ભજનરસ/અલખ નિશાની

Revision as of 10:19, 14 May 2025 by MeghaBhavsar (talk | contribs)


અલખ નિશાની

એસી અલખ નિશાની હો જી,
ગુરુગમ વિરલે જાની મોરે અવધૂ, એસી અનભૈ નિશાની હો જી.

ઉનમુન રહેના, ભેદ ન દેના, પીઓ પીઓ નિરમળ પાણી હો જી,
ગુરમુખજ્ઞાન ગગન જઈ રહેના, શૂનમેં સુરતા ઠેરાણી મોરે અવધૂ,

શૂન શિખરસે ગંગા નીકસી, ચૌદિશ પાની પાની હો જી,
ઉસી પાની મેં દો પરવત પૂરે, સો સાયર લહેર સમાની મોરે અવધૂ,

મેરુ શિખર પર મછીઆ બેઠી, વાકા લોચન નાર્હી હો જી,
હાથ જ નાંહી વાકું પાંવ જ નાંહી,
સો ઝુલક રહી જલમાંહી મોરે અવધૂ

ગુરુ પ્રતાપે એક જડીઅર ઊઠ્યા, સો ઊલટી લહેર સમાણી હો જી,
તન કર કૂવા ગગન કર વાડી,
સો સહેજાં મેં ઘડીઆં ઢોરાણી મોરે અવધૂ,

દેહીમે એક દેવા બિરાજે, ગુપ્ત ગણેશા બેઠા હો જી,
ત્રિકૂટી મહેલ પર હુવા અજવાળા,
વો તો દ્વાદશ અંશુલ પેઠા મોરે અવધૂ,

સીંચત સીંચત ઉપજન લાગા, નીપજન લાગા હીરા હો જી,

મચ્છેન્દ્ર પ્રતાપે જતિ ગોરખ બોલ્યા, સમજ સમજ મન ધીરા
મોરે અવધૂ, એસી અલખ નિશાની.

એસી અલખ નિશાની

આ વચનમાં ગોરખનાથ એક અશક્ય લાગતી વસ્તુને શક્ય થતી દર્શાવે છે. જે અલખ છે, જે લક્ષ્યાતીત છે, જે કોઈ ઓળખથી પર છે, જેને કશુંય પદ નથી, ચિહ્ન નથી એની પણ ઓળખાણ થઈ શકે છે. અલખ ને અલખની નિશાની, એ બંને જાણે કે એક, જે ન બની શકે તેવી ઘટનાને શક્ય દર્શાવે છે. તો અલખ નિશાની – અલક્ષ્ય છે તેને કઈ રીતે પામી શકાય, અને કઈ રીતે પોતાની કરી શકાય, તે સમજાવતાં ગોરખનાથ કહે છે : ‘ગુરુગમ વિરલે જાની’. ગુરુ પાસેથી, અનુભવી પાસેથી તે વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ વિરલ પુરુષ આ નિશાની પોતાની અંદર ઉતારી શકે છે. એ નિશાની કેવી છે?

એસી અનભૈ નિશાની હો જી

તે નિર્ભય પદ છે. ભયનું જ્યાં નામનિશાન નથી એવી એ નિશાની છે. જગતમાં સર્વ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ભય છુપાયેલો છે. આ એક એવું પદ છે કે જે સદાકાળ માટે મનુષ્યને નિર્ભય બનાવે છે. આ નિશાની વિશે ગોરખનાથ તેને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા સમજાવે છે.

ઉનમુન રહેના ભેદ ન દેના

આ નિશાની ઉનમુન, એટલે કે મનથી ૫ર અવસ્થામાં આવે છે. જ્યાં સુધી મનનો પ્રદેશ છે ત્યાં સુધી માયાનો પ્રદેશ છે, મનની જાગૃતિ તે જગતની ઉત્પત્તિ,’ એમ એક સંતે કહ્યું છે. એટલે મનથી પર ઊઠ્યા વિના આ સ્થિતિની પ્રાપ્તિ થતી નથી. પણ કહે છે ઉનમુન રહેના’ અને ભેદ ન દેના’. એ અવસ્થા વિશે વાત ન કરવી અને પ્રગટ કરવાની ઉતાવળ ન કરવી, કારણ કે મન ઘણી રીતે છેતરી શકે છે. ઉનમુન અવસ્થામાં પોતે પહોંચી ગયા છે તેવી ભ્રમણા પણ થાય છે. પછી પ્રાપ્તિની વાત કરતાં કહે છે :

પીઓ પીઓનિર્મળ પાણી

નિર્મળ આનંદનો અનુભવ થશે. અનાયાસે સમજ પડી જશે કે જે અલક્ષ્ય છે તેમાં પ્રવેશ થયો છે. નિર્મળ પાણી’ કહ્યું છે તે શુદ્ધ આનંદ, સ્વતંત્ર આનંદ છે. બહારના કશા ભેળથી કે મેળથી મળેલો આનંદ નથી.

ગુરુમુખ જ્ઞાન ગગન જઈ રહેના

આ જ્ઞાન સદ્ગુરુ પાસેથી, અનુભવી પુરુષ પાસેથી મળે છે. અને એની એક નિશાની એ છે કે મનુષ્યનો અંતરાત્મા ગગનમાં રહે છે, એક નિર્લેપ, નિર્મળ અવસ્થામાં જઈ રહે છે. દરેક પરિસ્થિતિમાં માણસ પોતાની પરીક્ષા કરે તો સમજાય કે આ ‘ગગનમેં રહેના’ એટલે શું? મનુષ્ય સામાન્ય રીતે ભૂતાકાશમાં અને ચિત્તાકાશમાં રહેતો હોય છે. ભૂતાકાશ જાગૃતિનો પ્રદેશ છે, ચિત્તાકાશ સપનાંનો પ્રદેશ છે. ગોરખનાથ જે ગગન કહે છે તે ચિદાકાશનો પ્રદેશ છે. મનુષ્યમાં અંતરતમ રહેલો ‘ચિદાનંદ’ છે, તેમાં તેનો નિવાસ થાય છે. અને પછી શું થાય છે?

શૂનમેં સુરતા મેરાણી

મનુષ્યના અહંકારનો અહીં લોપ થાય છે. પણ એટલું પૂરતું નથી. સુરતા શૂન્યમાં ઠરે છે, અહમ્-શૂન્યમાં ઠરીને ઠામ થાય છે, પણ ત્યાર પછી શૂન્યમાંથી પણ એક જ્ઞાનની ગંગા પ્રવાહિત થાય છે.

ન શખરસે ગંગા નિકસી

આ શૂન્યમાંથી એક પરમ જ્ઞાન, આનંદ અને પ્રેમની ધારા વહેવા માંડે છે. ચૌદિશ પાની પાની — ચારે દિશામાં એનો પ્રેમ-આનંદ વહેવા માંડે છે. મનુષ્યને જે આનંદ મળે છે તે કોઈ સ્થિતિમાં, કોઈ વસ્તુમાં, કોઈ વ્યક્તિમાં બદ્ધ થયેલો આનંદ હોય છે; પણ આ નિબંધ આનંદ છે. ચારે દિશામાં જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં ત્યાં એને આ પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. શંકરાચાર્યના શબ્દોમાં : ‘યંત્ર યંત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધયઃ’ મનસાતીત અવસ્થામાં પહોંચ્યા પછી મનનું સ્વરૂપ જ પલટાઈ જાય છે. આ આનંદની એક બીજી ઓળખ એ પણ છે કે : ઉસી પાનીમેં દો પરવત પૂરે’ — એના પ્રવાહમાં બે પર્વતો ડૂબી જાય છે, પુરાઈ જાય છે, નામશેષ થઈ જાય છે. આ બે પર્વત કયા? બે પર્વત, જે આ સહજ પ્રવાહની આડે આવે છે તે દ્વંદ્વના છે, ચૈતના છે. હું અને તુંના, મારા ને તારાના, મોહ ને માયાના આ બે પર્વત છે. જીવ ને શિવની ભિન્નતાના આ બે પર્વત છે. પણ ગંગા-પ્રવાહ સહજપણે વહેતો થાય છે, ત્યારે શું થાય છે?

