કવિલોકમાં/ઉપાધ્યાય યશોવિજયંજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા

From Ekatra Foundation
Revision as of 11:18, 30 April 2025 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા - કેટલાક મુદ્દા

ઉપાધ્યાય યશોવિજયજી મધ્યકાલીન સાહિત્યાકાશના એક અત્યંત તેજસ્વી તારક છે. જ્ઞાનપ્રૌઢિમાં તો એ અજોડ છે. નવ્યન્યાયના આ આચાર્ય ષડ્દર્શનવેત્તા હતા અને કાવ્યશાસ્ત્ર, વ્યાકરણ આદિ અનેક વિદ્યાઓમાં એમની અનવરુદ્ધ ગતિ હતી. આ વિષયોમાં એમણે સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ગ્રંથોની રચના કરી છે. એમનું ગુજરાતી (અને થોડુંક હિંદી) સાહિત્યસર્જન પણ સારા પ્રમાણમાં છે, એમાં રાસ, સંવાદ, સ્તવનસજ્ઝાયાદિ પ્રકારો આવરી લેવાયા છે અને સાંપ્રદાયિક તત્ત્વ-પરામર્શની સાથે સાહિત્યકળાની ઉચ્ચતા જોવા મળે છે. એમણે પોતે નોંધ્યું છે કે ગંગાકાંઠે ‘એં’ એ બીજાક્ષરના જાપથી સરસ્વતી એમના પર તુષ્ટમાન થયાં હતાં અને એમણે એમને તર્ક અને કાવ્યનું વરદાન આપ્યું હતું. એમનું સાહિત્ય જાણે આ હકીકતની સાખ પૂરે છે. એમાં તર્ક એટલે વિચારશક્તિ - બૌદ્ધિકતા અને કાવ્ય એટલે સાહિત્યકળા - રસ-સૌન્દર્યનો મેળ જોવા મળે છે. ‘જંબૂસ્વામી રાસ’માં એમણે કહ્યું છે –

તર્ક વિષમ પણ કવિનું વયણ સાહિત્યે સુકુમાર,
અરિગજગંજન પણ દયિત નારી મૃદુ ઉપચાર.

(કવિનું વચન તર્ક ને કારણે વિષમ, પણ સાહિત્યગુણે કરીને સુકુમાર હોય છે, જેમ શત્રુરૂપી હાથીઓને પરાભવ પમાડનાર પ્રિયતમ નારી પ્રત્યે મૃદુ વ્યવહારવાળો હોય છે.) તે રીતે યશોવિજયજીનું સાહિત્યસર્જન પણ તર્ક વિષમ પણ કાવ્યરસમધુર છે. અહીં ગુજરાતી-હિંદી કૃતિઓને સંદર્ભે એમની સાહિત્યકળાની કેટલીક લાક્ષણિકતાઓની સંક્ષિપ્ત નોંધ લેવાનો ઉપક્રમ છે.