અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/કવિવર નથી થયો તું રે

From Ekatra Wiki
Revision as of 07:45, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિવર નથી થયો તું રે|લાભશંકર ઠાકર}} <poem> કવિવર નથી થયો તું રે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કવિવર નથી થયો તું રે

લાભશંકર ઠાકર

કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?
લઘરા, તારી આંખોમાંથી ખરતાં અવિરત આંસુ
આંસુમાં પલળેલા શબ્દો
શબ્દો પાણીપોચા
પાણીપોચાં રણ રેતીનાં
પાણીપોચા રામ
પાણીપોચા લય લચકીને
ચક્રવાકને ચૂમે
કવિવર નથી થયો તું રે
શીદ ને ગુમાનમાં ઘૂમે?
લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે
શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા
પડતા પર્વતોનો ભય તારા ભાવજગત પર ઝૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?
શહીદ બનતાં બચી ગયો તું ખડક શબ્દના ખોદે
વાણીના પાણીની મનમાં પરબ માંડતો મોદે
અરે, ભલા! શીદ પરસેવાનું કરતો પાણી પાણી?
તું તરસ્યો છે એવીસાદી વાત હવે લે જાણી.
શબ્દો છોડી ખેતરને તું ખેડ
ડી.ડી.ટી. છાંટીને ઘરમાં અનાવિલને તેડ.
શબ્દોનો સથવારો છોડી
લય લંપટના તંતુ તોડી
ઘર-આંગણિયે શાકભાજીને વાવો
કવિવર! વનસ્પતિ હરખાય અશું કૈં પ્રેરક સંગીત ગાઓ
અને જુઓ આ રીંગણ મરચાં ગલકાં તૂરિયાં
આંખ સમીપે લટકે લૂમેલૂમે
કવિવર નથી થવું તારે
શીદ ને વિષાદમાં ઘૂમે?
(લઘરો, પૃ. ૫૨-૫૩)