ભજનરસ/નાટક નવરંગી
જી રે ભાઈ, નાટક નવરંગી
નાટક છે નારાયણનું રે.
એમાં વાસો વસે એને ઓળખ રે
હું રે ભાઈ, આતમા છે અખંડ રે,
નાદે ને બુંદે નાટક નીપજ્યું રે
હું રે ભાઈ, પાંડવે બાંધ્યો પંડ રે–
બીજે ને બીજે બન્યાં બહુ ભાતનાં રે
હું રે ભાઈ, વ્યાપક ચારે વાણ રે,
પંડે ને બ્રહ્માંડે દીસે પ્રાગડો રે
હાં રે ભાઈ, સચરાચર ચારે ખાણ રે-
ત્રિવિધ માયા ત્રિગુણ આતમા રે
હાં રે ભાઈ, સોહે ચારે તન રે,
પંચમને કળા પૂર્ણ પ્રગટી રે
હું રે ભાઈ, સૌના સાક્ષી મન રે-
સ્વપ્ન ધ્યાને સમું સાંપડ્યું રે
હું રે ભાઈ, આઠે બન્યાં તે અંગ રે,
નવે ને તત્ત્વમાં સૌ નીપજ્યું રે
હું રે ભાઈ, લઘુ દીર્ઘ તે અંગ રે-
દશે ને ઇન્દ્રિય દર્શના દેવતા રે
હું રે ભાઈ, એકાદશ અદ્વૈત રે,
બારેમાં બાંધ્યાં બંધન બાવને રે
હું રે ભાઈ, તે ત્રિગુણાતીતરે-
ચૌદ કળાએ ચેતન સાંપડ્યું રે
ધં રે ભાઈ, પૂરણ જ્યોત પ્રકાશ રે,
પંડે તે ચડ્યો તે દશા દેહની રે
હું રે ભાઈ, મહાજન કહે મૂળદાસ રે.