ભજનરસ/કોઈ સુનતા હે
કોઈ સુનતા હે ગુરુ જ્ઞાની,
ગગન મેં અવાજ હોતી ઝીની ઝીની.
પહેલી ઉત્પતિ નાદબિંદુકી, પીછે માયા પાની,
પૂરણ બ્રહ્મ તો પૂર રહ્યા છે, અલખ પુરુષ નિરબાની.
સતગુરુ પાયા પટા લખાયા, તૃષ્ના ગઈ બુઝાની,
વિખરસ છાંડ અમીરસ પીયા, ઉલટી રાહ પિછાની.
ઓહંસોહં બાજાં બાજે, ત્રિકૂટિ ધ્યાન સમાની,
ઈંગલા પિંગલા સુખમન નારી, શ્વેત ધજા ફહરાની.
કહે ક્બીર સુનો ભાઈ સાધુ, યાહી અગમ કી બાની,
દિલભર હમ હી નજરે દેખ્યા, અજર અમર નિશાની-
કોઈ સુનતા હે ગુરુ જ્ઞાની.
બ્રહ્મનાદના વિસ્ફોટથી બ્રહ્મતત્ત્વનો સાક્ષાત્કાર કેવી રીતે થાય છે તેનું આ ભજનમાં દર્શન છે. કોઈ સુનતા છે... ઝીની ઝીની. અંતરાકાશમાં કે ચિદાકાશમાં એક સૂક્ષ્મ ધ્વનિ થઈ રહ્યો છે. પણ કોઈ આત્મજ્ઞાની ગુરુજન તેને સાંભળી શકે છે. જેવું બાહ્ય આકાશ છે એવું અંતરાકાશ છે. પણ ઇન્દ્રિયોની બહિર્મુખતા, મનની ચંચળતા, બુદ્ધિની વક્રતા, ચિત્તની મલિનતા અને અહંકારની ક્ષુદ્રતાને લીધે તેનો અનુભવ થતો નથી. અંતરાકાશના વિશાળ અને નિર્મળ દર્શન માટે અંતઃકરણ તેમ જ ઇન્દ્રિયો શુદ્ધ અને એકાગ્ર થવાં જોઈએ. આ આંતરિક ચિદ્ગગન સ્વયંભૂ અનાહત નાદથી સદા ઝંકૃત થઈ રહ્યું છે. કબીર તેને ‘તત્ત્વ ઝંકાર બ્રહ્માંડમાંહી’ કહે છે. પિંડના પડદા તૂટે ત્યારે તે પ્રાણના શ્રવણે પડે. પણ આવો ધ્વન સામાન્ય કાનથી સાંભળી શકાતો નથી, જેમની વૃત્તિઓ પ્રશાંત અને અંતર્મુખ થઈ છે એવા જ્ઞાનીઓ તેને સાંભળે છે. નરસિંહ મહેતાએ આ વિશે ગાયું છે :
નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો,
તે જ હું તે જ હું શબ્દ બોલે.
પોતાના નામ અને રૂપના કોચલામાંથી બહાર આવી મનુષ્ય નામઃશેષ, શૂન્ય બને ત્યારે શુદ્ધ અસ્તિત્વના બ્રહ્મલોકમાં તેનો નવજન્મ થાય છે. આ ‘તે જ હું’ — એ જ બ્રહ્મસ્વરૂપમાં પ્રવેશી જાણે એ પોતાના આકશવ્યાપી મહિમાને પ્રાપ્ત કરે છે. પહેલી ઉત્પતિ... નિરબાની. આ સૃષ્ટિનો પ્રથમ ઉદ્ભવ નાદ અને બિંદુ રૂપે. જલમયી પ્રકૃતિ તો ત્યાર પછી ઉત્પન્ન થઈ. બ્રહ્માનુભવ વખતે પણ નાદ અને બિંદુનો આવિર્ભાવ થાય છે. નાદ અને બિંદુ, શબ્દ અને જ્યોતિ ૫૨બ્રહ્મના પ્રથમ આવિષ્કાર છે. શબ્દના ગર્ભમાં જ્યોતિ અને જ્યોતિના ગર્ભમાં તત્ત્વ રહેલ છે. એ વિશે કહ્યું છે :
’અનાહતસ્ય શબ્દસ્ય, તસ્ય શબ્દસ્ય યો ધ્વનિઃ
ધ્વનિર્ અંતર્ગત જ્યોતિઃ જ્યોતિર્ અંતર્ગત મનઃ
તન્મનો વિલયં યાતિ યદ્ વિષ્ણોઃ પરમં પદં.’
