ભજનરસ/રમના હે રે ચોગાના
રમના કે રે ચોગાના, રમો મન, રમના હે રે ચોગાના.
ધર રે ગગન બિચ અટકત નાહીં, કેવલ મુક્તિ મેદાના—
રમો મન૦
લેહ લગામ, જ્ઞાન કર ઘોડા, સુરત સુરત ચિત્ત ચટકા,
સ્હેજે ચડું સતગુરુજીને બચને, તો મિટ જાયે મન ભટકા—
એરણ નાદ ને બુંદ હથોડા, રવિ-શિ ખાલી ન પડના,
આસન વાળી મગન હોઈ બેઠા, મિટ ગયા આવા-ગમના—
ત્રીજા નેનમાં ત્રિભુવન સૂઝે, સતગુરુ અલખ લખાયા,
જિન કારણ જોગી બહાર ઢૂંઢત છે, તે ઘટ ભીતર પાયા—
એકમાં અનેક, અનેકમાં એક છે, તે અનેક નિપાયા,
એક દેખી જબ પરચા પાયા, તો એકમાં અનેક સમાયા—
નાશ કહું તો મેરા સતગુરુ લાજે, વણ નાશે કોઈ જોગી,
કહેત કબીર સુણો ભાઈ સાધુ, તો સત ચિત્ આનંદ ભોગી-
રમના હે રે ચોગાનાO
ખરેખરી મુક્તિનો ખેલ કેવો હોય અને તે ક્યાં, કેવી રીતે ખેલી શકાય તેનું મોકળું મેદાન આ ભજનમાં બતાવી આપ્યું છે, એટલું જ નહીં પણ એ ખેલંદાનું અસલ પોત અહીં આંખો ઉઘાડતું ખુલ્લું કર્યું છે. રમના...મેદાના મન, તું એટલું જાણી લે કે કોઈ ઘર, ઓસરી, આંગણામાં આપણે ખેલવું નથી. આપણે ખેલવું છે તો ચારે તરફ ખુલ્લા વિશાળ મેદાનમાં. કોઈ એક નામ, રૂપ, પંથ, પોથીપૂજા કે પેગબંરના ચોગઠામાં પુરાઈ રહેવાનું નથી એટલું પહેલેથી પારખી લે. ખેલો મન!’ ખુશીથી ખેલો મનવા, મૌજથી ખેલો, મુક્તપણે. કબીર આ જ વસ્તુ બીજી રીતે પણ લલકારીને કહે છે :
‘જ્ઞાન કા ગેંદ કર, સુરત કા દંડ કર,
ખેલ ચૌગાન-મૈદાન માંહી,
જગત કા ભરમના છોડ દે બાલકે,
આય જા ભેષ-ભગવન્ત પાહી.’
‘જ્ઞાનનો દડો અને સુરતાની ગેડી બનાવી ચોગાન-મેદાનમાં ખેલ! જગતની ભ્રમણા-આ હું, આ તે, આ ઊંચું, આ નીચું એવી ભિન્નતા ને ભેદવિભેદ છોડી દે, બચ્ચા! ભેદના પડદા ટાવતાં જ તું પામી જઈશ કે એક ભગવતત્ત્વે જ આ બધા વેષ ધારણ કર્યા છે.’ આ ઉપરાંત એક બીજી વાત છે. કોઈ ધરતી પર, કોઈ ભૂમિકા પર અટકવાનું નથી, એ તો ઠીક પણ ગગનમાંયે અટકી પડવાનું નથી. કોઈ આ પાર્થિવ જગતથી ઊંચે આવતા નથી તો કોઈ સમાધિ-અવસ્થામાંથી નીચે આવવાનું નામ લેતા નથી. અથવા સમાધિમાંથી, વૃત્તિહીન સ્થિતિમાંથી પાછા વૃત્તિઓના પ્રદેશમાં ખાવે છે ત્યારે વમળમાં અટવાઈ જાય છે. આવો એકાંગી ને અધૂરો ખેલ આપણે કરવો નથી. ‘ધર’ પૃથ્વીનાં બંધનોમાં તો સંસારી જીવ પડ્યો જ છે, પણ અ-ધર, ગગનમાં જ મુક્તિ ને આનંદ જે માને છે તે નવું બંધન ઊભું કરે છે. કબીર તેને ‘કચ્ચા જોગ’ કહે છે. કબીરનું કથન છે :
‘મેરુદંડ પર ડાલ દલીચા
જોગી ધ્યાન લગાવે,
એહિ મેરુ કી ખાક ઉડત હૈ,
કચ્ચા જોગ કમાવે.’
