અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યશવંત ત્રિવેદી/ગીત મને કોઈ ગોતી આપો

From Ekatra Wiki
Revision as of 07:08, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગીત મને કોઈ ગોતી આપો|યશવંત ત્રિવેદી}} <poem> મારી દંતકથાનો ચાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગીત મને કોઈ ગોતી આપો

યશવંત ત્રિવેદી

મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.
કોઈ રાધાનાં લોચન-શા આ દરિયાઓ
ઈ દરિયાઓની પાર ઝૂલતી સાંજનાં કોઈ વાંસવનો
ઈ વાંસવનોના કોક મોરના મોરપીંછમાં
પૂરવજનમ થૈ ઊડી ગયેલું ગોકુળ મારું ગોતી આપો.
મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.
મારો ચઈતર તો અંધ, મને શીદ ફૂલોભરી તડકાની ડાળી બતલાવો?
મારા ગોકુળની ઋતુ ઋતુ, આ અંધ શહેરમાં નિયૉનના પરદાઓમાં શીદ લટકાવો?
કોઈ કન્હાઈની આંખોમાં તરતાં આકાશો
ઈ આકાશોને કહો કે ઊતરે હળુહળુ કોઈ બોરસલીની ડાળે
ઈ બોરસલીની ડાળ હવે તો વસંતનું ઝુમ્મર થૈ ઝૂલે
ઈ ઝુમ્મર નીચે રીસે ઊભી રાધાને ફૂટ્યું ગીત મને કોઈ ગોતી આપો.
મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.
સમયના તૂટી ગયેલા દર્પણમાં લો આજ મને કોઈ પૂરવજનમથી સાંધી આપો.
ઈ દરપણના કોક શહેરના અવશેષોથી કન્હાઈ-રાધા આજ મને કોઈ લાવી આપો.
મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.
(ક્ષિતિજને વાંસવન, ૧૯૭૧, પૃ. ૪૦)