ભજનરસ/હે રામસભામાં
રામસભામાં અમે રમવાને ગ્યા’તાં,
પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પૂરણ પીધો.
પહેલો પિયાલો મારા, સદ્ગુરુએ પાયો,.
બીજે પિયાલે રંગની રેલી,
ત્રીજો પિયાલો મારા રોમે રોમે વ્યાપ્યો,
ચોથે પિયાલે થઈ છું ઘેલી.
રસબસ એકરૂપ થઈ રસિયા સાથે
"વાત ન સૂઝે બીજી વાટે
મોટા જોગેશ્વર જેને સ્વપ્ન ન આવે,
તે મારા મંદિરિયામાં મહાલે.
"જે અખંડ દેવાતણ મારા સદ્ગુરુએ દીધાં,
એક અખંડ સૌભાગી અમને કીધાં,
ભલે મળ્યાં મહેતા નરસિંહના સ્વામી,
દાસી પરમ સુખ પામી. હરિનો રસ પૂરણ : પીધો.
આપણે સહુ રમીએ તો છીએ -પણ તે રામસભામાં નહીં, કામસભામાં, કામનાઓના કૂંડાળામાં આપણી રમત શરૂ થાય છે ને પછી એ બંધન બની જાય છે, બોજો બની જાય છે, ત્રાસ બની જાય છે. એને બદલે ઘટઘટ વસતા રામ રમૈયા’ સંગે જે રમે છે તેની વાત ન્યારી છે. તેને માટે ખેલનો આનંદ અને આનંદનું મેદાન વિસ્તરતાં જાય છે. ઘડામોઢે કામનાના ઘૂંટડા ભરવા છતાં તૃપ્તિ થતી નથી પણ હિરનો રસ તો માત્ર પસલી ભરીને — અંજલિ ભરીને પીવામાં આવે ત્યાં કોઠે દીવા થઈ જાય છે. અલ્પમાં, ક્ષુદ્રમાં, સ્વાર્થના ખાબોચિયામાં તો કાદવથી ખરડાવાનું ને સડી મરવાનું જ ભાગે આવે છે. મહમાં ડૂબકી મારવાથી જ જીવનનાં રત્નો હાથ આવે છે. શાહ અબ્દુલ લતીફનો ત્રણ ચરણનો દુહો છે :
સેવા કર સમુંડ જી, જિત જર વહેથો જાલ,
સએં વહન સીરમેં, માણક મોતી લાલ,
જે માસો જુડેઈ માલ, ત પૂજારા પૂર થિંઈ.
‘સમુદ્રની સેવા કર, જેમાં અથોક પાણી વહે છે. સો સો ધારાઓમાં માણેક, મોતી, લાલ જેવાં રત્નો તણાતાં જાય છે. એક માસો જેટલી પણ રત્નકણી હાથ લાગી જાયને, તો પૂજારી, તું પૂર્ણ બની જઈશ.’ ચૈતન્યના રત્નાકારની એકાદ કણી પણ માણસને બસ થઈ પડે. હિરના રસનું એક ચાંગળું પણ જીવનને લીલુંછમ, હર્યુંભર્યું કરી દે. કબીરે કહ્યું :
સર્વે રસાયણ મેં કિયા, હંરિસા ઔર ન કોઈ,
તિલ ઇફ ઘટમેં સંચરે, તો સબ તન ક્ચન હોઈ
પસલી ભરીને પીતાં જ પરમ તૃપ્તિ – એવો ઘાટ છે. હિરનો આ પૂરણ રસ કેવી રીતે પામી શકાય? નરસિંહ આ ભજનમાં કશો ઉપદેશ નથી આપતા, પોતાનો અનુભવ કહે છે. એક કૃષ્ણભક્ત ‘રામસભામાં રમવાની’ વાત કરે તેમાં કશું અજુગતું નથી. એની કૃષ્ણભક્તિની એ વિશાળતા જ છે. મીરાંએ પણ ‘મેરી મન રામહિ રામ રટે’ અને ‘પાયોજી હૈં તો રામ રતનધન પાયો’ ગાયું છે. સાંપ્રદાયિકતા ને સંકીર્ણતા તો પાછળથી પ્રવેશ્યાં છે. પહેલાં સદ્ગુરુ પાસેથી હિરનામનો પ્યાલો લઈ હોઠે માંડ્યો. નામસ્મરણ કરતાં કરતાં વિરહ જાગ્યો. મીરા લાગો રંગ હિર.’ ત્રીજે પ્યાલે તો રસની ખુમારી રગે રગમાં વ્યાપી ગઈ, અને ચોથે પ્યાલે પોતાનું ભાન જ ન રહ્યું. રસબસ એકરૂપ થઈ રસિયા સાથે’ રસના પીનારનું અલગ અસ્તિત્વ જ ન રહ્યું. પ્રેમની ચાર ભૂમિકાઓ છે : દ્વૈત, દ્વૈત-અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત અને અદ્વૈત. ભક્ત જ્યારે પ્રેમરાજ્યમાં, રામસભામાં રમવા આવે છે ત્યારે તે લીલાશ્રવણ, લીલાદર્શન, લીલાપ્રવેશ અને લીલામયતા એમ ચાર અવસ્થાઓમાંથી પસાર થાય છે. હિરનો રસ વધુ ને વધુ ગાઢ બનતો જાય છે ત્યારે તે ભાવરૂપ ધારણ કરે છે. ભક્તનો ભાવદેહ બંધાય છે. ભાવદેહ દ્વારા હિરની અલૌકિક લીલાનો તે સાથી બને છે અને અંતે એ લીલામાં તન્મય બની જાય છે. ૨સ અને ભાવના પણ અનેક પ્રકાર છે. તેમાં દાસ્ય, સખ્ય, વાત્સલ્યને બદલે આપણો નરસિંહ મધુર ભાવનો ઉપાસક છે. શૃંગાર રસનું જે અતીન્દ્રિય દિવ્ય સ્વરૂપ તે આ ઉજ્વલ રસ. તેને પામવાનાં ચાર પગથિયાં છે : પહેલાં તો હિરનામ જીભથી લેવામાં આવે છે. પછી કશો ઉચ્ચાર નહીં, માત્ર હોઠ ફફડે એ રીતે ગદ્ગદ કંઠથી જપ ચાલે છે. કંઠમાંથી જપ શબ્દોને સ્થાને ભાવને સાકાર કરતો હ્રદયમાં ઉતારે છે. ત્યાંથી તે નાભિમાં સરે છે ત્યારે સાધકનું વ્યક્તિત્વ જ ભાવમાં ઓગળી જાય છે. દેહભાનની ન્યૂનતા થતી આવે ને ચૈતન્યની જાગૃતિ થતી જાય તેનો અનુભવ શરીરમાં આ સ્થાનોમાં થાય છે. રામસનેહી સંપ્રદાયના સ્થાપક સ્વામી રામચરણજીએ નામ સ્મરણ કરતાં કરતાં કેવી અવસ્થાઓ થાય છે તેનું સવિસ્તર વર્ણન કર્યું છે. તેમાંથી થોડું જોઈએ ઃ (૧) પ્રથમ નામ સતગુરુએ પાયા, શ્રવણ સુન કે નેહ ઉપજાયા, પુનિ રસના કી શ્રદ્ધા જાગી, રામરટન નિસિવાસર લાગી. (૨) કઈ દિવસ રસના રસ ગટક્યો, પીછે શબ્દ કંઠમેં અટક્યો, કંઠસ્થાન બહૂત કઠિનાઈ, મુખ સૂં બચન ન બોલ્યો જાઈ. (૩) એક દિવસ ઐસી બન આઈ, શબ્દ સરક ગયો હિરદય માંઈ, પરમ સુક્ષ્મ હિરદે પરકાસા, જ્યે રબિ કીન્હોં તમકો નાસા. જાગ્યો પ્રેમ નેમ રહ્યો નાહીં, પાઈ રામ ઘામ ઘટ માંહી, ઉર