બરફનાં પંખી/પારણાં
Jump to navigation
Jump to search
પારણાં
સત્તર દા’ડાની મુને લાંઘણ હતી
તો વળી પારણું કરવાને જરી બેઠી.
હજી કોળિયો ભરું તિયાં સાસુજી બોલિયાં :
‘વૌ, ઠાકોરજી પહેલાં જમાડો!’
બે જીવસોતી મીં તો ઠાકોર જમાડ્યા
બોલ્યાં કિચુડ કિચુડ પંડ્યનાં કમાડો
હજી કોળિયો ભરું તિયાં સસરાજી બોલિયા :
‘ડેલી ખખડે છે, ભેંસ આવી.’
બે જીવસોતી હું ધોડી ડેલી ઉઘાડવા
મુને વંટોળિયે ધૂળે નવરાવી!
હજી કોળિયો ભરું ત્યાં પડ્યાં મેડેથી છાણા
ને છાશભરી ઢોચકી ગઈ ફૂટી,
બે જીવસોતી હું મંડી પોતું કરવાને
મારી નણદુંએ છાતીયું કૂટી.
હજી કોળિયો ભરું તિયાં પરણ્યાજી બોલિયા :
‘કાંસાની થાળી નથી જડતી?’
બે જીવસોતી બે ય આંખ્યુંની માટલીમાં
નાની અમથીક તૈડ પડતી.
સત્તર દા’ડાની મુને લાંઘણ હતી
તો વળી પારણું કરવાને જરી બેઠી.
***