ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/રતિલાલ નાનાભાઈ તન્ના (શારદાપ્રસાદ વર્મા)

Revision as of 15:23, 22 April 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રતિલાલ નાનાભાઈ તન્ના

‘શારદાપ્રસાદ વર્મા’ને નામે નાટકો, વાર્તાઓ અને ચરિત્રો લખતા શ્રી. રતિલાલ તન્નાનોને જન્મ ઇ. ૧૯૦૧ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે તેમના મૂળ વતન સુરતમાં લોહાણા જ્ઞાતિમાં થયેલો. તેમના પિતાનું નામ નાનાભાઈ મોતીરામ અને માતાનું નામ મણિબહેન. પત્નીનું નામ શાન્તાગૌરી. સુરતની ચંદુ મહેતાની ગામઠી નિશાળ, મુંબઈની મ્યુનિસિપલ શાળા અને સુરતની મ્યુનિ શાળા નં. ૬-એ ત્રણ નિશાળોમાં થઈને માત્ર દોઢ વર્ષમાં તેમણે પ્રાથમિક અભ્યાસ પૂરો કર્યો હતો. પછી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને સુરતની યુનિયન હાઈસ્કૂલમાં તેમણે માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ સુરતની એમ. ટી. બી. કૉલેજમાં એફ. વાય. ની પરીક્ષા પાસ કરી પણ દસ વર્ષની વયે માતાનું અને તે પછી બે જ વર્ષમાં પિતાનું અવસાન થયેલું હોવાથી દુન્યવી જવાબદારીઓ માથે આવી પડવાથી અભ્યાસમાં ચિત્ત કેન્દ્રિત ન થઈ શક્યું.. વળી તેવામાં જ અસહકારનાં આંદોલનો શરૂ થયેલાં, તેથી લેખકે અભ્યાસ છોડી સત્યાગ્રહમાં ઝુકાવવાની હોંશ કરી. પણ પોતે કોર્ટ ઑફ વૉર્ડ્ઝ’ના આશ્રયે હોવાથી હિલચાલમાં સક્રિય ભાગ ન લઈ શક્યા, ને તેમની ઇચ્છા મુજબ વિદ્યાપીઠમાં પણ ન જોડાઈ શક્યા. પછી સાહિત્ય દ્વારા દેશસેવા કરવાની ભાવનાથી ‘યુગાંતર કાર્યાલય’ નામની પ્રકાશન સંસ્થા તેમણે સુરતમાં સ્થાપી. હાલ એ પ્રકાશન સંસ્થા ચલાવવા ઉપરાંત લેખનનો વ્યવસાય પણ તેઓ કરી રહેલ છે. શ્રી. તન્ના માધ્યમિક શાળામાં હતા ત્યારથી નાટકો અને સંવાદો લખતા હતા, જે પ્રસંગોપાત્ત શાળાઓમાં ભજવાતા પણ ખરા. ઈ. ૧૯૨૪માં ‘ગીતાની વ્યાખ્યા’ નામના પુસ્તકમાં કેટલાક ગીતા ઉપરના નિબંધોનો અનુવાદ પ્રગટ કરીને તેઓ પ્રસિદ્ધિમાં આવ્યા. તેમના જીવનનો મુખ્ય ઉદ્દેશ સાહિત્ય દ્વારા માનવતાની સેવા અને સાધના કરવાનો છે. તેમના જીવન તેમ જ સાહિત્ય ઉપર સ્વામી શ્રી. રામતીર્થનાં અધ્યાત્મવિષયક પુસ્તકોએ અને ગાંધીજીએ શરૂ કરેલાં સાંસ્કારિક આંદોલનોએ ઊંડી અસર પાડી છે. એમના પ્રિય લેખકો શ્રી. અરવિંદ અને સ્વામી રામતીર્થ છે. એ યોગીઓનાં પુસ્તકો તેમજ ગીતાઉપનિષદના પરિશીલનમાંથી તેમને જીવનનાં સત્તત્ત્વો સાંપડ્યાં છે. તેમના મનગમતા લેખનપ્રકારો નાટક અને જીવનચરિત્ર છે. ઈતિહાસ અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો તેમને ખૂબ ગમે છે. તેમનું ઘણુંખરું સર્જન ઉદ્દેશલક્ષી હોય છે. કોઈક ભાવના કે વિચારને પોતાનાં નાટકમાં કેન્દ્રવર્તી સ્થાને રાખીને તેઓ વસ્તુ, પાત્ર ને વાતાવરણની સંકલના કરે છે. શ્રી. બટુભાઈ ઉમરવાડિયાની સંવાદશૈલી અને નવીન વિચારોને તેજસ્વી રીતે ચમકાવવાની તેમની રીતિની અસર તેમનાં નાટકોમાં જણાય છે. એકંદરે તખ્તાલાયકી જાળવી રાખે તેવાં તેમનાં નાટકો છે. બાલસાહિત્યમાં પણ તેમની દૃષ્ટિ સંસ્કાર, કેળવણી અને સુધારણાની છે. તેમની ‘બે નાટકો’, ‘દુર્ગારામ મહેતાજી’, ‘નવા યુગની સ્ત્રી’ વગેરે કૃતિઓને જાણીતા વિદ્વાન લેખકો રમણલાલ, ઉમરવાડિયા આદિની પ્રસ્તાવનાઓનો લાભ મળે છે. ‘ફોરમ’ની અનેક લહરીઓમાં પથરાયેલા તેમના બાલસાહિત્યને શ્રી. જ્યોતીન્દ્ર દવે, સ્વ. ગિજુભાઈ અને સ્વ. મોતીભાઈ અમીનનાં પ્રોત્સાહક પુરોવચનો પ્રાપ્ત થયાં છે.

