પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/ઍરિસ્ટૉટલના વિચારો – આજના સંદર્ભમાં

From Ekatra Foundation
Revision as of 02:59, 28 April 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઍરિસ્ટૉટલના વિચારો – આજના સંદર્ભમાં

ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણાના મુખ્ય મુદ્દાઓ આપણે તપાસી ગયા. કાવ્યવિચારણાને એ કેવો નવો વળાંક આપે છે અને કાવ્યનાં મૂળભૂત તત્ત્વોને કેવી સૂઝથી સ્પર્શી લે છે એ તે પરથી દેખાયું હશે. માટે જ તો સાહિત્યશાસ્ત્રના આજના અભ્યાસીને પણ ઍરિસ્ટૉટલ વાંચ્યા વિના ભાગ્યે જ ચાલી શકે એમ આપણે આરંભમાં કહ્યું છે, છતાં ઍરિસ્ટૉટલને વાંચવા માત્રથી આજના સાહિત્યપ્રવાહોને સમજવાની સંપૂર્ણ ચાવી નહીં મળી જાય. ઊલટાનું ઍરિસ્ટૉટલના વિચારો કેટલેક ઠેકાણે અપર્યાપ્ત લાગશે, એને આજે કેવી રીતે ઘટાવવા એની મૂંઝવણ પણ થશે. આનું કારણ એ છે કે ઍરિસ્ટૉટલ પ્રથમ સિદ્ધાંત બાંધી સાહિત્યકૃતિઓનાં દૃષ્ટાંતોથી એને સમજાવતા નથી, પણ ઉત્તમ સાહિત્યકૃતિઓનું પૃથક્કરણ કરી એના પરથી સિદ્ધાંત બાંધવાની અનુમાનપદ્ધતિ(ઇન્ડક્ટિવ મેથડ)એ ચાલે છે. આને પરિણામે, એમના તપાસવિષય સાહિત્યની ઉત્તમતા અને એમની પોતાની માર્મિક દૃષ્ટિને લીધે, એ સાહિત્યના કેટલાક મૂળભૂત વ્યાપક સિદ્ધાંતો આપી શકે છે, જે પછીના સમયમાં પણ થોડા ફેરફારો સાથે લાગુ પાડી શકાય છે, તો બીજી બાજુથી ગ્રીક ટ્રૅજેડીના કેટલાક આકસ્મિક અંશોનો પણ એમની વિચારણામાં ઉઠાવ મળી ગયો છે. આ આકસ્મિક અંશોનો વિવેક આપણે કરી શકીએ તો ઍરિસ્ટૉટલ આજે પણ આપણને માર્ગદર્શક નીવડી શકે. અલબત્ત, ઍરિસ્ટૉટલે સૂચવેલી દિશામાં આપણે જરા આગળ વધવું પડે, ક્યાંક વળાંક પણ લેવો પડે, અને પૂર્તિ પણ કરવી પડે. વસ્તુતઃ યુરોપીય સાહિત્યવિવેચનમાં આમ જ થયું છે. સોળમી-સત્તરમી સદીના ફ્રેન્ચ વિવેચકોએ ઍરિસ્ટૉટલની વિચારણાના આકસ્મિક અંશોને પકડી અનર્થ કર્યો તે શેક્‌સ્પિઅરનાં નાટકોનાં વિવેચનો લખાયાં પછી દૂર થયો. શેક્‌સ્પિઅરનાં નાટકોને ફ્રેન્ચ વિવેચકોએ ઍરિસ્ટૉટલને નામે પ્રવર્તાવેલા સિદ્ધાંતોથી સમજાવી શકાય એમ ન લાગવાથી ઍરિસ્ટૉટલની વિચારણાનાં આકસ્મિક તત્ત્વોને જુદાં પાડી, એના આવશ્યક મૂળભૂત અંશોનું ગ્રહણ કરી, એનો વ્યાપકભાવે વિનિયોગ કરવાની શરૂઆત થઈ. ઍરિસ્ટૉટલની સાચી સમજ જ ત્યારે અસ્તિત્વમાં આવી એમ કહી શકાય. આપણે ઍરિસ્ટૉટલની વિચારણાના આકસ્મિક – આવશ્યક અંશોને જુદા પાડી જોઈએ અને એના મૂળભૂત સિદ્ધાંતોને આજના સંદર્ભમાં વિચારી જોઈએ. સૌથી વધારે ગૂંચવણ ઊભી કરે એવો