ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/VI તારણો અને સમાપન

Revision as of 17:42, 24 May 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
VI
તારણો અને સમાપન

આ અધ્યયનના આરંભમાં નોંધ્યું છે તેમ, મારો ઉપક્રમ અહીં વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે આપણા અભ્યાસીઓએ અને વિવેચકોએ સૈદ્ધાંતિક સ્વરૂપની જે કંઈ ચર્ચાવિચારણાઓ કરી હોય, કે આ વિશે જે કંઈ ખ્યાલો રજૂ કર્યા હોય, તેની તાત્ત્વિક તપાસ કરવાનો છે. એ સંદર્ભમાં નર્મદથી લઈ આજની નવી પેઢીના અભ્યાસીઓની આ વિષયને લગતી ચર્ચાવિચારણાઓની આપણે નોંધ લીધી, તેમ તેમાં પ્રગટ કે પ્રચ્છન્ન રહેલા તાત્ત્વિક પ્રશ્નોને રેખાંકિત કરવાનો પ્રયત્ન કર્યો. અલબત્ત, આપણા અગ્રણી અભ્યાસીઓની વિચારણાઓ જ અહીં વિશેષ દૃષ્ટિમાં રાખી છે. સુવિદિત છે તેમ, આપણી વિવેચનપ્રવૃત્તિ હવે સો વર્ષથી યે કંઈક વધુ સમયગાળાની થવા જાય છે. નર્મદનવલરામથી આજની તરુણ પેઢી સુધીના અનેક પ્રતિભાશાળી વિદ્વાનો—વિવેચકોએ આગવી આગવી શક્તિ મતિ અને રુચિ અનુસાર, ગંભીરતાથી, સંનિષ્ઠાથી, ઉત્તરદાયિત્વના ઊંડા ભાન સાથે આ ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરી છે, અને આપણા વિવેચનસાહિત્યને ઠીક ઠીક સમૃદ્ધ કર્યું છે. નોંધવું જોઈએ કે ઘણાએક સર્જકોએ પણ વિવેચકની ભૂમિકા સ્વીકારીને આ ક્ષેત્રમાં મૂલ્યવાન અર્પણ કર્યું છે. સિદ્ધાંતવિચાર તેમ કૃતિવિવેચન—બંને ય ક્ષેત્રે આપણા અભ્યાસીઓએ ઘણું નોંધપાત્ર કાર્ય કર્યું છે. બદલાતા જતા સાહિત્ય-પ્રવાહને અનુલક્ષીને કે પાશ્ચાત્ય સાહિત્યવિચારની પ્રેરણા લઈને કે સ્વતંત્ર અધ્યયનચિંતન રૂપે સાહિત્યકળાના પ્રશ્નો તેમણે વિચારેલા છે. જો કે સંસ્કૃતના અને પશ્ચિમના, બે ભિન્ન પરંપરાના સાહિત્યવિચારની પ્રેરણા લઈને જન્મેલા અને વિકસેલા આપણા વિવેચન માટે ભિન્ન ભિન્ન સિદ્ધાંતોને સાંકળી લઈને તેમાંથી સમન્વિત અને સુગ્રથિત સાહિત્યશાસ્ત્ર રચવાનું કામ ઘણું મુશ્કેલ બની રહ્યું છે. વળી આપણા રચાતા આવતા સાહિત્ય સાથે ગાઢ અનુસંધાન કેળવીને તેના આસ્વાદ-વિવેચન નિમિત્તે ઉપસ્થિત થતા વિશિષ્ટ પ્રશ્નોની માંડણી કરતા જવાનું પણ બહુ બન્યું નથી. અલબત્ત, કૃતિવિવેચનના ક્ષેત્રની આપણી કામગીરી કદાચ વધુ સંતોષપ્રદ છે. આપણા જૂના નવા સાહિત્યકારો કે તેમની વિશિષ્ટ કૃતિઓ વિશે આપણને સારા અધ્યયનગ્રંથો અને મોટી સંખ્યામાં માર્મિક વિવેચનલેખો મળ્યા છે. જો કે એમાં હજી યે ઘણું કામ બાકી છે. પણ અહીં આપણે માટે પ્રસ્તુત મુદ્દો જરા જુદો છે. આપણે નોંધવાનું રહે છે કે આપણા વિવેચકોએ આ પ્રવૃત્તિ છેક અત્યાર સુધી વિના સંશય ખેડી છે. હમણાં કોઈ કોઈ તરુણ સર્જકે વિવેચનપ્રવૃત્તિની વિફલતા વંધ્યતા કે અપ્રસ્તુતતાનો મત વ્યક્ત કર્યો છે. પણ એકંદરે આ પ્રવૃત્તિ આજે ય ઠીક ઠીક ગંભીરતાથી સ્વીકારાતી દેખાય છે. અચરજ થાય એવી વાત એ છે કે ‘વિવેચન’ની વિભાવના વિશે – તેના તાત્ત્વિક સ્વરૂપ અને કાર્ય વિશે તેમ જ પદ્ધતિઓ વિશે – સુવ્યવસ્થિત સર્વગ્રાહી વિચારણા કરતો એકે આકરગ્રંથ આપણને હજી સુધી મળ્યો નથી. (જો કે સાહિત્યવિચારના ક્ષેત્રમાં પણ એવા આકરગ્રંથની ઊણપ રહી ગઈ છે) અલબત્ત વિવેચનના અમુક તમુક અભિગમોની ચર્ચા કરતાં પુસ્તકો હમણાં હમણાં સુલભ બન્યાં છે. પણ અત્યાર સુધીની લગભગ બધી જ પ્રવૃત્તિઓ, આવા બેત્રણ અપવાદો બાદ કરતાં, અધ્યયન લેખો કે પ્રાસંગિક વક્તવ્યોના રૂપમાં જ ચાલી છે. આ અધ્યયનમાં આપણા વિવેચનતત્ત્વવિચારની તપાસ આપણા સાહિત્યના તબક્કાઓને અનુલક્ષીને હાથ ધરી, તેથી એક વાત તરત સ્પષ્ટ બની જાય છે કે આ ક્ષેત્રની વિચારણામાં દરેક તબક્કે અમુક નવા ખ્યાલો – નવાં દૃષ્ટિબિંદુઓ ઉમેરાતાં રહ્યાં છે, પણ એમાં સ્વાતંત્ર્યોત્તર સમયની ચર્ચાવિચારણા તેની પૂર્વેના સાતઆઠ દાયકાની વિચારણાઓથી કેટલીક મૂળભૂત બાબતમાં જુદી પડે છે. કહો કે સ્વાતંત્ર્યોત્તર ગાળાની વિવેચનમીમાંસામાં મોટા વળાંકો આવતા દેખાય છે. અગાઉ વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમ જ વિવેચકની ભૂમિકા વિશે જે જાતના ખ્યાલો પ્રવર્તતા રહ્યા છે, તેથી કંઈક જુદી જ દિશાની ચર્ચા હમણાં