દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/કવિતા કરતાં કરતાં ભાષા મને લખે
Jump to navigation
Jump to search
ભાષા મને લખે
૧૩
કવિતા કરતાં કરતાં
ભાષા મને લખે
અને મને ખબર પણ ન પડે
કે મને છેકતી જાય
છેકાતો અક્ષર તે હું જ અને શાહીનો લીટો પણ હું
ફરી લખાતા કોઈ અક્ષરમાંથી કદાચ મારા નામની એંધાણી મળશે
એમ માની હું લખ્યું જાઉં
અને શાહી ભાષામાં ઓગળી જાય
ઝાડની હલબલતી છાયાને તાણી જતી નદીની જેમ
હવે પાંદડાંની જેમ અક્ષરોને ઓઢી હું ઝાડ જેવો ઊભો રહું
વરસતા લીટા હેઠળ.
**
‘પરબ’, નવેમ્બર ૨૦૦૩