બરફનાં પંખી/કાચો કુંવારો એક છોકરો

Revision as of 12:39, 13 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કાચો કુંવારો એક છોકરો

ઐ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી.
ને વાત ચાલી એવી તો ભાઈ ચાલી!
ઐ દરિયા ઉપર ઓલ્યા સપ્તર્ષિ જેમ સાત મચ્છર ઊડ્યા
ને જાત મ્હાલી એવી તો ભાઈ મ્હાલી!
ઐ કાચો કુંવારો.....

નાના હતા ને તૈ ખાટલા ટપ્યા ને પછી ઉંબરા ટપ્યા
ને પછી દરિયો ટપતા તો ભાઈ ગલઢાં થયા ને પછી
જૂનું મકાન કર્યું ખાલી એવું તો ભાઈ ખાલી!
ઐ કાચો કુંવારો.....

પછી ભમ્મરિયા ઘૂનામાં ન્હાવા પડ્યા,
પછી પાણીનો રંગ મને લાગી ગિયો,
પછી દોરી ઉપર ભીના લૂગડાની જેમ
મને સૂકવી દીધો સાવ સૂકવી દીધો.

પછી હરિયાની ઓસરીમાં પિંજારો બેઠો
ને રૂથી ભરાઈ જતા કોરા આકાશમાં
સૂરજનો સાવ ઝીણો તણખો પડ્યો ને
આગ લાગી, એવી તો ભાઈ, લાગી!

ઐ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી
ને વાત ચાલી, એવી તો ભાઈ ચાલી.

***