ભજનરસ/જલકમલ

From Ekatra Foundation
Revision as of 06:58, 15 May 2025 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


જલકમલ

જલકમલ તું છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે,
જાગશે તને મારશે, મને બાળહત્યા લાગશે.

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયાં તે શીદ આવિયો?

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો,
મથુરાનગરીમાં જૂગટું રમતાં, નાગનું શીશ હું હારિયો.

રંગે રૂડો રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યા, તેમાં તું અળખામણો.
 
મારી માતાએ બેઉ જનમ્યા, તેમાં હું નટવર નાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.
 
લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરીઓ.

શું કરું નાગણ હાર તારો? શું કરું તારો દોરીઓ?
શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ?
 
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાવીઓ
ઊઠોને બળવંત બારણે, કોઈ વીર બાળક આવીઓ.
 
બેઉ બળિયા બાથે વળગિયા, કૃષ્ણે કાલિનાગ નાથિયો,
સહસ્ર ફેણા ફૂંફવે, જેમ ગગન ગાજે હાથિયો.

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુ:ખ આપશે,
મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે.

બેઉ કર જોડીને વિનવે, સ્વામી મૂકો અમારા કંથને,
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.

થાળ ભરી નાગણી સર્વે, મોતીએ કૃષ્ણને વધાવીઓ,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાથ છોડાવીઓ.

કૃષ્ણની બાળલીલામાં ‘નાગદમન’ કે ‘કાલિયદમન’ના પ્રસંગ પરથી નરસિંહે આ પ્રભાતિયું રચ્યું છે. ઘણા કવિઓ અને ચિત્રકારોને આ પ્રસંગે અપૂર્વ સર્જન પ્રાટે પ્રેરણા આપી છે. નરસિંહની આ રચના સરળ, પ્રવાહી અને નાટ્યાત્મક ઢબે આગળ વધે છે. એના કથાત્મક નિરૂપણે આપણું મન વશ કર્યું છે. એમાં રહેલું કાલિયમર્દનનું અંતરંગ ભાવતત્ત્વ નિહાળીશું તો આપણા મનને તે વિષાગ્નિમાંથી શીતળ પદ્મવનમાં લઈ જશે.
જલકમલ... અળખામણો.
ભજનનો ઉઘાડ નાગણની ઉક્તિથી થાય છે. કોઈ પૂર્વભૂમિકાનો ઘાટ ને પગથિયાં બાંધ્યા વિના નરસિંહે આપણને સીધો જ કાલિયદહમાં ભૂસકો મરાવ્યો છે. પણ સાક્ષાત્ મૃત્યુની ગુહા જેવા આ ઘુનામાં તે જલકમલ લેવા જતા કમલ જેવા સુકુમાર બાળકનાં દર્શન કરાવે છે. નાગણના મુખમાં તો ફુત્કાર હોય, કોઈ ‘બાળા’ જેવું મંજુલ ને લાડભર્યું સંબોધન હોઈ શકે? બાળકૃષ્ણના સુંદર, રક્તિમ ચરણકમળનો જ આ ચમત્કાર. વિષના ધરામાંથી જ્વાલા શમાવતી શાંતિ ઝરે છે, પ્રથમ ચરણે.
મીરાંની વાણી મનમાં ગુંજી ઊઠે :

મન રે પરસ હરિ કે ચરણ,
સુભગ સીતલ કંવલ કોમલ
ત્રિવિધ જ્વાલા હરણ.

