ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ (કલાપી)
કવિ કલાપી તરીકે બૃહદ્ ગુજરાતમાં પ્રસિદ્ધિ પામેલ સુરસિંહજી ગોહિલ સૌરાષ્ટ્રના હાલારપ્રાન્તના ચોથા વર્ગના ન્હાનકડા સંસ્થાન લાઠીના ઠાકોર હતા. તેમનો જન્મ ઈ.સ. ૧૮૭૪ના ફેબ્રુઆરિની ૨૬મી તારીખે (વિ.સં. ૧૯૩૦ના માઘ શુદ નવમી) થયો હતો. તેમના પિતાશ્રી તખ્તસિંહજીને ત્રણ કુમારો હતા: ભાવસિંહજી, સુરસિંહજી અને વિજયસિંહજી. ભાવસિંહજી રાજકોટ રાજકુમાર કૉલેજમાં ભણતા હતા તે વખતમાં જ અવસાન પામ્યા હતા તેથી સુરસિંહજી રાજ્યના વારસ ઠર્યા હતા. સુરસિંહજીને બાર વર્ષના મૂકીને તખ્તસિંહજી સ્વર્ગવાસી થયા એટલે એજન્સી તરફથી લાઠી રાજ્ય ઉપર મૅનેજમેંટ મૂકવામાં આવ્યું હતું. બે વર્ષ પછી રાજમાતા રાયબા મૃત્યુ પામતાં ચૌદ વર્ષના સુરસિંહજીને ઉછેરવાની જવાબદારી એજન્સી તરફથી નિમાયેલ મૅનેજર આશારામ શાહને માથે આવી હતી. માતાપિતાના અવસાનને કારણે રાજ્યખટપટનો અનુભવ કલાપીને નાનપણથી જ થયો હતો. તેમના સ્વભાવમાં રહેલી વૈરાગ્યવૃત્તિને આરંભથી જ આ વાતાવરણે પોષણ આપ્યું હશે. ૧૮૮૯ના ડિસેમ્બરની પહેલી તારીખે કલાપીનાં લગ્ન કચ્છ રોહાનાં રાજકુમારી રાજબા અને સૌરાષ્ટ્રના કોટડા સાંગાણીનાં રાજકુમારી આનંદીબા એમ બે કુંવરીઓ સાથે એક જ વખતે થયાં હતાં. તેમના લગ્નોત્સવમાં મૂળચંદ આશારામ શાહના મિત્ર તરીકે કવિ કાન્તે હાજરી આપી હતી, પણ તે વખતે કાન્ત સાથે કલાપીને ખાસ પરિચય નહોતો. ૧૮૮૨ના જૂનની બાવીસમી તારીખે કલાપીને રાજકોટની રાજકુમાર કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક પહેલાથી માંડીને વધુમાં વધુ માધ્યમિક છઠ્ઠા ધેારણ સુધીનું ગણાય તેટલું શિક્ષણ અપાતું હતું. એ કૉલેજનું વાતાવરણ ઉચ્છૃંખલ અને વિલાસી હતું. કલાપી સવારમાં કસરત કરતા ને આખો દિવસ અભ્યાસમાં મગ્ન રહેતા. એટલે પ્રિ. મૅકનોટન પર સારા વિદ્યાર્થી તરીકે તેમની છાપ હતી. લગ્ન થયા પછી ૧૮૯૦માં તેમણે બંન્ને રાણીઓ સાથે રાજકોટમાં ઘર લઈને રહેવાની અનુમતિ પ્રિન્સિપાલ પાસેથી મેળવી હતી. કૉલેજકાળ દરમ્યાન તેમને ખાનગી અભ્યાસ કરાવવા સારુ શ્રી ત્રિભુવન જગજીવન જાનીને શિક્ષક તરીકે રાખ્યા હતા. અંગ્રેજી, ગુજરાતી અને ફારસીનું સારું જ્ઞાન ધરાવતા, ‘સ્વતંત્ર ને વાજબી સલાહ આપનાર’ આ ઉપયોગી અને હોશિયાર શિક્ષકની ઊગતા