કૃતિઓ

કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક કે અનુવાદ?
૧. ગીતાની વ્યાખ્યા *નિબંધો *૧૯૨૪ *૧૯૨૪ *યુગાન્તર કાર્યાલય, સુરત *અનુવાદ
૨. બે નાટક *નાટકો *૧૯૨૮-૨૯ *૧૯૩૦ *યુગાન્તર કાર્યાલય, સુરત *મૌલિક
૩. ફોરમ લહરી ૧થી ૧૨ *બાલસાહિત્ય *૧૯૩૫-૩૬ *૧૯૩૬*યુગાન્તર કાર્યાલય, સુરત *મૌલિક
૪. નવા યુગની સ્ત્રી *નાટક *૧૯૩૨-૩૪ *૧૯૩૬ *યુગાન્તર કાર્યાલય, સુરત *મૌલિક
૫. વન વનની વેલ *વાર્તાઓ ને એક નાટક *? *૧૯૩૯ *યુગાન્તર કાર્યાલય, સુરત *મૌલિક
૬. મુસોલિની *ચરિત્ર * ? *૧૯૩૯ *યુગાન્તર કાર્યાલય, સુરત *મૌલિક
૭. કમાલ આતા તુર્ક *ચરિત્ર * ? *૧૯૩૯ *યુગાન્તર કાર્યાલય, સુરત *મૌલિક
૮. વર્તમાન યુગના વિધાયકો *ચરિત્ર * ? *૧૯૩૯ *યુગાન્તર કાર્યાલય, સુરત *મૌલિક
૯. મંદિરને પગથિયે *નિબંધિકાઓ *? *૧૯૪૩ *યુગાન્તર કાર્યાલય, સુરત *મૌલિક
૧૦. દુર્ગારામ મહેતાજી અને બીજાં નાટકો *નાટકો * ? ૧૯૪૦ *યુગાન્તર કાર્યાલય, સુરત *મૌલિક
૧૧. આશા અથવા એક શબ્દ *નવલકથા *? *૧૯૪૪ *યુગાન્તર કાર્યાલય, સુરત *અનુવાદ
૧૨. પુરાણનાં પાત્રો *બાલસાહિત્ય - *૧૯૪૪ *યુગાન્તર કાર્યાલય, સુરત *મૌલિક
૧૩. ઉપનિષદની વાતો *બાલસાહિત્ય *? *૧૯૪૪ *યુગાન્તર કાર્યાલય, સુરત *મૌલિક
૧૪. કથાનકો *બાલ સાહિત્ય *? *૧૯૪૮ *યુગાન્તર કાર્યાલય, સુરત *સંપાદન-અનુવાદ

અભ્યાસ-સામગ્રી

‘ફોરમ’ બાલસાહિત્ય માટે:-સ્વ. મોતીભાઈ અમીનના પત્રો તેમજ શ્રી. જ્યોતીન્દ્ર દવે અને સ્વ. ગિજુભાઈની પ્રસ્તાવના
‘બે નાટકો’ માટે – સ્વ. બટુભાઈ ઉમરવાડિયાની પ્રસ્તાવના.
‘નવા યુગની સ્ત્રી’ માટે:- શ્રી. રમણલાલ દેસાઇની પ્રસ્તાવના.
‘દુર્ગારામ મહેતાજી’ માટે-- પ્રૉ. વ્રજરાય મ. દેસાઇનું વિવેચન

***