નથી ભૂલતા. યમરાજાના પાડા પર બેસનાર કોયા ઠારને યમરાજ કહે છે હજી તમારો સમય નથી થયો ત્યારે કોયા ઠાર કહે છે કે, ‘તમે તપાસ કરો/મારો સમય તો ક્યારનો થઈ ગયેલો/તમે મોડા આવ્યા/યમરાજાએ તપાસ કરી તો એમને કોયા ઠાર સાચા લાગ્યા.’ અહીં પણ મૃત્યુનો સહજ અને તટસ્થ સ્વીકાર છે. ‘બધું જ બરાબર કરેલું’ કાવ્યમાં પિતાની જેમ લાકડાનો ઘોડો બનાવવા બેસતો નાયક બરાબર માપ લે છે તો ય ઘોડો વાંકો બને છે. નાયક સમજી શકતો નથી કે આમ કેમ બન્યું? પણ પછી ખ્યાલ આવે છે કે ઘોડો બનાવતી વખતે એણે પેન્સિલ બાપાની જેમ કાને નહોતી ભરાવી... કેટલાં ઓછાં શબ્દોમાં સુથારીકામ કરતા પિતાનું ચિત્ર તાદૃશ થયું છે! સંગ્રહનો ત્રીજો ખંડ પૂર્વજોનો સંદર્ભ લઈને આવે છે. ભારતીય સંસ્કૃતિની માફક વિશ્વની અનેક સંસ્કૃતિઓમાં પણ પૂર્વજોની વાત જોવા મળે છે. પૂર્વજ દેવતુલ્ય મનાય છે. એ રીતે પૂર્વજ એક પરંપરા છે, સંસ્કૃતિ છે, ભૂતકાળ છે, વારસો છે, વડીલ છે, જ્ઞાન છે, ડહાપણ છે. પરંતુ આજનો માણસ પૂર્વજોથી કેવો વિમુખ થયો છે એની વેદના ‘પૂર્વજો’માં વ્યક્ત થઈ છે. ‘રાત પડે ને/ચોતરે/પૂર્વજો ભેગા થઈ/રાહ જોતા હોય છે/ગામલોકો એમની પાસે આવે એની.’ પૂર્વજો પાસે તમામ વાતના ઉકેલ છે પણ લોકોને એમાં રસ નથી. અપિતુ કવિ ઇચ્છે છે કે એમના પૂર્વજો પાછા આવે. માર્ગદર્શન આપે. કારણ એ જાણે છે કે ‘જ્યારે શબ્દો અર્થ વ્યક્ત ન કરી શકે ત્યારે/દેવો કામ ન લાગે/ત્યારે પૂર્વજો કામ લાગે/જે સ્વર્ગમાં રહે એ આપણા શબ્દને/કઈ રીતે જોઈ શકે/આપણા જગત સાથે?’ અર્થાત દેવો તો દૂરસુદૂર છે જ્યારે પૂર્વજો સાથે આપણે આનુવંશિક રીતે લોહીના સંબંધે જોડાયેલા છીએ. અને એથી કવિની દૃષ્ટિએ પૂર્વજો દેવો કરતા આપણી વધુ નિકટ છે. કવિની જેમ કોઈક બીજું પણ પૂર્વજો માટે ચિંતિત છે. ‘એક ડાહ્યો માણસ’ એ પૂર્વજોને પાછા વાળવા બૂમો પાડે છે. ત્યાં જ આકાશવાણી થાય છે કે ‘હે નગરજનો તમે ચિંતા ન કરો/અમે તમારા નવા પૂર્વજો ઊભા કરી દીધા છે./એ પૂર્વજો તમારા આજ્ઞાંકિત બનીને રહેશે તમારી સાથે.’ આ નવા પૂર્વજો માનવજાતનું શું કરશે એ જુદો પ્રશ્ન છે. કવિ પોતે પણ નજીકના સમયમાં પૂર્વજ બની જવાના છે એના નિર્દેશો પણ કેટલાંક કાવ્યોમાં જોવા મળે છે. પૂર્વજ બનવું એટલે મરણને સ્વીકારવું એવો એક અન્ય અર્થ પણ લઈ શકાય. મા અને બાપની જેમ કવિ પણ મરણને તટસ્થતાથી સ્વીકારે છેઃ ‘મેં મારા પૂર્વજોના આદેશથી/એક પણ જનમમાં/ન મરવાની અંચઈ કરી નથી/આ ચોર્યાસી હજાર જનમમાં પણ હું/એમ જ કરવાનો છું.’ અન્ય એક કાવ્યમાં પણ કવિ કહે છે કે ‘ડાંગરનાં પાંદડા પરથી સૂરજની સળીઓ વીણતાં મેં જોયું;/મારો દીકરો મને જમણાં અંગૂઠે આપી રહ્યો છે અગ્નિદાહ.’ ચોથો ખંડ ‘ઘરઝુરાપો ફરી એક વાર’ વતન વિચ્છેદને આલેખતાં કાવ્યોનો છે. ચાર ઊથલામાં િવભક્ત ઘરઝુરાપો ૨૦૧૦માં પ્રગટ થયો હતો એનું અનુસંધાન ‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ના આ ચોથા ભાગ સાથે જોઈ શકાય છે. અલબત્ત બે વચ્ચે ખાસો સમયગાળો છે. અહીં ઘરઝુરાપાની સાથે વતનનો વિરહ, સ્મરણો, એને કારણે ઉપજતો વિષાદ, લાગણી, પીડા, વેદના, અતીતરાગ સ્વાભાવિકપણે આવે. એક સ્થળ, એક ઘર, એક કુટુંબ વગર જીવન કેવું જીવાય? તદુપરાંત વતનથી દૂર ગયેલો માણસ વતનથી, ઘરથી જુદા પડવાનું જે સંવેદન અનુભવે તેનું આલેખન આ સંગ્રહમાં છે. સમયની ગતિ સાથે તાલ મેળવી ન શકાય ત્યારે કોઈ એક સમયનો સમૃદ્ધ ભૂતકાળ પાછલે દરવાજેથી પ્રવેશી પુનઃ પોતાને ગુમાવી લીધેલા સ્વને શોધી આપે છે એટલું જ નહીં બલ્કે ભૂતકાળનાં સંસ્મરણો સાથે કેટલું જોડાયેલું છે અને કેટલું છૂટી ગયું છે એ પણ સમજાવે છે. ‘નાનો હતો ત્યારે’ કાવ્યમાં છૂટા ગયેલા દેશને પરદેશમાં શોધવાનો ઉપક્રમ આસ્વાદ્ય છે. હવે હું મારું ઘર છોડીને/અમેરિકા આવ્યો છું/અહીં મારા આંગણામાં લીમડો નથી/પણ એક વૃક્ષ છે ખરું/એ શાનું વૃક્ષ છે એની મને ખબર નથી/પણ હું એને લીમડો માનીને ઘણી વાર/એમાં સંતાઈ જતો હોઉં છું/અને એ પણ ઘણી વાર બાબુ બનીને/મારામાં સંતાઈ જતું હોય છે/ઘર છોડ્યાં પછી બસ આટલી જ/એક ઘટના બનતી હોય છે/એક અજાણ્યા વૃક્ષને માણસે લીમડો/અને એ વૃક્ષે એક અજાણ્યા માણસને બાબુ/માનવો પડતો હોય છે.’ માણસે મનેકમને પરિસ્થિતિ સાથે સમાધાન કરવાનું છે/કરવું પડે એ કારુણ્ય આ કાવ્યમાં સ્પષ્ટ થાય છે. જામફળીનો હાથ ઝાલીને શૈશવની મુગ્ધતાઓનું આલેખન કરતું કાવ્ય ‘વરસાદ પડી રહ્યો છે’ સુરેશ જોષીનું સહજ સ્મરણ કરાવે. જામફળીનો હાથ ઝાલવાની-પકડવાની નહીં-કલ્પના જ એ મુગ્ધ લોકમાં લઈ જાય છે. એ કોતરો, કોતરને આપેલાં પગલાં, તળાવને વાર્તામાંથી ચોરીને આપેલાં રાજકુંવરીના ઝાંઝર, ડુંગર અને ડુંગર નીચેના પથ્થરમાં