ઍરિસ્ટૉટલનો સિદ્ધાંત તે એનો અનુકરણનો સિદ્ધાંત છે. અનુકરણ શબ્દ સામાન્ય રીતે સદૃશકરણ સૂચવે છે અને સોળમી-સત્તરમી સદીમાં એ શબ્દને આ અર્થમાં સ્વીકારી ફ્રેન્ચ વિવેચકો અને નાટકકારોએ બાહ્ય વાસ્તવિક માનવવ્યવહારનું સ્થૂળ પ્રતિબિંબ ઝીલવામાં કળાની પર્યાપ્તિ માની. આ અર્થ માટે ઍરિસ્ટૉટલમાં બિલકુલ આધાર નથી એવું પણ નહીં, પરંતુ એ આકસ્મિક છે અને એ અર્થ છોડીને ઍરિસ્ટૉટલ આગળ જાય છે એ આપણે વીગતે જોઈ ગયા છીએ. ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ કળા – ખાસ કરીને ટ્રૅજેડી જેવા કથામૂલક સાહિત્યપ્રકારો – વાસ્તવિકતાને, ઇતિહાસની જેમ, યથાતથ રજૂ નથી કરતા પરંતુ ફિલસૂફીની જેમ, વાસ્તવજીવનનું રહસ્ય ઝીલે છે અને (બેશક, ફિલસૂફીથી ભિન્નપણે) પોતાના આગવા સંદર્ભથી એને મૂર્ત કરે છે. વાસ્તવજીવનનું આ રહસ્ય સમાજગ્રાહ્ય રહેવાનું અને એનું સીધું સંક્રમણ પણ થઈ શકાવાનું.[1] આ રીતે ઍરિસ્ટૉટલના અનુકરણવિચારમાં કળા વસ્તુજગત સાથેનો ભલે ગૂઢ પણ નિશ્ચિત પ્રકારનો સંબંધ સાચવી રાખે છે. આજે સાહિત્ય જ્યારે આત્માભિવ્યક્તિના માર્ગે અત્યંત સાહસિકતાથી આગળ વધી રહ્યું છે – એટલી સાહસિકતાથી કે આત્મસંવેદનનો એ આવિષ્કાર એક તદ્દન અંગત કલા – અંગત પ્રતીકોનો આશ્રય લેતી અને તેથી બીજા સુધી પહોંચી ન શકતી કલા – બની જાય છે ત્યારે ઍરિસ્ટૉટલનો અનુકરણવિચાર પણ પર્યાપ્ત ન લાગે તો એમાં નવાઈ નથી. ઍરિસ્ટૉટલની કલ્પનામાં પણ નહીં હોય એવા વાસ્તવિકતાના સ્તરે – અચેતન અને અવચેતન મનના સ્તરે – આજના તત્ત્વચિંતકો અને કલાકારો પહોંચી ગયા છે. આમાં અનુકરણવ્યાપાર હોય તોયે એટલો સૂક્ષ્મ બની ગયો છે કે વસ્તુજગતને સ્થાને આપણને આત્મસંવેદનનું આગવું જગત જ દેખાય છે. છતાં ઍરિસ્ટૉટલે અનુકરણવ્યાપારને વાસ્તવિકતાના ઊંડા સ્તર તરફ વાળીને, કલાકૃતિના સંદર્ભના આગવાપણા પર ભાર મૂકીને અને અનુકરણવ્યાપારને પોતાની કલાત્મક આકૃતિની વિભાવના સાથે સાંકળીને એને જે રીતે કવિકર્મનો વાહક બનાવ્યો છે તે એમનું વિશિષ્ટ અર્પણ છે અને એમણે સૂચવેલી દિશામાં જ આપણે આગળ વધવાનું રહે છે. ઍરિસ્ટૉટલે કવિતાને ફિલસૂફીની સગોત્રીય ગણી એટલે કાવ્યનું સત્ય વાસ્તવસાદૃશ્યમાં નહીં પણ બૌદ્ધિક પ્રતીતિકરતામાં આવી વસ્યું ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ કવિતા, ફિલસૂફીથી ભિન્ન રીતે અને ઇતિહાસની જેમ, ‘વિશેષ’ને રજૂ કરે છે પણ એ ‘વિશેષ’ દ્વારા ‘સાર્વત્રિક’નો આવિષ્કાર થવો જોઈએ. ઍરિસ્ટૉટલના આ સાર્વત્રિકતાના આગ્રહનું પરિણામ એ આવ્યું કે સોળમી-સત્તરમી સદીમાં કળાકૃતિ એટલે