અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/એણે રબરના તળિયાવાળા...
એણે રબરના તળિયાવાળા...
લાભશંકર ઠાકર
એણે રબ્બરના તળિયાવાળા કંતાનના જોડા જેવો પ્રતિવાદ પહેરાવી કહ્યુંઃ
ચાલ
કાદવમાં ચાલતા પક્ષી જેવા તત્ને બતાવી કહ્યુંઃ પકડ
વાગ્ વિસર્ગમાં કાનબૂડ ઉતારી કહ્યું: ડૂબ
માંસ શેકવાના સળિયા જેવા ઊહાપોહમાં પ્રજ્ઞા પરોવી કહ્યું: શેક
થાકી ગયેલા રેઢિયાળ ઘોડા જેવા છંદોલયને હણહણાવી કહ્યુંઃ બેસ
વહાણના ભાર જેવા વર્તમાનને હલકો કરવા કહ્યુંઃ કૂદ
હોંશ, ઉત્સાહ અને મન વિનાની સંવિદ્ને કહ્યુંઃ હસ
સિસૃક્ષાને સંકોરતો આકાર રહી કહ્યુંઃ તોડ.