દાટેલો દૂધિયો દાંત વગેરે મનગમતાં જગતનાં સૂચક છે. હવે વય વધી છે એટલે આ બધું પાછું લઈ આવવું છે. આ ‘પાછું લઈ આવવું’ હજુ પેલું નિર્દોષ બાળપણ સમયની સાથે ગુમાવ્યું નથી એની તો સાખ પૂરે જ છે પણ સાથે ‘હવે સમય થયો છે/ઈશ્વરે આપેલું ઈશ્વરને પાછું આપવાનું’ જેવી પંક્તિમાં મૃત્યુનો સંકેત પડેલો છે. ‘મધરાતનો સમય છે.’ કાવ્યમાં મા પ્રતિનો સ્નેહ અને એની કૂખે પુનઃજન્મ લેવાની ઇચ્છા વિશિષ્ટ રીતે આલેખાઈ છે. ફરી એક વાર જનમવા મજબૂર કરનારી નારીનાં કલ્પનમાં કવિના પોતાના મરણનો સંદર્ભ જોઈ શકાય છે. ‘ક્યાંક દૂરદૂર એક નગરીમાં/એક નારી હજી મને ઝંખી રહી છે/હું જોઉં છું: એ સૂતી છે/પડખું પણ ફરતી નથી/એ હજી એવું માને છે કે હું એની પડખે છું/મને લાગે છે કે એ નારી મને ફરી એક વાર/માણસ તરીકે જનમવા મજબૂર કરશે.’ ગદ્યકાવ્યસંગ્રહ ઉદ્વેગની પ્રસ્તાવનામાં આ કાવ્યો લખવાનું કારણ જણાવતાં કહે છે કે એક માણસે મને કેદી બનાવ્યો છે અને જ્યારે મને તરસ લાગે ત્યારે ઢોલનગારાં વગાડતો એ મને કોઈ સૂકાં ઝરણાં પાસે લઈ જાય છે. હું એ માણસમાંથી મુક્તિ મેળવવા માટે કવિતા લખતો હોઉં છું. આ બાવન કાવ્યો એના ભાગરૂપે. અલબત્ત, આ એમના તમામ કાવ્યસંચય માટે પણ એટલું જ સાચું છે. આ કાવ્યસંગ્રહના કેન્દ્રમાં માનવમૂલ્યના હનન અને પતનની સાથે સત્તાકેન્દ્રો અને ઈશ્વર સામે વિદ્રોહ છે. ‘હું સૂતો હતો...’થી પ્રારંભાતું કાવ્ય અપ્રત્યાયિત અવસ્થાનું સૂચક છે. અહીં જે અનુભવ વર્ણવાયો છે એ પરાવાસ્તવનું ઈંગિત કરે છે. અહીં મૃત્યુનો સંદર્ભ અભિપ્રેત છે પણ આ મૃત્યુ સાધારણ અર્થમાં મૃત્યુ નથી, બલ્કે એક સભ્યતાનું મૃત્યુ છે. તામ્રપત્રની ન ઉકેલાતી ભાષા અને ઉકેલાતી સહી, ગીધોનો હુમલો, પેલું વિચિત્ર પક્ષી એ આખો પ્રપંચ આદાનપ્રદાન નથી થઈ શકતું એ સૂચવે છે. કદાચ હવે એવી શક્યતાઓ પણ બચી નથી. ગીધ અહીં આપણને ખાઈ જાય જતાં આપણાં સત્તાકેન્દ્રો, અધિપતિઓનું પણ પ્રતીક બને છે. પોતાના ભયાવહ મૃત્યુને જોઈ શકાય એ હેતુથી ગીધો એની આંખ ખાતાં કે ફોડી નાખતાં નથી. જોઈ શકાશે કે અપભ્રંશ ભાષાના દુહો, જેમાં પ્રિયતમા કાગડાને પોતાની આંખ ન ખાવા વિનવણી કરે છે કે જેથી એ પોતાના પ્રિયતમને મૃત્યુ પછી પણ જોઈ શકે અને એનો પ્રેમ શરીર નાશ પામવા છતાં જીવંત રહી શકે એ આખી વાતને અહીં કવિએ ઉલટાવીને મૂકી છે. ત્યાં પ્રિયાની વિનવણી છે તો ગીધોનું રાજકારણ છે. સાહિત્યિક સર્જન કેવું સત્તાકેન્દ્રી બની ગયું છે અને સર્જકો પોતાનું મૂલ્ય કેવી રીતે ગુમાવી રહ્યા છે એની વાત ‘હું ઊભો રહ્યો’ કાવ્યમાં જોવા મળે છે. નૉર્મલાઈઝરની દવાના ઇન્જેક્શન લીધા પછી પણ બધા જ સર્જકો રાજ્યને ગમે એવું એક સરખું સાહિત્ય રચે એવું જાણ્યા પછી નૉર્મલાઈઝરનું ઇન્જેક્શન લેવા આ સર્જકો લાઈનમાં ઊભા છે. એ જોઈને આપણો કવિ ત્યાંથી ભાગે છે પણ ત્યાં તો આકાશવાણી થાય છે કે ‘હે સર્જકો તમે ઘરે જાવ... વૈજ્ઞાનિકોએ સૂરજના કિરણોનો ઇન્જેક્શન તરીકે ઉપયોગ કરવાની રીત શોધી કાઢી છે. હવે તમે ઘરની બહાર નીકળશો ત્યારે તમને જેમ તડકામાંથી વિટામીન ડી મળે છે એમ સતત નોર્મલાઈઝર મળતું રહેશે...’ કવિ પોતાની જાતને સૂરજથી બચાવવા ભાગે છે પણ કવિને આ સૂર્યકિરણો નહીં અડે એવી કોઈ શક્યતા કે સંભાવના નથી એ ય કારુણ્ય છે. સાવ સરળતામાં રાચાતી, લગભગ એક રાગમાં જ વિલસતી, આપણી ભાષાની અવદશા સૂચવતી કવિતાઓ અને એને રચતા કવિઓની સામે કટાક્ષ અહીં મુખર રીતે અભિવ્યક્ત થયો છે. આ મુખરતા પણ આપણી સમકાલીન કાવ્યચિકિત્સા માટે જરૂરી છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કવિને આર્ષદૃષ્ટા કહ્યો છે. કવિમાં નૂતન દર્શનની એવી શક્તિ હોય છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. સર્વ રીતે સ્વતંત્ર કવિ જો માત્ર રાજ્યને ગમે એવું જ સર્જન કરે તો સાહિત્યના અને જગતના માનવ મૂલ્યોનું શું થાય? અહીં તો કવિ પર ‘શબ્દને અવળે રસ્તે વાળવાનો આરોપ છે.’ એને એની ‘સજારૂપે એની પાછળ સાત હાથી દોડાવવાના છે!’ કવિનું કાર્ય વિચાર આપવાનું અને સત્યનો પક્ષ લેવાનું છે. જો કવિ અંગત લાલસાને કારણે અથવા બીજા કોઈ કારણોસર પોતાના દાયિત્વમાંથી ચ્યૂત થાય તો વિપથગામી પરિણામ આવે એવો નિર્દેશ પણ આ કાવ્યમાં જોઈ શકાય. ‘હું જન્મ્યો ત્યારનો એક પર્વત પર ચડી રહ્યો છું’ કાવ્યમાં કવિએ મિથ અવ સિસિફસનો યથાર્થ વિનિયોગ કર્યો છે. કાવ્યનાયકને કહેવામાં આવ્યું છે કે પર્વતના શિખર પર પહોંચવું એના જીવનનું ધ્યેય છે. જીવનધ્યેયને પામવા એ જેમ ઊંચે ચઢતો જાય છે એમ કેટલાક લોકો એના ગળામાં એક પછી એક ઘંટીના પડ ભરાવતા જાય છે. એના પગમાં બેડી પહેરાવે છે, શિખર તોડવા ઉદ્યુક્ત બને