અનાહત શબ્દનો જે ધ્વનિ છે તે ધ્વનિની અંદર જ્યોતિ છે. અને જ્યોતિના અંતર્તલે જે મન છે તે મન જેમાં વિલય પામે છે તે વિષ્ણુનું પરમ પદ છે.’ શ્વાસ-ઉચ્છ્વાસ સાથે જ્યારે ૐ, રામ, હરિ એવો શબ્દ ઊપડે છે, ત્યારે તેમાં રહેલા પરમતત્ત્વનો અર્થ-પ્રકાશ થાય છે. કબીરની ‘શબ્દસાધના’ આ પરમતત્ત્વના ઉઘાડ માટે મહત્ત્વનું સાધન છે. કબીરે અનેક સાખી તેમ જ પદમાં આ અનુભવ ગાયો છે. અહીં બે-એકની ઝાંખી :
સ્વાસા મધ્યે શબ્દ દેખિયે, અરથ શબ્દ કે માંહી,
બ્રહ્મ તે જીવ, જીવ તે મન હૈ, ન્યારા મિલા સદા હી.
આતમ મેં પરમાતમ દરસે, પરમાતમ મેં ઝાંઈ
ઝાંઈ મેં પઝાંઈ કોઈ લખે બીરા સાંઈ...
નાદબિંદુ પછી, ‘પીછે જમાયા પાની’. તે સાધારણ પાણી નથી, પણ જેમાં જીવનનાં અનેકવિધ બીજ રહ્યાં છે તે આપ, અંભ, સલિલ, એકાર્ણવ નામથી ઓળખાતું આદિ કારણ છે. પૂર્ણ બ્રહ્મ નાદબિંદુથી માંડી આ જલસૃષ્ટિ, જીવસૃષ્ટિમાં પણ સચરાચર સભર છે. અને સઘળે વ્યાપ્ત હોવા છતાં તે ‘અલખ પુરુષ નિરબાની’ — અલક્ષ્ય છે, નિર્લેપ છે, ઉપાધિરહિત છે અને, ‘ન્યારા મિલા સદા હી’ — સદાયે નિરાળું છતાં સર્વનિવાસી છે. અલખ પુરુષ સઘળે ખેલે છે છતાં ક્યાંયે અળપાતો નથી.
સતગુરુ પાયા... પિછાની
કબીર પોતાનો અનુભવ જણાવે છે કે આ દર્શનનો અધિકાર તેને સતગુરુની કૃપાથી પ્રાપ્ત થયો છે. ‘પટા લિખાયા’ — ગુરુમુખ જ્ઞાનની મહોર પડી ગઈ. તેની સાબિતી એ કે વાસનાતૃષ્ણા નાશ પામી. ઇન્દ્રિયોનો વિષય૨સ છોડીને મન આત્માનો અમૃતરસ પી તૃપ્ત બની ગયું. ક્ષુદ્ર, ખંડિત અને નાશવંત આનંદને સ્થાને અનંત, અખંડ અને અમર રસ વહેવા માંડ્યો. આ રસની પ્રાપ્તિ માટે ઊલટી રાહ પિછાની’-પ્રકૃતિનો પ્રવાહ જ મૂળમાંથી પલટાવી નાખ્યો. સુષુમણામાં પ્રાણના ઊર્ધ્વ પ્રવાહને ઊલટી ગંગા, ઊલટી ધારા, ઊલટી વીળ, ને તેની સાધનાને ઉજાન પથ, ઊલટા પથ કે ઊલટ સાધના કહે છે. સુષુમણાનો મધ્યપ્રવાહ જ મૂર્ધા ભણી જાય છે ને એ વિના પરમ પદની પ્રતીતિ થતી નથી. કબીરે કહ્યું છે :
ઉલટિ સમાના આપ મેં,
પ્રગટી જોતિ અનંત
જોગી હુઆ ઝલક લગી, મિટિ ગયા ખેંચાતાન
ઉલટિ સમાના આપ મેં હૂઆ બ્રહ્મ સમાન
આ ઊલટી રાહની પિછાણ થાય છે ત્યારે જ સૂલટી આનંદધાર વહી નીકળે છે :
ઉલટી ગંગા, સુલટાં નીર,
ભર ભર પીઓ સંત સીર.
ઓછું સોહં... ફહરાની.
ઓહં - જીવ, સોહં - શિવ. જીવ અને શિવની એકતાનાં મંગલ વાજાં વાગી ઊઠ્યાં. ભૂમધ્યે મન-બુદ્ધિ-અહંકારનું થાણું ઊખડી ગયું ને ધ્યાતા-ધ્યાન-ધ્યેય એક જ સ્વરૂપમાં લીન બની ગયાં. સગુણી માયાનો પ્રભાવ પૂરો થયો. ઇડા, પિંગળા, સુષુમણા એ ત્રણે નાડીનો સંગમ થયો અને પ્રકાશનું ધામ પ્રયાગરાજ ઊભું થયું. બધા ભેદિવભેદ, રાગ-દ્વેષ ઓગળી ગયા. સર્વત્ર શાંતિની શ્વેત ધજા ફરકી ઊઠી. ભરી બજારમાં કબીરે આ ગાંઠછૂટી વાત પુકારીને કહી છે :