મેરુ-શિખર ૫૨ આસન વાળી, ચિત્તને વૃત્તિહીન કરી જોગી ધ્યાનમાં ડૂબી જાય છે. નિસ્તરંગ, નિશ્ચલ અવસ્થાનો આનંદ માણે છે. પણ જેવી સમાધિ તૂટી અને નીચે આવ્યો કે એ જ વૃત્તિઓને વશ થઈ જાય છે. ઉત્થાન અને વ્યુત્થાન બંને અવસ્થામાં સમાન, પ્રશાંત ચિત્ત રાખે તે સાચી મુક્તદશાનો અધિકારી. સર્વ અવસ્થામાં જે સહજ-સ્થિતિ છે એ જ ખરી મુક્તિ છે. લેહ લગામ... ભટકા આવી સહજ-અવસ્થા ક્યારે પ્રાપ્ત થાય? સહજમાં પ્રવેશ કરતાં પહેલાં આપણા ચિત્તમાં સમ-અવસ્થા સુદૃઢ થવી જોઈએ. એનો અનુભવ-માર્ગ બતાવતાં કબીર કહે છે : લેહ — લયકારી, લગની, તલ્લીનતાની લગામ બનાવું અને જ્ઞાનને કરું મારો ઘોડો. પછી સુરત-આત્મરતિ અને નૂરત-વૈરાગ્યનો એને એવો તે ચટકો, સ્વાદ લગાડું કે આ જ્ઞાન-અશ્વ પર સવાર થઈ હું એને મારા ધ્યેય ભણી પૂરપાટ દોડાવી મૂકું. પછી મનને બીજે ભટકવાનું ક્યાં રહ્યું? સતગુરુનું વચન મારા તનમનમાં બરાબર ઉતારું તો આવી સવારી સહજ બની જાય. એરણ નાદ... આવા ગમના પોતાની જાતને નવો ઘાટ આપ્યા વિના તો આ જાતરા પૂર્ણ થતી નથી. એ બને કેવી રીતે? નાદમયી સુષુમણામાં પ્રાણ ન પ્રવેશે ત્યાં સુધી કાંઈ નીપજતું નથી. એ માટે ‘રવિ-શિ’ સૂર્ય નાડી અને ચન્દ્રનાડી બંને સમાન બનાવી શ્વાસની ડાબા-જમણી ગતિ પર કાબૂ મેળવવો જોઈએ. જેવું વાયુનું, એવું જ વૃત્તિનું. એમાં પણ કાંઈક સંકલ્પ કર્યો ને ત્યાં વળી બીજો વિકલ્પ ઊભો થયો એવી લોમ-વિલોમ અવસ્થામાંથી ચિત્ત મુક્ત થવું જોઈએ. સમ-અવસ્થા એ જ એરણ જેવી સુદૃઢ ભૂમિકા છે. નાદમયી સુષુમણા એરણ છે તો તેના પર પડતો જ્યોતિ-બિંદુનો વજપ્રહાર હથોડો. નાદમય જીવાત્માને પોતાના આત્મસ્વરૂપનો પ્રકાશ આ વિસ્ફોટ થતાં મળે છે. સ્વરૂપમાં સ્થિતિ થતાં, એકાસન સિદ્ધ થતાં એવી તો આત્મમગ્ન, આત્મલીન, આત્માનંદની છોળો ઊઠે છે કે એની પાસે દેહભાવ, જીવભાવ અને જન્મ-મૃત્યુના ફેરા અવસ્તુની જેમ ઊડી જાય છે. ત્રીજા નેનમાં... ભીતર પાયા. આવું આત્મ-દર્શન કરવાનું કોને મન ન થાય? પણ એ તો જ્ઞાનેત્રનો ઉઘાડ થાય ત્યારે જ બને. કબીર કહે છે કે આ ત્રીજા નેત્રના ઉઘાડથી તેણે ત્રણે ભુવનમાં રમતું એક જ પરમ તત્ત્વ નિહાળ્યું. આવો મહાસંત નમ્રપણે, કૃતજ્ઞભાવે ગાય છે કે સતગુરુની કૃપાથી જે અલક્ષ્ય છે, અજ્ઞેય છે, તે પ્રગટ થઈ ગયું. જેને માટે યોગીજનો વન ઢૂંઢે છે તે આ શરીરમાં જ મળી ગયું. એકમાં અનેક... સમાયા આ રહસ્ય છતું થતાં જ ખરો ખેલ ને ખેલનો આનંદ હર પળે, હર સ્થળે, હરેક વસ્તુ ને વ્યક્તિમાંથી ઝરવા લાગ્યો. ગોરખની સાખે : એક તત્ત્વ કા ક્લ પસારા. અથવા કબીરના વેણમાં જ વેણ મેળવી જતી ગોરખ-વાણી :
એક મેં અનંત, અનંત મેં એકે,
એકે અનંત ઉપાયા,
અંતરિ એક સૌં પરચા હુવા
તબ અનંત એક મેં સમાયા.