આરંભાઈ છે. અગાઉ વિવેચનના અભિગમો/પદ્ધતિઓ વિશે થોડીક પ્રારંભિક કોટિની ચર્ચા મુનશી બળવંતરાય વિશ્વનાથ વિષ્ણુપ્રસાદ આદિમાં મળે છે. પણ એ અભિગમો/પદ્ધતિઓની પ્રસ્તુતતા અને પ્રમાણભૂતતાના કે સાહિત્યની વિભાવના સાથેના તેના સંબંધોના કે અભિગમોની કાર્યક્ષમતાના તાત્ત્વિક પ્રશ્નો વિશે વિચારવાનું ખાસ વલણ ત્યારે બંધાયું નહોતું. મુનશી અને વિશ્વનાથ જેવા વિવેચકોએ તો સર્જનાત્મક વિવેચન, ઐતિહાસિક અને ચરિત્રલક્ષી અભિગમનું વિવેચન – એવા જુદા જુદા અભિગમોને સેળભેળ કરી દીધા દેખાય છે. અને બીજા કેટલાક અભ્યાસીઓએ ‘વિવેચનરીતિ’નો જે રીતે વિચાર કર્યો છે, તેમાં તેમને ‘રીતિ’થી વિવેચનની શૈલી કે રજૂઆતનો ખ્યાલ જ વધુ અભિગમ હોવાનું જણાય છે. અલબત્ત, નરસિંહરાવ જેવાએ ‘રસદર્શન’ની બે ‘પદ્ધતિઓ’ની આછી સમજણ કેળવી હતી. બળવંતરાયે કવિતાશિક્ષણના ભાગ રૂપે કેટલુંક વિવરણ રજૂ કરીને એક નવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કરેલો; તેમ જ સોહરાબ રુસ્તમ વિશેનાં બે મહાકાવ્યોની ચર્ચાવિચારણા નિમિત્તે તેમણે પ્રાસંગિક રીતે વિવેચનની ઐતિહાસિક-તુલનાત્મક પદ્ધતિનો થોડોક વિચાર કરેલો. પણ વિવેચનની આગવી પદ્ધતિ લેખે એની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરવાનો કે અન્ય કૃતિઓના અધ્યયન-વિવેચનમાં તેનો વિનિયોગ કરવાનો ખાસ પ્રયત્ન કર્યો નથી. વિશ્વનાથ અને વિષ્ણુપ્રસાદ જેવા વિદ્વાનોની વિચારણામાં પણ ઐતિહાસિક અભિગમનો પ્રસંગે સ્વીકાર છે, પણ એની અલગ પદ્ધતિ લેખે સમીક્ષા કરવાનો કોઈ નોંધપાત્ર પ્રયત્ન જણાતો નથી. જો કે સ્વાતંત્ર્યોત્તર સમયમાં આકારવાદ અને આકારવાદી વિવેચનની સભાન પ્રવૃત્તિ આરંભાઈ તે પૂર્વેના આપણા કૃતિવિવેચનમાં ઐતિહાસિક, ચરિત્રલક્ષી, નીતિલક્ષી કે સ્વરૂપલક્ષી અભિગમોનો ઘણું ખરું સાથે સાથે સ્વીકાર હતો. પદ્ધતિઓની આગવી તાત્ત્વિક ભિન્નતા વિશે પૂરતી સભાનતા વિના ય કદાચ એનો વિનિયોગ થતો રહ્યો છે. છઠ્ઠા દાયકામાં સુરેશ જોષીએ રૂઢ સાહિત્યવિચારનો અસ્વીકાર કરી નવી વિભાવના રજૂ કરી. સુવિદિત છે તેમ, આકાર અને આકારવાદની ભૂમિકા એના કેન્દ્રમાં રહી છે. શુદ્ધ કળા અને નિરપેક્ષ સર્જકતા માટે એમાં તેમનો પ્રબળ આગ્રહ રહ્યો છે. સાહિત્યનું મુખ્ય પ્રયોજન રસનિષ્પત્તિનું છે, અને ભાવક/વિવેચકનું મુખ્ય કામ કૃતિના આસ્વાદનું વર્ણન કરવાનું છે એમ તેમણે કહ્યું. એ સાથે સાહિત્યને જોવાનો આ જ સાચો ‘સાહિત્યિક’ અભિગમ છે, અને તેની પૂર્વે ઘણે અંશે તો અભાનપણે સ્વીકારાતો રહેલો ઐતિહાસિક કે નૈતિક કે ચરિત્રલક્ષી અભિગમ બિનસાહિત્યિક છે, એવી સમજ પણ પ્રચારમાં આવી. આમ આસ્વાદલક્ષી (કે કૃતિનિષ્ઠ કે આકારલક્ષી) વિવેચન પદ્ધતિની પ્રતિષ્ઠા થઈ તે પછી જ વિવેચનના વિવિધ અભિગમો કે પદ્ધતિઓ વિશે નવી સભાનતા આપણે ત્યાં ઝડપથી વિકસતી દેખાય છે. ડૉ. સુરેશ જોષી, ડૉ. હરિવલ્લભ ભાયાણી, અને બીજા અનેક તરુણ અભ્યાસીઓ આ દિશામાં વિચારવિમર્શ કરવા પ્રવૃત્ત થયા એ સાથે આપણે ત્યાં એમ પણ સ્પષ્ટ થયું કે વિવેચનની આવી પદ્ધતિઓની વિચારણા સાથે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness)ના આગવા પ્રશ્નો પડેલા છે. હકીકતમાં, સ્વાતંત્ર્યોત્તર સમયમાં વિવેચનના પ્રશ્નોની જે રીતે છણાવટ આરંભાઈ, તેની સાથે સાહિત્યસ્વરૂપના તાત્ત્વિક પ્રશ્નોની પણ જુદી જુદી રીતે માંડણી આરંભાઈ. છઠ્ઠા સાતમા દાયકામાં આપણે ત્યાં આકારવાદ અને આકારવાદી વિવેચનની ભૂમિકા રજૂ થઈ તે પછી પાશ્ચાત્ય પ્રવૃત્તિમાંથી પ્રેરણા લઈ ભાષાલક્ષી, સંરચનાલક્ષી, ચૈતન્યવાદી, ફિનોમિનોલોજિકલ, અને માર્ક્‌સવાદી અભિગમને લગતો વિચારવિમર્શ શરૂ થયો. પણ આ બધા અભિગમોમાં ‘વિવેચન’ નામની પ્રવૃત્તિ અનેક દિશામાં વહેંચાઈ જતી લાગશે. એના સ્વરૂપ અને કાર્ય વિશેની (કે વિવેચકે ભજવવાની ભૂમિકા વિશેની) પરંપરાગત સમજ પણ એથી ધૂંધળી અને સંદિગ્ધ બની જવા પામી છે. ભાષાલક્ષી/સંરચનાલક્ષી અભિગમથી થતાં ‘વિવેચનો’ ખરેખર તો પાઠલક્ષી અધ્યયનો જ બની રહ્યાં. ચૈતન્યવાદી અભિગમનો થોડોક સિદ્ધાંતવિચાર આપણે ત્યાં રજૂ થયો પણ એની પૂરી તાત્ત્વિક ભૂમિકા કદાચ સ્પષ્ટ થઈ નથી. કૃતિ સાથે ચૈતન્યવાદી વિવેચક શી રીતે કામ પાડે છે તે જોવાસમજવાનું બાકી છે. માર્ક્‌સવાદી અભિગમ વિશે ય ઝાઝી સભાનતા જન્મી દેખાતી નથી. આમ છતાં, બદલાતા સંદર્ભમાં ‘વિવેચન’ના સ્વરૂપ અને કાર્ય અંગે ફરીથી વિચાર કરવાનું પ્રાપ્ત થશે. નર્મદથી આજની પેઢી સુધીના વિદ્વાનોની વિવેચનતત્ત્વવિચારણાના સંદર્ભમાં આપણે હવે કેટલાંક મહત્ત્વનાં તારણો નોંધીશું. ૧. વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે પેઢીએ પેઢીએ ખ્યાલો બદલાતા રહ્યા છે. સર્વ ચર્ચાઓ જોયા પછી એમ જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે એ સંજ્ઞા ઠીક ઠીક સંદિગ્ધ અને રૂપાંતરશીલ (protean) પુરવાર થઈ છે. એક બાજુ સાહિત્યકૃતિ વિશેના શાસ્ત્રીય અધ્યયન (scholarship) તરફ એ પ્રવૃત્તિ ઝૂકે છે, બીજી તરફ કૃતિના આસ્વાદના વર્ણનમાં એ સીમિત થાય છે, ત્રીજી બાજુ ભાવકના સંવિદ્‌ના રૂપમાં એ બંધાવા મથે છે. કૃતિના શાસ્ત્રીય અધ્યયનની સાથે ભળી જતા વિવેચનથી માંડી ભાવકના સંવિદ્‌વિસ્તાર સુધીના વ્યાપમાં ભિન્ન ભિન્ન સ્તરની ચૈતસિક પ્રવૃત્તિઓ એમાં સૂચવાતી રહી છે. ૨. ‘વિવેચન’ સંજ્ઞા આપણે ત્યાં સાહિત્યતત્ત્વવિચાર અને કૃતિવિવેચન – એ બંને ય પ્રવૃત્તિઓને સમાવતી વ્યાપક પ્રવૃત્તિ રૂપે ય, તેમ એ બે પૈકીની કોઈ એક પ્રવૃત્તિ માટે ય, યોજાતી રહી છે. આરંભકાળમાં સિદ્ધાંતવિચાર અને કૃતિવિવેચન બંને ય પ્રવૃત્તિના સ્વરૂપ અને પ્રયોજનની ભિન્નતા વિશે પૂરતી સંપ્રજ્ઞતા કેળવાઈ ન હોવાથી, વિવેચન એ ‘કલાસખી’ કે ‘શાસ્ત્રસખી’ જેવા પ્રશ્નો ઊભા થયા છે; અને ચર્ચાઓમાં અવારનવાર ગૂંચવાડાઓ પણ થયા છે. બળવંતરાયની ચર્ચા એનું સ્પષ્ટ દૃષ્ટાંત છે. ખરેખર તો, વિવેચનના સ્વરૂપ અને કાર્યક્ષેત્રના પ્રશ્નો વિશે બળવંતરાયની ભૂમિકા ઘણી વ્યાપક વિસ્તરી છે. કૃતિવિવેચન, સાહિત્યમીમાંસા, અને સૌંદર્યમીમાંસા એ ત્રણેય ક્ષેત્રની પ્રવૃત્તિઓને તેઓ એક પ્રસંગે ‘વિવેચન’માં સમાવતા જણાશે. અને, એટલું જ નહિ, તુલનાત્મક સૌંદર્યમીમાંસા (Comparative Aesthetics)ને ય તેઓ એમાં સમાઈ જતી જૂએ છે. ૩. સર્જનના વ્યાપારમાં રોકાતા કવિને પોતાની કૃતિની રચનાપ્રક્રિયા કે ભાષાની બાબતમાં વચ્ચે વચ્ચે જે કંઈ ‘વિવેક’ કરવાનો આવે કે જે રીતની પસંદગી કરવામાં આવે – એવા નિર્ણયને ‘વિવેચન’ તરીકે ઓળખાવવાનું વલણ પણ વચગાળામાં અનેક અભ્યાસીઓએ દાખવ્યું છે. સર્જનની પ્રક્રિયા દરમ્યાન સર્જક પણ ‘વિવેચક’ બનતો હોય છે એવી સમજ તેમણે રજૂ કરેલી છે. પણ આ રીતે સર્જનની અંતર્ગત કવિ (કે લેખક) જે કંઈ ‘વિવેક’ કરે તેને સાચા અર્થમાં વિવેચન કહી શકાય નહિ. એને તમે critical act તરીકે ઓળખાવવા ચાહો તો ભલે, પણ સર્જાયેલી કૃતિ વિશે ભાવક/વિવેચક જે રીતે એનું વર્ણન વિવરણ કે મૂલ્યાંકન કરવા પ્રેરાય છે તેથી એ જરા ભિન્ન ઘટના છે. એનું પ્રયોજન વાસ્તવમાં ઘણું જુદું છે. એમાં કવિ માટે પોતાની કૃતિના ઉઘડતા આવતા વિશિષ્ટ રૂપના સંદર્ભમાં રચનાપ્રયુકિત કે શબ્દની સમર્પકતા સાર્થકતા અને પ્રસ્તુતતાના પ્રશ્નો પડેલા છે. જ્યારે વિવેચકનું વિવેચન કૃતિની રૂપરચના ઉકેલીને તેનો ‘મર્મ’ પામવા ચાહે છે કે તેનું રહસ્યઘટન કરવા મથે છે, અને વારંવાર કૃતિનું મૂલ્યાંકન કરવા ય પ્રેરાય છે. અને અર્થઘટન કે મૂલ્યાંકનની પ્રવૃત્તિ હંમેશાં કૃતિની બહારના સંદર્ભોને એક યા બીજી રીતે અનુલક્ષે છે. એટલે સર્જનની પ્રક્રિયાના અંતર્ગત ભાગરૂપે જે કંઈ ‘વિવેક’ કરવાના પ્રસંગે આવે તેને ‘વિવેચન’ કહેતાં તો વળી ગૂંચવાડા વધી જાય છે. ૪. વિવેચક સર્જકનો ‘જોડિયો ભાઈ’ છે એમ નરસિંહરાવે કહ્યું. તેમને એમ અભિમત હતું કે કૃતિના ભાવનની ક્ષણોમાં વિવેચક પણ સર્જકની જેમ જ પોતાની કલ્પનાના બળે આખી ય કૃતિને ચિત્તમાં તાદૃશ કરે છે. (અથવા, તેણે કરવી જોઈએ.) પણ આ ખ્યાલને આત્યંતિક સ્વરૂપમાં ખેંચી જવામાં આવ્યો અને વિવેચક પણ આગવી રીતે સર્જક જ છે અને વિવેચન પણ આગવી રીતનું સર્જન જ છે એવી માન્યતા બંધાવા પામી. વિવેચનના તાત્ત્વિક સ્વરૂપને લગતો અહીં એક પાયાનો પ્રશ્ન પડેલો છે. કેટલાક વિદ્વાનો કૃતિના ભાવનને અનુલક્ષીને તેના ‘બૌદ્ધિક આલેખ’ પર કે તેના logical discourse પર મોટો ભાર મૂકે છે, બીજાઓ કૃતિના સર્જનાત્મક