આ જલકમલ અને ચરણારવિન્દનો સ્પર્શ કાલિયનું સ્વરૂપ પ્રગટ કરવામાં આપણને સહાય કરે છે. આપણા હૃદયના ધરાનો કબજો લઈ બેઠેલો અહંકાર કાલિય નાગ છે. સર્વ વિષયોને પોતાની આસક્તિથી વિષમય બનાવી મૂકતી વૃત્તિ નાગણી છે. નાગણી અને લાગણી અહીં સમાન. પણ એ નાગણીને ક્યાંક કમલનયન મળી જાય તો? તેના રૂપાંતરની ઘડી આવી પહોંચે. મનુષ્યને માટે આ એક જ ઉગારની બારી છે. વિદ્યા-અવિદ્યા, સદ્-અસદ્, ભાવ-અભાવ વચ્ચે વૃત્તિઓ ઝોલાં ખાય છે. ઉપનિષદની ભાષામાં તેને શ્રેય અને પ્રેય કહે છે. પુરાણ તેને સુનીતિ-સુરુચિ તરીકે ઓળખે છે. તેને જ યોગની પિરભાષા પદ્માવતી અને નાગમતીને નામે સાકાર કરે છે. જાયસીએ પદ્માવતમાં આ યોગરૂપકનો ખૂબીથી ઉપયોગ કર્યો છે. એ બંનેને એકબીજીની શોક્ય તરીકે વર્ણવવામાં આવે છે એ તો બંનેની વિરુદ્ધ ગતિને કારણે. વૃત્તિ જ્યારે ૫રમાત્મા ભણી વળે છે ત્યારે પદ્માવતી બને છે. અહંકારમાં બદ્ધ હોય ત્યારે નાગમતી રહે છે. આ પદમાં નાગમતીને પદ્માવતીમાં કેવી રીતે રૂપાંતર કરવી તેનો કીમિયો નરસિંહ બતાવે છે. જે નાગમતી ગરલરૂપે સંહારે છે તે અમૃતરૂપે તારે શી રીતે? નાગમતીના પ્રથમ ઉદ્ગારથી તેની ઝાંખી થાય છે. બાળકૃષ્ણ પ્રત્યે વાત્સલ્યથી, કુમાશથી, રક્ષણનું છત્ર બિછાવી પ્રગટતો ભાવ પદ્માવતીનો અમૃત અંશ પ્રગટ કરે છે. પણ નાગમતી હજી મુક્ત નથી થઈ. એ અહંકારને વશ છે ને અહંકારનો તેને ભય છે. સ્વામી અમારો જાગશે’ વચનોમાં આ બદ્ધતા ને પરવશતા વ્યક્ત થઈ છે. આવા રૂડારૂપાળા બાળકને મોતના મોઢામાં મોકલતાં એની માનો જીવ કેમ ચાલ્યો હશે? શું આવો બાળક પણ તેને દવલો હશે? કાલિયના કોપમાંથી બચી જતો હોય તો આ બાળકને નાગણ કોઈ પણ હિસાબે બચાવી લેવા માગે છે. પોતાનું ચાલે તો તે એને પોતાનો કરી રાખી લે. ભગવદ્-ભક્તિનો આ ઉદ્રેક છે, પણ એમાં સ્થિરતા નથી. કાલિયનાગના અહંકારથી, વાસનાથી, તૃષ્ણાથી ભરેલા ચિત્તને પદ્મરંગ ચડવાને હજી વાર છે. નાગણની જિજ્ઞાસા આગળ વધે છે તેમ કૃષ્ણનું આગમન પોતાનો પ્રભાવ પાડતું આગળ વધે છે. નાગણ પૂછી બેસે છે : તારી માતાને કેટલા દીકરા? જવાબમાં કૃષ્ણ પોતાનો અને પોતાના ઉદ્દેશનો પિરચય આપે છે.

મારી માતાએ... ચોરીઓ?