તરુણ કલાપી પર સારી છાપ પડી હતી. ૧૮૯૧માં જાની છૂટા થયા તે પછી શ્રી એન. બી. જોશી કલાપીના ખાનગી શિક્ષક હતા. તેમણે કલાપીને શૅલી, વર્ડ્ઝવર્થ, બાયરન, કીટ્સ વગેરે અંગ્રેજી કવિઓનાં કાવ્યોનો સારો અભ્યાસ કરાવ્યો હતો, જેનું પરિણામ કલાપીની કવિતામાં સ્પષ્ટ વરતાય છે. ‘કાશ્મીરનો પ્રવાસ’નું વર્ણન કરતો પત્ર કલાપીએ તેમના આ શિક્ષકને ઉદ્દેશીને તા. ૨૨-૧-૧૮૯૨ ના રોજ લખેલો. કલાપીની ઈચ્છા મેટ્રિક પાસ થઈને આર્ટ્સ કૉલેજમાં દાખલ થવાની હતી, પણ આંખની પીડાને લીધે અંગ્રેજી ચાર પાંચ ધોરણથી વિશેષ અભ્યાસ તેમનાથી થઈ શક્યો નહિ. ૧૮૯૧ના ઑગસ્ટની ૧૪મી તારીખે તેમણે કૉલેજ હંમેશને માટે છોડી. પણ તેને બદલો તેમણે ખાનગી અભ્યાસ વધારીને વાળી લીધો. “૧૮૯૨ સુધી તેમણે માત્ર ગુજરાતી પુસ્તકો જ વાંચ્યાં હતાં. છગનલાલ પંડ્યાકૃત કાદંબરીનું ભાષાંતર, સરસ્વતીચંદ્ર, નવલગ્રંથાવલી, ઉત્તરરામચરિત, મણિલાલ અને મનઃસુખરામના સર્વ ગ્રંથો, નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, શામળ વગેરે પ્રાચીન, અને નર્મદ, દલપત, કાન્ત વગેરે અર્વાચીન કવિઓનાં કાવ્યો, રામાયણ, મહાભારત, પુરાણ વગેરેના સાર અને ભાષાન્તર એમ ગુજરાતી ભાષામાં લખાયેલ જે કાંઈ મળી શક્યું તે સર્વ તેમણે વાંચવા માંડ્યું.” ‘સુદર્શન’, ‘ચંદ્ર’, ‘ભારતીભૂષણ’ વગેરે તે વખતનાં સામયિકો પણ તે ધ્યાનપૂર્વક વાંચતા હતા. ૧૮૯૨થી તેમણે અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ શરૂ કર્યો હતો. પાંચ સાત વરસના ગાળામાં તેમણે શેક્સપીયર, મિલ્ટન, બાયરન, ટૉમસ મૂર, વર્ડ્ઝવર્થ, શૅલી, કીટ્સ, ટેનિસન, બ્રાઉનિંગ, મેથ્યુ આરેનોલ્ડ વગેરે અંગ્રેજી કવિઓ તથા ડેન્ટે અને ગેટેની કૃતિઓનાં અંગ્રેજી ભાષાંતરો વાંચી નાખ્યાં. સાથે સાથે પ્લેટો, મેક્સનોર્ડો, શૉપનહૉર, એમર્સન, મિલ, સ્વીડનબર્ગ વગેરે તત્ત્વચિન્તકોનો અભ્યાસ પણ ચાલતો હતો. ઉત્તરોત્તર વધતા જતા આ સ્વાધ્યાયે કલાપીનાં લખાણોમાં ‘દૃષ્ટિની વિશાળતા અને ચિતનની તલસ્પર્શિતા’ આણ્યાં હતાં. કૉલજ છોડ્યા બાદ, એજન્સીના નિયમ અનુસાર, સુરસિંહજીને હિંદના પ્રવાસે મોકલવામાં આવ્યા હતા. પ્રવાસમાં તેમની સાથે તેમના પરમ મિત્ર હડાળાના દરબાર વાજસૂરવાળા, જાણીતા દેશભક્ત એસ. આર. રાણાના પિતાશ્રી ‘મામા’ રતનસિંહ અને ‘સંચિત્’ના તખલ્લુસથી કવિતા