રૂપ પર અને તેમાં વ્યંજિત થતા અર્થને પુનઃ આકલિત કરવા, વિવેચકના બૌદ્ધિક વ્યાપારને સ્થાને, તેના સર્જનાત્મક અભિગમ પર વધુ ભાર મૂકે છે. કવિ જે અર્થમાં સર્જન કરે છે એ અર્થમાં નહિ, કૃતિમાં રજૂ થયેલા રહસ્યના આકલન અર્થે ‘સર્જનાત્મક ભાષા’ તે યોજે, એ અર્થમાં તે ‘સર્જક’ લેખાય ખરો. ૫. વિવેચકનાં કાર્યોનો પ્રદેશ પણ ઘણો વિશાળ બનતો દેખાય છે (૧) કૃતિના ગુણો અને દોષો બતાવવા, કૃતિ વિશે સમગ્રલક્ષી મૂલ્ય નિર્ણય (judgement) આપવો. (૨) કૃતિમાંથી પ્રાપ્ત થતા રસાનુભવનું વર્ણન આપવું. (૩) ભાવક સમક્ષ કૃતિનો મર્મ પ્રગટ કરી આપવો, તેની અભિરુચિ ખિલવવામાં અને તેની કળાદૃષ્ટિ પરિમાર્જિત કરવામાં ભાગ ભજવવો. તાત્પર્ય કે, ભાવકની સજ્જતા વધે તે માટે સહાયભૂત થવું. (૪) સર્જાતા જતા સાહિત્યનું સતત જાગૃતપણે અવલોકન-પરીક્ષણ કરવું. સર્જનાત્મક સાહિત્યના વિકાસ અર્થે ‘વાતાવરણ‘ રચવું. (૫) તરુણ પેઢીના સર્જકોને પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રૂપમાં ‘માર્ગદર્શક’ બનવું. ઊગતા લેખકોને પ્રોત્સાહિત કરવા, પ્રેરવા, આવકારવા. (૬) આગલા યુગની સાહિત્ય કૃતિઓનું નવા પરિપ્રેક્ષ્યમાં વિવેચન— મૂલ્યાંકન કરવું, પુનર્મૂલ્યાંકન કરવું. (૭) સમકાલીન સાહિત્યના અવનવા ઉન્મેષોને પરંપરા જોડે સાંકળી આપવા. પ્રયોગશીલ રચનાઓમાં ખરેખર સાચકલી કઈ અને કૃતક કઈ તેનો વિવેક કરવો. (૮) કૃતિમાં સ્પર્શાયેલા જીવનના પ્રશ્નોની છણાવટ કરવી. (૯) વિવેચક સાહિત્યના તાત્ત્વિક પ્રશ્નોનો ય વિચાર કરે. કૃતિના કળાત્મક ગુણોના સ્રોત લેખે કળાના વિવિધ સિદ્ધાંતો વાદો કે વિભાવનાઓની સ્પષ્ટતા કરે. બદલાતા જતા સાહિત્યિક સંદર્ભમાં તેની પુનર્વ્યાખ્યા કરે, તેનું અર્થઘટન કે વિવરણ કરે, અને તેની પ્રસ્તુતતા પણ વિચારે, વગેરે વગેરે. ૬. વિવેચકની સજ્જતા વિશે પણ ઘણાખરા વિવેચકોએ કહ્યું છે. આ મુદ્દા પર સ્વાભાવિક રીતે જ મતભેદને અવકાશ નથી. સંસ્કૃત મીમાંસાએ ભાવક માટે યોજેલી ‘સહૃદય’ સંજ્ઞાનું અર્થઘટન કરીને ઘણુંખરું સૌ ચાલ્યા છે. તેમાંની ‘ભાવયિત્રી પ્રતિભા’નો એ રીતે સ્વીકાર થયો છે. ભાવક/વિવેચકમાં સર્વથા ભિન્ન આકાર અને ભિન્ન રીતિની અવનવી કૃતિઓ સાથે તન્મયતા સાધી શકે તેવી સહૃદયતા જોઈએ, એમ સૌ અભ્યાસીઓએ સ્વીકાર્યું છે. તેને માટે એ સૌ પ્રથમ અનિવાર્યતા છે, અને વિવેચનપ્રવૃત્તિની એ જ આધારભૂમિ બની શકે, એમ પણ તેમણે કહ્યું છે. આ સાથે સાહિત્યની કળા વિશેનું અર્થાત્‌, સાહિત્યમીમાંસાનું જ્ઞાન, વિવેચનપ્રવૃત્તિ વિવેચનની પદ્ધતિ અને તેના પ્રશ્નોની જાણકારી, પોતાની ભાષાની તેમ જ એકાદ બે પરભાષાની પરંપરામાં નીવડેલી ધ્યાનપાત્ર કૃતિઓનું દીર્ઘ પરિશીલન, અન્ય લલિત કળાઓનો પરિચય, મનોવિજ્ઞાન, સમાજવિજ્ઞાન, ભાષાવિજ્ઞાન-શૈલીવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, પ્રતીકવિજ્ઞાન આદિ વિદ્યાશાખાઓનો શક્ય તેટલો વધુ પરિચય—એમ ઘણી રીતે તે સુસજ્જ હોય એ જરૂરી છે. ૭. આપણા અભ્યાસીઓએ વિવેચનતત્ત્વ વિશે જે કંઈ ચર્ચાવિચારણાઓ કરી તેમાં કેટલાક વિભાવો ઊંડી તાત્ત્વિક સ્પષ્ટતા માગે છે. (અ) ‘વિવેચન’ના પર્યાયો લેખે કે તેની સાથે જોડાઈને આવતી સંજ્ઞાઓ ‘ટીકા’ ‘સમીક્ષા’ ‘આલોચના’ ‘સમાલોચના’ ‘વિવરણ’ આદિના સંકેતો બને તેટલા સ્પષ્ટ કરવાના રહે છે. એ જ રીતે ‘આસ્વાદ’ કે, ‘આસ્વાદલક્ષી વિવેચન’ જેવી સંજ્ઞાઓ પણ સ્પષ્ટ કરવાની રહે. (બ) વિવેચનની અંતર્ગત સમાતા વિભિન્ન વ્યાપારો – ‘આસ્વાદ’ ‘વાચન’ ‘અર્થગ્રહણ’ ‘વિવરણ’ ‘વર્ણન’ ‘અર્થઘટન’ ‘મૂલ્યાંકન’ ‘સ્પષ્ટીકરણ’ ‘સમજુતિ’ ‘રહસ્યઘટન’ ‘મર્મઘટન’ જેવી સંજ્ઞાઓના સંકેતો પૂરા સ્પષ્ટ થવા જોઈએ. મનોવિજ્ઞાન, જ્ઞાનમીમાંસા, તત્ત્વજ્ઞાન, અને સૌંદર્યમીમાંસાના સંબંધિત પ્રશ્નોના પ્રકાશમાં એનું સ્પષ્ટીકરણ થવું જોઈએ. ૮. વિવેચનતત્ત્વ વિશેની ચર્ચાઓમાં જાણ્યેઅજાણ્યે કેટલાક કૂટ તાત્વિક પ્રશ્નો ઊભા થતા જણાય છે. (અ) વિવેચકે ‘કૃતિ જેવી છે તેવી’ ભાવકો સમક્ષ સ્પષ્ટ કરી આપવાની છે, એ જાતની સમજ આપણા અનેક વિદ્વાનોએ વ્યક્ત કરી છે. એમાં, આમ જોઈએ તો, કૃતિને કેવળ વસ્તુલક્ષી ભૂમિકાએ સ્થાપીને જોવાની અપેક્ષા છે. ભૌતિક વિજ્ઞાનીઓ અવલોકનના