છે જેથી એ પોતાના ધ્યેયને ન પામી શકે. પણ આશાવાદી નાયક હાર માને એમ નથી. એને શ્રદ્ધા છે કે એક દિવસ એ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરશે. આમ તો માણસ માત્ર આવા ન દેખાતાં ઘંટીનાં પડ સાથે જીવતો હોય છે લડતો હોય છે અને ક્યારેક તો આ પડથી એને મુક્તિ મળશે એવો આશાવાદ પણ સેવતો હોય છે. પણ એકંદરે આ જગત અસંગતિઓથી ભરેલું છે જેમાં અટક્યા વગર વધવાનું છે. પ્રાપ્તિ કશાની નથી થવાની એવો કરુણગર્ભ સંકેત પણ આ કાવ્યમાં જોઈ શકાય છે. ‘મારે હજી જનમવાને થોડીક વાર હતી’ કાવ્યમાં ઈશ્વરે માણસને જગતમાં ફેંકી દીધો છે, એની કોઈ દરકાર એ કરતો નથી અને માણસે આખું જીવન ઈશ્વરે નક્કી કર્યું છે એ મુજબ જીવવાનું છે એ પ્રકારનું આલેખન છે. ઈશ્વર દરજીને બોલાવીને કહી દે છે કે આનું જીવન આ માપ પ્રમાણે સીવી દો. માપ બંધ બેસે કે નહીં એ ઈશ્વરનો પ્રશ્ન નથી. માણસે એ માપ પ્રમાણે જીવવાનું છે-એને ગમે કે ના ગમે. માણસમાત્રની આ નિયતિ છે, એનું માપ અર્થાત એનું જીવન એની રીતે જીવવાનો એને અધિકાર નથી ને એનો અનિવાર્યપણે સ્વીકાર કરવાનો છે. કવિ કહે છે કે ‘મને ખબર નથી કે એમાં કોનો વાંક હશે. પણ હું જન્મ્યો ત્યારથી રોજરોજ થીંગડાં મારીને જીવન જીવી રહ્યો છું. હજુ પણ હું રોજ સવારે ઊઠીને સૌ પહેલું કામ થીંગડાં મારવાનું જ કરતો હોઉં છું.’ અહીં આવતું થીંગડું જીવનમાં કરવા પડતા એકાધિક સમાધાનોનું પ્રતીક પણ બને છે. માનવજીવનની કરુણતા અહીં સીધા કથન દ્વારા પ્રગટ થઈ છે. ૨૦૨૪માં આવેલા કાવ્યસંગ્રહ લખવું એટલે કે ...ને બાબુ સુથાર મુક્ત ‘અર્થતંત્રના પ્રભાવ હેઠળ’ ‘કાવ્યાનુભવમાં accelerationનો મહિમા’ થવા લાગ્યો છે એનો ‘પ્રતિકાર કરવાના પ્રયાસ’ રૂપે મૂકે છે એ નોંધવું જોઈએ. લખવું એટલે શું? લખવું એટલે મરણ પામવું, ગળે ઘંટીનું પડ બાંધીને કાગળની સફેદાઈમાં તરવું, કહેવતોના તોરણોથી ભાષાને શણગારવી, મૃત સમયની મોંઢામોઢ થવું, અનાથ ‘ળ’ અને ‘ણ’ને ગળે વળગાડવા, ઈશ્વરની પીડાને મનુષ્યની પીડા બનાવવી વગેરે વાત આ લઘુકાવ્યોમાં વ્યક્ત થાય છે. અહીં ક્યાંક ગુરુને પણ પ્રશ્ન છે કે ‘લખવું એટલે શું?’ ગુરુ જવાબ આપે છેઃ ‘લખવું એટલે/બીજમાં વૃક્ષને બદલે/નિસરણી જોવી/અને એ નિસરણી પર ચડી/ ‘બીજને તળિયે જવું’/ ‘બીજને તળિયે શું હોય ગુરુ’/ ‘બીજી નિસરણી.’ આપણે વૃક્ષમાંથી બીજ લેવાને બદલે નિસરણી બનાવતા થઈ ગયા છીએ એવા પર્યાવરણીય સંદર્ભની સાથે પૂરોગામી/પૂર્વસુરિના પ્રતીકરૂપે પણ નિસરણીને જોઈ શકાય. નિસરણીનું પ્રતીક બાબુ સુથારના એકાધીક કાવ્યોમાં જોવા મળે છે એ નોંધવું જોઈએ. નિસરણી વડે ચડવાનું હોય અને ઊતરવાનું હોય પણ સાથે લઈ જવાની ન હોય. એ એક આધાર માત્ર છે. એનાથી મુક્ત થવું અનિવાર્ય છે અન્યથા એનો ભાર લાગે. કોઈ પણ સર્જક પૂરોગામીનો પ્રભાવ ઝીલે પણ અમુક સમય પછી એમાંથી બહાર નીકળવું પડે, નહીં તો એ પુનરાવર્તન કર્યે જશે અને એનું સર્જકત્વ કેવળ પડઘા બનીને રહેશે. આ સંગ્રહમાં આક્રોશ નથી, બલ્કે સાહિત્યના બળુકા માધ્યમ એવી ભાષાના હીનીકરણ, ધોવાણ તથા અવમૂલ્યનની સાથે સર્જકચેતનાને કંઠિત કરનારા પરિબળો સામેની પ્રતિક્રિયા છે. અત્યારે બધા નહીં પણ મોટાભાગનાં જે ‘સર્જન’માં રત છે એમને ભાષાસંક્ષોભ અનુભવાતો જ નથી. લખવું એ અવિરતપણે ચાલતી પ્રક્રિયા છે એ સાચું પણ સાંપ્રતકાળમાં ગતાનુગતિક રીતે લખ્યે જતા ‘સર્જકો’ની સંખ્યા ઓછી નથી. અહીં બજારુ બની ગયેલી કવિતા અને ભાષાના અનુષંગે સાહિત્યને બચાવવાનું છે એની જિકર કરાઈ છે. જાહેર કાર્યક્રમોમાં શો પીસ બનીને રહી ગયેલી કવિતા ક્ષણજીવી નીવડે છે એ સંકેત પણ પામી શકાય છે. સ્થૂળ વર્ણનો અને ઉછીના અનુભવોમાં પડીને આત્મા વગરની બની ગયેલી કવિતાની કોઈ દિશા નથી. જાહેર માધ્યમોમાં રોજ જથ્થાબંધ ખડકાતી રચનાઓ વિવેચકની વિવેચના પર નહીં કિન્તુ ‘ફોલોઅર્સ’ની ‘લાઈક્સ’ પર નિર્ભર થઈ ગઈ છે એ આપણે બધા જાણીએ છીએ, અનુભવીએ છીએ. આ સ્થિતિમાંથી મુક્ત કઈ રીતે થઈ શકાય એની આ કવિતાઓ છે. માંગ તેવો પુરવઠોની જેમ લાઈક્સ વધુ એવા પ્રકારની રચનાઓ રચાતી જાય આ આજની નરવી નગ્ન વાસ્તવિકતા છે. ભાષાનું પ્રાથમિક જ્ઞાન પણ ન હોય એવા ‘કવિઓ’ (સર્જકો!) ઘણા આપણી આસપાસ મળી આવશે. આ કાવ્યસંગ્રહમાં બાબુ સુથારે યોગ્ય અને સમુચિત રીતે જ સમકાલીન સર્જનની ચિકિત્સા કરી છે. અહીં સંપાદનમાં લીધેલાં કાવ્યો કવિના સમગ્ર ભાવવિશ્વને સમજાવવામાં ઉપયોગી બને એ હેતુ રહેલો છે. બાબુ સુથાર જુદી તરાહથી લખતા સર્જક છે અને સમયાંતરે પોતાના ઉદ્દેશો સ્પષ્ટ કરતા રહે છે. એમનાં કાવ્યોમાં ભાવકને અપેક્ષિત સૌંદર્ય કદાચ કોઈને ન દેખાય. કારણ કે મોટા ભાગે સાહિત્ય વિશેની આપણી સમજણ પ્રમાણે સાહિત્ય અર્થવાહક અને સૌંદર્યવાહક એમ બે પાસાં ધરાવતું હોવું જોઈએ. પણ કવિ આ વ્યવસ્થાનો અસ્વીકાર કરે છે. વાસ્તવમાં અસ્તિત્વ ન ધરાવતા તદ્દન નવા વાસ્તવની શોધની મથામણને કેન્દ્રમાં રાખી વર્તમાન ઐતિહાસિક ઘટના અને સંસ્કૃતિને કારણે ઊભી થયેલી વિકટ પરિસ્થિતિ અને તેની સામે લાચાર માનવના સંયોગોની પ્રતિક્રિયારૂપે જન્મેલું તેમનું કાવ્યજગત સર્વથા આત્મલક્ષી અને અંતર્મુખી છે. જેમ વેરવિખેર લાગતાં સ્વપ્નમાં સ્થળકાળના બંધન ન હોય, અસંબદ્ધ લાગતી વિગતો હોવા છતાં તેમાં એક પ્રકારની તર્કબદ્ધતા હોય તેમ સર્જનપ્રક્રિયામાં પણ બનતું હોય છે. તંદ્રા, સ્વપ્ન, જાગૃતિ, વાસ્તવ, અતિવાસ્તવ, સ્વૈરકલ્પના, મિથ, સનાતન માનવલાગણીઓ, શબ્દો-વાક્યોના મોન્તાજકૉલાજ, અતીતરાગ વગેરેથી ખચિત બાબુ સુથારના કાવ્યોની સૃષ્ટિ અનેક અંગત અને બિનગંત સંદર્ભો સાથે લઈને ચાલે છે. આ સંદર્ભોથી જો ભાવક પૂરતો પરિચિત ન હોય તો કૃતિ પામવામાં વ્યવધાન અનુભવે એવી સંભાવના નકારી શકાય એમ નથી. ભૂલાતું જતું એક જગત એના સમગ્ર સાથે ઉપસ્થિત છે. મધ્યકાલીન સંતકવિઓ, નરસિંહ, મીરાં, અખો, ગંગાસતી, બોડાણા, ધીરોભગતની સાથે રાવજી પટેલ પણ આવે. ન્યુટનની સાથે, સરરીઅલિસ્ટ ચિત્રકાર ફ્રાન્સિસ બેકન, વાન હોખ, માર્શલ દુશેમ, પાબ્લો નેરુદા પણ હોય.... અહીં આ બધાની અથડામણ છે. વિજ્ઞાન અને કલાની પ્રગતિ માણસને વધુ એકલો બનાવે છે/પાડે છે. અને એટલે એ પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે સેતુ સ્થાપવાના પ્રયત્નો કરે છે. દરેક માણસમાં રહેલો noble savage કવિમાં વિશેષરૂપે હોય છે જે એની સર્જકતા અને અતીતરાગને વધુ તીવ્ર બનાવે. આપણું સાહિત્ય, આપણી ભાષા આ જગત સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. તેમણે આલેખેલું તળપદ-ગ્રામીણ જીવનનું સ્મૃતિવિશ્વ તેમના કાવ્યવિશ્વને વધુ સમૃદ્ધ અને સભર બનાવે છે. બાબુ સુથારની કાવ્યસૃષ્ટિમાં સતત સાહિત્ય, ભાષા, જોડણી, સમાજ, રાજકારણ, રાજનેતાઓ, ધર્મ ઇત્યાદિની જિકર પુનરાવર્તન પામીને ય થયા કરે છે. જો કે પુનરાવર્તન વિશે એ કહે છે કે હું કેટલાંક પુનરાવર્તનો જાણીજોઈને કરતો હોઉં છું. એનું પણ એક કાવ્યશાસ્ત્ર હોય છે. રાજકારણ પણ હોય છે. ભલે. આપણે એમની પાસેથી પુનરાવર્તનના કાવ્યશાસ્ત્રની અપેક્ષા રાખીએ.