અમુક વર્ગના પદાર્થો કે પાત્રો(ટાઇપ્સ)નું નિર્માણ એવો ખ્યાલ પ્રચલિત બન્યો. વળી ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ આ સાર્વત્રિકની પ્રતીતિ એ એક જાતની બૌદ્ધિક પ્રતીતિ છે. તેથી કાવ્યનું સત્ય એટલે બુદ્ધિગ્રાહ્ય સર્વસામાન્યતા એવો અર્થ થઈ જતાં વાર ન લાગે. આમાં કળાકારના દર્શનની વૈયક્તિકતાને ને અનન્યતાને અવકાશ રહે નહીં. ફિલસૂફી જે જમાનામાં માનવચિત્તની એક પરમ શ્લાઘ્ય પ્રવૃત્તિ ગણાતી હતી તે જમાનામાં આમ બનવું સ્વાભાવિક હતું, પરંતુ ખરી વાત એ છે કે કાવ્યસૃષ્ટિમાં ઘણુંબધું બુદ્ધિગ્રાહ્ય હોવા છતાં પણ એનું સર્જન કે એનું આસ્વાદન એ કોઈ બુદ્ધિવ્યાપારનું પરિણામ હોતું નથી. એ સહજોપલબ્ધિ (ઇન્ટ્યુઇશન)નું જગત છે અને એક વિશિષ્ટ જગત છે. એના વિશેષમાં જ એનું રહસ્ય હોય છે. ઍરિસ્ટૉટલ એમ કહે છે ખરા કે કવિ પાસે કુદરતી બક્ષિસ હોવી જોઈએ અથવા એનામાં એક પ્રકારનું ગાંડપણ જોઈએ, જેથી એ ભિન્નભિન્ન માનવભાવોને ઝીલી શકે પણ પ્લેટો કરે છે તેમ એ કવિની પ્રેરિત અવસ્થાનો કે એના આગવા દર્શનનો (પ્લેટો ભલે એને ‘અસત્ય’ ગણે) મહિમા કરતા નથી. છતાં ઍરિસ્ટૉટલ વાસ્તવસાદૃશ્યના અભાવમાં પણ બૌદ્ધિક પ્રતીતિકરતા હોઈ શકે એમ સ્વીકારે છે. બૌદ્ધિક પ્રતીતિકરતાના પોતાના આગ્રહોમાં કેટલીક છૂટછાટો મૂકે છે અને કાવ્યસૃષ્ટિની સ્વતંત્રતા અને સ્વયંપર્યાપ્તતા પર ભાર મૂકે છે; તેથી કાવ્યની આગવી આંતરપ્રતીતિ (જે લૌકિક બુદ્ધિવ્યાપારનું પરિણામ ન હોઈ શકે, એને માટે આપણે જુદી જ કોટિનો ચિત્તવ્યાપાર એટલે કે કલ્પનાવ્યાપાર સ્વીકારવો પડે) તરફ ડગ મંડાય છે એમ કહી શકાય. કાવ્યસૃષ્ટિની સ્વતંત્રતા અને સ્વયંપર્યાપ્તતા! અંતે આપણે ઍરિસ્ટૉટલના આકૃતિવિચાર પાસે આવી પહોંચીએ છીએ. કાવ્યની સ્વતંત્રતા અને સ્વયંપર્યાપ્તતાનો સ્વીકાર કરીએ એટલે કાવ્યનાં ઘણાં ધોરણો બદલાઈ જાય છે. અનુકરણની તથા કાવ્યગત સત્યની ઍરિસ્ટૉટલની વિચારણા એમના આકૃતિલક્ષી દૃષ્ટિબિંદુથી પ્રભાવિત થયા વિના રહી શકી નથી. એટલે જ આકૃતિવિચાર એ ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણાનું સત્ત્વ હોય એમ લાગે છે. અલબત્ત, ઍરિસ્ટૉટલના આકૃતિવિચારમાં પણ બુદ્ધિગ્રાહ્યતા પર ઘણો ભાર છે. કારણ કે, આકૃતિને એ કાર્યકારણસંબંધ તરીકે જુએ છે. આજે મુક્ત સાહચર્ય અને ચેતનાપ્રવાહનું અવલંબન લઈને લખાતી કૃતિઓમાં કાર્યકારણસંબંધ શોધવો અશક્ય બની જાય. એની એકતા, જો કંઈ હોય તો, મનોવ્યાપારલક્ષી કે ભાવલક્ષી હોય છે. સંઘટનાના આધારો કલ્પનો, પ્રતીકો, ઉદ્‌ગારની લઢણો, શબ્દપ્રયોગો કે લય પણ હોય છે. આ આકૃતિ બુદ્ધિગાહ્ય નહીં પણ કલ્પનાગ્રાહ્ય હોય છે. કલ્પનાગ્રાહ્ય આકૃતિની આ વિભાવના ઍરિસ્ટૉટલની ચર્ચામાંથી સ્ફુટ ન થાય તો એમાં કંઈ નવાઈ નથી. એ પોતાના જમાનાના ઘટનાપ્રધાન સાહિત્યને અનુલક્ષીને લખી રહ્યા હતા અને તેથી કાર્યકારણની પરિભાષામાં વાત કરવી એમને માટે ખૂબ સ્વાભાવિક હતું. છતાં કલાકાર આરંભબિંદુ તો પોતાની સૂઝ અનુસાર ગમે તે પસંદ કરતો હોય છે અને કલાકૃતિના પોતાના કોઈક તંત્રનું નિર્માણ કરતો હોય છે એમ ઍરિસ્ટૉટલ દર્શાવે છે. એથી કાર્યકારણસંબંધ તે લૌકિક જગતનો રૂઢ, ચીલાચાલુ કાર્યકારણસંબંધ રહેતો નથી પણ કલાકૃતિના સમગ્ર સંદર્ભમાંથી સ્ફુરતું એક તત્ત્વ બની જાય છે. વળી ઍરિસ્ટૉટલ કળાકૃતિમાં અપેક્ષિત એકતાને સજીવ, સેન્દ્રિય એકતા તરીકે ઓળખાવે છે તેથી આકૃતિની સાહજિકતા અને એનું વૈવિધ્ય સૂચવાય છે; કેમ કે દરેક સજીવને પોતાની કંઈક વિશિષ્ટ પણ આકૃતિ હોય છે. ઍરિસ્ટૉટલે એક સમય કે એક નાયકને કારણે આવતી એકતાની અવગણના કરી ક્રિયાની કે વસ્તુરચનાની એકતાનું મહત્ત્વ સ્થાપિત કર્યું એ આકૃતિવિચારમાં એમણે કરેલું અગત્યનું પ્રસ્થાન છે. પછીથી ક્રિયાની એકતાનું સ્થાન પ્રભાવની એકતા (યુનિટી ઑવ્‌ ઇમ્પ્રેશન) લે છે અને અત્યારે વળી આંતરમનના વ્યાપારની એકતા સાહિત્યરચનામાંથી શોધવાની રહે છે. પણ ઍરિસ્ટૉટલ આકૃતિ અને એકતામાં કાવ્યનું સૌંદર્ય અને સાર્થક્ય જુએ છે અને કલાની વિશિષ્ટ આકૃતિની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કરે છે એ જ મોટી વાત છે. ઍરિસ્ટૉટલના આકૃતિવિચારના કેન્દ્રમાં કાર્યકારણસંબદ્ધ ક્રિયા છે, એનું પરિણામ એ આવે છે કે એ સાહિત્યકૃતિમાં જેટલું વસ્તુરચના અને ક્રિયાને સ્થાન આપે છે એટલું ચરિત્રને આપતા નથી. ઍરિસ્ટૉટલનો ક્રિયા અને વસ્તુરચનાનો અર્થ વ્યાપક છે અને ચરિત્રનો સાંકડો, એટલે આજે આપણે જેને ચરિત્રના અંશો કહીએ એમાંના ઘણાનો સમાવેશ ક્રિયામાં થઈ જાય, છતાં ઍરિસ્ટૉટલની ટ્રૅજેડીવિષયક સમગ્ર ચર્ચા વાંચતાં એમ લાગ્યા વિના રહેતું નથી કે એમની દૃષ્ટિએ માનવી કરતાં પરિસ્થિતિ જાણે કે વધારે મહત્ત્વની છે; અથવા એમ કહો કે પરિસ્થિતિ કે બનાવની વજનદાર ઉપસ્થિતિ કે છેવટે એનો ઓછાયો પણ એની દૃષ્ટિએ અપરિહાર્ય છે. ગ્રીક ટ્રૅજેડીને સઘળું ટૂંકામાં પતાવવાનું હોઈ પરિસ્થિતિ પર ધ્યાન વધારે કેન્દ્રિત કરવાની જરૂર પડે એ સમજાય એવું છે, પરંતુ પછીથી ટ્રૅજેડીનો જે રીતે વિકાસ થાય છે તેમાં પરિસ્થિતિના જેટલું જ અથવા એથીય વધારે મહત્ત્વ માનવચરિત્રને આપવામાં આવે છે તે આપણે જાણીએ છીએ. અને આજે તો પરિસ્થિતિ કે બનાવને પાછળ નાખી દઈ કે એનો લોપ કરી માનવસંવેદનને જ જે રીતે ઉઠાવ આપવામાં આવે છે એની સાથે તો ઍરિસ્ટૉટલની વિચારણાનો મેળ જ કેવી રીતે બેસાડવો? ઍરિસ્ટૉટલની ‘વસ્તુરચના’ને શક્ય એટલા વ્યાપક અર્થમાં ઘટાવ્યા પછી પણ અંતર્મુખ અર્વાચીનો અને ઍરિસ્ટૉટલ વચ્ચે સંપૂર્ણ સમાધાન શક્ય નથી એમ ભાસે છે.[2]

