પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/નૈસર્ગિકતા અને કલાકૌશલ
લૉંજાઇનસનો ગ્રંથ એક દૃષ્ટિએ કવિશિક્ષાનો – કાવ્યરચનાના વ્યવહારુ શિક્ષણનો ગ્રંથ છે એમ કહેવાય. એટલે જ ઉદાત્તતા શું છે એ તાત્ત્વિક પ્રશ્નની છણાવટ એમાં આપણને મળતી નથી, પણ ઉદાત્તતા કેમ કરીને આવે છે એ વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. આમાં પહેલો પ્રશ્ન લૉંજાઇનસ સમક્ષ એ આવે છે કે ઉદાત્તતા નૈસર્ગિક – સ્વભાવસહજ (નેચર) છે કે કલાકૌશલ – સભાન કસબનું પરિણામ (આર્ટ) છે? પ્રચલિત એક મત તો એવો હતો કે ઉદાત્તતાને નિયમોમાં બાંધવી તે ખોટું છે. ઉદાત્તતા કંઈ કલાના નિયમોના શિક્ષણથી પ્રાપ્ત થતી ચીજ નથી. એ તો સ્વભાવસહજ – નૈસર્ગિક પ્રતિભાજન્ય છે. નૈસર્ગિક પ્રતિભાથી સર્જાતી કૃતિઓ કલાના નિયમોનો આશ્રય લેવાથી તો ઊલટી બગડે છે અને પોતાનું સામર્થ્ય ગુમાવે છે. લૉંજાઇનસ આ અભિપ્રાય સાથે સંમત નથી. એ, અલબત્ત, સ્વીકારે છે કે નૈસર્ગિકતા સર્વ સર્જનનું મૂલ તત્ત્વ અને એનો પ્રાણભૂત સિદ્ધાંત છે તથા ભાવાવેગ તેમજ વિચારોત્કર્ષના વિષયમાં તો એ મુક્ત અને સ્વાધીન રીતે પ્રવર્તે છે, પણ, એ ઉમેરે છે કે, નૈસર્ગિક પ્રતિભા કંઈ યાદૃચ્છિક ને અતંત્ર રીતે પ્રવર્તતી નથી હોતી. બલકે, એને કશાક તંત્રની, કશાક શાસ્ત્ર કે શાસનની આવશ્યકતા હોય છે. શાસ્ત્ર જ દરેક વસ્તુનાં પ્રમાણ ને પ્રસંગૌચિત્યનું નિયમન કરે છે અને વાણીપ્રયોગ માટેના વધુમાં વધુ સલામત નિયમો પૂરા પાડે છે. બીજી બાજુથી, ઉદાત્તતાની અભિવ્યક્તિને જ્યારે શાસ્ત્ર, જ્ઞાન, અભ્યાસ કે અનુભવની સહાય ન હોય. એને કેવળ આવેગ કે અજ્ઞાનભર્યા દુઃસાહસ કે નૈસર્ગિકતા પર જ છોડી દેવામાં આવે ત્યારે એને માટે જોખમ ઊભું થાય છે. ડિમૉસ્થનીઝે એમ કહેલું કે સદ્ભાગ્ય/સંપત્તિ હોવી એ મોટામાં મોટો આશીર્વાદ છે, પણ યોગ્ય સલાહ ન મળે તો સદ્ભાગ્ય/સંપત્તિ પણ નષ્ટભ્રષ્ટ થઈ જાય. નૈસર્ગિકતા સદ્ભાગ્ય/સંપત્તિને સ્થાને છે ને કલાકૌશલ યોગ્ય સલાહને સ્થાને. બીજા શબ્દોમાં કહીએ તો ઉદાત્ત અભિવ્યક્તિને જેવી રીતે પ્રેરણાની, ધક્કાની જરૂર હોય છે તેવી રીતે અંકુશની પણ ઘણી જરૂર હોય છે. એ ખ્યાલમાં રાખવું જોઈએ કે આમ કરીને લૉંજાઇનસ નૈસર્ગિકતાનું મૂલ્ય ઓછું કરવા માગતા નથી. એ નૈસર્ગિકતા સાથે કલાને જોડવા માગે છે એટલું જ. કલાકૌશલની દૃષ્ટિએ ડિમૉસ્થનીઝની ઘણી ખામીઓ બતાવ્યા પછી પણ ભાવાવેગની અભિવ્યક્તિ વગેરેમાં એમનું જે અનન્ય સામર્થ્ય વ્યક્ત થાય છે એનું એ કયા શબ્દોમાં ગૌરવ કરે છે! – “એ દૈવી વરદાન છે; એ શક્તિને માનવીય માનવી એ ભૂલ છે.” લૉંજાઇનસ તો વાણીને જ માણસને મળેલું અનન્ય વરદાન લેખે છે, અને તેથી અન્ય કલાઓ કરતાં વાણીની કલામાં જુદી અને વિશેષ અપેક્ષા રાખે છે. એ કહે છે કે મૂર્તિકલામાં માણસનું સાદૃશ્ય સર્જવું એ લક્ષ્ય હોય છે. જ્યારે વાગભિવ્યક્તિમાં અતિમાનવીય તત્ત્વને વ્યક્ત કરવાનું હોય છે. મતલબ કે મૂર્તિકલામાં કૌશલથી નભી શકે, વાગભિવ્યક્તિને જુદા ને વિશેષ સામર્થ્યની અપેક્ષા રહે છે. આ સામર્થ્ય કયું? નૈસર્ગિક પ્રતિભા જ. કલાકૌશલ અને નૈસર્ગિકતાની પહોંચ જુદીજુદી છે તે પણ લૉંજાઇનસ બતાવે છે. એ કહે છે કે સંપૂર્ણ યથાતથતા, ચોકસાઈ એ કલાકૌશલથી સિદ્ધ થતો એક પ્રશસ્ય ગુણ છે, તો ઉદાત્તતા કે ઉત્કૃષ્ટતા એ નૈસર્ગિકતાનું પ્રશસ્ય પરિણામ છે, પણ એવું બને કે એ ઉદાત્તતા કે ઉત્કૃષ્ટતા કૃતિસમગ્રમાં એકધારી ને એકસરખી રીતે વ્યક્ત ન પણ થતી હોય. આથી જ, કલાકૌશલનો વિનિયોગ એ સર્વ રીતે નૈસર્ગિકતાને યથાયોગ્ય સહાય છે અને નૈસર્ગિકતા તથા કલાકૌશલનો યોગ જ પરિપૂર્ણતાને સુનિશ્ચિત કરે છે. અહીં આપણને ભારતીય કાવ્યશારત્રીઓની યાદ આવ્યા વિના ન રહે કે જેમણે શક્તિ એટલે કે નૈસર્ગિક પ્રતિભાને કાવ્યસર્જનમાં મૂળભૂત માની છે પણ એમાં જગતજ્ઞાન તથા કાવ્યકૌશલની તાલીમનો સાથ આવશ્યક માન્યો છે. એ સાથથી જ કાવ્ય ઉત્કર્ષને પામે છે એમ માન્યું છે. ઉદાત્તતાના પાંચ મૂલસ્રોત લૉંજાઇનસ ગણાવે છે તેમાંથી બે – વિચાર અને ભાવાવેગ–ને એ નૈસર્ગિક ગણાવે છે ને ત્રણ – અલંકારરચના, પદાવલી અને સંઘટના –ને એ કલાજન્ય લેખે છે. નૈસર્ગિક અને કલાજન્ય ઘટકો વચ્ચે કઈ જાતનો સંબંધ લૉંજાઇનસને અભિપ્રેત છે તે તપાસવાયોગ્ય છે. આ ઘટકો એક પછી એક નહીં પણ એકસાથે પ્રવર્તતા ઘટકો છે એ તો સ્પષ્ટ છે. તો પછી અલંકાર વગેરેનું ભાવાવેગ વગેરે પરત્વે શું કાર્ય છે? એ ભાવાવેગ વગેરેને આણે છે કે એને અભિવ્યક્ત કરે છે? આ બાબતની કોઈ સ્પષ્ટ સમજૂતી લૉંજાઇનસમાંથી આપણને મળતી નથી, પણ કલાકૌશલોનું નિરૂપણ એમણે વિચાર તથા ભાવાવેગને મૂર્ત કરવામાં કે એની સાથે તાલ મિલાવવામાં સફળતા-નિષ્ફળતાની દૃષ્ટિએ કર્યું છે અને વિચાર તથા ભાવાવેગની સ્થિતિ કલાકૌશલો વિના એમણે કલ્પી જણાતી નથી (કલાકૌશલોની વિચાર તથા ભાવાવેગ વિનાની સ્થિતિ એમણે કલ્પી છે ખરી), તેથી નૈસર્ગિક અને કલાજન્ય ઘટકો વચ્ચે એમને કોઈક જાતનો આંતરસંબંધ અભિપ્રેત છે એમ સમજાય છે. લૉંજાઇનસનું એક વિધાન આ બાબતમાં અત્યંત ધ્યાન ખેંચનારું બની રહે છે. એ કહે છે કે “વાગભિવ્યક્તિનાં કેટલાકં ઘટકો કેવળ નૈસર્ગિકતાને વશ છે એ હકીકત જ કલા સિવાય બીજા કશાથી જાણી શકાતી નથી.”