‘એકોહં બહુસ્યામ્’ — હું એક છું, બહુરૂપે વિસ્તર’ એ ભારતીય સંસ્કૃતિના ગોમુખમાંથી જે ધોધ વછૂટતો ઉદ્ઘોષ સંભળાય છે તે પછી લોકસંતોની વાણી-ગંગામાં પણ સંભળાતો જ રહ્યો છે. સંતોનાં મિતાક્ષરી વચનો : રૂપ અનેક, સ્વરૂપ એક’ અથવા ‘સબ સૂરત મેરે સાહેબ કી’ આ બધામાં એ એકની અનેકવિધ ૨મણાનું દર્શન છે. આપણા આદિકવિ નરસિંહે ગુજરાતી મૂળધારામાં જ આવી વાણી વહેતી કરી આપી :
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે’
એકમાં વૈવિધ્ય ને વૈવિધ્યમાં એકતા જોવાની વિશિષ્ટ સાધના ભારતને ભાગે આવી છે. યુગોથી આ સાધના ચાલુ છે. પણ આ સાધના સાકાર ક્યારે થશે? સિદ્ધ ક્યારે થશે? કબીર જેવો શ્વાસ મૂકે ત્યાં જ એની છાતી પર દીવાલો ખડકાતી હોય ત્યાં શું કહેવું? દમ-બ-દમ આપણે જ આ દોર ચાલુ રાખીશું તો કબીરો જીવતો રહેશે.
નાશ કહું તો... સત્ ચિદ્ આનંદ ભોગી.
પણ કબીર, કબીરમાં રહેલું સબળ ને સમુજ્વલ તત્ત્વ શું નાશ પામી શકે? આપણી સૃષ્ટિની મર્યાદા ને માયાના પડદા જ આ જીવંત સત્યને જોવા દેતાં નહીં હોય. કબીર સ્વયં કહે છે ઃ વિનાશની વાત કરું તો મારા સદ્ગુરુએ પાયેલો અમૃતનો પ્યાલો ઝેર બની જાય. મારા સદ્ગુરુ આવો કાચો શિષ્ય જોઈ શરમ અનુભવે. એ વાત ખરી કે પોતાના અવિનાશી સ્વરૂપને કોઈ વિરલ યોગી જ પામી શકે છે. પણ આ નાશવંત શરીરમાં જ રહેલું અવિનાશી સ્વરૂપ પામી શકાય તો પછી સત્ — શુદ્ધ અસ્તિત્વ, તથતા, નિત્ય સ્થિતિ; ચિદ્—જ્ઞાનમયી ચેતના; આનંદ — સદાનંદરૂપી અમૃતનું આવો યોગી પાન કરે છે. એ માટે ‘ઉલટ સાધના’ કરવી જોઈએ, બહિર્મુખ દૃષ્ટિને પોતાની ભીતરના ધ્રુવકેન્દ્રમાં વાળવી જોઈએ. આપણે શરીર સાથે ઊભું કરેલું આપોપું ટળે, નામ-રૂપના કૌંસ ભેદાય તો પછી શું રહે? અસ્તિ, ભાતિ, પ્રિય. સત્-ચિદ્-આનંદ. આપણે ત્યારે જ નિત્ય-ઉત્સવ માણી શકીએ. કબીરની સાખી :
ઉલટી સમાના આપ મેં, પ્રગટી જ્યોતિ અનંત,
સાહેબ સેવક એક સંગ ખેલે સદા વસંત.
મૂળ આ ગોરખનાથનું પદ છે પણ કબીરને નામે ચડી ગયું લાગે છે. મૂળ છે :