પદાર્થથી સાવ અળગા રહીને તેનું અવલોકન કરવા પ્રેરાય છે, પોતાના અંગત રાગદ્વેષ રુચિઅરુચિ કશું ય વચ્ચે લાવતા હોતા નથી. જો કે વિજ્ઞાનીઓ પણ ભૌતિક વિશ્વના પદાર્થો કે ઘટનાઓને પૂરી વસ્તુલક્ષી ભૂમિકાએથી જોઈ શકે છે કે કેમ એ વિશે એ ક્ષેત્રના તત્ત્વજ્ઞાનીઓ હવે પ્રશ્ન કરતા થયા છે. વિજ્ઞાની પણ પોતાની ધારણાને અનુરૂપ કોઈક conceptual frame લઈને કામગીરી શરૂ કરતો હોય છે. આ રીતે વિજ્ઞાનમાં ય પૂરી વસ્તુલક્ષિતાનો ખ્યાલ હવે સ્વીકાર્ય રહ્યો નથી. સાહિત્યની કૃતિને આગવું ontological status છે, એટલે કે, જગતના ભૌતિક પદાર્થોથી ભિન્ન કોટિની તેની સત્તા છે. વિવેચક સામે સાહિત્યની કૃતિ એક મૂલ્યો અને અર્થોની સંરચના રૂપે આવે છે. એમાં સ્વાભાવિક રીતે જ વિવેચકની કળાદૃષ્ટિનો વિશેષ, કે મૂલ્યપરક તંત્રનો સ્વીકાર ભાગ ભજવે જ છે. કહો કે વિવેચનમાં કશુંક વૈયક્તિક તત્ત્વ દાખલ થાય જ છે. તો કૃતિને ‘જેવી છે તેવી’–સર્વથા નિરપેક્ષ રૂપમાં પામવાનું શક્ય છે? (બ) આરંભકાળના અભ્યાસીઓએ વિવેચકનું મુખ્ય કાર્ય, કૃતિના ગુણો-દોષો તારવી બતાવવા અને તેનું સમગ્રતયા મૂલ્યાંકન કરવું – એ રીતનું નોંધ્યું છે. અહીં પહેલો મુદ્દો ‘ગુણ’ અને ‘દોષ’ની ઓળખનો છે. કૃતિમાં કહેવાતો ‘ગુણ’ કે ‘દોષ’ ખરેખર આંગળી ચીંધીને બતાવી શકાય એમ હંમેશાં બનતું નથી. સંભવ છે કે એક વિવેચક કૃતિના જે અંશ કે પાસામાં ‘ગુણ’ જુએ ત્યાં બીજો ‘દોષ’ જૂએ, અને એથી ઊલટું, એકને જ્યાં ‘દોષ’ દેખાય ત્યાં બીજાને ‘ગુણ’ દેખાય. તો આ ‘ગુણ’ અને ‘દોષ’ એ કૃતિમાં પડેલા નિત્ય તત્ત્વો ગણી શકાય? મતલબ, આ રીતે ‘ગુણ’ કે ‘દોષ’ના નિર્ણય પાછળ કોઈ કળાકીય સિદ્ધાંત કે વિભાવના રહી હોય તો તેની ય સ્પષ્ટતા કરવાની રહે. બીજો મુદ્દો, કૃતિના મૂલ્યાંકનનાં ‘ધોરણો’ ‘કસોટીઓ’ કે માપદંડો’ પોતે શી વસ્તુ છે? એનો સ્રોત ક્યાં છે? એલિયટે કહેલું કે કોઈ પણ કૃતિ એ કલાકૃતિ બની છે કે નહિ તેનો નિર્ણય કલાનાં પોતાનાં ધોરણોએ જ થાય, પણ એ મહાન બની છે કે નહિ એનો નિર્ણય વ્યાપક જીવનના સંદર્ભે થાય. તો આ બધાં ‘ધોરણો’/‘કસોટીઓ’ના સ્રોતનો મૂળથી વિચાર કરવાનો રહે. (ક) કૃતિના મૂલ્યાંકન અર્થે કયાં કયાં ‘ધોરણો’ લાગુ પાડી શકાય તે અંગે પૂરતી સમજ કેળવ્યા છતાં ય દરેક વિશિષ્ટ કૃતિના વિવેચન-મૂલ્યાંકન અર્થે એ પૈકી કયાં ધોરણો પ્રસ્તુત છે, કયાં પ્રસ્તુત નથી, એ વિશે વિવેચકે પોતે જ એક તબક્કે નિર્ણયાત્મક ભૂમિકા ભજવવાની રહે છે. ભિન્ન ભિન્ન સ્વરૂપની ભિન્ન ભિન્ન શૈલીની કૃતિઓના વિવેચનમાં, દેખીતી રીતે જ, એકસરખાં કે એકનાં એક ધોરણો લાગુ પાડી શકાય નહિ. કૃતિના વિશિષ્ટ આવિર્ભાવને અનુરૂપ ધોરણોનો ગણ લઈને ચાલવાનું રહે. છતાં વિવેચક પક્ષે આવાં ધોરણોની પ્રસ્તુતતાના પ્રશ્નો રહે જ છે. (ડ) કોઈ એક સ્વરૂપની કૃતિ – નવલકથા કે નાટક –ના વિવેચન મૂલ્યાંકન અર્થે આપણે એમ સ્વીકારી લઈએ કે, બે વિવેચકો સમાન ધોરણોનો સ્વીકાર કરીને ચાલવા માગે છે. દા. ત. બંને જણ કૃતિમાં ‘એકતા’—‘સજીવ એકતા’-ની કસોટી સ્વીકારે છે. પણ કૃતિમાં એવી ‘એકતા’ સિદ્ધ થઈ છે કે નહિ તે વિશે બંને જણ જુદા જ તારણ પર આવતા હોય, આવી શકે. નવલકથાના આ કે તે પાત્રના કાર્યના ‘સ્વાતંત્ર્ય’નો સિદ્ધાંત લઈએ. પાત્રના authentic being માટે એ અનિવાર્ય છે, એમ બે વિવેચકો સ્વીકારે; પણ ચોક્કસ કૃતિની પાત્રનિર્મિતિમાં એવું authentic being સિદ્ધ થયું છે કે કેમ એ વિશે બંને જુદા જ નિર્ણય પર આવે. તાત્પર્ય કે, વિવેચનનાં અમુક ‘ધોરણો’ કે ‘કસોટીઓ’, વિશે વિવેચકોમાં સૈદ્ધાંતિક સ્તરે સર્વસંમતિ સાધી શકાઈ હોય ત્યાં પણ અમુક કૃતિમાં તેને લાગુ પાડતાં જુદા જ નિર્ણય પર આવવાનું બને. એટલે, બંને વિવેચકો કૃતિમાં evidence કયાં ને કેવી રીતે શોધે છે તે પણ તપાસવાનું રહે છે. (ઇ) કૃતિના સમગ્ર ‘અર્થ’ કે ‘રહસ્ય’નો પ્રશ્ન પણ અત્યંત કૂટ અને દુર્ગ્રાહ્ય છે. લાંબા સમય સુધી આપણા વિવેચકો સાહિત્યકૃતિમાં એકમેવ અખંડ અપરિવર્ત્યશીલ એવા ‘અર્થ’ની માન્યતા લઈને ચાલ્યા છે. જુદા જુદા વિવેચકો એક જ કૃતિમાંથી ભિન્ન ભિન્ન રહસ્યો ઘટાવી આપે, (કે ભિન્ન ભિન્ન અર્થઘટનો કરી આપે), પણ તેની વિભિન્નતાના પ્રશ્ને