અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નર્મદ/જય! જય! ગરવી ગુજરાત!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જય! જય! ગરવી ગુજરાત!

નર્મદ

જય! જય! ગરવી ગુજરાત!
જય! જય! ગરવી ગુજરાત!
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમશૌર્ય અંકિત,
તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય! જય! ગરવી ગુજરાત!

ઉત્તરમાં અંબામાત,
પૂરવમાં કાળીમાત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ.
છે સહાયમાં સાક્ષાત્
જય! જય! ગરવી ગુજરાત!

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય,
વળી જોય સુભટનાં જુદ્ધરમણ ને, રત્નાકર સાગર,
પર્વત ઉપરથી વીર પૂર્વજો દે આશિષ જયકર;
સંપે સોહે સહુ જાત;
જય! જય! ગરવી ગુજરાત!

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ;
તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત!
શુભ શકુન દિસે, મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત;
જન ઘૂમે નર્મદા સાથ,
જય! જય! ગરવી ગુજરાત!