અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત ટોપીવાળા/પ્રાર્થના
પ્રાર્થના
ચન્દ્રકાન્ત ટોપીવાળા
અકસ્માતે અથડાતાં કૂટાતાં
ચાર પથ્થરો એકઠા થઈ ગયા.
વાતોએ ચઢ્યા.
એક કહે, હું મન્દિરમાં ચણાયેલો હતો
પણ મુસ્લિમોમાં ઝનૂની ટોળાંઓએ તોડફોડ કરતાં
છૂટો પાડી હું અહીં પહોંચ્યો છું.’
બીજો કહે, ‘હું મસ્જિદમાં ચણાયેલો હતો.
પણ હિન્દુઓનાં ઝનૂની ટોળાંઓએ તોડફોડ કરતાં
છૂટો પડી હું અહીં પહોંચ્યો છું.’
ત્રીજો કહે, ‘હું દેવળમાં ચણાયેલો હતો
પણ હિન્દુ-મુસ્લિમોનાં ટોલાંઓએ તોડફોડ કરતાં
છૂટો પડી હું અહીં પહોંચ્યો છું.’
ચોથો કહે, ‘હું સિનેગોગમાં ચણાયેલો હતો
પણ ખ્રિસ્તીઓનાં ઝનૂની ટોળાંઓએ તોડફોડ કરતાં
છૂટો પડી હું અહીં પહોંચ્યો છું.’
ત્યાં તો, વાવાઝોડું થયું
ચારે સહેજસાજ હાલ્યા. હાલતાં હાલતાં વધુ નજીક આવ્યા.
ખભેખભા મિલાવી તેમણે પ્રાર્થના કરી:
‘જોઈએ તો કોઈ ચક્રવાતમાં અમને દળી નાખજો
પણ અમને કોઈ ઝનૂની ટોળાંઓને હાથ ન ચઢવા દેશો.’