સાયર લહેર સમાની

સાગર ને લહેરો ભિન્ન નથી. લહેરો જેમ સાગરમાં સમાઈ જાય છે તેમ મનુષ્યનું જુદું અસ્તિત્વ, જીવનું અસ્તિત્વ એક મહાન સાગરમાં, ચૈતન્યમાં સમાઈ જાય છે. બંને એકાકાર બની જાય છે. બ્રહ્માકાર બની જાય છે, એમ ગોરખ આ અનુભૂતિની વાત કરે છે. અને ત્યારે શું બને છે? કઈ ઘટનાથી આ નિશાની પ્રત્યક્ષ થાય છે? તો કહે છે :

મેરુ શિખર પર મછીઆ બેઠી

મનરૂપી ચંચલ મત્સ્ય જાણે અચળ શિખરે બેઠું હોય એવું બની જાય છે. પણ આ અવસ્થા જે પ્રશાંત મન છે તેથી જુદી છે.

વર્લ્ડ પાવ જ નાહીં

અંતઃકરણના ચાર ભાગ કહ્યા ઃ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ પણ અંતરાત્માનાં કરણો જ છે, સાધનો જ છે. સાધનો વડે જ એ જગતને જુએ છે, જીવે છે અને એના આધાર ઉપર જ એ પોતાનું અસ્તિત્વ રાખે છે. પણ ખરી રીતે એ તો–

હાથ જ નાહીં, વાકું પાંવ જ નાંહી

એને આંતરિક કે બાહ્ય કોઈ ક૨ણ જ નથી. એ સહજપણે સ્વયંસ્ફૂર્તિથી સ્વ-સ્વરૂપમાંથી જ અનુભૂતિનો આનંદ લે છે અને વળી :

સો ઝુલક રહી જલમાંહી

આ વિસ્તૃત જગત જે વ્યાપ્ત છે એમાં પણ એ બ્રહ્મરૂપી આનંદ જ પ્રાપ્ત કરે છે. એ જાણે ઝૂલે છે, આનંદની મસ્તીમાં ડોલે છે. આ અલક્ષ્યની પ્રાપ્તિ થતાં એવી અવસ્થા અનુભવમાં આવે છે. એની પણ એક પ્રક્રિયા છે એ આગળની કડીમાં સમજાવ્યું છે :

ગુરુ પ્રતાપે એક જડીઅર ઊઠ્યા

આ જડીઅર શબ્દ જડવું ઉપરથી આવ્યો લાગે છે. જે જડી આપે, જોડી આપે તે જડીઅર. હીરામાણેકના જડનારાને જડયો અથવા જડીઅર કહેવામાં આવે છે. જે શક્તિ શિવ સાથે, પરમ સાથે આપણને જોડી આપે છે તે ડીઅર છે. આ મહાસર્પિણી, કુંડલિની, ઊર્ધ્વગામી શક્તિ છે

સો ઊલટી લહેર સમાણી હો જી

એટલે કે જે વૃત્તિઓ બહિર્મુખ હતી, જગત ભણી હતી તે હવે અંતર્મુખ બને છે અને પરમ તત્ત્વ ભણી વહેવા લાગે છે. ગોરખનાથ એક જગ્યાએ કહે છે કે નદી અપૂઠી જાઈ – નદી ઊલટી વહેવા માંડે છે. નદી પોતાના મૂળ ભણી, મૂળ તત્ત્વ ભણી વહેવા લાગે છે, અને પોતાના સ્વરૂપમાં લય પામે છે. એ ઘટના બને છે ગુરુ પ્રતાપે, કેવી રીતે બને છે એ?

તન કર કૂવા ગગન કર વાડી

આ કડીમાં શરૂમાં થતી પ્રક્રિયાની કંઈક ઝાંખી કરવામાં આવી છે. ગગનમાં કાંઈ વાડી થતી નથી, પણ જે ગગન આનંદરસથી અને સુગંધથી ભરપૂર બની જાય છે, તેનું મૂળ શરીરમાં જ છે, ક્યાંયે બહાર શોધવા જવું પડતું નથી. આ શરીરને કૂવો બનાવવાનું કહે છે, ‘તન કર કૂવા’. હૃદયને ‘અમૃત હૃદ’ કહેવામાં આવે છે. પાણીનો ધરો હ્રદ, પણ તેની શક્તિ મૂળાધારમાં રહી છે. તેને જ્યારે જગાડવામાં આવે છે ત્યારે આ શરીરમાંથી, જેમ પાતાળનું ઝરણું ફૂટે તેમ, ‘તન કર કૂવા’ તનમાંથી એક સરવાણી ફૂટે છે. એ સરવાણી જ્યારે શરૂ થાય છે ત્યારે ગગન, ચિદાકાશ આનંદથી ભરપૂર બની જાય છે. પછી શું થાય છે?

