અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `જલન' માતરી/શંકર નહીં આવે

From Ekatra Wiki
Revision as of 07:02, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શંકર નહીં આવે| `જલન' માતરી}} <poem> દુ :ખી થવાને માટે કોઈ ધરતી પર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શંકર નહીં આવે

`જલન' માતરી

દુ :ખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે;
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.
છે મસ્તીખોર કિન્તુ દિલનો છે પથ્થર નહીં આવે;
સરિતાને કદી ઘરઆંગણે સાગર નહીં આવે.
ચમનને આંખમાં લઈને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.
અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,
તને જોઈ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.
દુ :ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
આ બળવાખોર ગઝલો છોડ લખવાનું `જલન' નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.
કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
`જલન'ની લાશ ઊંચકવા અહીં ઈશ્વર નહીં આવે.
(જલન, ૧૯૮૪, પૃ ૪૫)