તેમને ઝાઝા રોક્યા હોય એમ દેખાતું નથી. સર્જકનો ‘વિવક્ષિત અર્થ’ કે સર્જકનો ‘આશય’ વારંવાર કૃતિવિવેચનમાં લક્ષમાં લેવાયો છે. પણ આ ‘વિવક્ષિત અર્થ’ તે શું? તેને કૃતિમાં ક્યાં locate કરી શકાય? અને સર્જકને અભિમત ‘અર્થ’ને જ જો કૃતિનો આદર્શ અર્થ લેખવીએ તો, નવી નવી રીતે રહસ્યઘટન કરવા પ્રેરાઈએ તે આખી પ્રવૃત્તિ જ વિફલ નહિ બને? આથી ભિન્ન, સ્વાતંત્ર્યોત્તર સમયગાળાના આપણા અનેક અભ્યાસીઓ કૃતિમાં એકથી વધુ ‘અર્થ’ની સંભાવના સ્વીકારે છે. દરેક ભાવક કૃતિમાંથી પોતાનો ‘અર્થ’ રચી લે છે, જેટલા ભાવક તેટલા ‘અર્થ’ – એમ એમાં ગૃહિત રહ્યું છે. પણ આ રીતે જુદી જુદી સજ્જતાવાળા દરેક ભાવકનું ‘અર્થગ્રહણ’ એકસરખું પ્રસ્તુત અને પ્રમાણભૂત ગણાય ખરું? કૃતિનું દરેક ‘વાચન’ (reading) કે ‘વિઘટન’ પ્રમાણભૂત લેખાય ખરું? અર્થઘટનોની પ્રવૃત્તિ સંદર્ભે બધાં અર્થઘટનો એકસરખાં પ્રમાણભૂત ગણાય કે કેમ તે વિશે તાત્ત્વિક ભૂમિકાએથી વિચારવાનું રહે. (ફ) કૃતિવિવેચન એ વિવેચકના મનનો કેવળ યાદૃચ્છિક કલ્પનાવિહાર ન બની રહે, કે વિવેચન નિમિત્તે તે બીજી ‘કાવ્યરચના’ નિર્માણ ન કરી બેસે એ પણ જોવાનું રહે છે. કૃતિનો બને તેટલો વસ્તુલક્ષી સંદર્ભ જાળવીને તેનું વર્ણન–વિવેચન કરવાનું રહે છે. પણ કૃતિમાં ખરેખર આવા objective basis શોધી બતાવી શકાય ખરા? કૃતિનો ‘આકાર’ તેની ‘સંરચના’ કે ‘રચનારીતિ’ને આવી વસ્તુલક્ષી ઘટના લેખવીએ તો પણ, ‘આકાર’ ‘સંરચના’ કે ‘રચનારીતિ’ને ય સ્થિર નિશ્ચિત તંત્ર રૂપમાં ચીંધી બતાવી શકાય ખરી? – એવા એવા પ્રશ્નોને ચર્ચવાના રહે જ છે. (જ) કૃતિવિવેચનમાં યોજાતી કલાકીય વિભાવનાઓને બદલાતી જતી સાહિત્યિક પરિસ્થિતિના સંદર્ભમાં સતત નવેસરથી સ્પષ્ટ કરવાની તેમ નવેસરથી તેની વ્યાખ્યા કરવાની રહે જ છે. ‘સર્જન’ ‘આકાર’ ‘પાત્ર’ ‘વસ્તુરચના’ (plot) ‘એકતા’ ‘fiction’ ‘ઊર્મિકાવ્ય’ ‘ખંડકાવ્ય’ ‘ટૂંકી વાર્તા’ ‘નવલકથા’ જેવી અસંખ્ય સંજ્ઞાઓના સંકેતો આપણે વિસ્તારતા રહ્યા છીએ. પણ આવી વિભાવનાઓનો અતિ વિસ્તાર કરતાં તેના સૂચિતાર્થો વધુ ને વધુ સામાન્ય અને અમૂર્ત બનતા જશે. એક તબક્કે એવી સંજ્ઞાઓ અતિ વ્યાપક બનીને લગભગ અર્થશૂન્ય બની જાય એવો સંભવ છે Romantic અને Romanticism જેવી સંજ્ઞાઓના અપારવિધ સંકેતો નોંધાયા છે. આજે વિવેચનની સંજ્ઞા લેખે એ સંજ્ઞાઓ ઘણી રીતે અર્થહીન બની જવા આવી છે. તો, આ રીતે વિભાવનાઓના સંકેતવિસ્તારના ય આગવા પ્રશ્નો સંભવે છે. (ઝ) આપણા વિવેચનમાં સંસ્કૃત અને પાશ્ચાત્ય વિવેચનના સિદ્ધાંતોની વત્તીઓછી પ્રેરણા રહી છે. આજના આપણા વિવેચકો જે રીતે કૃતિવિવેચનની પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમાં બંને ય પરંપરાના અમુક અમુક સિદ્ધાંતો/વાદોનું અનુસંધાન રહ્યું જણાશે. સંસ્કૃતના સિદ્ધાંતો/વાદો વિશે હમણાં હમણાં નવી સંપ્રજ્ઞતા કામ કરતી થઈ છે. કૃતિના વર્ણન વિવરણ અને વિશ્લેષણ અર્થે સંસ્કૃતની વિભાવનાઓ લાગુ પાડી બતાવવાના પ્રયત્નો ય આરંભાયા છે. આપણા પરંપરાગત સાહિત્યમાં પાશ્ચાત્ય ધોરણો કે કસોટીઓ લાગુ પાડતા હોઈએ તો પાશ્ચાત્ય કૃતિઓના વિવેચન અર્થે સંસ્કૃતના સિદ્ધાંતો/વાદો કેમ લાગુ ન પડી શકે? – એવો મુદ્દો ય ઉપસ્થિત કરવામાં આવ્યો છે. આપણી વિવેચનમીમાંસા માટે અત્યારે આ એક અત્યંત મહત્ત્વનો પ્રશ્ન બની રહે છે. સંસ્કૃતના સિદ્ધાંતો/વાદો આપણી ભાષાની, ભારતની બીજી ભાષાઓની કે પાશ્ચાત્ય જગતની આધુનિક કૃતિઓને લાગુ પાડવાની વાત આપણે કરીએ ત્યારે, પહેલો પ્રશ્ન એ ઊઠે કે સંસ્કૃતની ભાષ્ય–વિવરણની પદ્ધતિ કૃતિનાં અંગઉપાંગોની રમણીયતા ને આગવી રીતે સમજાવી શકે, પણ વિવેચનનું કાર્ય ત્યાં પૂરું થાય છે? પશ્ચિમના વિવેચનમાં કૃતિની અર્થવત્તા (significance) અને તેની મૂલ્યવત્તા (evaluation)ના આગવા સંદર્ભો છે. કૃતિવિવેચનમાં સર્જકના વૈયક્તિક ‘દર્શન‘ના, વૈયક્તિક અનુભૂતિ અને તેની સચ્ચાઈના, જીવનના અર્થઘટન કે મર્મઘટનના, વાસ્તવ જોડેના તેના માર્મિક અનુસંધાનના, સંભવિતતાના fictionalityના, સત્યના બોધના – આવા આવા વિશેષ સિદ્ધાંતો પડેલા છે. વિવેચનથી કૃતિના મૂલ્યાંકનનો ખ્યાલ પણ જેમને અભિમત હોય તેમને સહેજે પ્રશ્ન થશે કે