છતાં ઍરિસ્ટૉટલ વસ્તુઆયોજનનું જે મહત્ત્વ કરે છે તે એને અભિપ્રેત છે તેનાથી ભિન્ન અને વધારે સૂક્ષ્મ સ્તરે ધ્યાનપાત્ર રહે જ છે અને ટ્રૅજિક પરિસ્થિતિ તથા ટ્રૅજિક લાગણીઓનું એમણે કરેલું વિવરણ ટ્રૅજેડીના અંતસ્તત્ત્વને સ્પર્શી હંમેશ માટે માર્ગદર્શક નીવડે છે. છેવટે, ઍરિસ્ટૉટલ આનંદને – આકૃતિગત સૌંદર્યમાંથી જન્મતા આનંદને કાવ્યનું અંતિમ લક્ષ્ય માને છે અને એ રીતે કાવ્ય પરનો નીતિ આદિનાં બીજાં ધોરણોનો બોજ દૂર કરે છે. છતાં કાવ્યના લક્ષ્ય લેખે એમણે આનંદની વ્યવસ્થિત સ્થાપના નથી કરી અને ‘કૅથાર્સિસ’ના ઉલ્લેખ દ્વારા એમણે વાતને ગૂંચવી પણ છે. કાવ્યનો જાણે કાવ્યેતર ઉપયોગ – માનસોપચાર રૂપે – શોધ્યા વિના એમને ચાલતું નથી. સદ્‌ભાગ્યે ઉપયોગ કરતાં આનંદનો એ વધારે મહિમા કરે છે અને એમના મૂળભૂત વિચારને ખાસ કશી આંચ આવતી નથી. કાવ્યમાંથી મળતો આનંદ જીવનની પરિપૂર્ણતામાં પોતાનો ફાળો આપે છે એ રીતે ઍરિસ્ટૉટલ એને એક જીવનમૂલ્ય ગણાવે છે, પરંતુ આ દૃષ્ટિબિંદુ તો આજેયે આપણને ઉચિત નહીં લાગે? ઍરિસ્ટૉટલની વિચારણામાં આવશ્યક અને આકસ્મિક અંશો કેવા ગૂંથાતા ગયા છે! છતાં એમનાં મૂળભૂત વિચારબિંદુઓ આજે પણ કેવાં આધારરૂપ અને માર્ગદર્શક બની શકે છે! આમાં જ ઍરિસ્ટૉટલની સ્થાયી મૂલ્યવત્તા રહેલી છે. યુરોપની સાહિત્યવિચારણાએ તો ઍરિસ્ટૉટલનું અવલંબન લઈને જ આગળ ગતિ કરી છે. ઍરિસ્ટૉટલે કાવ્યતત્ત્વને બીજાં તત્ત્વોથી અલગ કરી જોવાનો પ્રથમ વાર પ્રયાસ કર્યો, એથી એ સ્વચ્છ જોઈ શક્યા અને એને હાથે કવિતાની પ્રાણપ્રતિષ્ઠા થઈ.

પાદટીપ

  1. “Aristotle fastens our attention on everything that is directly communicable and socially digestible in artistic endeavour.” જૉન ગૅસનર. ‘ઍરિસ્ટૉટેલિઅન લિટરરી ક્રિટિસિઝમ’ એ લેખ પૃ. Ii. બુચર, ઍરિસ્ટૉટલ્ઝ થિઅરી ઑવ્‌ પોએટ્રી ઍન્ડ ફાઇન આર્ટ.
  2. “It may have to be conceded, nevertheless, that a complete reconciliation cannot be effected between the introspective moderns and Aristole.” – જૉન ગૅસનર, ‘ઍરિસ્ટૉટેલિઅન લિટરરી ક્રિટિસિઝમ’ એ લેખ, પૂ. liii, બુચર, ઍરિસ્ટૉટલ્ઝ થિઅરી ઑવ્‌ પોએટ્રી ઍન્ડ ફાઇન આર્ટ.