લખનાર શ્રી રૂપશંકર ઉદયશંકર એાઝા હતા. ૧૮૯૨ના માર્ચની ૧૧મી તારીખે તેમનો આ પ્રવાસ. રોહાવાળાં રાણીની માંદગીને કારણે પંદર દિવસ વહેલો પૂરો થયો હતો. આ આર્યાવર્તના પ્રવાસે કલાપીની સૌન્દર્યદૃષ્ટિને વિકસાવવામાં અને ગદ્યકાર કલાપીની ભાષાશૈલીને પ્રાથમિક ઘાટઘૂંટ આપવામાં મહત્ત્વનો ફાળો આપ્યો એમ કહી શકાય. પ્રવાસ દરમ્યાન મળેલ અનુભવ અને અવલોકનની પ્રસાદી રૂપે તેમણે પત્નીઓ, મિત્રો અને સ્નેહી-સંબંધીઓને સંખ્યાબંધ પત્રો લખ્યા હતા. તે પૈકી ૧૮૯૨ના જૂનમાં ‘કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન’ એ મથાળા નીચે તેમના શિક્ષક શ્રી જોષીને ઉદ્દેશીને લખેલો પત્ર કલાપીની પહેલી સાહિત્યકૃતિ છે. કલાપીનું સાહિત્યજીવન તેમના આંતરજીવન સાથે દૃઢ ગૂંથાયેલું હતું. રોહાવાળાં રાણી-જેમને તેઓ ‘રમા’ કહેતા-સાથે તેમને ગાઢ પ્રેમસંબંધ હતો. કૉલેજમાંથી તેમજ પ્રવાસમાંથી રમા પર તેમણે પત્રોની ઝડી વરસાવી હતી. તેઓ પત્રમાં રમાને ગમે તે રાગમાં કવિતા લખીને મોકલતા ને રમાને પણ કવિતા લખવા પ્રેરતા. ‘અભ્યાસ અને રમા વચ્ચે વહેંચાઈ ગયેલો’ કલાપીનો પ્રેમ, પછીથી, રમાની સાથે આવેલી છસાત વર્ષની બાલિકા મોંઘી પર ઢળતાં કલાપીનું પ્રણયજીવન અને સાહિત્યજીવન નવો જ રંગ ધારણ કરે છે. વખત જતાં ‘વત્સા મોંઘી’ ‘સ્નેહરાજ્ઞી શોભના’ બને છે. શોભનાને મેળવવા જતાં રમાને દૂભવવાનું આ કોમળ દિલના પ્રેમીને ગમતું નથી. નવા પ્રેમથી આકર્ષાયા છતાં જૂના પ્રેમને તે વીસરી શકતા નથી. બંનેને ચાહી શકાય એમ કલાપી અંતરથી માનતા હતા પણ રમાને તે સ્વીકાર્ય નહોતું. શોભનાને માટે ઝૂરતા છતાં ઉચ્ચ કર્તવ્યભાવનાવાળા કલાપીએ પહેલાં તો તેને તેની જ નાતના એક માણસ સાથે પરણાવી; પણ તેથી તો ઊલટી તેમની તેમજ શોભનાની વ્યથા અનેકગણી વધી ગઈ. છેવટે ‘પ્રેમમાં જ બધી નીતિ સમાઈ જાય છે’ એમ માનીને કલાપીએ તા. ૧૧-૭-૧૮૯૮ના રોજ શોભના સાથે રીતસર લગ્ન કર્યાં. તે પછી બે વર્ષે-ઇ. સ.૧૯૦૦ના જૂનની દસમી તારીખે-ફક્ત એક રાતની માંદગી ભોગવીને તેઓ વિદેહ થયા. આમ પ્રેમ એ કલાપીના વ્યક્તિત્વનો પ્રથમ ગુણ હતો તો વૈરાગ્યની વૃત્તિ પણ તેમને સ્વભાવમાં એટલી જ પ્રબળ હતી. તેમની પહેલી કાવ્યકૃતિ ‘ફકીરી હાલ’ અને છેલ્લી ‘આપની યાદી’ વૈરાગ્ય વિશે છે. માટે તેમણે ઉચ્ચારેલી પંક્તિ–‘રાગ ને ત્યાગની વચ્ચે