ભજનરસ/હે રામસભામાં
રામસભામાં અમે રમવાને ગ્યા’તાં,
પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પૂરણ પીધો.
પહેલો પિયાલો મારા, સદ્ગુરુએ પાયો,.
બીજે પિયાલે રંગની રેલી,
ત્રીજો પિયાલો મારા રોમે રોમે વ્યાપ્યો,
ચોથે પિયાલે થઈ છું ઘેલી.
રસબસ એકરૂપ થઈ રસિયા સાથે
"વાત ન સૂઝે બીજી વાટે
મોટા જોગેશ્વર જેને સ્વપ્ન ન આવે,
તે મારા મંદિરિયામાં મહાલે.
"જે અખંડ દેવાતણ મારા સદ્ગુરુએ દીધાં,
એક અખંડ સૌભાગી અમને કીધાં,
ભલે મળ્યાં મહેતા નરસિંહના સ્વામી,
દાસી પરમ સુખ પામી. હરિનો રસ પૂરણ : પીધો.
આપણે સહુ રમીએ તો છીએ -પણ તે રામસભામાં નહીં, કામસભામાં, કામનાઓના કૂંડાળામાં આપણી રમત શરૂ થાય છે ને પછી એ બંધન બની જાય છે, બોજો બની જાય છે, ત્રાસ બની જાય છે. એને બદલે ઘટઘટ વસતા રામ રમૈયા’ સંગે જે રમે છે તેની વાત ન્યારી છે. તેને માટે ખેલનો આનંદ અને આનંદનું મેદાન વિસ્તરતાં જાય છે. ઘડામોઢે કામનાના ઘૂંટડા ભરવા છતાં તૃપ્તિ થતી નથી પણ હિરનો રસ તો માત્ર પસલી ભરીને — અંજલિ ભરીને પીવામાં આવે ત્યાં કોઠે દીવા થઈ જાય છે. અલ્પમાં, ક્ષુદ્રમાં, સ્વાર્થના ખાબોચિયામાં તો કાદવથી ખરડાવાનું ને સડી મરવાનું જ ભાગે આવે છે. મહમાં ડૂબકી મારવાથી જ જીવનનાં રત્નો હાથ આવે છે. શાહ અબ્દુલ લતીફનો ત્રણ ચરણનો દુહો છે :
સેવા કર સમુંડ જી, જિત જર વહેથો જાલ,
સએં વહન સીરમેં, માણક મોતી લાલ,
જે માસો જુડેઈ માલ, ત પૂજારા પૂર થિંઈ.
‘સમુદ્રની સેવા કર, જેમાં અથોક પાણી વહે છે. સો સો ધારાઓમાં માણેક, મોતી, લાલ જેવાં રત્નો તણાતાં જાય છે. એક માસો જેટલી પણ રત્નકણી હાથ લાગી જાયને, તો પૂજારી, તું પૂર્ણ બની જઈશ.’ ચૈતન્યના રત્નાકારની એકાદ કણી પણ માણસને બસ થઈ પડે. હિરના રસનું એક ચાંગળું પણ જીવનને લીલુંછમ, હર્યુંભર્યું કરી દે. કબીરે કહ્યું :