૩ આનો સીધો અર્થ તો એવો થાય કે કલાનું વિનિયોજન થાય છે ત્યારે જ ખબર પડે છે કે કેટલાંક ઘટકો તો એના હાથબહારની વાત છે, એટલે કે કલાની અપર્યાપ્તતા પ્રતીત થાય છે. પણ આમાંથી એવા અર્થ સુધી પણ પહોંચી શકાય કે નૈસર્ગિકતાને વશ જે ઘટકો છે એની પ્રતીતિ માટેયે કલાનું વિનિયોજન આવશ્યક છે. એટલે કે નૈસર્ગિકતા અને કલાની પરસ્પરોપકારકતા છે. કલા વિના નૈસર્ગિકતા સિદ્ધ થતી નથી અને નૈસર્ગિકતા વિનાની કલાનો તો કોઈ અર્થ જ નથી. નૈસર્ગિક અને કલાજન્ય ઘટકોની પરસ્પરોપકારકતા દર્શાવતાં લૉંજાઇનસનાં સ્પષ્ટ વિધાનો પણ મળે છે. જેમ કે – “કલા ત્યારે જ પરિપૂર્ણ બને છે જ્યારે એ નૈસર્ગિક લાગે છે અને નૈસર્ગિકતા ત્યારે જ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરે છે જ્યારે એનામાં કલા સમાયેલી હોય છે.”૪ “વિચાર અને પદાવલી એકબીજાને આશ્રયે વિકાસ પામે છે.”૫ આથી જ, આમાં, નવ્ય વિવેચકોને એમનો કવિતાનો આવયવિક સિદ્ધાંત (ઑર્ગેનિક થિઅરી ઑવ્ પોએટ્રી) દેખાયો છે, જેમાં વસ્તુ અને શૈલીનું ઓતપ્રોતપણું અભિપ્રેત છે. વસ્તુનું અન્વેષણ કરવાની ક્રિયામાં જ શૈલી અસ્તિત્વમાં આવે છે અને વસ્તુ શૈલી દ્વારા જ રૂપ ગ્રહણ કરીને અનુભવગોચર થાય છે. વસ્તુ અને શૈલી વચ્ચેનો આ દ્વન્દ્વાત્મક સંબંધ એમને બન્નેને સાર્થક અને પ્રભાવક બનાવે છે. લૉંજાઇનસમાં કલાનાં અંગો – ખાસ કરીને અલંકારનું નિરૂપણ એટલા વિસ્તારથી થયું છે કે લૉંજાઇનસ જાણે અલંકારોને આપોઆપ જ ઉદાત્તતાના સિક્કા પાડનારા યંત્ર તરીકે જોતા હોવ એવું સેઇન્ટસબરીને લાગેલું અને ઉદાત્તતાના મૂલસ્રોતોની ચર્ચા એમને ગ્રંથનો નબળામાં નબળો અંશ જણાયેલી, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે કવિતાના વ્યવહારુ શિક્ષણને અર્થે લૉંજાઇનસને કલાનાં અંગોની વીગતે વાત કરવાની થઈ છે પણ કેવળ કલાના નિયમોથી ઉદાત્તતા સિદ્ધ થઈ શકે એવું તો એમણે કદી માન્યું નથી. એટલું જ નહીં નૈસર્ગિકતા અને કલાનાં સ્થાન, કાર્ય અને સાર્થકતા પરત્વે એ જે સમજ વ્યક્ત કરે છે તે સ્પષ્ટ, સૂક્ષ્મ અને ઊંડી છે, આપણને આજે પણ સ્વીકાર્ય અને સંતોષકર લાગે એવી છે. ખરી વાત તો એ છે કે ગ્રીક વક્તૃત્વશાસ્ત્રમાં ઉદાત્તતા એક શૈલીગુણ જ હતો – ઉદાત્ત કે ઉચ્ચ (હાઇ), મધ્યમ (મિડલ) અને નિમ્ન (લો) એવો ભેદ એમાં કરવામાં આવતો હતો – તેના સ્થાને ઉદાત્તતાને સર્જક-આત્મા સાથે સાંકળીને, એને એક વિશિષ્ટ અનુભવ તરીકે ઘટાવીને લૉંજાઇનસે એને જુદો જ મોભો આપ્યો છે. લૉંજાઇનસે કરેલા કલાનાં અંગોના વિસ્તૃત નિરૂપણથી ભરમાઈ જઈને આ વાતને વીસરી ન જવી જોઈએ. દેખાય છે એવી ઉદાત્તતાની બહિરંગતા એમને અભિપ્રેત નથી જ.