સહેજાં મે ઘડીઆં ઢોરાણી

પછી સહજમાં જે નિર્મળ ધારા છે તે વહેતી થઈ જાય છે. સામાન્ય રીતે તો બાહ્ય સાધનોથી ‘ઘડીઆં ઢોરાણી’ એટલે જેમ પેંટમાળ ફરે, જેમ કોશ સીંચવામાં આવે અને પછી એ કોશ કે રેંટમાળના ઘડામાંથી પાણી ઢોળવું પડે, ખેંચવું પડે એવો કશો પ્રયત્ન રહેતો નથી. ‘સહેજાં મે’ સહજપણે એ ધારા પ્રવાહિત થતી રહે છે; તનમાંથી, પોતાના શરીરમાંથી, બહારથી નહિ. અને તે અંતરકાશને સંપૂર્ણ આનંદથી વ્યાપ્ત કરી દે છે. ફરી વાર ગોરખનાથ આગળ કહે છે કે એ પ્રાપ્ત કરવાની વસ્તુ કેવી છે?

દેહીમેં એક દેવા બિરાજે

આ દેવ દેહમાં જ છે. એ દેવ કોઈ મંદિરમાં, કોઈ મૂર્તિમાં, કોઈ તીર્થસ્થાનમાં રહ્યો નથી. પણ એને કહ્યો છે ‘ગુપ્ત ગણેશા.’ એ અંદર ગુપ્ત છે, હૃદયગુહામાં છે. ‘ગણેશા’ — ગણેશ તે આપણે જોયું તેમ આદિ સ્વર છે, ૐૐકાર છે. જે જ્ઞાનની આવિર્ભૂતિ છે તે અંદર જ બિરાજમાન છે, પરંતુ તેનો પરિચય ક્યારે થાય? તો કહે છે કે એ બાહ્ય પ્રકાશથી જોવા મળતો નથી. તેનું દર્શન આંતરદૃષ્ટિથી થાય છે.

ત્રિકૂટિ મહેલ પર હુવા અજવાળા

ત્રિકૂટિ મહેલ—જ્યાં મન, બુદ્ધિ, અહંકાર મળે છે તે ભૂમધ્યના સ્થાનને ત્રિકૂટિ કહેવામાં આવે છે. દિરયાસાહેબનું એક વચન છે :

મન, બુદ્ધિ હંકાર કી, હૈ ત્રિકૂટિ લગ દોડ,
તા પર પૂરણ બ્રહ્મ હૈ, બ્રહ્મ સૂરત કી ઠોર.

મન, બુદ્ધિ, અહંકારની દોડ માત્ર ત્રિકૂટિ સુધી છે, આ ત્રણનો ભેદ થાય છે, ત્યારે બ્રહ્મ સૂરત કી ઠોર’ બ્રહ્મની સ્થિતિનો અનુભવ થાય છે. જ્યારે આ ત્રણે ભેદાય, આંતરિક પ્રકાશ પ્રગટ થાય ત્યારે આ ગુપ્ત ગણેશ, અંદર બેઠેલા પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ કેવી રીતે થાય? તો કહે છે :

વો તો દ્વાદશ અંશુલ પેઠા

એ વિશે ગોરખનાથ એક પદમાં સ્પષ્ટતા કરે છે કે,

નાસા અગ્ર નિજુ જ્યોં બાઈ, ઇડા પિંગલા મધિ સમાઈ,
ઇસે સંહસ ઇકી સૌ જાપ, અનહદ ઊપજૈ આપહિ આપ

