અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/તોય

Revision as of 06:04, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs)
તોય

પન્ના નાયક

કુંવારકા હતી
ત્યારે
માની આજ્ઞા માથે ચડાવી
મેંદીરંગ્યા હાથે
ગૌરીવ્રત કરેલું
અને
આંગણાના તરસ્યા તુલસીછોડને
રોજ પાણી સીંચી,
એની પ્રદક્ષિ ણા ફરી,
ઘીનો દીવો કરી,
પગે લાગી
ઇપ્સિ ત વર માગેલો…
તોય
બેડરૂમમાં આગ કેમ લાગી?