સંસ્કૃત અલંકારશાસ્ત્ર આ સર્વ ધોરણો પૂરાં પાડે છે ખરું? (ટ) કૃતિવિવેચનમાં ‘સૌંદર્ય’ ‘સત્ય’ (અને પ્રસંગોપાત્ત ‘શિવ’) તત્ત્વને ધોરણ તરીકે સ્વીકારવામાં આવ્યાં છે. સાહિત્યના સિદ્ધાંતવિચારમાં યે એના ઉલ્લેખો મળે છે. આપણા કેટલાક વિવેચકોએ વિશ્વમાં અંતર્હિત રહેલા ‘સત્ય’ અને ‘સૌંદર્ય’ને વિવેચનની અંતિમ કસોટીઓ તરીકે સ્વીકારી છે. તો, એવાં મૂલ્યોની પૂરી તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરવાની રહે છે; અને કૃતિમાં તેની ઉપસ્થિતિ વરતાતી હોય તો તે કેવા રૂપે, તેની ય વિચારણા કરવાની રહે. પ્રશ્ન, અંતે, સૌંદર્યમીમાંસાના મૂળ પ્રશ્નો સુધી દોરી જાય છે. (ઠ) આધુનિક ચિંતકો-વિવેચકોનો એક વર્ગ એમ કહેવા ચાહે છે કે કૃતિ પાસે તમે જે conceptual frame લઈને જાઓ છો, તેના સંદર્ભમાં જ તેનો વિશિષ્ટ ‘અર્થ’ તમે અવગત કરી શકો છો. કેમ કે, રસાનુભવની ઘટના સ્વયં અતિ સંકુલ અને સમયના ક્રમમાં ગ્રાહ્ય, અને વળી એના અમુક વ્યંગ્યાર્થો તો કેવળ સંવેદ્ય રૂપમાં જ ઉપલભ્ય, એટલે તેની મુખ્ય વસ્તુનું ગ્રહણ યાદૃચ્છિક રીતે શક્ય જ નથી. કોઈને કોઈ frame of reference વિના એવા સૂક્ષ્મતમ ચૈતસિક વ્યાપારો અને અર્થબોધની ઘટનાઓનું આકલન શક્ય નથી. એટલે conceptual frame જુદી હોય તો એ દ્વારા આકલિત થતો ‘અર્થ’ પણ જુદો જ સંભવે. આ આખી ભૂમિકા, આમ જુઓ તો, વિવેચનની પરિભાષાને સીધી અનુલક્ષે છે. જોઈ શકાશે કે તેની પાછળ ભાષાલક્ષી તત્ત્વજ્ઞાનના આગવા પ્રશ્નો પડ્યા છે. તો એની ભૂમિકા યે સ્પષ્ટ કરવાની રહે. (ડ) વિવેચનનો દરેક અભિગમ-ઐતિહાસિક, આકારવાદી, ભાષાલક્ષી, સંરચનાલક્ષી, ચૈતન્યલક્ષી, મનોવિજ્ઞાનલક્ષી, સમાજલક્ષી કે માકર્‌સવાદી-સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness)ના પ્રશ્નને આગવી રીતે સ્પર્શે છે. કહો કે દરેકમાં સાહિત્યની કંઈક આગવી વિભાવના ગૃહીત રહી છે, એટલે કે, આ દરેક પદ્ધતિ કૃતિમાં અર્થો કે મૂલ્યોની અમુક રીતે સંરચના (કે ભાત) જોવાને સક્રિય બને છે. એ રીતે પદ્ધતિનો સ્વીકાર અસ્વીકાર એ માત્ર યાદૃચ્છિક બાબત રહેતી નથી. પણ આ રીતે મૂળ કૃતિનું ખંડ દર્શન જ થાય એમ ન બને? તો એકની એક કૃતિ વિશે એકથી વધુ અભિગમો લઈને અવલોકવાનું પ્રસ્તુત અને વ્યાજબી લેખાય ખરું? આવા આવા પ્રશ્નો ય વિચારવાના રહે છે. (ઢ) ભાષાલક્ષી/શૈલીલક્ષી/સંરચનાલક્ષી અભિગમોથી કૃતિનાં વર્ણનો- વિશ્લેષણો રજૂ થાય તેની પાછળ નિયામક દૃષ્ટિ કઈ હોય, કઈ હોવી જોઈએ? ભાષાકીય તત્ત્વોની ભાતની નોંધ લઈએ, પણ એ યાદૃચ્છિક બાબત નહિ બને? કૃતિના સમગ્ર અર્થનો ખ્યાલ એમાં ગૃહીત કરીને ચાલવાનું શક્ય છે ખરું, એય વિચારવાનું રહે છે. તાત્પર્ય કે, નર્યું ભાષાલક્ષી વર્ણન-વિશ્લેષણ સ્વયં વિવેચન બની શકે? વિવેચન જેવો વ્યાપાર એનાથી ભિન્ન હોય તો તેને તે કેવી રીતે સમર્પક બની શકે? ‘વિવેચન’ (‘criticism’) અને વિદ્વત્તા (‘scholarship’) વચ્ચે ય ભેદ કરવાનો અને પરસ્પરના સંબંધ તપાસવાનો પ્રશ્ન અહીં ઊભો થાય છે. (ણ) કૃતિવિવેચનના સ્વરૂપ અને કાર્યો વિશે આપણે ત્યાં હવે પુનર્વિચારણા કરવાની આવશ્યકતા ઊભી થાય છે. ચૈતન્યવાદી/ ફિનોમિનોલોજિકલ અભિગમથી કૃતિને ઉકેલવાની જે પ્રવૃત્તિ થાય છે તેના સ્વરૂપ અને કાર્યના પણ આગવા પ્રશ્નો ઊભા થાય છે જ. આપણી વિવેચનમીમાંસાએ આ સર્વ નૂતન અભિગમોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ અને તેના કાર્યક્ષેત્રનો સંકોચ વિસ્તાર—એ સર્વને લક્ષમાં લઈને ‘વિવેચન’ વ્યાપારની નવેસરથી ઓળખ કરવાની રહેશે. કદાચ એ માટે ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ (Philosophy of Criticism)નો વિષય આપણે ગંભીરતાથી ખેડવાનો રહેશે. (ત) સૌને વિદિત છે, તેમ, આપણું મધ્યકાલીન સાહિત્ય મુખ્યત્વે ધર્મભાવનાથી રચાયેલું છે. જૈન અને જૈનેતર પરંપરામાં જે જાતનું સાહિત્ય નીપજી આવ્યું છે તેના આસ્વાદ-અધ્યયનના તેમ વિવેચનના વળી આગવા પ્રશ્નો સંભવે છે. નરસિંહ મીરાં અખો પ્રેમાનંદ કે દયારામ જેવા સંત કવિઓની કૃતિઓને આપણા સમયના વિવેચકોએ ખરેખર શી રીતે જોવી જોઈએ? રસલક્ષી કાવ્યસર્જન એ સંતકવિઓ માટે સંભવતઃ સભાન રૂપનું પ્રયોજન જ નહોતું, કાવ્યકળા વિશે તેમની મુખ્ય નિસ્બત જ નહોતી, તો પછી આધુનિક કાવ્યકળાના ખ્યાલો લઈને તેની તપાસ કરવાનું કેટલે અંશે ઉચિત છે? આ પ્રશ્નને જરા જુદી ભૂમિકાએથી મુકીએ તો ભૂતકાલીન સાહિત્યની લાંબી પરંપરામાં આગળના યુગોની કૃતિઓને કેવા દૃષ્ટિકોણથી જોવી જોઈએ? બીજી પ્રજાના ઇતિહાસમાં આગલા યુગોમાં રચાયેલી જુદી જ શૈલીની કૃતિઓને કેવી રીતે મૂલવવી? અલબત્ત, ધર્મસંપ્રદાયના સાહિત્યની ધારાને શુદ્ધ રસલક્ષી સાહિત્યથી અલગ પાડીને તે રીતે તેનો વિચાર થાય, પણ રસલક્ષી ગણાતા સાહિત્યની આગલા યુગની કૃતિઓનું શું? જો તેના સર્જકના સમયના કાવ્યશાસ્ત્રને જ લક્ષમાં લેવાનું કહો, તો એમાં નવાં કળાતત્ત્વોની શોધ માટે અવકાશ કેટલો? કવિ કાન્ત કે ન્હાનાલાલ કે બળવંતરાયના યુગમાં, માનો કે, કાવ્યરચનાના ઉપકરણ લેખે પ્રતીક વિધાનની ચર્ચા ખાસ નહોતી (કે એ કવિઓએ પણ એ દિશામાં વિચાર્યું નહોતું), તો એટલા જ કારણે તેમની કવિતામાં પ્રતીકની તપાસ અપ્રસ્તુત બની જશે? તો તો આગલા યુગના કવિઓમાં નવાં કળાતત્ત્વોની ઓળખ કરવાને અવકાશ રહેશે નહિ? તો, આ એક કૂટ પ્રશ્ન છે. જુદી જુદી પરંપરાના સર્વ સાહિત્યને મૂલવવાને સર્વકાલીન એવાં ધોરણો ખરેખર ઊભાં કરી શકાય? કોઈ સર્વકાલીન રસશાસ્ત્ર કે સૌંદર્યશાસ્ત્ર ઊભું કરી શકાય? (થ) ભિન્ન ભિન્ન પરંપરામાં સાહિત્યની કળા વિશે ભિન્ન ભિન્ન સિદ્ધાંતો અને વાદો અસ્તિત્વમાં આવ્યા છે. વિવેચનનાં ‘ધોરણો’ ‘કસોટીઓ’ કે ‘માપદંડો’ એવા કોઈ સિદ્ધાંત કે વાદમાં પડ્યાં હોય છે. તો, એ રીતે વિવેચનનાં ધોરણો અને કળાસિદ્ધાંતો વચ્ચેના સંબંધો તાત્ત્વિક ભૂમિકાએથી સ્પષ્ટ કરવા જોઈએ વળી, કળાના વિભિન્ન સિદ્ધાંતો અને વાદોનો સમન્વય કરીને વ્યાપક સાહિત્યશાસ્ત્ર રચી શકાય ખરું? જૂનાનવા યુગના, પૂર્વપશ્ચિમના, કળાવિષયક સર્વ ખ્યાલોને સાંકળી લે તેવું અતિ વ્યાપક સાહિત્યદર્શન શક્ય ખરું, પ્રસ્તુત ખરું, તેવા પ્રશ્નોનો ય સામનો કરવાનો રહે છે. (દ) કૃતિવિવેચનનાં વર્ણનપરક અર્થઘટનાત્મક અને મૂલ્યપરક વિધાનોના સત્યાસત્યની ચકાસણી શક્ય છે ખરી? વિવેચનનાં વિધાનો કૃતિ વિશે કોઈ નવું જ્ઞાન (Knowledge) આપે છે ખરાં? વિવેચન દ્વારા ‘કૃતિના મૂળ અર્થ’નું જ સ્પષ્ટીકરણ થાય છે કે તેમાં ‘નવો અર્થ’ અને ‘નવું જ્ઞાન’ પણ મળે છે? કૃતિવિવેચન એ રીતે જ્ઞાનમૂલક પ્રવૃતિ ખરી? કૃતિનો અર્થબોધ કે અર્થગ્રહણની આખી પ્રક્રિયા અન્ય વિષયોના જ્ઞાનવ્યાપારથી કઈ રીતે જુદી પડે છે? આસ્વાદ, અવબોધ, અર્થઘટન, મૂલ્યાંકન એ સર્વ પ્રવૃત્તિઓને એ રીતે તાત્ત્વિક ભૂમિકાએથી સમજાવવાની રહે. (ધ) વિવેચનક્ષેત્રનો એક મોટો કૂટ પ્રશ્ન તે કૃતિ વિશેનાં મતમતાંતરોનો છે. દરેક સમર્થ કૃતિ વિશે જુદા જુદા વિવેચકો આગવું આગવું મર્મઘટન કરે, આગવું આગવું મૂલ્ય દર્શાવે. આ બધાં મતાંતરો દૂર કરવાં જોઈએ. એવી માન્યતાથી વિવેચનને વૈજ્ઞાનિક ભૂમિકા પર—અને એ રીતે નરી વસ્તુલક્ષી ભૂમિકા પર—લઈ જવાના પ્રયત્નો થયા છે. પણ પ્રશ્ન આખો જટિલ છે. દરેક પ્રતિભાશાળી વિવેચક જીવન સમાજ અને સંસ્કૃતિ વિશે આગવી સમજ લઈને ચાલે છે, સ્વતંત્ર સૂઝથી વિચારે છે, તેમ કળા વિશે ય તે આગવી દૃષ્ટિ રુચિથી પ્રેરાય છે. આવા સંયોગોમાં વિવેચકોની કળાપરક દૃષ્ટિભિન્નતા ટાળી શકાય? ટાળવી જરૂરી ખરી? (ન) વ્યાપકપણે વિવેચનવિચારમાં તેમ કૃતિવિવેચનમાં તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજવિજ્ઞાન, સંસ્કૃતિ, ભાષાવિજ્ઞાન, ઇતિહાસ આદિ વિદ્યાશાખાઓનું અનુસંધાન ક્યાં અને કેવી રીતે ઉપકારક બની શકે તે ય વિચારવાનું રહે છે. કૃતિ તો રસકીય પદાર્થ છે, આગવું વિશ્વ છે, અને એમાં રસલક્ષી અભિગમથી પ્રવેશ કરવાનો છે. પણ એના આસ્વાદ વિવેચનમાં આ બધી વિદ્યાશાખાઓના ખ્યાલો અંતરાયરૂપ બને? ન બને? વગેરે. આ અધ્યયનમાં આપણા વિદ્વાનો અને વિવેચકોની વિવેચનતત્ત્વવિચારણામાંથી પસાર થતાં આવા અનેક પ્રશ્નો તીવ્રતાથી ઊપસી આવતા દેખાય છે. આ ક્ષેત્રમાં આપણા જે વિવેચકો ગંભીરપણે કામ કરવા ચાહે છે, તેની સામે આ પ્રશ્નો જાણે કે પડકાર બની રહે છે. આપણી વિવેચકપ્રતિભા હવે નવા સંકલ્પ સાથે આ બધી દિશામાં ગતિ કરવા પ્રેરાય, એવી આપણી શુભ કામના હો, અસ્તુ.