ધ્વનિ/શીમળાને

Revision as of 14:34, 6 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શીમળાને

ભિખ્ખુ થૈને તવ સમિપ જ્યાં આવિયો માઘ-વાયુ
તેને તારું પરણ તણું તેં દૈ દીધું ઉત્તરીય.
ને તારી નગ્ન કાય !-
જ્યહીં ગતિ ન રેખા તણી,
ભંગહીન!
કાંટા કાંટા થકી જરઠ શી દર્શને થૈ વિરૂપ!
તારું કિંતુ સર્વ તે તેં સમર્પ્યું.
હૈયે તેનો ધ્રુવ-મધુર આનંદ શો ઊભરાય!
કાંટે કાંટે ફૂલ રતૂમડાં ફોરતાં શાં અસંખ્ય!
જાણે તારું હાસ્ય કો ધન્યતાનું
-સ્પર્શ્ય અગ્નિશિખા શું-
મ્હોરી ઊઠયું ધરી અનુપ સોહામણું દિવ્ય રૂપ!
૩-૩-૪૬