હૈયું એ ઝૂલતું હતું’-ખુદ કલાપીને પણ લાગુ પડે છે, કલાપીનું મિત્રમંડળ બહોળું હતું. મણિલાલ નભુભાઈ તેમના ‘સ્નેહી ગુરુ’ હતા. રાજ્ય, ગૃહ, ધર્મ, વાચન અને સાહિત્યસર્જન-બધી બાબતમાં તેઓ તેમના પરમ માર્ગદર્શક હતા. રાજ્ય તજીને ચાલ્યા જવા તૈયાર થયેલા કલાપીને પ્રજાની ફરિયાદ સાંભળવામાં કવિતા જેટલો રસ લગાડનાર મણિલાલ હતા. ગીતા-ભાગવતાદિ ધર્મગ્રંથોના વાચન, પ્રણવોપાસના અને પ્રાણવિનિમયના પ્રયોગ ભણી મણિલાલે તેમને વાળ્યા હતા. રમા-શોભનાં-પ્રકરણમાં પહેલાં રમાને વફાદાર રહીને ચિત્તને સંયત કરવાનો, અને પછી પરિસ્થિતિ અનિર્વાહ્ય બનતાં દુનિયાની પરવા કર્યા વગર, પોતાને ઈષ્ટ પગલું બહાદુરીથી ભરવાની સલાહ પણ તેમણે જ કલાપીને આપી હતી. કલાપીનાં ‘કાશ્મીરનો પ્રવાસ’ આદિ લખાણો મણિલાલ સુધારતા. કલાપીને તેમના આ ગુરુ માટે અપાર ભક્તિ હતી. ૧૮૯૮માં મણિલાલનું મૃત્યુ થયું તે પછી ગોવર્ધનરામને કલાપીએ ગુરુસ્થાને સ્થાપ્યા હતા. પણ મણિલાલના જેટલો ગાઢ પ્રેમ-સંબંધ તેમની સાથે જામી શક્યો નહિ. કવિ કાન્ત કલાપીના અતિ નિકટના મિત્ર હતા. બન્ને મિત્રો વચ્ચે કાવ્યોનો વિનિમય છૂટથી ચાલતો. કાન્તે તેમને સ્વીડનબોર્ગની લગની લગાડી હતી. કલાપીના મૃત્યુ પછી તેમની કૃતિઓ પ્રગટ કરીને કાન્તે મિત્ર-ઋણ અદા કર્યું હયું. કવિ ‘જટિલ’ કલાપીનાં કાવ્યો સુધારી આપતા અને તે પર વિવેચન પણ લખતા. ‘સંચિત્’ પણ તેમના આપ્તમંડળમાં હતા. અર્વાચીન યુગના સૌથી વિશેષ લોકપ્રિય કવિ કલાપી છે. તેમને રોમાંચક પ્રણયત્રિકોણની આસપાસ કલાપીની કવિતા રચાયેલી છે. ‘હૃદય ત્રિપુટી’ અને બીજાં અનેક નાનાં મોટાં કાવ્યો કલાપીના સ્વાનુભવમાંથી પ્રગટેલાં છે. એ નિતાંત સ્વાનુભવરસિક કવિ છે. કોમળ સંવેદનવાળાં ઊર્મિકો અને કથાકાવ્યોમાંથી તેમનો તાજો અને મીઠો પ્રણયરસ ટપકી રહે છે. કવિતા કલાપીને મન ‘નિઃશ્વાસરૂપ’ હતી. તેમાંથી નીકળતા સ્નેહ અને દર્દના સૂર સીધેસીધા કવિના હૃદયમાંથી નીકળતા હોય એવી સચોટ અસર કરે છે. લાગણીની ઋજુતા અને ઉત્કટતા એ કલાપીની. કવિતાનો પ્રધાન ગુણ છે. તેની પાછળ રહેલ સચ્ચાઈનો રણકો અને સરલ, પ્રસાદમય વેગવંતી ભાષાનો પ્રવાહ હરકોઈ વાચકને મુગ્ધ કરી દે છે. તેમની કવિતાની બીજી વિશેષતા એ કે તે જીવનનાં પરમ સત્યોને સાદાં ચમકદાર સૂત્રોમાં રમતાં કરી દે છે. આને લીધે એની