અસ્થાન પાય વિશ્રામા, શબ્દ કિયા જાય નાભિ મુકામા. (૪) નાભિ કમલ મેં શબ્દ ગુંજારે, નૌ સો નારી મંગલ ઉચારે, રોમ રોમ ઝણકાર ઝણુૐ, જૈસે જંતર તાત ઠહ્યુકે, ત્રિકૂટિ સંગમ કિયા સનાના, જાય ચઢ્યા ચૌથે અસ્થાના, જહાં નિરંજન તખ્ત બિરાજૈ, જ્યોતિ પ્રકાશ અનંત રવિ રાજે, નિર્ગુણ સંતો જ્યાં નિરંજનની જ્યોતિમાં મગ્ન બની જાય છે ત્યાં સગુણ સંતો એ જ્યોતિને જ લીલાવપુ ધારી રમતી નિહાળે છે. નરસિંહે ગાયું : ‘મોટા જોગેશ્વર જેને સ્વપ્ન ન આવે, તે મારા મંદિરિયામાં માલે.’ આ પદમાં જ્યાં રસિયા સાથે રસબસ એકરૂપ થવાની વાત આવે છે ત્યાં પેલા જોગેશ્વરને જ નરસિંહે શા માટે યાદ કર્યા? જોગીની સ્મશાન જેવી વૈરાગ્યભૂમિથી પ્રેમીની ગહેકતી કુંજગલી કેવી જુદી પડી જાય છે, એ તરફ ઇશારો હશેને? ‘ભ્રમર ગીત’માં સૂરદાસે ‘ગોકુલ ગાંવકો પૈડો હી ત્યારો,’ બાવતાં ગાયું છે :
મધુકર, કૌન ગાંવ રીતિ?
બ્રવતિન કો જોગકથા તુમ કહત સર્વે બિપરીતિ.
જા સિર ફૂલ ફૂલેલિ મેલિ કે, હરિ કર ગ્રંથૈ મારી,
તા સિર ભસ્મ મસાન કા સેવન, જટા કરન આધારી?
જા તન કો મૃગમદ ઘિસિ ચંદન સૂછમ પટ પહિરાએ
તા તન કો મૃગ અજિન પુરાતન દૈ ધ્વજનાથ પઠાએ?
વે અબિનાસી જ્ઞાન ઘટેગો, યહિ બિધિ જોગ સિખાએ,
કરે ભોગ ભરપૂર ‘સૂર’ તહું જોગ કરન બ્રજ આએ?
‘કહે તો ભ્રમર, આવી તે કયા ગામની રીત છે? વ્રજની યુવતીઓને તું જે યોગની કથા કહે છે, (આડકતરું ઉદ્ધવને સંબોધી) એ તો સાવ ઊલટી વાત છે. જે માથામાં હરિએ પોતાને હાથે સુગંધિત તેલ સીંચ્યું અને વાળ ઓળી વેણી ગૂંથી તે માથા પર સ્મશાનની રાખ ચોળવાનો, જટા વધારવાનો અને હાથમાં ધ્યાનનું સાધન આધારી રાખવાનો તું ઉપદેશ આપે છે? જે શરીરને પોતાને હથે કસ્તૂરી ચંદનનો અંગરાગ લગાડ્યો હતો, ઝીણાં પટ્ટુલ પહેરાવ્યાં હતાં તેને માટે જૂનું પુરાણું મૃગચર્મ લઈને રિએ તને મોક્લ્યો? આ રીતે યોગ શીખવવામાં આવશે તો પેલા અવિનાશી — અમૃતથી સભર જ્ઞાનમાં ખોટ આવશે. જ્યાં હરિએ ભોગથી ભરપૂર લીલા કરી ત્યાં જ, વ્રજમાં જ તું યોગ કરવા આવ્યો, એમ?’ અખંડ જ્યોતિનું ધ્યાન ધરનાર જોગેશ્વરને અંતે પરમ પદ મળે, પરમ બોધ મળે, પણ હિરવરે જેને અખંડ સૌભાગી કીધાં હોય એમને તો નિત ઊઠી હાસવિલાસ, ‘પરમ સુખ’. શુષ્ક જ્ઞાન અને વેરાગી યોગને સ્થાને ૫૨મ તત્ત્વને પામવા માટે ઘણા સાધકોએ પ્રેમયોગ અપનાવ્યો છે એક વેળા આ દેશમાં સહજયાની સિદ્ધોની બોલબાલા હતી ત્યારે શૂન્યને પુરુષ અને કરુણાને સ્ત્રીરૂપે કલ્પી તેમના સંપૂર્ણ મિલનને મહાસુખ’ કહેવામાં આવ્યું હતું. હિંદુ ધર્મનું પુનરુત્થાન થયું ત્યારે શૂન્ય-કરુણા તે શિવ-પાર્વતી અને રાધા-કૃષ્ણમાં લય પામી ગયાં લાગે છે. શબર-શબરીના ઉન્મત્ત શૃંગાર દ્વારા જે અતીન્દ્રિય પ્રેમ વર્ણવવામાં આવતો તેણે વૃંદાવનની ભૂમિમાં ઊંડાં મૂળ રોપ્યાં. શબરીનાં આભૂષણ મોર્નિંગ પિચ્છ પરિહિણ શબરી ગીવત ગુજરિ માલી.’‘મોરપિચ્છ પહેર્યું શબરીએ, ગળે ગુંજામાલા.’ જોતાં વૃન્દાવનની યાદ તાજી થાય છે. પ્રેમોન્મત્ત યોગનો આ જાદુ એવો તો છવાઈ ગયો લાગે છે કે જૈન મુનિ આનંદઘન પણ ચકચૂર બની ગાઈ ઊઠે છે :
મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગનિ પરજાલિ,
તન ભાઠી અઘટાઈ પીઅ કસ, જાગે અનુભવ લાલી.
અગમ પીઆલા પીઓ મતવાલા, ચીને અધ્યાતમ વાસા,
આનંદધન ચેતન હૈ ખેલે, દેખે લોક તમાસા,
નરસિંહમાં આ રસબસ કરતો પિયાલો’ અને પરમ સુખ’ ક્યાંથી આવ્યાં હશે? પહેલો પિયાલો મારા સદ્ગુરુએ પાયો – એવો પ્યાલો પાવાની પરંપરા વૈષ્ણવોમાં તો નથી, પણ સૌરાષ્ટ્રના સાધુઓમાં એક પરંપરા ચાલી આવે છે. શિષ્યને મંત્રદીક્ષા આપતાં ગુરુ પોતાના પગનો અંગૃહો દૂધ અને પાણીથી ધોઈ એની ત્રણ અંજલિ પોતાના હાથમાં લઈ શિષ્યને પાય છે એને ગુરુનો પ્યાલો કહે છે. મધ્યકાલીન સંતો પહેલાં સહજયાની સિદ્ધોએ ગુરુમહિમા ખૂબ ગાયો છે અને ગુરુ-ઉપદેશને અમૃતપાન ગયું છે. સરહપાની વાણી છે :
ગુરુઉપદેશે અમૃત-રસ ધાઈ ન પીયેઉ જેહિ,
બહુ શાસ્ત્રાર્થ મરુસ્થલહિ તૃષિવૈ મરેઉ તેહિ.
જયદેવ-ચંડીદાસ-વિદ્યાપતિએ વૈષ્ણવી પ્રેમસાધનાને જે રૂપ આપ્યું. તેની પાછળ બંગાળના સહજયાની બૌદ્ધોનો ઘણો વારસો છે. તળાજા અને ગિરનારની છાયા પણ પોતાના વારસાને એમ ને એમ તો લુપ્ત થવા ન દે. નરસિંહના કંઠે આ ભૂમિનો વારસો નવજીવન પામ્યો લાગે છે. કબીરનો પ્રાણ નિર્ગુણમાં ઠર્યો, નરસિંહને સગુણ-સાકારની લગની લાગી. પણ બંનેનાં ઘાયલ દિલમાં તો આ ભૂમિની વિવિધ સાધનાને ઘોળી ઘોળીને મહાકાળે અમૃતરસ પાયો છે :
પી લે પ્યાલા, હો મતવાલા,
પ્યાલા પ્રેમ અમીરસ કા રે.
વધારે નહીં. એક પસલી ભરીને જ આ રસ પી લઈએ તો?