બાબુ સુથારની કવિતા/ડોશી વૈતરણીને આ કાંઠે ઊભાં હતાં

From Ekatra Foundation
Revision as of 03:13, 15 April 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૦. ડોશી વૈતરણીને આ કાંઠે ઊભાં હતાં

ડોશી વૈતરણીને આ કાંઠે ઊભાં હતાં
ત્યારે યમરાજા આવીને કહે :
“દીકરાએ દાનમાં આપી છે બ્રાહ્મણને
એક ચાંદીની ગાય.
માજી, પૂંછડું પકડો આ ગાયનું
ને કરો વૈતરણી પાર.”
ડોશી યમરાજા સામું જોતાં રહ્યાં
ને યમરાજા ડોશી સામું.
ડોશી કહે : “ગાયને પૂંછડે નહીં તરું હું વૈતરણી.”
ત્યાં જ એક ભેંશ રેંકતી રેંકતી આવી
ડોશી કહે : “આ તો મારી બોડી!”
ડોશી બોડીનું પૂછડું ઝાલી
વૈતરણી તરી ગઈ.
યમરાજા કંઈ ન બોલ્યા.
એ સાંજે યમરાજાએ
ડોશીને ચિત્રગુપ્ત સમક્ષ રજૂ કર્યાં ત્યારે
ચિત્રગુપ્ત સિંહાસન પરથી નીચે ઊતર્યા ને
ડોશીને પાયે લાગીને પાછા પોતાના સિંહાસન પર બેસી ગયા.
ઘેર જતાં યમરાજને થયું :
મેં ખોટો પાડા પર બેસી રહેવાનો મોહ રાખ્યો.
(‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ માંથી)