પંક્તિઓની પંક્તિઓ સહેલાઈથી યાદ રહી જાય છે. સૂફીવાદી મસ્તીભરી ગઝલોનું પદ્યસ્વરૂપ પણ તેનું એક આકર્ષણ ગણાય, ભાષાની માફક સંસ્કૃત અક્ષરમેળ વૃત્તો પર પણ એમને સહજસિદ્ધ કાબૂ હતો. આથી એમની કવિતામાં ક્યાંય આયાસ કે કૃત્રિમતા નહિ જણાય. કલાપી ઉપર અંગ્રેજી કવિતાની ઘણી અસર હતી. વર્ડ્ઝવર્થ, શૅલી, કિટ્સ, અને બાયરન જેવા રંગદર્શી કવિઓની કૃતિઓનાને અનુકરણ, અનુરણન કે અનુવાદરૂપે તેમણે અનેક કૃતિઓ રચી છે.*[1] તેમનાં કાવ્યો પ્રગટ થયાં ત્યારે કલાપી હયાત નહોતા, તેથી કેટલાંક કાવ્યોનાં મૂળ વિશે તેમના કાવ્યસંગ્રહમાં માહિતી મૂકી શકાઈ નહોતી. આને લીધે કલાપીને માથે અપહરણનો દોષ મુકાયો હતો. પણ કલાપી સ્વભાવે એટલા સરળ, નમ્ર અને નિખાલસ હતા કે નાનામાં નાનો ઋણસ્વીકાર કરવો પણ એ ચૂકતા નહિ. તેમને કવિની કીર્તિની ખેવના નહોતી. કાવ્યરચના તેમને માટે સર્જન કરતાં હૃદયના ઊર્મિભારના વિસર્જનરૂપે વિશેષ હતી. આથી તો, તેમાં કળાની સફાઈ ઓછી છે. વળી રુદનપ્રેમ, વિશાદનો અતિરેક અને પોચટ ઊર્મિલતાના દોષોથી પણ કલાપીની કવિતા મુક્ત નથી. તેમ છતાં, અર્વાચીન ગુજરાતી કવિતાને રંગદર્શી ઝોક આપવામાં ન્હાનાલાલ સિવાય બીજો કોઈ કવિ કલાપીથી ચડે તેમ નથી. સંકુચિત આત્મલક્ષી સંવેદનોમાં વિહરતો હોવા છતાં ‘કલાપીનો કેકારવ’ છેલ્લાં પચાસ વર્ષથી જુવાન વાચકસમુદાયનો પ્રિય ગ્રંથ બની રહેલ છે. કલાપી પ્રાસાદિક ગદ્યકાર પણ હતા. કવિતાની માફક તેમનો વિપુલ પત્રસમૂહ પણ કલાપીના વ્યક્તિત્વને સુંદર રીતે ઝીલે છે. તેમણે પત્રોમાં હૃદય રેડીને કાવ્યસહજ ઉત્કટતા આણી છે. મિત્રો, સ્નેહીઓ, કારભારીઓ, પત્નીઓ, અને સામાન્ય પરિચિતો-સૌના તરફ સહજભાવે સ્નેહ અને સૌજન્યનો એકધારો પ્રવાહ તેમણે પત્રમાં વહાવ્યો છે. કલાપીની અપ્રાપ્ત આત્મકથાની ખોટ પૂરતા આ પત્રો તેમાંની સામગ્રી તેમજ શૈલીને કારણે ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ સ્થાન પામ્યા છે.
કૃતિઓ
- કૃતિનું નામ *પ્રકાર કે વિષય *પ્રકાશન-સાલ *પ્રકાશક
- ૧. કાશ્મીરને પ્રવાસ અથવા સ્વર્ગનુંઆ સ્વપ્ન *પત્રરૂપે પ્રવાસવર્ણન આ.૧ :૧૮૯૨ આ.૨ : ૧૯૦૯ *પોતે
- ૨. કાશ્મીરને પ્રવાસ, કલાપીના સંવાદો તથા સ્વીડનબેર્ગના ધર્મવિચાર *પત્ર, સંવાદને નિબંધ *૧૯૧૨ * સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ.
- ૩. કલાપીને કેકારવ *કાવ્યસંગ્રહ *આ.૧ : ૧૯૦૩, આ.૩ : ૧૯૧૬, આ.૪ : ૧૯૨૦, આ.૬ : ૧૯૨૨/*મણિશંકર રત્નજી ભટ્ટ /આ.૬ : ૧૯૩૧, આ.૭: ૧૯૪૬/ *કલાપી સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ
- ૪. માલા અને મુદ્રિકા *નવલકથા *૧૯૧૨ *મણિશંકર રત્નજી ભટ્ટ
- ૫. દુઃખમાંથી સુખ(કથામંજરી ભા-રમાં મૂકેલી) *ટૂંકી વાર્તા *૧૯૧૩ *જીવનલાલ અ. મહેતા, અમદાવાદ,
- ૬. હમીરજી ગેહિલ *મહાકાવ્ય (અપૂર્ણ) *૧૯૧૩ *મણિશંકર રત્નજી ભટ્ટ
- ૭. કલાપીના પત્રો (હાજી મહમદ સ્મારક ગ્રંથમાં) *પત્રો *૧૯૨૨ * -
- ૮. કેકારવની પુરવણ *કાવ્યસંગ્રહ *૧૯૨૩ *રમણીક કીશનલાલ મહેતા
- ૯. કલાપીના ૧૪૪ પત્રો *પત્રો *૧૯૨૫ * મુનિકુમાર મ. ભટ્ટ
- ૧૦. શ્રી કલાપીની પત્રધારા *પત્રો *૧૯૩૧ * શ્રી જોરાવરસિંહજી ગોહિલ
- ૧૧. નારીહૃદય *નવલકથા *૧૯૩૩ *આર. આર. શેઠની કં. મુંબઈ
- ૧૨. ગ્રામમાતા અને બીજાં કાવ્યો (સં. નવલરામ જ. ત્રિવેદી) *કાવ્યસંગ્રહ *૧૯૩૮ *જીવનલાલ અ. મહેતા
- ૧૩. હૃદયત્રિપુટી અને બીજાં કાવ્ય (સં. નવલરામ જ. ત્રિવેદી) *કાવ્યસંગ્રહ *૧૯૩૯ *જીવનલાલ અ. મહેતા
અભ્યાસ-સામગ્રી
- ૧. નવલરામ જ, ત્રિવેદી: ‘કલાપી’ (ગુજ. વિદ્યાસભા)
- ૨. સુંદરમ્ઃ ‘કલાપીનું આંતરજીવન’; ‘વિદ્યાવિસ્તાર-વ્યાખ્યાનમાલા’ (ગુજ. વિદ્યાસભા).
- ૩. નવલરામ જ. ત્રિવેદીઃ ‘કેટલાંક વિવેચનો‘, પૃ. ૧૪૫-૧૪૬
- ૪. રમણલાલ વ. દેસાઈ: ‘જીવન અને સાહિત્ય’, ભા. ૧ : ‘કલાપી અને તેની ગઝલો.’
- ૫. કાન્તઃ ‘કલાપીનું જીવન’.
- ૬. કનૈયાલાલ મા. મુનશી: Gujarāta and is Literature; ‘હૃદયત્રિપુટી અને બીજાં કાવ્યો’ની પ્રસ્તાવના.
- ૭. રૂપશંકર ઉદયશંકર ઓઝા : ‘કલાપીનું અક્ષરજીવન’ (ત્રીજી સાહિત્ય પરિષદનો અહેવાલ).
- ૮. ઈન્દુલાલ સંવકલાલ દવે : ‘કલાપી સંબંધી ટૂંક વિવેચન’ (ચોથી સાહિ. પરિ.નો અહેવાલ).
- ૯. મૂળચંદ આશારામ શાહઃ ‘ઠાકોર શ્રી સુરસિંહજી : કેટલાંક સ્મરણો: (અગિયારમા સાહિ. સંમેલનનો અહેવાલ)
- ૧૦. ન્હાનાલાલ કવિ : ‘કલાપીનો સાહિત્યદરબાર,’ ‘સ્ત્રીબોધ’ માર્ચ ૧૯૩૮
- ૧૧. ત્રિભુવન પ્રેમશંકર: ‘કલાપીનો વિરહ’.
સંદર્ભ
- ↑ * કલાપીની જુદી જુદી કૃતિઓનાં મૂળ વિશે વિગતવાર માહિતી માટે જુઓ શ્રી નવલરામ જ. ત્રિવેદીકૃત ‘કલાપી’, પ્રકરણ ૮.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.
***