ભજનરસ/દવ તો લાગેલ

From Ekatra Foundation
Revision as of 10:09, 19 May 2025 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


દવ તો લાગેલ

દવ તો લાગેલ ડુંગરિયે,
કહોને ઓધાજી, હવે કેમ કરીએ?
દવ તો લાગેલ ડુંગરિયે.
હાલવા જઈએ તો વહાલા, હાલી ન શકીએ,
બેસી રહીએ તો અમે બળી મરીએ-
આ રે વરતીએ નથી ઠેકાણું રે, વહાલા,
પરવરતીની પાંખે અમે ફરીએ-
સંસાર-સાગર મહાજળ ભરિયો, વહાલા,
બાંધેડી ઝાલો નીકર બૂડી મરીએ-
બાઈ મીરાં કે’ પ્રભુ ગિરિધર નાગર,
ગુરુજી તારો તો અમે તરીએ,
દવ તો લાગેલ ડુંગરિયે.

આ ભજનમાં આવતા ‘ડુંગરિયે દવ’ વિશે પ્રશ્ન ઉઠાવવામાં છે કે તે ભગવદ્-વિરહનો દાવાનળ છે કે સંસારની અસારતાનો? આ ભજન વૈરાગ્યનું છે કે વિરહનું? ભજનમાં ઓધાજીને સંબોધન છે એ જ દર્શાવે છે કે કૃષ્ણ-વિરહમાં વ્રજની જે અવસ્થા થઈ છે એનું અહીં વર્ણન છે. ઉદ્ધવના જ્ઞાન સંદેશ સામે ગોપીઓના પ્રેમાનલની કથની જાણીતી છે. પણ જ્ઞાનાગ્નિ, વિરહાગ્નિ કે પ્રાણાગ્નિ જાગે છે ત્યારે એકસરખી જ સ્થિતિ થાય છે. જ્ઞાનાગ્નિમાં આત્મચિંતન, પ્રાણાગ્નિમાં શક્તિતત્ત્વ અને પ્રેમાગ્નિમાં ભગવદ્-સ્વરૂપ રાહાયક બને છે. વિરહમાં બધું ભસ્મીભૂત થઈ જાય ત્યારે એકમાત્ર અવલંબન ભગવાનનું સ્મરણ રહે છે. ‘કોને, કેમ કરીએ?’ એ પ્રશ્નમાં કેવી અસહાય આંખોનો પ્રાણપ્રશ્ન છે? જગદીશ વિના જગત સ્મશાન બની ગયું છે અને જગદીશને તો કાંઈ બળજબરીથી બોલાવી શકાતા નથી. ગૌરાંગનું કથન છે :

શૂન્યાયિતં જગત્ સવ ગોવિન્દવિરહેણ મે.

‘ગોવિન્દના વિરહથી સારુંયે જગત મને શૂન્ય ભાસે છે.’ તો પછી, હવે શું કરવું? એનો આ મનોમન પ્રલાપ :

કાહાં મોર પ્રાણનાથ મુરલીવદન?
કાહાં કરૌં કાહાં પાઓં વ્રજેન્દ્રનન્દન?
કાહા રે કહિબ? બા જાને મોર દુઃખ?
વ્રજેન્દ્રનન્દન બિના ફાટે મોર બુક.

મારા પ્રાણેશ્વર મુરલી મોહન ક્યાં છે? હું શું કરું? મને નંદલાલ ક્યાં મળે? કોને વાત કરું? કોણ મારું દુઃખ જાણશે? વ્રજલાલ વિના મારી છાતી ફાટી જાય છે.’ કૃષ્ણની વિદાય પછી વ્રજવાસીની જે સ્થિતિ થઈ તે ‘ડુંગરિયે દવ’માં વ્યક્ત થઈ છે. વનમાં આગ લાગે તો વનવાસી ડુંગર ૫ર ચડી પ્રાણ બચાવે. પણ ડુંગરા જ ભડકે બળવા લાગે તો? વ્રજનો એકમાત્ર આધાર અને આનંદ હતા કૃષ્ણ ગોપાલ. એ તો મથુરા ચાલ્યા ગયા. એ જતાં જાણે ડુંગરિયે દવ લાગી ગયો. ‘સૂરના હેમિયા’ને નામે જાણીતા દુહામાં આવો જ વાક્ય પ્રયોગ છે :

‘લાગેલ હત લા, તો આડા પડીને ય ઓલવત,
આ તો સળગી ગર્ય સગા, હેમિયા ડુંગર હૂકળ્યા.

જો અંગમાં લ્હાય લાગી હોત તો આડા પડી, આળોટીને તેને ઓલવી નાખત. પણ આ તો સમૂકી ગીર સળગી ઊઠી, હેમિયા, ડુંગર જ ભડભડ બળવા લાગ્યા.’ એક તો અસહ્ય અવસ્થા અને વળી એ પણ કેવી અસહાય?