નાસિકાની આગળ જે વાયુ રહે છે તે દ્વાદશ આંગળ, બાર આંગળ પૂરતો વહે છે. એનો વિસ્તાર બાર આંગળ પૂરતો માનવામાં આવ્યો છે. એ દ્વાદશ આંગળનો વાયુ એકવીસ હજાર છસો વાર વહે છે તેનાથી અનાયાસ જાપ થતા રહે છે. પણ એ જાપ અહંભાવની સાથે થાય છે. હું આ જીવ, હું આ વ્યક્તિ, હું આ નામધારી દેહ, ને એ વાયુ. ઇડા અને પિંગળા એ બંને નાસાગ્રે વહેતો વાયુ જ્યારે આપોઆપ, સ્વયં સમાન બને છે, સુષુમણામાં સમાઈ જાય છે, ત્યારે અનાહત નાદ અનાયાસ પ્રગટ થાય છે. અહંકારનિત શ્વાસ-પ્રક્રિયા સોહંપ્રેરિત શ્વાસ-પ્રક્રિયામાં પલટાઈ જાય છે. એ અનાયાસ વહેતો વાયુ પ્રાણને ઊર્ધ્વગતિમાં લઈ જાય છે. શુદ્ધીકરણ અને ઊર્ધીકરણની આ પ્રક્રિયા દ્વારા ત્રિકૂટિ મહેલ’ પર અજવાળું થાય છે. આ શ્વાસ અને ઉચ્છ્વાસની, અહંમાંથી સોહની પ્રક્રિયા જ્યારે સાતત્ય પામે છે ત્યારે શું થાય છે? ગોરખનાથ કહે છે :

સીંચત સીંચત ઉપજન લાગા’

આ પ્રાણને, શુદ્ધ પ્રાણને, ઊર્ધ્વપ્રાણને, સોહં પ્રાણને સીંચતાં સીંચતાં શું ઉત્પન્ન થાય છે? તો કહે છે ‘ઉપજન લાગા’—સાચી ઉત્પત્તિ, જીવમાંથી શિવભાવની ઉત્પત્તિ, મર્યાદિતમાંથી અમર્યાદની, સીમમાંથી અસીમની એક ઝાંખી થવા લાગે છે. અને ‘નીપજન લાગા હીરા’ — આત્મતત્ત્વરૂપી હીરો આપણા હાથમાં આવે છે. આપણો પોતાનો સદાકાળ માટે બની જાય છે. હીરાને આત્મતત્ત્વ સાથે સરખાવવામાં આવે છે. એ પ્રકાશમાન અને સુદૃઢ છે. મત્સ્યેન્દ્રના પ્રતાપે ગોરખ કહે છે કે :

સમજ સમજ મન ધીરા

આ પ્રક્રિયા ઉતાવળે થતી નથી. આ સ્થિતિ એકદમ પ્રાપ્ત થતી નથી. એને માટે ખૂબ ધીરજ જોઈએ છે. નિષ્ઠા, ધૈર્ય, સાતત્ય આ પ્રાપ્તિ માટેનાં અત્યંત આવશ્યક સાધનો છે. ‘સમજ સમજ મન ધીરા’ પોતાના મનને એ પ્રક્રિયા દ્વારા સમજાવીને ધીરતા ધારણ કરવાનું કહેવામાં આવે છે. કબીરે પણ આ જ વસ્તુ કહી છે :

ધીરે ધીરે રે મના, ઘીરે સબ કુછ હોય,
માલી સીંચે સો ઘડા, રુત આયે ફલ હોય.

એક સાથે સો ઘડા સીંચવાથી કંઈ ફળ પ્રાપ્ત થતું નથી. પણ ધૈર્યપૂર્વક, સાતત્યપૂર્વક જ્યારે આ આત્મસાધના કરવામાં આવે છે ત્યારે અંદરના ગગનની વાડી મહેકી ઊઠે છે, રસથી ભરપૂર બની જાય છે અને સ્વરૂપ-આનંદનો, સ્વાનંદનો, સ્વસંવેધ આનંદનો અનુભવ થાય છે. ગોરખ કહે છે કે અલક્ષ્યની આ નિશાની છે. જે લક્ષ્યાતીત છે, જે દશ્યાતીત છે, જે સીમાથી પર છે, તે અસીમને આપણે પોતાની અંદર જ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ ભજનમાં આવતા ઉપજન’ અને નીપજન’ શબ્દો ધ્યાનમાં રાખવા જેવા છે. ખેતરમાં મોલ હિલોળા લેતો હોય ત્યારે ‘ઉપજ’ ઘણી લાગે પણ ખળું ભરાય અને દાણા ઘેર આવે ત્યારે જ ‘નીપજ’ની ખબર પડે. મનની સમજણ ઉપજ છે, પણ નીપજ તો એ સમજણ પ્રમાણે વર્તવાનું કેટલું સામર્થ્ય આવે છે તેના પર છે. એક ભજનમાં કહ્યું છે :