ભજનરસ/એક દેહ, એક આતમા
એક દેહ, એક આતમા
એક દેહ, એક આતમા, તેમાં ભિન્ન ભિન્ન જીવ ભાસે,
એ કારણ અંતઃકારણનું, બુદ્ધિ બોધ પ્રકાશે.
જે વાસમાં ચક્ષુ વિશે, તેવો દિનકર દેખે,
શામ શ્વેત પીત વરણ, પરપંચમાં પેખે,
બુંદ પડે બહુ ભાતનાં, જાડાં ને કાંઈ ઝીણાં,
ધન ગગનમાં એક છે, નંઈ કાંઈ મોટાં ને હીણાં.
સ્વાત બુંદ એક આતમા, જ્ઞાને લેજો ગોતી,
અંતઃકરણમાં આવતાં એક વિષ ને એક મોતી.
જેવા જેને સદ્ગુરુ મળે, તેવું તે જાણે,
આંટી પડી અજ્ઞાનની, તે લઈ ગુણમાં તાણે.
હું-તું-પણું એ અણછતું, મારું ને તારું,
વિગત નથી વસ્તુ વિશે, પોતાનું ને પ્યારું,
સૂતાને સંશય ઘણો, પરપંચમાં પ્રમાણે,
મૂળદાસ કહે બ્રહ્મ મૂળગો, જાગે તો જાણે.
એક દેહ એક આતમા, તેમાં ભિન્નભિન્ન જીવ ભાસે.