અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/શિશુ
Revision as of 04:43, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શિશુ|પન્ના નાયક}} <poem> હવે થોડા દિવસ હવે થોડા પ્રહરો ને પછી વ...")
શિશુ
પન્ના નાયક
હવે થોડા દિવસ
હવે થોડા પ્રહરો
ને પછી
વિદાય લેતી મારી જિંદગી…
સંબંધીઓ આશ્વાસન આપવાને બહાને આવેલા
ધીમું ધીમું ગણગણશે
મારા મૃત્યુ પામેલા વાંઝિયાપણા માટે—
વાત તો સાચી!
મારામાં કેટલાંય રણ સૂકાં રહ્યાં
ને મેં વિચાર્યા કર્યું.
મારામાં કેટલાંય વૃક્ષ મ્હોર્યા વિનાનાં રહ્યાં
ને મેં જોયા કર્યું.
એક મારી જ કૂખ મ્હોરી નહીં
ને મેં વિલાયા કર્યું.
હવે આ મૃત્યુ સમયે
શય્યામાં કોઈ શિશુ લાવો! ગાલમાં ખંજન પાડતું—
પૃથ્વીનું એ કોમલ રૂપ ચૂમીને પ્રાણ તજું.
હું જ જાઉં છું હવે
કોઈ મોડી મોડી થનાર માતાના ગર્ભમાં—બાળક બનવા!