કવિલોકમાં/ઉપાધ્યાય યશોવિજયંજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા

Revision as of 11:20, 30 April 2025 by MeghaBhavsar (talk | contribs)


ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા - કેટલાક મુદ્દા

ઉપાધ્યાય યશોવિજયજી મધ્યકાલીન સાહિત્યાકાશના એક અત્યંત તેજસ્વી તારક છે. જ્ઞાનપ્રૌઢિમાં તો એ અજોડ છે. નવ્યન્યાયના આ આચાર્ય ષડ્દર્શનવેત્તા હતા અને કાવ્યશાસ્ત્ર, વ્યાકરણ આદિ અનેક વિદ્યાઓમાં એમની અનવરુદ્ધ ગતિ હતી. આ વિષયોમાં એમણે સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ગ્રંથોની રચના કરી છે. એમનું ગુજરાતી (અને થોડુંક હિંદી) સાહિત્યસર્જન પણ સારા પ્રમાણમાં છે, એમાં રાસ, સંવાદ, સ્તવનસજ્ઝાયાદિ પ્રકારો આવરી લેવાયા છે અને સાંપ્રદાયિક તત્ત્વ-પરામર્શની સાથે સાહિત્યકળાની ઉચ્ચતા જોવા મળે છે. એમણે પોતે નોંધ્યું છે કે ગંગાકાંઠે ‘એં’ એ બીજાક્ષરના જાપથી સરસ્વતી એમના પર તુષ્ટમાન થયાં હતાં અને એમણે એમને તર્ક અને કાવ્યનું વરદાન આપ્યું હતું. એમનું સાહિત્ય જાણે આ હકીકતની સાખ પૂરે છે. એમાં તર્ક એટલે વિચારશક્તિ - બૌદ્ધિકતા અને કાવ્ય એટલે સાહિત્યકળા - રસ-સૌન્દર્યનો મેળ જોવા મળે છે. ‘જંબૂસ્વામી રાસ’માં એમણે કહ્યું છે –

તર્ક વિષમ પણ કવિનું વયણ સાહિત્યે સુકુમાર,
અરિગજગંજન પણ દયિત નારી મૃદુ ઉપચાર.

(કવિનું વચન તર્ક ને કારણે વિષમ, પણ સાહિત્યગુણે કરીને સુકુમાર હોય છે, જેમ શત્રુરૂપી હાથીઓને પરાભવ પમાડનાર પ્રિયતમ નારી પ્રત્યે મૃદુ વ્યવહારવાળો હોય છે.) તે રીતે યશોવિજયજીનું સાહિત્યસર્જન પણ તર્ક વિષમ પણ કાવ્યરસમધુર છે. અહીં ગુજરાતી-હિંદી કૃતિઓને સંદર્ભે એમની સાહિત્યકળાની કેટલીક લાક્ષણિકતાઓની સંક્ષિપ્ત નોંધ લેવાનો ઉપક્રમ છે.

વિચારવૈદગ્ધ્ય

તર્ક પાટવ, વિચારબળ, વિદગ્ધતા કે ચાતુર્ય યશોવિજયજીના સાહિત્યનું એક વિશિષ્ટ લક્ષણ છે, કદાચ બીજે ભાગ્યે જ જોવા મળે એવું. ‘સમુદ્રવહાણ સંવાદ’માં સામસામી દલીલોની કેવી પટાબાજી છે! સમુદ્ર મોટાઈનો મહિમા કરે છે તો સામે વહાણ મોટા કરતાં નાના પદાર્થો કેવા ઉપયોગી થાય છે તે બતાવે છે. સમુદ્ર પોતાનું કુલગૌરવ આગળ કરે છે તો વહાણ કુલજન્મ કરતાં સારાંનરસાં કાર્યો જ વધુ મહત્ત્વનાં છે એવું પ્રતિપાદિત કરે છે. આ જ રીતે ગુણગર્વની સામે ગુણનમ્રતા, ધનસંપત્તિ હોવાની સામે એ કામમાં આવે તેમાં સાર્થકતા વગેરે મુદ્દાઓ એક પછી એક મુકાયે જાય છે. આ દલીલબાજીમાં અનેક પૌરાણિક-લૌકિક સંદર્ભો ખપમાં લેવાયા છે. દાખલા તરીકે, ચંદ્ર સાગરમાંથી જન્મ્યો છે એ પૌરાણિક કથાનો લાભ લઈ સાગરને પોતાના પુત્રચંદ્રનો મહિમા ગાતો બતાવ્યો છે તો સામે વહાણને ચંદ્ર તો સાગરના પાપથી નાસીને અંબરવાસી બન્યો છે એવો રોકડો જવાબ પરખાવતો દર્શાવ્યો છે. નાનાપણાનો મહિમા ગાતાં મોટો એરંડો ને નાની ચિત્રાવેલી, મોટંુ આકાશ અને નાનો ચંદ્ર વગેરેનાં દૃષ્ટાંતો આપ્યાં છે. ‘સમુદ્રવહાણ સંવાદ’માં આવા સંદર્ભો જાણે ધોધની પેઠે ઠલવાતા દેખાય છે અને યશોવિજયનું આપણને પ્રભાવિત કરે એવું પુરાણપરંપરા ને લોકવ્યવ્યહારનું જ્ઞાન પ્રગટ થાય છે. ‘શ્રીપાલ રાસ’માં પતિ મૃગયાને ક્ષત્રિયધર્મ ગણાવે છે ત્યારે પત્ની એની સામે જે રજૂઆત કરે છે તે યશોવિજયજીની વિચારપટુતાનું એક સુંદર ઉદાહરણ છે. પત્ની કહે છે કે : ૧. મોમાં તરણું રાખનાર શત્રુને પણ જીવતો મૂકવો એ ક્ષત્રિયાચાર છે, તો આ તો તરણાંનો જ આહાર કરવાવાળા પશુઓ છે. ૨. નાસે એની સાથે ક્ષત્રિય લડાઈ ન કરે, અશસ્ત્ર સાથે પણ ન કરે તેવો ક્ષત્રિયાચાર છે, તો આ સસલાં તો અશસ્ત્ર છે અને નાસે પણ છે. ક્ષત્રિયધર્મની સામે ક્ષત્રિયધર્મને જ મૂકીને મૃગયામાંથી વારવાનો કેવો યુક્તિપૂર્ણ ઉપાય અહીં અજમાવવામાં આવ્યો છે! યશોવિજયજીની અલંકારરચનાઓમાં પણ એમનાં વિદગ્ધતા અને બુદ્ધિચાતુર્યનું પ્રવર્તન જોવા મળે છે, જેમકે ‘જંબૂસ્વામી રાસ’માં –