પ્રથમ વચને જ કૃષ્ણ નાગણીની પ્રેમાળ અને પાપભીરુ વૃત્તિને અભય આપે છે. બે ભાઈમાં પોતે છે તો નાના, પણ નટવર છે. ખરો ખેલાડી છે. તેને બધી બાજી ખેલતાં આવડે છે એટલે બાળહત્યા લાગશે એવો ભય રાખવાની જરૂર નથી. મોટાભાઈ વિશે એક શબ્દ નથી. પણ સહુ જાણે છે કે તે આ મહાનાટ્ય પાછળ રહેલી અનંત શક્તિનો ભંડાર છે. તે પોતે જ મહસર્પ છે, શેષ છે. પણ એ કાલિયની જેમ સંહારક નથી, સૃષ્ટિના ધારક છે. સંહારને માથે પગ મૂકવાનું જ આ બેઉ ભાઈનું કાર્ય છે. કાલિય નાગને જગાડવાનું કહેતાં કૃષ્ણ કહે છે કે પોતે નટવર છે તે સાથે કૃષ્ણ પણ છે. સર્વ વૃત્તિઓનું આકર્ષણ કરનારો તે ૫૨મ ચુંબક છે. નાગ સામે આવે કે તેને કૃષ્ણ ખેંચે તેમ ખેંચાયા વિના છૂટકો નથી. આપણને થાય કે હવે નાગણ કાલિયને હાજર કરશે. પણ ના, કૃષ્ણ ખેલમાં પાવરધો છે તો કૃષ્ણનો ગાયક કાંઈ ઓછો નથી. ઉપનિષદના શ્રેય-પ્રેયની ખેંચતાણ તે બરાબર જાણે છે. કૃષ્ણ ભલેને બહુ બળવંતો રહ્યો પણ આ ધરામાંથી છાનોમાનો નાસી જાય તો નાગણ તેને મૂલ્યવાન હાર આપવા તૈયાર છે. નચિકેતા અને યમનો સંવાદ અહીં સંભારવા જેવો છે. નાગણ પોતાના હૈયાનો હાર ને ગળાની હાંસડી આપવા વિનંતી કરે છે. પણ આ ખલૈયો એમ છોડે એવો નથી. મથુરાનગરીમાંથી તે નાગનું શીશ ઉતારી લાવવાનો મોતનો જુગાર ખેલીને આવ્યો છે. અમૃતજીવનનું વરદાન તો જે વિષજ્વાળામાં ઝંપલાવી શકે એને જ ભાગે આવે છે. માત્ર વૃત્તિઓનું નહીં, વૃત્તિઓના મૂળનું ઉચ્છેદન થાય ત્યારે વિષનો છાંટો ન રહે. નાગણે છેવટે નાગને જગાડ્યો. ચરણ ચાંપી... હાથિયો. નાગણે કૃષ્ણ ૫૨થી આંખો હટાવી નાગ સામે જોયું ને તેનામાં જાગૃત થતી પદ્માવતી પાછી નાગમતી બની ગઈ. ભાગવતમાં આવતી કૃષ્ણની બાળલીલામાં આવું વારંવાર બનતું બતાવ્યું છે. યશોદા, ગોપબાળ, ગોકુલવાસીની નજર કૃષ્ણ પરથી હટે છે કે આસુરી બળોનું ચડી વાગે છે. કૃષ્ણની સાથે દૃષ્ટિ પરોવી રાખવી એ જ તરવાનો તાર છે. નાગણે નાગને જગાડ્યો. મહા બળિયા કૃષ્ણ અને કાલિયનું યુદ્ધ જામ્યું. પણ ગગનમાં ગાજતી કાલિયની સહસ્ર ફેણને કૃષ્ણે પગ તળે ચાંપી નમાવી. ઉછાળા મારતી સહસ્રવિધ વૃત્તિઓ એકમાત્ર શ્રીહરિને ચરણે વિરામ પામી. નાગણને પ્રતીતિ થઈ કે આ બાળક તો પોતાના સ્વામીનો પણ સ્વામી છે. પહેલા અને છેલ્લા ઉદ્ગારને પડખે મૂકતાં આ પરિવર્તન ચોખ્ખું દેખાશે : સ્વામી અમારો જાગશે’ અને સ્વામી મૂકો અમારા કંથને’ આ બે પંક્તિમાં નરસિંહ સર્વ વૃત્તિઓને શિરે અહંકારને સ્થાને પ્રભુનું સ્વામિત્વ સ્થાપી દીધું. અને સાથે સાથે પ્રભુની અનંત કરુણાનું પણ દર્શન કરાવ્યું. અને હા મત દર્શન જેણે નાગનું શીશ ઉતારી લેવાની પ્રતિજ્ઞા લીધી હોય એ કાંઈ નાગને મારી નાખ્યા વિના રહે? પણ કૃષ્ણ મહા પરાક્રમી છે એટલા જ કરુણાળુ છે. જીવ જ્યારે કહે છે કે,

અમે અપરાધી કાંઈ સમજ્યાં,
ન ઓળખ્યા ભગવંતને.

એ પળે તેના બધા અપરાધો ભગવાન ક્ષમા કરે છે. જીવાત્મા એટલે નિત્ય અપરાધી ૫રમાત્મા એટલે નિત્ય ક્ષમાશીલ. એક સૂફી વચન છે : ‘અતા કે સામને યા રબ ખતા કાજિક હી .કયા? તૂ અતા કે લિયે હૈ, બસર ખતા કે લિયે.

‘પ્રભુ, તારી ક્ષમાશીલતાની આગળ અપરાધોની વાત જ શી કરવી?
તું ક્ષમા માટે છે, આદમી અપરાધ માટે.’

કાલિયની કોઈ વૃત્તિમાં હવે વિષ નથી. એ તમામ કૃષ્ણને મોતીડે વધાવે છે. નાંગ-વૃત્તિ કેવી-રીતે પદ્મવૃત્તિમાં પલટાઈ જાય છે તેનું જીવંત ચિત્ર આ પદમાં જોવા મળે છે. નરસૈયાએ પોતાના નાથને જે વાણીમાં વધાવ્યો છે તેમાં ગુજરાતી ભાષાના શબ્દો મોતીડાં બની ગયા છે.!