બાબુ સુથારની કવિતા/ડોશીને લાગ્યું કે

From Ekatra Foundation
Revision as of 03:11, 15 April 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૯. ડોશીને લાગ્યું કે

ડોશીને લાગ્યું કે
એનો અંત હવે નજીક છે
ત્યારે એ ચૂપચાપ ઊભી થઈ,
કાતરિયામાં વરસોથી મૂકી રાખેલાં
વાંસનાં ચાર લાકડાં
અને કાથીનું પિલ્લું
નીચે ઉતારી બાંધી દીધી
એની પોતાની એક ઠાઠડી.
બે મહિના પહેલાં જ
પરાગકાકાના છોરાની દુકાનેથી લાવીને
તાકામાં મૂકી રાખેલાં ચાર નાળિયેર બહાર કાઢી
બાંધ્યાં એમને નનામીને ચારે ખૂણે
નાડાછડીથી.
પછી મંગળકુંભાર ગયા મહિને આપી ગયેલો
એ કોરી માટલી કાઢી
એમાં મૂક્યાં બે છાણાં
અને એ છાણાં પર મૂક્યાં
એના પતિ એ હૂકો ભરીને
ચૂલામાં રહેવા દીધેલો દેવતા.
પછી પિયરમાંથી આવેલાં કોરાં લૂગડાં કાઢી
પહેરીને સૂઈ ગઈ એ
નનામી પર
સૂતાં સૂતાં એણે કલ્પના કરી :
એની આસપાસ એના ત્રણેય દીકરા
એમની પત્નીઓ અને એમનાં બાળકો સાથે ઊભાં છે,
મોટા દીકરાને તો બધાં સાથે અબોલા હતા વરસોથી
એને આવેલો જોઈને ડોશીના કાળજામાં
વહેવા લાગી ગંગા અને જમના એકસાથે.
વચલો છેક અમેરિકાથી આવેલો.
એનો હાથ ઝાલીને ડોશીએ કહ્યું :
દીકરા, તને જોઈને હું વૈતરણી તરી જઈશ.
નાનાએ ચૌદ વરસે ગામ જોયું.
એનો વનવાસ પૂરો થયો એ જોઈને
ડોશીની કરોડરજ્જુ
શરણાઈ બનીને વાગવા લાગી.
પછી ડોશીએ જોયું તો
એની ડાબે અને જમણે
ઊગ્યા છેબે વેલા
એક વાલોળનો
અને બીજો ટીંડુંરાનો.
ડોશીએ હાથ લંબાવી
વાલોળના વેલા પરથી વાર્તાઓ તોડી
અને આપી પુત્રવધૂઓ, પૌત્રો અને પૌત્રીઓને.
અને ટીંડુરાના વેલા પરથી
કહેવતો તોડીને આપી ત્રણેય દીકરાઓને
અને કહ્યું : ભાઈ, આ વાલોળ અને ટીડુંરાં
એકલા ન ખાતા
આખા ગામમાં વહેંચજો.
પછી, ડોશી જુએ છે
મહિષ પર સ્વાર થઈને આવ્યું છે
એક કેવડાનું ફૂલ.
ડોશી કહે છેઃ કેવડાના ફૂલ સાથે નહીં જાઉં
મગફળીના ફૂલ તેડવા આવે તો જાઉં.
ઈશ્વર ડોશીની અંતિમ ઇચ્છા પૂરી કરે છે.
એ સાંજે ડોશીના દીકરા
એમનાં કુટુંબીજનો
અને ગામલોકો
વાલોળનું અને ટીડુંરાનું શાક
બનાવીને ખાય છે.
મોડી રાતે ગામ લોકોને
ઝમઝર માતાના ડુંગરાઓમાંથી આવતો
ગીત ગણગણવાનો અવાજ સંભળાય છે
એ સાંભળીને મુખી કહે છેઃ
“ડોશી આપણા ડુંગરાઓની રખેવાળી કરી રહ્યાં છે,
રાક્ષસોની તાકાત નથી કે
એઓ આપણા ડુંગરા ઉપાડી જાય.”
(‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ માંથી)